સોશ્યલ મીડિયા પર પૅકેજ્ડ ફૂડમાં શું છે અને હેલ્ધી ફૂડના નામે કયા સ્તરનું અનહેલ્ધી ફૂડ ખોટા માર્કેટિંગ સાથે પ્રમોટ કરવામાં આવી રહ્યું એ વિશે લોકજુવાળ ઊભો કરનારા અને મલ્ટિનૅશનલ કંપનીઓના નાકે દમ લાવનારા રેવંત હિંમતસિંહકાએ ‘મિડ-ડે’ સાથે કરેલી ખાસ વાતચીત
રેવંત હિંમતસિંહકા
ભારતમાં ૧૯૪૮માં કૅડબરી બોર્નવિટા ભારતમાં આવ્યું ત્યારથી લઈને ગયા વર્ષ સુધી એને હેલ્થ-કૅટેગરીમાં વેચવામાં આવતું હતું. દરેક બાળક સામાન્ય રીતે દૂધ ન પીએ, પણ બોર્નવિટા નાખીને આપો તો પી જાય એવી જાહેરખબર સાથે એના પ્રમોશન વખતે મમ્મીઓના મનમાં એવું ઠસાવવામાં આવ્યું કે આ બધા જ પાઉડરો પોષક તત્ત્વોથી ભરપૂર છે અને એના નિયમિત સેવનથી તેમનું બાળક હેલ્ધી થશે. બોર્નવિટા બનાવતી કંપની મોન્ટેલીઝ ઇન્ટરનૅશનલની ઑફિશ્યલ વેબસાઇટ પર લખેલું છે કે નાઇજીરિયામાં એ ‘ધ ફૂડ ડ્રિન્ક ઑફ વાઇટાલિટી’ તરીકે પ્રમોટ થાય છે અને ન્યુટ્રિશન સોસાયટી ઑફ નાઇજીરિયા દ્વારા એને એન્ડૉર્સ કરવામાં આવે છે. ‘તૈયારી જીત કી’ની ટૅગલાઇન ધરાવતી આ કંપનીએ એક નવાસવા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને ગયા વર્ષે એક નોટિસ મોકલાવી હતી. કોર્ટ-કેસ થયો અને આખરે એ યુવાન કેસ જીતી ગયો. અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી એ કંપનીએ ઝૂકવું પડ્યું અને એની પ્રોડક્ટમાં કુલ સાકરના પ્રમાણમાંથી ૧૫ ટકા સાકર ઓછી કરી છે એવી જાહેરાત સાથે નવી પ્રોડક્ટ લૉન્ચ કરી.
આ તો એક વાત થઈ. હેલ્થના નામે અથવા તો ખોટા દાવાઓ સાથે પૅકેજ્ડ ફૂડ વેચી રહેલી અઢળક કંપનીઓના નાકે દમ લાવવાનું કામ કર્યું છે માત્ર ૩૨ વર્ષના યુવાન રેવંત હિંમતસિંહકાએ. હેલ્થના નામે અનહેલ્ધી પ્રોડક્ટ વેચી રહેલી કંપનીઓને અરીસો દેખાડવાનું કામ રેવંતે માત્ર દોઢ વર્ષ પહેલાં શરૂ કરેલું અને આજે કંપનીઓ તેની વાતને ધ્યાનથી નોટિસ કરતી થઈ ગઈ છે. એના કેટલાક દાખલા રેવંતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી પોસ્ટમાં આપ્યા છે. મૅગી ટમૅટો કેચપમાં કેટલા ટકા સાકર અને કેટલા ટકા ટમૅટો છે એનો એક વિડિયો રેવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યો હતો. એ પછી એક વર્ષની અંદર એ કંપનીએ ટમૅટો કેચપમાંથી સાકરનું પ્રમાણ ૨૨ ટકા જેટલું ઘટાડ્યું હોવાનું જાહેર કર્યું. લેયઝ નામની ચિપ્સ બનાવતી કંપનીએ પામ ઑઇલને રિપ્લેસ કરવાનું શરૂ કરી દીધું છે. સરકારે બોર્નવિટાને હેલ્થ ડ્રિન્ક કૅટેગરીમાંથી ઑફિશ્યલ જાકારો આપી દીધો. ઇન્સ્ટાગ્રામ પર પચીસ લાખ, ફેસબુક-ટ્વિટર અને યુટ્યુબ પર મળીને બીજા દસ લાખ એમ કુલ ૩૫ લાખ ફૉલોઅર ધરાવતો રેવંત આજે દેશને હેલ્ધી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે અને કોઈ પણ જાતના ડર કે પરવા કર્યા વિના કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ માટે જાહેરખબર મારફત થતા ખોટા દાવાઓ અને તેમણે લેબલ પર લખેલી વિગતોને લોકો સામે મૂકીને લોકજાગૃતિનું અનોખું કામ તેણે ઉપાડ્યું છે. બેશક, બોર્નવિટા પછી ઘણી કંપનીઓ તેની પાછળ આદું ખાઈને પડી ગઈ છે. જેમ કે ૬ કંપનીઓની લીગલ નોટિસ મળી છે. ત્રણ કોર્ટ-કેસ ચાલુ છે. બે કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો તેના પર મંડાયો છે અને છ મહિનાની જેલ થઈ શકે એવી કાયદાકીય ધમકી પણ તેને કોઈ કંપનીએ આપી છે. આ બધી જ વિગતો તેણે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરેલી છે.
ADVERTISEMENT
દેશમાં હેલ્ધી શું અને અનહેલ્ધી શું એની સમજણ લાવવા માટે લડી રહેલા આ નરબંકાએ થોડાક સમય પહેલાં જ ‘લેબલ પઢેગા ઇન્ડિયા’ કૅમ્પેન લૉન્ચ કર્યું હતું, જેમાં સ્કૂલનાં બાળકોથી લઈને ઘણા કૉમન મેન જોડાઈ ગયા છે. તેના વિડિયોઝ પછી કયા સૉફ્ટ ડ્રિન્કમાં અને બિસ્કિટ તથા ચૉકલેટ્સમાં કેટલી ચમચી સાકર છે એની વિગતો આપતાં શુગર બોર્ડ બનાવીને એના વિશે બાળકોને સમજાવવાનું કામ દેશભરની ઘણી સ્કૂલોમાં શરૂ થઈ ગયું છે. લોકોને આકર્ષિત કરવા હળાહળ જૂઠથી ભરેલા દાવાઓ માટે બેખૌફ થઈ કંપનીઓના કાન આમળવાનું કામ કરી રહેલા રેવંત હિંમતસિંહકાએ ‘મિડ-ડે’ સાથે કરેલી ખાસ વાતચીત અને આવનારા સમયના તેના પ્લાન વિશે કરેલી ચર્ચાઓ પ્રસ્તુત છે.
શરૂઆત કેવી રીતે થઈ?
મૂળ કલકત્તાનો રેવંત ૧૮ વર્ષની ઉંમરે પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે અમેરિકા ગયો. લગભગ સાતેક વર્ષમાં ત્યાં ખવાતા પૅકેજ્ડ ફૂડ વિશે ધ્યાન ખેંચાયું. રેવંત કહે છે, ‘ભણતો હતો ત્યારે પણ અને પછી જૉબ લાગી ત્યારે પણ હું સતત કંઈક હેલ્ધી શોધતો, પણ જે પણ પૅકેટ હાથમાં લઉં અને પાછળ વાંચું તો ખબર પડે કે આમાં જે દાવો કરાયો છે અને જે ઇન્ગ્રીડિઅન્ટ્સ પ્રોડક્ટમાં વપરાયાં છે એ તો તદ્દન ઑપોઝિટ હતાં. ત્યારથી મારા મનમાં પૅકેજ્ડ ફૂડ અને હેલ્ધી પૅકેજ્ડ ફૂડ વચ્ચેની લક્ષ્મણરેખા બનાવવાની વાત ચાલી રહી હતી. આઠેક વર્ષ પહેલાં મેં એક પુસ્તક પણ લખેલું, પરંતુ એને બહુ લોકોએ નોટિસ નહોતું કર્યું. એમાં પણ મેં આ વાત મૂકેલી કે તમે કોઈ પણ પૅકેજ્ડ ફૂડ ખરીદતાં પહેલાં એમાં શું છે એ સામગ્રીનું લેબલ વાંચો. ભારતમાં તો આના કરતાં પણ સ્થિતિ ખરાબ હતી. જેમ કે બેબી-ફૂડ બનાવતી કેટલીક કંપની અમેરિકાની પોતાની પ્રોડક્ટમાં સાકર ઍડ નહોતી કરતી, કારણ કે અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટ એને પરમિટ નહોતો આપતો પણ એ જ કંપની એ જ પ્રોડક્ટ ભારતમાં વેચે તો એમાં પ્રોસેસ્ડ શુગર નાખે અને આપણે ત્યાં એને કોઈ ન રોકે. આવું તો કેમ ચાલે? MBA કર્યું અને અમેરિકાની એક મોટી કંપનીનું મોટું પૅકેજ પડતું મૂકીને હું ભારત આવી ગયો. મને નહોતી ખબર કે હું આ દિશામાં શું કરીશ, પણ હવે હું ચૂપ નહીં રહું અને હવે લોકોને પોતે શું પેટમાં પધરાવી રહ્યા છે એ વિશે માહિતગાર કરીશ. મારો દેશ ડાયાબિટીઝ અને કૅન્સર કૅપિટલ બનવા તરફ આગળ વધી રહ્યો છે એવી ખબર પડ્યા પછી એક પણ દિવસ બગડે એ મને મંજૂર નહોતું.’
અહીં ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયન મેડિકલ રિસર્સ અસોસિએશને કરેલું એક સર્વેક્ષણ કહે છે કે બાળકો અને યુવાવર્ગ ૧૬૮ અનહેલ્ધી ખાવાપીવાની વસ્તુઓની દર અઠવાડિયે ૧૬૮ જેટલી જાહેરખબરો મીડિયા અને સોશ્યલ મીડિયા પર જોતા હશે. આ સંસ્થાએ સરકારને પત્ર લખીને ભલામણ કરી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારના જન્ક ફૂડનું પ્રમોશન કરતી જાહેરખબરોના ટેલિકાસ્ટ પર નિયંત્રણ મુકાવું જોઈએ.
લોકોએ મૂર્ખમાં ખપાવ્યો
બહુ જ મોટા પૅકેજની નોકરી છોડીને ભારત પાછા આવેલા દીકરા માટે પેરન્ટ્સ જ નહીં, રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સને પણ નવાઈ લાગી હતી. રેવંત કહે છે, ‘હું લોકોને હેલ્ધી ફૂડ ખાવા માટે મોટિવેટ કરીશ અને અનહેલ્ધી શું છે એ દિશામાં જાગૃત કરીશ એવું કહ્યું ત્યારે ઘણા લોકો મારા પર હસ્યા હતા. મારા પોતાના જ લોકો મને ગાંડો સમજી રહ્યા હતા. જોકે એની વચ્ચે જ પહેલો વિડિયો બનાવ્યો જેમાં બોર્નવિટામાં શું છે અને એ માટેના બોર્નવિટાના દાવા કેવા પોકળ છે એની રજૂઆત કરી. બોર્નવિટામાં રહેલું શુગર-લેવલ, જેને દરરોજ હેલ્ધી સમજીને દિવસમાં બે-બે વાર બાળકને પીવડાવતા હોય તો એ ‘તૈયારી જીતની’ (જે બોર્નવિટાની ટેગલાઇન છે) નહીં પણ તૈયારી ડાયાબિટીઝની છે. Foodpharmer (ફૂડફાર્મર) નામનું ઇન્સ્ટા હૅન્ડલનું નામ રાખ્યું જેમાં ક્લિયર મેસેજ હતો કે જો ફાર્મર એટલે કે ખેડૂતો દ્વારા બનતું ભોજન લેશો તો ફાર્મસી એટલે કે દવા લેવાના દિવસો નહીં આવે. બોર્નવિટાનો પહેલો જ વિડિયો કલ્પનાની બહાર વાઇરલ થઈ ગયો અને મને કંપનીની નોટિસ આવી. મારો વિડિયો પાછો ખેંચી લેવાનું કહેવામાં આવ્યું. પહેલો જ વિડિયો અને આવડી મોટી કંપનીની લીગલ નોટિસ. એ સમયે શું કરવું એ સમજાયું નહીં એટલે મેં વિડિયો તો પાછો લઈ લીધો, પણ ત્યાં સુધી એ પૂરતો વાઇરલ થઈ ચૂક્યો હતો. બોર્નવિટાનો દાવો હતો કે મેં વિડિયોમાં જે પણ કહ્યું છે એ બધું જ અવૈજ્ઞાનિક છે. પરંતુ મારા સપોર્ટમાં ત્યારે આવીને ઊભા રહ્યા ન્યુટ્રિશન ઍડ્વોકસી ગ્રુપ (NAPi)ના ડૉ. અરુણ ગુપ્તા. તેમણે એક પબ્લિક નોટિસ આપી, જેમાં મેં કરેલા દાવા કેટલા વૈજ્ઞાનિક છે એ પુરવાર કરતી વાતો હતી. સરકારનો પણ આમાં હસ્તક્ષેપ થયો અને આખરે ગયા મહિને જ ઑફિશ્યલ નોટિસ સરકારે કૅડબરી કંપનીને મોકલી છે જેમાં બોર્નવિટાને હેલ્થ ડ્રિન્ક કૅટેગરીમાંથી બહાર કાઢીને એ રીતે એને પ્રમોટ ન કરવાનું કહેવામાં આવ્યું છે. હા, આ ઘટના એ મારા માટે મારા લક્ષ્ય તરફ આગળ વધવાનું અને ભારત દેશને હેલ્ધી બનાવવાની દિશામાં કંઈક કરવાનું સૌથી મોટું મોટિવેશન છે.’
વધુ બગડે એ પહેલાં જાગો
થોડાક દિવસ પહેલાંનાં અખબાર જો તમે વાંચ્યાં હશે તો સમજાશે કે જેમની ડાયટમાં સાકર, બ્રેડ અને ચીઝ જેવી અતિપ્રોસેસ્ડ વસ્તુઓનું પ્રમાણ વધારે હોય એ લોકો જલદી મૃત્યુને ઘાટ ઊતરી શકે છે એવો દાવો ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કર્યો છે. આજે આપણા દિવસની શરૂઆતથી લઈને અંત સુધ્ધાં પૅકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડથી થઈ રહ્યાં છે એમાં પાછાં માર્કેટિંગ ગિમિક હેલ્થ અને પોષક તત્ત્વોથી યુક્તના પોકળ દાવાઓ સાથે કન્ઝ્યુમરને ભોળવી રહ્યાં છે. ફૂડફાર્મર ઉર્ફ રેવંતનો અહીં સૌથી મોટો વિરોધ છે. તે કહે છે, ‘જન્ક ફૂડને જન્ક ફૂડ તરીકે પ્રમોટ કરો તો વાંધો નથી, પણ જન્ક ફૂડને તમે હેલ્ધી ફૂડ તરીકે પ્રમોટ કરો તો એમાં સૌથી મોટો ખતરો છે. તમે સૉફ્ટ ડ્રિન્ક હેલ્થ માટે જોખમી છે એવું જાણતા હો તો કન્ટ્રોલ સાથે પીતા હો, પણ પ્રોટીન શેક તો હેલ્ધી છે એવું માનતા હો અને એમાં સૉફ્ટ ડ્રિન્ક કરતાં પણ વધુ શુગર નીકળે તો? બ્રાઉન બ્રેડમાં બ્રાઉન માત્ર કલર જ હોય અને વાઇટ બ્રેડ જેટલો જ મેંદો અને બીજાં તત્ત્વો હોય તો? બસ, મારી એક જ વાત છે કે હેલ્થના નામે થતું ખોટું માર્કેટિંગ બંધ કરો. તમે જે છે એ કહીને તમારી વસ્તુ વેચો. કાજુવાળા બિસ્કિટમાં ૧ ટકો પણ કાજુ ન હોય અને મલ્ટિગ્રેન હેલ્ધી બિસ્કિટમાં મલ્ટિગ્રેનનું પ્રમાણ પાંચ ટકા પણ ન હોય અને ફ્રૂટ જૂસમાં ફ્રૂટનું નામોનિશાન ન હોય એ બધી વાતો લોકોને ઠગનારી છે અને હેલ્થને બેવડું નુકસાન કરનારી છે અને ત્યાં બ્રેક લાગવી જોઈએ.’
લેબલ વાંચોને પ્લીઝ!
આજે આપણે ત્યાં ભણેલા લોકોનું પ્રમાણ વધ્યું છે, પણ ખાવાપીવાની બાબતમાં સભાનતા અને લિટરસીનો અભાવ છે. આને બદલવાનો એક જ રસ્તો છે કે જે પણ પૅકેજ્ડ ફૂડ છે એના પર લખેલી વાતો વાંચો અને સમજો. આ જ આશયથી રેવંતે ‘લેબલ પઢેગા ઇન્ડિયા’ કૅમ્પેન શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં તે ‘લેબલ સમઝેગા ઇન્ડિયા’ કૅમ્પેન શરૂ કરશે. તે કહે છે, ‘હેલ્ધી અને અનહેલ્ધી વચ્ચેનો ભેદ સમજાવવાનો સરળ રસ્તો છે, વાંચો. તમે જે ખાઈ રહ્યા છો એમાં શું છે એની વાસ્તવિકતા સમજવા માટે જે-તે પૅકેટના લેબલને વાંચો તો ખરા એક વાર. કાજુના બિસ્કિટમાં જો કાજુ એક ટકો હોય કે મલ્ટિગ્રેન બ્રેડમાં મલ્ટિગ્રેનનું પ્રમાણ ૧૦ ટકા પણ ન હોય તો કયા બેઝ પર એનું માર્કેટિંગ થાય છે? ટમૅટો કેચપમાં ટમેટાંનું નામોનિશાન ન હોય અને મૅન્ગો જૂસમાં કેરીનો ‘ક’ પણ ન હોય તો કઈ રીતે ખોટું માર્કેટિંગ થાય છે? ફલાણું ડ્રિન્ક ન પીઓ તો હાઇટ નહીં વધે અને ફલાણો પાઉડર દરરોજ બાળકને દૂધમાં પીવડાવશો તો તેનો ગ્રોથ વધી જશે જેવી જાહેરખબરોમાં ખુલ્લેઆમ બાળકોને ભોળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે એના પર અવાજ ઉઠાવવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે તમે પોતે જ વસ્તુ ખરીદતા પહેલાં એમાં શું છે એ વાંચીને સભાન બનો. લોકો લેબલ વાંચે અને સાથે વાંચ્યા પછી એને સમજી શકે એ માટે ‘લેબલ સીખેગા ઇન્ડિયા’ કૅમ્પેન પણ હું લૉન્ચ કરીશ અને એને લગતા અવેરનેસ વિડિયો પણ મૂકીશ જેથી લોકો સમજતા પણ થાય. આ એટલે પણ જરૂરી છે કે છેલ્લાં પચાસ વર્ષમાં જ પૅકેજ્ડ ફૂડ ખાવાનો ટ્રેન્ડ વિકસ્યો છે. તમે જોજો કે તમારા પેરન્ટ્સ કરતાં તમે વધારે પૅકેજ્ડ ફૂડ પર નિર્ભર છો અને તમારા પેરન્ટ્સ તેમના પેરન્ટ્સ કરતાં વધારે પ્રમાણમાં પૅકેજ્ડ ફૂડ ખાતા હતા. આવનારા સમયમાં વધુ લોકો પૅકેજ્ડ ફૂડ ખાતા થઈ જશે અને જો એ જ અનહેલ્ધી હશે તો એનું લાંબા ગાળાનું પરિણામ લોકોમાં બીમારી વધારવાનું જ આવશે. એટલે જ હું લોકોને કહું છું કે આપણે ત્યાં જેટલું વધારે કોડિંગ પર ફોકસ કરવામાં આવે છે એના બદલે ફૂડ-પૅકેટ્સ પર લખવામાં આવતી વિગતોના ડીકોડિંગ પર પણ ફોકસ વધશે તો એનો લાભ આપણા જ દેશને થવાનો છે.’
ડર નથી લાગતો?
મોટી-મોટી, અબજોનું ટર્નઓવર ધરાવતી કંપનીઓનાં નામ સાથે ખુલ્લેઆમ એમની સાથે પંગો લેવો અને એમની પ્રોડક્ટ અને માર્કેટિંગમાં કરવામાં આવેલા ઝોલની વાતો સાથે એમને પડકારવી. બેશક, આમાં જોખમ છે. રેવંતને અમે પૂછ્યું કે તને ડર નથી લાગતો? અને લાફ્ટર સાથે તેનો જવાબ હતો, ‘હવે કંપનીઓને મારો ડર લાગે છે. મારી અટક હિંમતસિંહકા છે અને ઈશ્વરે મને સિંહ જેવી હિંમત આપીને જ અહીં મોકલ્યો છે.’
અને પછી તરત જ ગંભીરતા ઉમેરીને તે કહે છે, ‘અત્યારે તો હું પૂરતું રિસર્ચ કરીને જે બોલું છું એ ડંકે કી ચોટ પર બોલતો હોઉં છું. લોકોનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે. બદલાવ પણ દેખાઈ રહ્યો છે. મને ગઈ કાલે જ એક ઈ-મેઇલ આવી છે જેમાં એક બાળકની મમ્મીએ લખ્યું છે કે મેં મારા નવા જન્મેલા બાળકનું નામ રેવંત રાખ્યું છે, કારણ કે તમે જે કામ કરી રહ્યા છો એને હું સૅલ્યુટ કરું છું. આવી વાતો કૉન્ફિડન્સ વધારનારી છે. લોકો પોતાના ફોટોઝ અને વિડિયોઝ મોકલે છે અને પોતે ક્યાં બદલાયા એની વાતો શૅર કરે છે. પરંતુ કોઈ વાર એવું બન્યું કે મારા આકલનમાં ભૂલથી પણ કોઈ ભૂલ થઈ અથવા તો કોઈક જગ્યાએ કોઈક હાઇપોથિસિસમાં હું ખોટો પડ્યો તો આ કંપનીઓ શું કરશે? શું ત્યારે પણ લોકો મારી સાથે ઊભા રહેશે? આ વિચાર આવે ત્યારે ડર લાગે છે પણ બાકી હું જે કામ કરું છું એ પ્યૉર ઇન્ટેન્શનથી કરું છું. આજ સુધી એક પણ રૂપિયો કોઈ બ્રૅન્ડ એન્ડૉર્સમેન્ટ કરીને કમાયો નથી. જે પણ કરું છું એ પૂરી નિષ્ઠા સાથે કરું છું. એક વર્ષથી જૉબલેસ છું અને હવે મારી ક્રેડિબિલિટી અને મારા આદર્શો સાથે બાંધછોડ કર્યા વિના જો કોઈ કંપનીને ઇન્ફ્લુઅન્સર તરીકે હું મારા મિશનમાં સફળ થતા-થતા એન્ડૉર્સ કરી શકતો હોઈશ તો કરીશ એવું વિચાર્યું છે. આખરે કોઈક ઇન્કમ સોર્સ તો મારે પણ ઊભો કરવો પડશે, પરંતુ એટલું નિશ્ચિત છે કે હું સહેજ પણ મારા સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરું. મારે તો એ પણ પ્રૂવ કરવું છે કે કૉમન ઇન્ડિયામાં પણ પાવર છે.’
તો શું ખાવું?
બને ત્યાં સુધી પૅકેજ્ડ ફૂડ અવૉઇડ જ કરવું અને ખાવું જ પડે તો એક વાર એમાં રહેલી સામગ્રીની ચોકસાઈ કરીને એ જો ખાવાયોગ્ય લાગે તો જ ખાવું.
ફ્રૂટ જૂસના ટેટ્રા પૅક લેવાને બદલે ઓરિજિનલ આખા ફ્રૂટ્સ ખાવા વધુ હેલ્ધી પર્યાય છે.
સૅલડ-ડ્રેસિંગના નામે આજે મેયોનીઝથી લઈને ઘણી આઇટમો માર્કેટમાં ઉપલબ્ધ છે. એ બધાથી બચીને જાતે ઘરે જ પોતાનાં સૅલડ-ડ્રેસિંગ બનાવવાં.
તાજું અને ઘરે રાંધેલું ફૂડ જ આજે જો સ્વસ્થ રહેવું હોય તો ખાવાયુક્ત છે; કારણ કે શુગર, પામ ઑઇલ વિનાનું ફૂડ પૅકેજિંગ સાથે મળવું આજના સમયે અસંભવ જેવું છે.


