જો તમારે મેંદાની રોટલી ન ખાવી હોય તો આમાં જ તમને ઑપ્શન પણ મળે અને તમારે ક્લાસિક બાઉલ લેવાનો રહે. બધું એનું એ જ, બસ એમાં મેંદાની રોટલી ન હોય.
ઝામ્બ્રેરો અને બરીટો બાઉલ
ઑસ્ટ્રેલિયાની આ છેલ્લી ફૂડ-ડ્રાઇવ છે. આ વખતે અમે હજી કંઈ નવું ટ્રાય નહોતું કર્યું એટલે મેં અમારા શોના ઑર્ગેનાઇઝરને કહ્યું કે આપણે કંઈક નવું ટ્રાય કરીએ. અમે શો માટે ઍડીલેડ સિટીમાં હતા. તમે માનશો નહીં, ઍડીલેડમાં ઠંડી કહે મારું કામ. ખબર નહીં અચાનક જ ઠંડી શરૂ થઈ ગઈ હતી અને મને પૂછવામાં આવ્યું કે લંચમાં તમે ઝામ્બ્રેરો ખાશો? મેં સહેજ પૂછપરછ કરી તો તરત જ તેમણે કહ્યું કે એ બ્લૅક રાઇસ, બીન્સ અને વેજિટેબલ્સમાંથી બને અને એ બધા પર અલગ-અલગ સૉસિસ હોય.
બંદા તૈયાર અને અમારા માટે ઝામ્બ્રેરો આવ્યું. મેં ખોલીને જોયું તો એ મેંદાની રોટલીનું આખું પૅકેટ હતું અને એમાં આ બધું ભર્યું હતું. મને એ ભાવ્યું એટલે મેં નક્કી કર્યું કે હું આ વરાઇટી તમારા સુધી પહોંચાડીશ. પણ મારે એ સ્ટોર પર જઈને જાતે ટેસ્ટ કરીને જ તમારા સુધી પહોંચાડવી હતી અને મને મોકો મળી પણ ગયો અને ખબર પણ પડી કે આ ઝામ્બ્રેરો કોઈ ડિશ નથી, ઝામ્બ્રેરો હકીકતમાં મેક્સિકન રેસ્ટોરાં ચેઇન છે જે ઑસ્ટ્રેલિયામાં બહુ પૉપ્યુલર છે. હવે તમને થાય કે તો પેલી આઇટમનું નામ શું? બરીટો રોલ.
જો તમારે એ મેંદાની રોટીમાં ન ખાવી હોય તો એનો ક્લાસિક બાઉલ પણ મળે જેમાં મેંદાની રોટી ન આવે. મને એ દિવસે મેંદાની રોટી ભાવી નહોતી, મેંદાની રોટી હેલ્થ માટે પણ સારી નથી તો એની બીજી નબળી વાત, એ ઠંડી થઈ જાય તો એ રબર જેવી ચવડ થઈ જાય. ઝામ્બ્રેરોમાં જઈને મેં તો ઑર્ડર કર્યો ક્લાસિક બાઉલનો. અહીં તમને પૂછી-પૂછીને બાઉલમાં ભરતા જાય. આ ક્લાસિક બાઉલમાં સૌથી પહેલાં આવે બ્લૅક રાઇસ. કાળા ચોખા જોઈને જ પહેલાં તો હું આભો રહી ગયો પણ પછી મેં તપાસ કરી તો ખબર પડી આ બ્લૅક રાઇસ આપણે ત્યાં પણ મળે છે. તમારે ખરીદવા હોય તો એ ઍમૅઝૉન પરથી મળી જશે, કિલોનો ભાવ અંદાજે ત્રણસો જેટલો છે.
માર્કેટમાં મળતા આ જે રેડ, બ્રાઉન અને બ્લૅક રાઇસ છે એ પૉલિશ કર્યા વિનાના હોય છે. એને પૉલિશ કરવામાં આવે તો એ પણ આપણા નૉર્મલ વાઇટ કલરના ચોખા જેવા જ ચોખા થઈ જાય, પણ પૉલિશ કર્યા વિનાના ચોખામાં પોષક તત્ત્વોનું પ્રમાણ બહુ મોટું હોય છે તો એમાં ફાઇબર પણ પુષ્કળ માત્રામાં હોય છે. ધ્યાન માત્ર એક જ રાખવાનું કે પૉલિશ કરેલા ચોખા કુકરમાં તરત જ બફાઈ જાય, પણ આ ચોખાને બાફવામાં એકાદ-બે સીટી વધારે વગાડવી પડે.
ફરી આવી જઈએ ક્લાસિક બાઉલ પર. સૌથી પહેલાં બ્લૅક રાઇસ બાઉલમાં નાખવામાં આવે અને એ પછી એમાં લેટસ, કૉર્ન, કાંદા, ટમેટાં, ફણગાવેલા મગ અને હૅલપીનો જેવાં વેજિટેબલ્સ નાખે. આ જે હૅલપીનો છે એ મેક્સિકન મરચાં છે જે પ્રમાણમાં થોડાં તીખાં હોય. આ હૅલપીનો વિનેગરમાં આથી નાખ્યાં હોય એટલે એની તીખાશ થોડી ઓછી થાય અને એમાં ખટાશ ઉમેરાય. મેં તો ક્લાસિક બાઉલમાં બધું નખાવ્યું. બધાં વેજિટેબલ્સ નાખ્યા પછી એમાં ઉપરથી નાખ્યા પિન્ટો બીન્સ. પિન્ટો બીન્સ એટલે એક જાતના રાજમા, જે મેક્સિકોમાં થાય છે. સ્વાદમાં એ બહુ સરસ હોય છે. આપણી મગની દાળમાંથી જે પ્રકારે લચકો દાળ બને એ મુજબનો જ પિન્ટો બીનનો આ લચકો જ હોય.
પિન્ટો રાજમા પછી વારો આવ્યો સૉસ નાખવાનો. ક્લાસિક બાઉલમાં ત્રણ પ્રકારના સૉસ હોય. એક રેગ્યુલર, બીજો હૉટ એટલે કે તીખો અને ત્રીજો વેરી હૉટ, જેને એ લોકો રેડ ચિલી હૉટ સૉસ કહે છે. આ રેડ ચિલી હૉટ સૉસમાં પીચ, મેક્સિકન ચિલી અને જિંજર હોય છે. ખાટો, તીખો અને ગળ્યો એમ ત્રણ પ્રકારનો સ્વાદ એક જ સૉસમાંથી આવે.
દસ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે આપણા સાડાપાંચસો રૂપિયામાં મળતા આ ક્લાસિકલ બાઉલની સૌથી મોટી ખાસિયત એ કે તમારા એક ટાઇમનું લંચ કે ડિનરની ગરજ સરી જાય અને ખાવામાં હેલ્ધી પણ એટલું જ.

