વડોદરાની લારીલપ્પા લસ્સી પીધા, સૉરી ખાધા પછી તમને થાય કે સાલ્લું આજ સુધી લસ્સીના નામે આપણે પેટમાં જે ઓર્યા કર્યું એ શું હતું?
સંજય ગોરડિયા
ઇન્દોરની સરાફા બજારની લાંબી ફૂડ ડ્રાઇવ પછી હવે આપણી ટેસ્ટ-ડ્રાઇવ દાખલ થાય છે વડોદરામાં. વડોદરાની જે જગ્યાની આજે આપણે વાત કરવાની છે એ મને કંઈ અનાયાસે નથી મળી, એ જગ્યાએ હું વર્ષોથી જતો પણ પછી બન્યું એવું કે જવાનું સાવ જ બંધ થઈ ગયું એટલે એ નજરમાંથી નીકળી ગઈ. પણ હમણાં એ જગ્યા અચાનક આંખ સામે આવી અને મને થયું કે હાઇલા, વડોદરાની આન-બાન-શાન સમી આ વરાઇટી તો હજી સુધી આપણે ટચ જ નથી કરી!
હું વાત કરું છું વડોદરામાં ન્યાયમંદિરની સામે આવેલી લારીલપ્પા લસ્સીની. જેમણે પણ અહીં લસ્સી પીધી, સૉરી ખાધી હશે એ લોકોએ આવું જ કહેવું પડે એવી થિક લસ્સી અહીં મળે છે. વર્ષો પહેલાં વડોદરાના ન્યાયમંદિર પાસે ગાંધીનગર ઑડિટોરિયમ હતું, અમારા નાટકના શો ત્યાં જ થતા. પાસે જ લારીલપ્પા, શો શરૂ થાય એ પહેલાં એક મસ્ત મોટો ગ્લાસ પી લો એટલે એયને તમારા ચારેક કલાક ટૂંકા થઈ જાય. સમય જતાં ગાંધીનગર ઑડિટોરિયમ બંધ થયું અને અલકાપુરી પાસે આવેલા આકોટા વિસ્તારના સયાજીનગર સભાગૃહમાં નાટકના શો થવા માંડ્યા. સયાજીનગર સભાગૃહથી લારીલપ્પા જવું બહુ દૂર પડે એટલે ધીમે-ધીમે લારીલપ્પા લસ્સીની આદત પણ નીકળી ગઈ.
ADVERTISEMENT
હમણાં બન્યું એવું કે સૂરસાગર તળાવ પાસે આવેલા ન્યાયમંદિરમાં મારી એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હતું. વાત આગળ વધારતાં પહેલાં ચોખવટ કરી દઉં, અગાઉ અહીં કોર્ટ હતી એ હવે બીજા એરિયામાં શિફ્ટ થઈ ગઈ છતાં સદીઓ પહેલાં બનેલું જૂનું કોર્ટ બિલ્ડિંગ એટલે કે ન્યાયમંદિરને હેરિટેજ બિલ્ડિંગ જાહેર કરી એને સાચવી રાખવામાં આવ્યું છે.
અમારી ફિલ્મનું શૂટિંગ આ જૂના ન્યાયમંદિરમાં જ હતું. કોર્ટના સીન પણ હતા અને જેલના સીન પણ અમે ત્યાં જ શૂટ કરવાના હતા. રોજ ન્યાયમંદિર જાઉં અને રોજ મનમાં નક્કી કરું કે આજે તો લારીલપ્પા જવું છે પણ સાહેબ, મેકઅપ અને વિગ વચ્ચે ત્યાં જવામાં સહેજ સંકોચ થાય. પણ એક દિવસ બન્યું એવું કે લંચમાં કંઈ મજા ન આવી. હજી તો કંઈ વધારે વિચારું એ પહેલાં તો માંહ્યલા બકાસુરે ફાંદની અંદર લાત મારી ને જેવી લાત પડી કે મને યાદ આવી ગઈ લારીલપ્પા લસ્સી...
હું તો મારા સ્પૉટ બૉય સાથે પહોંચ્યો સીધો લારીલપ્પામાં અને લાંબુંલચક લિસ્ટ જોઈને હું આભો રહી ગયો. કેટકેટલી વરાઇટી અને એ બધી વરાઇટીના ફોટો જોઈને તમને એમ જ થાય કે આ બધી લસ્સી ખાઈ લઈએ.
લસ્સીમાં જે દહીં વપરાતું હતું એ દહીં ખરા અર્થમાં મસ્કો જ હતો. એમાં માંડ પાંચેક ટકા પાણીનું પ્રમાણ હશે. જો તમે અડધો ગ્લાસ ખાલી કરી એ ગ્લાસને ઊંધો વાળો તો તમને ગૅરન્ટી સાથે કહું કે એક મિનિટ સુધી એમાંથી એક ટીપું પણ ઢોળાય નહીં. કેસરથી લઈને બટરસ્કૉચ, પાઇનાચીપ, મૅન્ગો ડ્રાયફ્રૂટ, ચૉકલેટ, સ્ટ્રૉબેરી, રોઝ, કાજુ-બદામ, આઇસક્રીમ લસ્સી જેવી અનેક ફ્લેવર હતી. બધામાં એક વાત કૉમન. લસ્સીનું જે દહીં હતું એની થિકનેસમાં સહેજ પણ ઓછા-વત્તું નહીં.
લારીલપ્પામાં લસ્સી ઉપરાંત જૂસથી માંડીને કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસક્રીમ અને બીજું ઘણું મળે છે પણ મોટા ભાગના લોકો લસ્સી પીવા જાય છે. ઈસવી સન ૧૯૪૯માં આ લારીલપ્પા લસ્સી શરૂ થઈ અને એ પછી તો એવી તે ચાલી કે લોકોએ પણ આ નામ રાખવાનું ચાલુ કરી દીધું, પણ ઓરિજિનલ એ ઓરિજિનલ. માર્કેટમાં ઓરિજિનલ લારીલપ્પાનું નામ ખરાબ ન થાય એટલે હવે તો એના માલિકોએ આ નામ રજિસ્ટર કરાવી લીધું છે પણ એક વાત કહું, નામ રજિસ્ટર ન કરાવે તો પણ એના સ્વાદને કોઈ માઈનો લાલ પહોંચી શકે નહીં. લસ્સીની એક ખૂબી છે, એ તમને કહું.
લસ્સીમાં ગળાશનું પ્રમાણ ઓછું હોવું જોઈએ તો સાથોસાથ એનું જે દહીં હોય એમાં ખટાશનું પ્રમાણ સહેજ માત્ર હોવું જોઈએ. જો આ કૉમ્બિનેશન જળવાય તો જ તમે પંજાબની ઓરિજિનલ લસ્સીના સ્વાદને સ્પર્શી શકો અને લારીલપ્પાની એકેએક લસ્સી સ્વાદના આ બૅરોમીટરમાં એકદમ ખરી ઊતરે છે.
વડોદરા જાઓ ત્યારે ભૂલ્યા વિના એક વખત લારીલપ્પા જઈને તમને ભાવતી ફ્લેવરની લસ્સી ટ્રાય કરજો. જલસો પડશે.
(અહીં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે.)


