આમ તો ૩૦ મેએ એટલે કે આવતી કાલે વર્લ્ડ પટેટો ડે છે, પણ મુંબઈમાં કેટલાક એવા ક્રેઝી પટેટો-લવર્સ રહે છે જેમના માટે વર્ષના ૩૬૫ દિવસ પટેટો ડે જ હોય છે. બટાટા માટે નેક્સ્ટ લેવલની દીવાનગી ધરાવતા મુંબઈના આવા જ કેટલાક અનોખા ફૅન્સની રસપ્રદ વાતો જાણીએ
પ્રતીકાત્મક તસવીર
બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થઈને જીવે તે માણસ અને બધી જ શાકભાજી સાથે સેટ થઈ જાય એ બટાટા. રસોડામાં શાકભાજી ન હોય ત્યારે સૌથી પહેલાં આપણી વહારે આવે એ બટાટા છે. શાકભાજીમાં કોઈને ભીંડા ન ભાવે તો કોઈને કારેલાં ન ભાવે, પણ બટાટા એવી વસ્તુ છે જેના કોઈ હેટર્સ નહીં હોય. નાનાં બાળકોથી લઈને વડીલો બધા જ હોંશે-હોંશે બટાટા ખાતાં હોય છે. શાકભાજીમાં સૌથી વધુ કોઈ વસ્તુ ખવાતી હોય તો એ બટાટા છે. આ સિનારિયો ફક્ત ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં છે. ઘરમાં જ નહીં, બહાર પણ બટાટા એટલા જ ખવાય છે. સ્ટ્રીટ-ફૂડથી લઈને રેસ્ટોરાં અને કૅફેમાં જ્યાં જુઓ ત્યાં બટાટાની મબલખ વરાઇટી દેખાશે. બટાટા માટે એમ કહી શકાય કે એ અત્ર તત્ર સર્વત્ર છે. આજે આપણે એવા કેટલાક બટાટા-લવર્સને મળીએ જેમને બટાટા મળી જાય તો ખાવામાં બીજું કંઈ ન જોઈએ.
બટાટા વગરનું જીવન એટલે વાઇ-ફાઇ વગરનું કૅફે : વૈશાલી ભાનુશાલી
ADVERTISEMENT
ટિફિનમાં ૩૬૫ દિવસ બટાટા લઈ જતાં ૩૧ વર્ષનાં વૈશાલી ભાનુશાલી કહે છે, ‘મારા ડબ્બામાં હંમેશાં બટાટાના શાકનાં અલગ-અલગ વેરિએશન હોય. આલૂ-પરાઠા હોય, આલૂ-ચાટ હોય, પટેટો સૅલડ હોય. બધી મમ્મીઓને ટેન્શન રહેતું હોય કે ટિફિનમાં શું ભરીને આપું? મારી મમ્મીને ખબર હોય કે આને બાફેલા બટાટા પણ આપી દઈશ તો તે ખુશી-ખુશી ખાઈ લેશે. હું ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન કોઈ પણ ક્વિઝિન ટ્રાય કરું તો એમાં મને બટાટા ઍડ કરવા જોઈએ જ. હું ફૂડી છું અને મને બટાટા એટલા પસંદ છે કે દરરોજ બટાટાની એક નવી રેસિપી બનાવી શકું છું. અમે નેપાલ ફરવા ગયેલા. ત્યાં અમે લોકલ ડિશો ટ્રાય કરવા બેસેલા. એ સમયે પણ મેં મોમોના ફિલિંગમાં તેમને બટાટાનું પૂરણ નાખવા માટે રિક્વેસ્ટ કરેલી. એવું થઈ ગયું છે કે મારા મીલમાં જ્યાં સુધી બટાટા ન હોય ત્યાં સુધી મને પેટ ભરાઈ ગયું છે એવું ફીલ થતું જ નથી. એક દિવસ તો એવું થયેલું કે બટાટા વેચવાવાળા ભાઈએ મારા પપ્પાને પૂછી લીધેલું કે તમે શું કોઈ રેસ્ટોરાં ચલાવો છો, તમે આટલા બધા બટાટાનું કરો છો શું? અમારા પાડોશીઓને પણ ખબર છે કે અમારા ફ્રિજમાં બીજું કંઈ નહીં તો ઍટ લીસ્ટ બાફેલા બટાટા તો પડ્યા જ હશે. મારા ફ્રેન્ડ્સ પણ એમ કહેતા હોય કે બટાટા ખાઈ-ખાઈને તારો સ્વભાવ પણ એવો જ થઈ ગયો છે, તને બધા સાથે ફાવી જાય. ઘણાને એમ થાય કે આટલા બટાટા ખાય છે છતાં તું કેમ ફૂલતી નથી? ઉપવાસ હોય ત્યારે તો હું ખુશ થઈ જાઉં કે આજે બટાટા સિવાય બીજું કંઈ ખાવાનું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. બાકી કોઈ રોટલી, દાળ-ભાત ખાવાનું કહે તો મને સ્ટ્રેસ આવે. હું છ-સાત મહિનાની હતી ત્યારે કોઈ કારણસર ઇન્ફેક્શન થઈ જતાં મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મને મમ્મીનું દૂધ પચી નહોતું રહ્યું. એ સમયે ડૉક્ટરે મને બટાટાની પ્યુરી બનાવીને ખવડાવવાની સલાહ આપેલી. થોડી મોટી થઈ પછી ફ્રેન્ચ ફ્રાઇઝ ખવડાવવાનું શરૂ કર્યું. હજી થોડી મોટી થઈ એટલે શાક ખાવાનું શરૂ કર્યું. એટલે આજે હું ૩૧ વર્ષની થઈ ગઈ છું, પણ બટાટા ખાવાનું ઓછું કર્યું નથી. હું ઘણી વાર ડાયટ ટ્રાય કરવાનું વિચારું અને પ્લાન બનાવવા બેસું ત્યાં મને બટાટા યાદ આવી જાય એટલે પછી હું એનો વિચાર માંડી વાળું. મારા જીવનમાં બટાટાનું ન હોવું એટલે વાઇ-ફાઇ વગરના કૅફે જેવું છે.’
ડાયાબિટીઝ હોવા છતાં બટાટા ખાધા વગર નથી રહેવાતું : ભરત ઠક્કર
ટાઇપ ટૂ ડાયાબિટીઝ હોવા છતાં ચીરાબજારમાં રહેતા ૫૮ વર્ષના ભરત ઠક્કર બટાટા ખાવાનું છોડી શકતા નથી. તેઓ કહે છે, ‘લોકો ભલે ગમે એટલું કહે કે ડાયાબિટીઝવાળાએ બટાટા ન ખાવા જોઈએ, પણ મને બટાટા વગર જરાય ચાલતું નથી. મને તો છેલ્લાં ૧૨ વર્ષથી ટાઇપ ટૂ ડાયાબિટીઝ છે. એમ છતાં દરરોજ બટાટા ખાવા જોઈએ જ. ડૉક્ટર સલાહ આપે કે બટાટા ખાવાનું ઓછું કરો, પણ જ્યાં સુધી હું બટાટા ન ખાઉં ત્યાં સુધી પેટ ભરાયું હોય એવું લાગતું નથી. દીકરી પણ કહેતી હોય છે પપ્પા, બટાટા ખાવાનું બંધ કરો, બીજાં શાકભાજી પણ ખાઓ; પણ હું શું કરું, બટાટા ન ખાઉં તો પેટ જ ભરાતું નથી. મને સવાર-સાંજ બટાટાનું શાક જ જોઈએ. એ પણ અલગ-અલગ રીતથી બનાવેલું અલગ-અલગ ટેસ્ટવાળું જોઈએ. ક્યારેક કોબી કે ભીંડા જેવાં શાક ખાઈ લઉં, પણ એ દવા ખાતો હોઉં એમ જરાક ચાખી લઉં. એ લોકોએ બનાવ્યું હોય એટલે મન રાખવા ખાઈ લઉં. હું ડાયાબિટીઝના પગલે ભાત નથી ખાતો. મહિનામાં બે વાર જ ખાઉં, પણ બટાટા છૂટી શકે એમ નથી. ઘરે શુગર ચેક કરવાનું મશીન છે, પણ હું રોજ ચેક પણ કરવાનું ટાળું છું. કોઈક દિવસ એવું લાગે તો વચ્ચે-વચ્ચે ચેક કરી લઉં. રોજ શુગર ચેક કરીએ અને જો થોડી વધારે આવી ગઈ હોય તો પાછું ટેન્શન. હું ખાઈ-પીને મોજથી જીવવામાં માનું છું. જોકે હું બટાટાની ફ્રાય કરેલી વસ્તુઓ વધારે નથી ખાતો. વધારે પડતા બટાટા બાફીને અને શેકીને ખાઉં છું. બટાટા પણ પાછા મને કોલસાની સગડીમાં શેકેલા ભાવે એટલે ઘરે સગડી પણ વસાવી છે.’
અમારા ઘરે દરરોજ સવારે કુકરમાં ત્રણથી ચાર બટાટા બાફવાના જ : અલકા કાણકિયા
દરરોજ સવારે ત્રણથી ૪ બટાટા કુકરમાં બાફવાના જ એવો પ્રાર્થના સમાજમાં રહેતાં ૬૧ વર્ષનાં અલકા કાણકિયાના ઘરનો આ નિયમ છે. તેઓ કહે છે, ‘બટાટા વગરનું જમવાનું તો વિચારાય જ નહીં. કોઈ પણ શાકભાજી હોય, બટાટા વગર બને જ નહીં. રવિવારે અમારા ઘરે ફિક્સ મેનુ છે. ઉનાળો હોય તો કેરીનો રસ, પૂરી અને સાથે બટાટાનું રસાવાળું શાક. રસ ન હોય ત્યારે શ્રીખંડ, પૂરી અને બટાટાની સૂકી ભાજી હોય. દરરોજ રાતના જમવામાં બટાટાની જ આઇટમ રગડા-પૅટીસ, આલૂ-પરાઠા, સૅન્ડવિચ, પાઉંભાજી વગેરે હોય. ઘરમાં ઓચિંતા મહેમાન આવે તો પણ બટાટાનું શાક બનીને ઝટપટ તૈયાર થઈ જાય. શાકભાજીવાળા ભાઈને પણ હવે ખબર પડી ગઈ છે કે આ બહેનને દર બીજા દિવસે બટાટા ખરીદવા જોઈએ છે. અમે બહાર પંજાબી ખાવા જઈએ તો આલૂની સબ્ઝી જ ઑર્ડર કરીએ. સ્ટ્રીટ-ફૂડમાં પણ એવી જ આઇટમ ખાવાનું પસંદ કરીએ જેમાં બટાટા આવતા હોય. હું નાની હતી ત્યારે મમ્મી એકાદશીનો ઉપવાસ કરતી. એ માટે સાબુદાણા-બટાટાનાં વડાં બનાવતી. બાકીના સભ્યો માટે દાળ-ભાત અને શાક-રોટલી બને. તો હું મમ્મીને કહેતી કે મારે પણ વડાં ખાવા છે. તો તે પ્રેમથી કહેતી કે વડાં તેને જ મળે જે ઉપવાસ કરે. તો હું એ વડાં ખાવા માટે ઉપવાસ કરતી.’
પર્યુષણ સિવાય બાકીના બધા જ દિવસોમાં ખાવામાં બટાટા જ હોય : દેવાંશ મહેતા
જૈન હોવા છતાં મુલુંડમાં રહેતો ૨૦ વર્ષનો દેવાંશ મહેતા બટાટા ખાય છે. તે કહે છે, ‘અમે જૈન છીએ એટલે અમારા ઘરમાં કોઈ બટાટા ખાતું નથી, પણ મને બટાટા ખાધા વગર ચાલતું નથી. જ્યાં સુધી બટાટા ન મળે ત્યાં સુધી મને સૅટિસ્ફાઇડ ફીલ થતું નથી. મારી મમ્મી કહેતી હોય કે હું નાનો હતો ત્યારે ખાવા-પીવામાં બહુ નખરાં કરતો. આખો-આખો દિવસ ભૂખ્યો રહું પણ કંઈ ખાઉં નહીં. ઉનાળાના વેકેશનમાં અમે દેશમાં ગયેલા. મારી ઉંમર ત્યારે પાંચ વર્ષની હશે. અમારા બાજુવાળા પાડોશીએ મને બટાટાનું શાક ખવડાવ્યું. એ શાક મને એટલું ભાવ્યું કે દરરોજ એ જ શાક ખાવાની જીદ કરતો. સાવ ભૂખ્યો રહું એના કરતાં બટાટા ખાઉં તો શરીરને પોષણ મળે એમ સમજીને મમ્મી પણ બટાટાની વાનગીઓ બનાવીને આપતી થઈ ગઈ. અત્યારે પણ હું સવારે જનરલી આલૂ-પરાઠા કે આલૂ-ટીકી ખાઉં. બપોરના જમવામાં બટાટાનું શાક હોય જ. સાંજે બટાટા વડાં કે પૅટીસ જોઈએ. સ્ટડી દરમ્યાન કે અડધી રાત્રે ભૂખ લાગે તો બટાટાની ચિપ્સ જ ખાઉં. બટાટાનો ફરાળી ચેવડો પણ મને ભાવે. મમ્મી ઘણી વાર બેસનની સેવ બનાવતી હોય તો એમાં પણ હું મમ્મીને બટાટા ઍડ કરવા કહેતો હોઉં છું. ભૂખ લાગી હોય અને ઘરમાં ખાવાનું કંઈ ન હોય તો બાફેલા બટાટા પર મીઠું ભભરાવીને ખાઈ લઉં એટલે કામ થઈ જાય. સ્ટ્રીટ-ફૂડમાં પણ મને એવી વસ્તુ જોઈએ જેમાં બટાટા આવે. ભેળપૂરી, સેવપૂરી કંઈ પણ ખાઉં તો પહેલાં જ કહી દઉં કે બટાટા થોડા વધારે નાખજો. પર્યુષણના દિવસોમાં હું બટાટા નથી ખાતો. આટલા દિવસો પણ બટાટા ખાધા વગર માંડ-માંડ નીકળે. હું જિમ જઉં છું. મારું મેટાબોલિઝમ પણ ફાસ્ટ છે એટલે હું ગમે એટલા બટાટા ખાઉં મને પચી જાય છે. મારી હાઇટ છ ફુટ છે, પણ વજન ૬૦ કિલો જ છે.’
