Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જુહુ અને જૅકીનાં પાણીપૂરી-ભેળપૂરી

જુહુ અને જૅકીનાં પાણીપૂરી-ભેળપૂરી

Published : 14 March, 2026 03:00 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હાઇજીનિક જગ્યાએ ઑથેન્ટિક ટેસ્ટ સાથેની આપણી મુંબઈની આ વરાઇટીઓ ખાવી હોય તો આ જગ્યા ધ બેસ્ટ છે, આજે આપણે ફરી વાત કરવાની છે ભેળપૂરી, સેવપૂરી અને પાણીપૂરીની.

જુહુ અને જૅકીનાં પાણીપૂરી-ભેળપૂરી

જુહુ અને જૅકીનાં પાણીપૂરી-ભેળપૂરી


આજે આપણે ફરી વાત કરવાની છે ભેળપૂરી, સેવપૂરી અને પાણીપૂરીની. હું મુંબઈમાં હોઉં છું ત્યારે મારી આ કૉલમમાં આ બધી વરાઇટી કે વડાપાંઉ વારંવાર આવે એવું તમને જો લાગતું હોય તો હું એક સ્પષ્ટતા કરી દઉં. સાંજના સમયના નાસ્તામાં આપણે ત્યાં આ બધી વરાઇટીઓ ખૂબ ખવાતી હોય છે એટલે મને આ આઇટમ જ્યાં સારી મળતી હોય એનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવાનું મન થાય. બીજી વાત, જ્યારે મેં આ કૉલમ ચાલુ કરી ત્યારે જ ‘મિડ-ડે’ના એડિટર રાજેશ થાવાણીએ મને કહ્યું હતું કે આપણું ફોકસ સ્ટ્રીટ-ફૂડ પર મૅક્સિમમ રાખીશું અને મુંબઈનું સ્ટ્રીટ-ફૂડ દેશભરમાં વખણાય છે એ તમને ખબર જ છે.
આજની ફૂડ-ડ્રાઇવની વાત કરતાં પહેલાં મને એ મળી કઈ રીતે એની વાત કરું. અઢળક સિરિયલોમાં મ્યુઝિક આપ્યું અને અત્યારે પણ આપી રહ્યા છે એ બહુ જાણીતા મ્યુઝિક-ડિરેક્ટર ઉત્તંક વોરા મને એક વાર અચાનક જ રસ્તા પર મળી ગયા. ઉત્તંક વોરા આપણી આ કૉલમના રેગ્યુલર વાચક અને ચાહક એટલે તેણે મને કહ્યું કે સંજય, તું એક વાર જુહુમાં જૅકીની ભેળપૂરી-પાણીપૂરી ટ્રાય કરજે, બહુ મજા આવશે. આ વાત મારા મનમાં સ્ટોર થઈ ગઈ એટલે મુંબઈ આવતાંની સાથે મને ટાઇમ મળ્યો કે તરત મેં તો ડ્રાઇવર સાથે નક્કી કર્યું કે ચાલો ભાઈ જૅકીને ત્યાં. અમે ગૂગલ કર્યું અને ગૂગલ પર લોકેશન પણ તરત મળી ગયું. કહેવાનો ભાવાર્થ એ કે ગૂગલ પણ જૅકીને દેખાડે છે. એ પછી પણ તમને જરા લોકેશન સમજાવું તો જુહુ સર્કલથી તમે આવતા હો તો ૧૦, જુહુ તારા રોડ પર અમિતાભ બચ્ચનનો જૂનો બંગલો છે. એ બંગલાથી ક્રીમ સેન્ટર તરફ જવાનું. આ ક્રીમ સેન્ટરની બરાબર સામે એક રોડ છે, જેના પર સાડાપાંચસો મીટર આગળ વધશો કે તરત જ જમણી બાજુએ જૅકીનો નાનકડો સ્ટૉલ દેખાશે અને એ સ્ટૉલ પર ભીડ પણ દેખાશે. જો તમે ઊંધી બાજુએથી આવતા હો તો જિતેન્દ્રના બંગલા પછી તરત જૅકી આવે છે.
મારે પહેલાં પાણીપૂરી ખાવી હતી પણ એમાં લાઇન હતી એટલે હું આમ જ સહેજ આજુબાજુમાં જોતો, બધું નિરીક્ષણ કરતો ઊભો રહ્યો તો મારું ધ્યાન ગયું કે બાજુમાં જ એક મારુતિ ઓમ્ની ગાડી ઊભી હતી, એ આ જૅકીવાળાની હતી. જે માલ ખૂટે એ માલ જૅકીવાળો એ ગાડીમાંથી કાઢી આવે. મારો વારો આવે એ પહેલાં તેની મીઠી ચટણી ખૂટી ગઈ એટલે તેણે જઈને ગાડીમાંથી ખજૂર-આંબલીની ચટણી કાઢી એટલે મેં બરાબર ફોકસ કર્યું કે હવે એ પાણીનું શું કરે છે. મિત્રો, તેણે ગાડીમાં જ બિસ્લેરીનો ૨૦ લીટરનો મોટો બાટલો રાખ્યો હતો, જેમાંથી તેણે પાણી લીધું અને હું ખુશ થઈ ગયો. હાઇજીન હોવી એ આજની પહેલી જરૂરિયાત છે અને મને આનંદ થયો કે આ માણસમાં એ બુદ્ધિ છે.
થોડી વારમાં પાણીપૂરીમાં મારો ટર્ન આવ્યો એટલે મેં પાણીપૂરી ખાવાની શરૂ કરી અને પહેલી જ પૂરીમાં એ માણસે દિલ જીતી લીધું. ઉત્તર પ્રદેશના ભૈયાઓ આપણી મુંબઈની પાણીપૂરીનો સ્વાદ સાચવી રાખે એનાથી બેસ્ટ બીજું શું હોય? એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. એકદમ તીખુંતમતમતું પાણી અને આંબલીની આછી ખટાશ સાથે ખજૂરની મીઠાશ આપતું એનું મીઠું પાણી. લટકામાં ગરમાગરમ રગડો. કાંદા એ સ્તર પર ઝીણા સમાર્યા હતા કે તમારે ચાવવાની પણ જરૂર ન પડે.
પાણીપૂરી પછી ભેળ મગાવી. ભેળ પણ અદ્ભુત અને હા, મારા માટે લાભની વાત એ હતી કે મારી સાથે મારો ડ્રાઇવર હતો એટલે હું મન મૂકીને વરાઇટીઓ મગાવી શકવાનો હતો. ભેળ ટ્રાય કર્યા પછી મેં તરત જ મગાવી સેવપૂરી. જે સેવપૂરી હતી એની સેવ એકદમ કરકરી હતી અને પૂરી મેંદાની હતી. લાલચટક એવી એ મેંદાની પૂરી થોડી ઓવર-ફ્રાઇડ હોવાને લીધે મોઢામાં મૂકીને જરાક દાંત બેસાડો કે તરત કટાક કરીને અવાજ આવે અને પૂરી તૂટે. પૂરી અને સેવ એકદમ ક્રન્ચી હોવાને લીધે સેવપૂરી ખાવાની મજા જ સાવ જુદી હતી અને ટેસ્ટ પૂરેપૂરો આપણો મુમ્બૈયા. બધી આઇટમ ટ્રાય કરી લીધા પછી મને થયું કે હા, આ જગ્યા તમારા ધ્યાન માટે મૂકવી જોઈએ. 
જો જુહુ જવાનું બને કે રજાના દિવસે ખાસ આવી આઇટમ ખાવા માટે બહાર નીકળો તો જૅકીમાં અચૂક જજો. જલસો જ જલસો છે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 03:00 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK