મહેસાણામાં ટેસ્ટ કરેલાં એ દહીંવડાંની એકેક બાબત ખાસ હતી અને વડાંની એ જ ખાસિયત છે, જો તમે એકાદ ચીજમાં પણ માર ખાઈ જાઓ તો તમારાં દહીંવડાં બેસ્વાદ થઈ જાય
સંજય ગોરડિયા
નાટક અને ફિલ્મ શૂટિંગ વચ્ચે છેલ્લા થોડા મહિનાઓથી જબરદસ્ત દોડધામ રહે છે પણ સાચું કહું, બહુ મજા આવે છે. કામ હોય એની તો મજા હોય જ પણ સાથોસાથ અલગ-અલગ શહેરમાં ફરીને તમારા માટે ફૂડ ડ્રાઇવ એકઠી કરવાની હોય એની ખુશી પણ હોય.
હમણાં અમારા નાટકનો શો મહેસાણામાં હતો. મહેસાણા આમ તો નાનું શહેર પણ ત્યાં ઑડિટોરિયમ બે છે. એક કૉર્પોરેશનનું પોતાનું ઑડિટોરિયમ તો બીજું ઑડિટોરિયમ ત્યાં આવેલી સ્થાનિક ડેરી મહીસાગરનું. અહીં મહીસાગરના કર્મચારીઓ માટે શો થતા હોય છે. આ ઑડિટોરિયમમાં મેં ઘણા શો કર્યા છે એ સહેજ તમારી જાણ ખાતર.
અમદાવાદથી અમે તો ગયા મહેસાણા. મહીસાગર ડેરીમાં અમારી આગતા-સ્વાગતા માટે નાસ્તો અને ચાની વ્યવસ્થા હતી. નાસ્તામાં મેં જોયું તો માત્ર એક જ આઇટમ! દહીંવડાં. સાચું કહું તો મારો મૂડ થોડો ઓસરી ગયો. મને થયું કે બેત્રણ આઇટમ હોત તો નાસ્તો કરવાની મજા આવી હોત પણ ત્યાં જે ભાઈ હતા એ ભાઈએ મને કહ્યું કે દહીંવડાં અમારી સ્પેશ્યલિટી છે, તમે એક વાર ખાશો તો કહેશો કે હવે તો બીજી કોઈ આઇટમ મારે ખાવી નથી. મેં તો કહ્યું કે તો બનાવો એક પ્લેટ.
સાહેબ, શું દહીંવડાં હતાં!
સિમ્પ્લી સુપર્બ.
દહીંવડાંનું જે દહીં હતું એ મહીસાગર ડેરીનું જ હતું. એકદમ મલાઈયુક્ત દહીં. રીતસર તમારે ચમચી ભરીને એને દહીંમાંથી છૂટી પાડવી પડે. આ જે દહીં હતું એ સહેજ અમસ્તું ગળ્યું હતું અને એમાં સહેજ નિમક પણ હતું. વાત કરીએ હવે દહીંવડાંમાં આવતાં વડાંની. આ જે વડાં હતાં એ એટલાં સૉફ્ટ કે મોઢામાં મૂકો એટલે તરત ઓગળી જાય. વડાની એકેક રગમાં દહીં ઊતરી ગયું હતું એટલે એ સહેજ પણ કોરાં નહોતાં લાગતાં અને દહીંવડાંની આ જ ખાસિયત છે. જો વડાંએ દહીં લીધું ન હોય તો એ દહીંવડાં ખાવાની મજા ન આવે. આ જ કારણે હું ગમે ત્યાં દહીંવડાં ખાતો નથી.
દહીંવડાંમાં કાજુ-કિસમિસ પણ નાખ્યાં હતાં પણ મજાની વાત એ કે કાજુ કદાચ સહેજ ઘીમાં શેકાયાં હતાં એટલે એ સૉગી નહોતાં થયાં અને એની ક્રિસ્પીનેસ અકબંધ હતી તો દહીંવડાંમાં નાખેલી કિસમિસના કારણે નૅચરલ શુગરની મીઠાશ પણ એમાં ઉમેરાતી હતી. જલસો જ જલસો.
મેં તો દહીંવડાંની જયાફત ઉડાવતાં-ઉડાવતાં જ પૂછી લીધું કે ભાઈ, આ દહીંવડાં આવ્યાં છે ક્યાંથી તો મને તરત ઍડ્રેસ પણ ખબર પડી ગઈ.
મહેસાણામાં બ્લિસ નામનો બહુ મોટો વૉટર પાર્ક છે. આ વૉટર પાર્કની બહાર ફૂડ કોર્ટ છે જેમાં આ દહીંવડાવાળા ભાઈનો સ્ટૉલ છે. દહીંવડાં ઉપરાંત એ સ્ટૉલ પર સમોસા ચાટ, કચોરી ચાટ વગેરે પણ મળે અને મૅગી પણ મળે તો અલગ-અલગ પફ પણ મળે. મેં તો તરત જ કહ્યું કે તો પછી મને લઈ જાઓ એ જગ્યાએ અને સાહેબ, ત્યાં જઈને હું તો આભો રહી ગયો. જબરદસ્ત મોટો વૉટર પાર્ક અને એટલી જ સરસ ફૂડ કોર્ટ. હજારો લોકોની દૈનિક અવરજવર. એ બધું જોઈને મને તો થયું કે હું મહેસાણામાં છું કે પછી મૅનહટનના કોઈ વૉટર પાર્કમાં!
વૉટર પાર્કની ફૂડ કોર્ટમાં બધી જ બ્રૅન્ડેડ રેસ્ટોરન્ટ અને જાતજાતનું ખાવાનું. ઍર-કન્ડિશન્ડ ફૂડ કોર્ટ, આહલાદક વાતાવરણ અને અદ્ભુત જગ્યા. આ જ ફૂડ કોર્ટમાં આપણાં આ દહીંવડાં પણ મળે છે એટલે તમને પણ કહેવાનું કે જો મહેસાણા જવાનું બને તો તમારે બે કામ કરવાનાં છે. એક તો બ્લિસ વૉટર પાર્ક જવાનું છે અને ફૅમિલીને એની મજા લેવા દેવાની છે તો બીજું કામ, ફૂડ કોર્ટમાં જઈને દહીંવડાંથી વરાઇટીઓ ખાવાની શરૂઆત કરજો. તમને મજા પડી જશે. ખાધા પછી તમને થશે કે સંજયભાઈએ પેટમાં ટાઢક કરી દીધી.


