યુનિક વેરિએશન સાથેના લોડેડ ફ્રાઇસ બાઉલ કાંદિવલીની આ કૅફેની ખાસિયત છે, ટી. પી. ભાટિયા કૉલેજની સામે આવેલી ‘ક્રેવિકો કૅફે’ આમ તો એના ફિંગર ફૂડને લીધે જાણીતી છે, પરંતુ આ સિવાય પણ અહીં ઘણું મળે છે.
એક એવી કૅફે જ્યાં ઑલમોસ્ટ બધું જ મળે છે
કાંદિવલીમાં માત્ર મહાવીરનગર જ નહીં પણ બીજા પણ ઘણા વિસ્તાર છે જ્યાં ખાવાની મજા પડી જાય એમ છે, જેમાંની એક જગ્યા છે શાંતિલાલ મોદી રોડ. આસપાસ આવેલી સ્કૂલ અને કૉલેજને લીધે અહીં ઘણી કૅફે ખૂલી ગઈ છે અને કેટલીક કૅફેમાં તો યુનિક ડિશ અને ડિઝર્ટ પણ મળી રહ્યાં છે જેમાં ક્રેવિકો કૅફેનું પણ નામ આવે છે. આગળ કહ્યું એમ અહીં લગભગ બધું જ મળે છે, પરંતુ અહીં મળતા બાઉલ કંઈક યુનિક અને ટેસ્ટી કૉમ્બિનેશન સર્વ કરી રહ્યા છે.
ટી. પી. ભાટિયા કૉલેજની સામે આવેલી ‘ક્રેવિકો કૅફે’ આમ તો એના ફિંગર ફૂડને લીધે જાણીતી છે, પરંતુ આ સિવાય પણ અહીં ઘણું મળે છે. આ વિશે વધુ માહિતી આપતાં કૅફેનાં ઓનર ભાવિની પંચાલ કહે છે, ‘અમારી કૅફેમાં અત્યારની દરેક ટ્રેન્ડિંગ આઇટમ મળે છે; સુશી, મોમો, હમસ, ચૂરોસ, ફ્રાઇસ, બર્ગર, કૉફી વગેરે મળે છે; પરંતુ અમે કંઈક યુનિક લઈને પણ આવ્યા છીએ. જેમ કે હમસ ટ્રાયો અને લોડેડ ફ્રાઇસ બાઉલ. હમસ ટ્રાયોમાં ૩ ફ્લેવર એક જ બાઉલમાં સર્વ કરવામાં આવે છે. આ સિવાય અમે લોડેડ ફ્રાઇસ બાઉલ શરૂ કર્યા છે જેમાં અલગ-અલગ વેરિઅન્ટ હોય છે. કોઈમાં મલાઈ ચાપ આવે તો કોઈકમાં ફલાફલ આવે અને પછી ઉપર સૉસ, વેજીઝ વગેરે ઉમેરીને આપીએ છીએ જે એક હેલ્ધી ફૂડ-ઑપ્શન પણ છે. ડિઝર્ટમાં ચૂરોસ અમારે ત્યાં ખૂબ જ વેચાય છે. હવે ચૂરોસમાં પણ અમે વેરિએશન લાવવાનાં છીએ જેમ કે અત્યારે એ ડિઝર્ટ સ્વરૂપે જ મળે છે, પણ અમે એને અલગ-અલગ ડિપ જેમ કે શેઝવાન સાથે પીરસવાના છીએ.’
ક્યાં મળશે? : ક્રેવિકો કૅફે, શાંતિલાલ મોદી રોડ, ટી. પી. ભાટિયા કૉલેજની સામે, કાંદિવલી (વેસ્ટ).


