નૉર્મલ કૉફીની સરખામણીમાં આ ડેટ સીડ્સ કૉફી અનેકગણી સારી ગણાઈ રહી છે, કારણ કે કૉફીનો જે સૌથી મોટો ડિસઍડ્વાન્ટેજ છે એ કૅફીન આમાં નથી
પ્રતીકાત્મક તસવીર
નૉર્મલ કૉફીની સરખામણીમાં આ ડેટ સીડ્સ કૉફી અનેકગણી સારી ગણાઈ રહી છે, કારણ કે કૉફીનો જે સૌથી મોટો ડિસઍડ્વાન્ટેજ છે એ કૅફીન આમાં નથી. ઉપરથી આ કૉફીનાં સુગંધ, સ્વાદ અને રંગ નૉર્મલ કૉફીથી ઘણાં મેળ ખાય છે એટલે જેમને કૉફીની લત છોડવી હોય અથવા તો કૅફીન ઓછું કરવું હોય એ લોકોએ એક વાર જરૂર ટ્રાય કરવી જોઈએ
ચાના રસિયાઓની જેમ કૉફી-લવર્સની પણ કોઈ કમી નથી. કૉફીમાં રહેલું કૅફીન સ્વાસ્થ્ય માટે સારું ન હોવા છતાં તેઓ કૉફીનું બંધાણ છોડી શકતા નથી. એવામાં કૅફીન વગરની કૉફીનો શ્રેષ્ઠ વિકલ્પ છે ખજૂરના ઠળિયામાંથી બનેલી કૉફી. સોશ્યલ મીડિયા પર ખજૂરના ઠળિયાને ડ્રાય કરી, રોસ્ટ કરીને એમાંથી પાઉડર બનાવીને એની કૉફી બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે એક્સપર્ટ્સ પણ આ કૉફીને હેલ્ધી ગણાવી રહ્યા છે. એવામાં આપણે પણ ૨૫ વર્ષનો અનુભવ ધરાવતાં અને કાંદિવલીમાં ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ પાસેથી ડેટ સીડ્સ કૉફી નૉર્મલ કૉફી કરતાં કઈ રીતે વધુ સારી છે એ જાણી લઈએ...
ADVERTISEMENT
કૅફીન નથી હોતું
ખજૂરના ઠળિયામાંથી બનતી આ કૉફીની ફ્લેવર નટી ચૉકલેટી હોય છે જે કૉફીના રિયલ ટેસ્ટ સાથે પણ ઘણાખરા અંશે મેળ ખાય છે. એનો કલર પણ રિયલ કૉફી જેવો જ ચૉકલેટી આવે છે. એટલે આ ડેટ સીડ્સ કૉફી પીને તમે રિયલ કૉફી પીતા હો એવું જ લાગશે. એ લોકો જેમને કૉફી વગર ચાલતું ન હોય પણ કૅફીનનું સેવન ઓછું કરવાનું વિચારી રહ્યા હોય એવા લોકોએ ખજૂરના ઠળિયાની કૉફી ચોક્કસ એક વાર ટ્રાય કરવી જોઈએ. નોંધનીય છે કે કૅફીન આપણા શરીર માટે જરાય સારું નથી. એનું વધુપડતું પ્રમાણ અનિદ્રા, હૃદયની ગતિમાં વૃદ્ધિ, પાચનસંબંધિત તકલીફ, તનાવ વગેરે જેવી સમસ્યા સર્જી શકે છે.
ઍસિડિટી નહીં કરે
ડેટ સીડ્સમાંથી બનેલી કૉફી કૅફીન-ફ્રી તો છે જ અને સાથે-સાથે એ નૉન-ઍસિડિક પણ છે. એટલે એને પીધા પછી ઍસિડિટીની કોઈ સમસ્યા થતી નથી. સામાન્ય રીતે કૉફી પીધા પછી કેટલાક લોકોને ઍસિડિટીની સમસ્યા થતી હોય છે, કારણ કે એમાં રહેલું કૅફીન પેટમાં ઍસિડનું ઉત્પાદન વધારે છે. એટલે જ સવારે ખાલી પેટે કૉફીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. ખજૂરના ઠળિયાની કૉફીને તમે સવારે ખાલી પેટ પી શકો. એનાથી ઍસિડિટીની કોઈ સમસ્યા આવતી નથી.
પોષણયુક્ત હોય
કૉફીની સરખામણીમાં ડેટ સીડ્સની કૉફીમાં વધુ પોષક તત્ત્વો હોય છે. બન્નેની સરખામણી કરીએ તો નૉર્મલ કૉફીની સરખામણીમાં ખજૂરના ઠળિયાની બનાવેલી કૉફીમાં વધુ ફાઇબર હોય છે. એમાં નૉર્મલ કૉફીની સરખામણીમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ પણ વધુ હોય છે. એવી જ રીતે આયર્ન, મૅગ્નેશિયમ અને પોટૅશિયમ જેવાં મિનરલ્સ પણ હોય છે જે નૉર્મલ કૉફીમાં નહીં બરાબર હોય છે.
વેઇટલૉસમાં મદદ કરી શકે?
સામાન્ય રીતે વેઇટલૉસ કરવાનો પ્રયત્ન કરતા હોય એ લોકો બ્લૅક કૉફી પીતા હોય છે. એમાં રહેલું કૅફીન મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે, જે શરીરને વધુ કૅલરી અને ફૅટ બર્ન કરવામાં મદદ કરે છે. શરીર દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાની અને વાપરવાની પ્રક્રિયાને મેટાબોલિઝ્મ કહેવાય છે. ઘણા લોકો વર્કઆઉટ પહેલાં કૉફી પીતા હોય છે જેથી તેઓ વધુ સારી રીતે વર્કઆઉટ કરી શકે. કૉફી પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે એટલે વારંવાર ખાવાનું ક્રેવિંગ ઓછું થાય છે.
ડેટ સીડ્સ કૉફીમાં કૅફીન હોતું નથી તો શું એ વેઇટલૉસમાં મદદ નથી કરતી? એવું નથી. આ કૉફી પણ વેઇટલૉસમાં મદદ કરે છે, પણ અલગ રીતે. ખજૂરના ઠળિયાની બનેલી કૉફીમાં ડાયેટરી ફાઇબર સારા પ્રમાણમાં હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખીને ખાવાનું ક્રેવિંગ ઓછું કરે છે. એટલે કૅલરી ઇન્ટેક નિયંત્રણમાં રહે છે જે વેઇટલૉસ કરવા માટે ખૂબ જરૂરી છે. એવી જ રીતે ડેટ સીડ્સ કૉફીમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે લડીને મેટાબોલિક હેલ્થને સારી રાખવાનું કામ કરે છે. વેઇટ-મૅનેજમેન્ટ માટે હેલ્ધી મેટાબોલિઝમ ખૂબ જરૂરી છે. એવી જ રીતે પ્રી-વર્કઆઉટમાં પણ ડેટ સીડ્સ કૉફી લઈ શકાય. એમાં રહેલું પોટૅશિયમ અને મૅગ્નેશિયમ એક્સરસાઇઝ કરતી વખતે જે માંસપેશીઓનું સંકોચન અને નર્વ ફંક્શન થાય એમાં સપોર્ટ કરવાનું કામ કરે છે. એવી જ રીતે ડેટ સીડ્સ કૉફીમાં ભલે કૅફીન ન હોય, પણ એમાં રહેલાં ન્યુટ્રિઅન્ટ્સ નૅચરલ એનર્જી બૂસ્ટ આપે છે.
ગટ-હેલ્થ સુધારે
ડેટ સીડ્સ કૉફી પ્રી-બાયોટિક છે. એટલે કે એ પીવાથી પેટમાં સારા બૅક્ટેરિયા વધે છે. આ ગુડ બૅક્ટેરિયા પાચનમાં મદદ કરે છે, શરીરમાં પોષક તત્ત્વોના ઍબ્સૉર્પ્શનને સુધારે છે, ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે, શરીરના અંદરના સોજાને ઓછો કરવાનું કામ કરે છે, મૂડ અને મગજના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે.
બ્લડપ્રેશર રેગ્યુલેટ કરે
ખજૂરના ઠળિયામાંથી બનેલી કૉફીમાં પોટૅશિયમ અને મૅગ્નેશિયમ હોય છે. આ મિનરલ્સ બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. એવી જ રીતે એમાં આયર્ન, ઝિન્ક હોય છે, જે ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. આમાં રહેલાં મિનરલ્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હૃદયના સંપૂર્ણ સ્વાસ્થ્યને પણ સારું રાખવાનું કામ કરે છે.
કોણે લેવી જોઈએ?
નૉર્મલ કૉફી પીતા હોય એ બધાએ આમ તો ડેટ સીડ્સ કૉફી લેવી જોઈએ. એમાં પણ જેમને સ્ટ્રેસ રહેતું હોય, ઍન્ગ્ઝાયટીનો પ્રૉબ્લેમ હોય, PCODની સમસ્યા હોય, પ્રેગ્નન્ટ અને સ્તનપાન કરાવતી મહિલા હોય તેમણે તો કૅફીન છોડીને એની જગ્યાએ ડેટ સીડ્સ કૉફીનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.
ઘરે કઈ રીતે બનાવશો?
ખજૂર ખાધા બાદ એના ઠળિયાને સરખી રીતે ધોઈને રૂમાલથી લૂછી કોરા કરી નાખો. ઠળિયાને બેકિંગ શીટ પર સરખી રીતે પાથરી દો. એને અવનમાં ૩૫૦ ડિગ્રી ફૅરનહાઇટ પર ૩૫ મિનિટ સુધી રોસ્ટ કરો. ઠળિયા ઠંડા થઈ જાય એટલે એને ગ્રાઇન્ડરમાં પીસી નાખો. તમારી ડેટ સીડ્સની કૉફી બનીને તૈયાર છે.
જેમના ઘરે અવન ન હોય એ લોકો તવા પર ખજૂરના ઠળિયા રોસ્ટ કરી શકે છે. આ ઠળિયા ખૂબ કડક હોય છે એટલે તવા પર મીડિયમ લો ફ્લેમ પર ૨૦ મિનિટ સુધી રોસ્ટ કરતા રહો જ્યાં સુધી એ ડાર્ક બ્રાઉન ન થઈ જાય.
આ રીતે ખજૂરના ઠળિયાથી બનાવેલા પાઉડરનો સ્વાદ પણ કૉફી જેવો જ આવે છે. આ કૉફીના સ્વાદ અને સુગંધમાં વધારો કરવા માટે તમે ઠળિયાનો પાઉડર બનાવતી વખતે એમાં તજ અને એલચી પણ ઍડ કરી શકો.
ખજૂરના ઠળિયાની કૉફીની વધતી પૉપ્યુલરિટી વચ્ચે બજારમાં પણ રેડીમેડ કૉફી મળતી થઈ છે. એટલે તમારે ઘરે પાઉડર બનાવવાની માથાકૂટ ન કરવી હોય તો બહારથી પણ ખરીદી શકો છો.
તમારે કૉફી બનાવીને ન પીવી હોય તો તમે ખજૂરના ઠળિયાના પાઉડરને સ્મૂધીમાં નાખી શકો, કુકીઝ કે કંઈ બેક કરો એમાં ઍડ કરી શકો, દૂધ સાથે મિક્સ કરીને પી શકો.
ઘણા લોકોને એવું હોય કે કૉફી ન પીએ તો માથું દુખવા લાગે. એવા લોકો તેમનો કૅફીન ઇન્ટેક ઓછો કરવા માટે નૉર્મલ કૉફીની સાથે ડેટ સીડ્સ કૉફી મિક્સ કરીને પી શકે છે.

