બીમારીમાં ખીચડી ઔષધી જેવું કામ કરે છે. એટલે જ આયુર્વેદમાં બીમાર પડવા પર ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
બીમારીમાં ખીચડી ઔષધી જેવું કામ કરે છે. એટલે જ આયુર્વેદમાં બીમાર પડવા પર ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે. ખીચડી એક સંતુલિત, પોષક તત્ત્વોથી ભરપૂર અને પચવામાં હળવું ભોજન છે. એમાં વપરાતા મસાલા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાનું અને રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે
ખીચડીને કમ્ફર્ટ ફૂડ કહેવામાં આવે છે, કારણ કે એ ફક્ત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ નહીં પણ શરીર અને મન બન્નેને સંતૃપ્ત કરનાર હોય છે. ખીચડીને આપણે અસંખ્ય રીતોથી બનાવી શકીએ છીએ એટલે આ ફ્લેક્સિબિલિટી એને દરેકના સ્વાદ અને સ્વાસ્થ્ય અનુસાર અનુકૂળ બનાવે છે. આયુર્વેદમાં તો ખીચડીના અનેક હેલ્થ-બેનિફિટ્સ લાભો ગણાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પચવામાં સરળ : બીમારીમાં પાચક અગ્નિ નબળો પડી જાય છે. ખીચડીમાં ઉપયોગમાં લેવામાં આવતી મગની દાળ અને ચોખા સરળતાથી પચી જાય એવાં હોય છે, જેને કારણે શરીરને ઊર્જા મળે છે અને એ પણ પાચનતંત્ર પર વધુ ભાર પાડ્યા વગર.
ત્રિદોષને સંતુલિત કરે : ખીચડી વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. ખીચડીની ગરમાહટ વાતને શાંત કરે છે, મુલાયમ બનાવટ પિત્ત માટે ઉપયુક્ત છે અને હળવાશ કફને સંતુલિત કરે છે.
બૉડીને ડીટૉક્સ કરે : શરીરમાં જમા ઝેરી તત્ત્વોને કાઢવામાં પણ ખીચડી મદદરૂપ બને છે. એમાં નાખવામાં આવતું ઘી, આદું, હળદર, જીરું જેવા મસાલા શરીરમાં રહેલાં ટૉક્સિન્સને કાઢવામાં સહાયતા કરે છે.
ઊર્જા આપે : મગની દાળથી પ્રોટીન મળે, ચોખા ઊર્જા આપે અને ઘીથી પાચનમાં સહાયતા મળે છે. આ સંયોજન શરીરને આવશ્યક પોષણ પૂરું પાડે છે.
બીમારી દરમિયાન ખીચડી આદર્શ ભોજન છે જે પચવામાં સરળ હોવાની સાથે શરીરને આવશ્યક પોષણ પણ પૂરું પાડે છે. એમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી શરીરને ડીટૉક્સ કરવાનું, પાચન સુધારવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ખીચડી ફકત બીમારી વખતે જ નહીં, સામાન્ય દિવસોમાં પણ એક ઉત્તમ ભોજન છે.
ખીચડી એક ક્લાસિક વન પૉટ મીલ છે. ચોખા, મગની દાળ, પાણી અને મસાલાઓને એક જ કુકરમાં નાખીને પકાવવામાં આવે છે. એમાં કાર્બોહાઇડ્રેટ્સ (ચોખા), પ્રોટીન (મગની દાળ), ફાઇબર અને વિટામિન્સ (એમાં નાખવામાં આવતી શાકભાજીઓ) હોય છે. ઓછા સમયમાં તૈયાર થનારું આ એક સ્વાદિષ્ટ ભોજન છે.

