સ્કિન-કૅર રૂટીનમાં આપણે વર્ષોથી જેનો ઉપયોગ કરતા આવ્યા છીએ એ હળદર ચહેરા પર લગાવવાથી સ્કિનને નુકસાન થતું હોવાનું અનેક ડર્મેટોલૉજિસ્ટ કહેતા હોય છે. એવું શા માટે એ એક્સપર્ટ પાસેથી જ જાણી લઈએ
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદમાં ત્વચા માટે હળદરને એક અસરકારક કુદરતી ઔષધિ માનવામાં આવે છે. ચહેરાની રંગત નિખારવાની સાથે અનેક ત્વચાસંબંધિત સમસ્યામાં એનો ઉપયોગ થાય છે. આયુર્વેદમાં ઍક્ને, પિમ્પલ્સ, ઇચિંગ, રૅશિસ, સ્કિન-ઍલર્જી વગેરે જેવી સમસ્યામાં એને બીજાં ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથે મિક્સ કરીને ઉપચારમાં એનો ઉપયોગ થાય છે. એવી જ રીતે લગ્નપ્રસંગમાં પણ ખાસ પીઠીની રસમ હોય છે જેમાં દુલ્હા-દુલ્હનને હળદર લગાવવામાં આવે છે. એની પાછળનું એક કારણ એ છે કે એ ત્વચાને સાફ અને ચમકદાર બનાવે છે. ઘરગથ્થુ ઉપાયોમાં પણ ફેસમાસ્ક બનાવવામાં હળદરનો ભરપૂર ઉપયોગ થાય છે. જોકે ડર્મેટોલૉજિસ્ટ ચહેરા પર હળદર લગાવવાની મનાઈ ફરમાવતા હોય છે.
આ વિશે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ પૂજા દેસાઈ કહે છે, ‘જે લોકોની સ્કિન ખૂબ જ સેન્સિટિવ હોય, ઍક્નેની સમસ્યા હોય, સ્કિન પર કોઈ પણ પ્રકારના રૅશિસ હોય એવી જગ્યાએ હળદર લગાવવાથી સમસ્યા થઈ શકે છે. હળદરમાં એવાં કમ્પાઉન્ડ્સ હોય છે જે સ્કિનને ઇરિટેટ કરી શકે છે. બીજું એ કે હળદરના જે પાર્ટિકલ્સ હોય એ પ્રમાણમાં થોડા મોટા હોય. એટલે એ ત્વચાની અંદર ઊંડે સુધી ઊતરીને એટલી અસરકારક રીતે કામ કરવાની નથી. હળદરને સ્કિન પર લગાવવા કરતાં તમે એને ખાઓ તો વધારે ફાયદો પહોંચાડે. બીજું, તમને જો ક્યાંય જખમ થયો હોય અને પ્રાથમિક ઉપાય તરીકે એના પર હળદર લગાવો તો ચાલે, કારણ કે એમાં ઍન્ટિસેપ્ટિક ગુણો છે. ઘણા લોકો હળદરનો ફેસમાસ્ક બનાવીને ચહેરા પર લગાવતા હોય છે. એ ફેસમાસ્ક બનાવવા માટે પણ તેઓ લીંબુનો રસ, મધ વગેરે જેવી જાતજાતની સામગ્રીનો ઉપયોગ કરતા હોય છે. એને કારણે હળદર અને એમાં યુઝ થતાં બીજાં ઇન્ગ્રીડિઅન્ટ્સ સ્કિનને ઇરિટેટ કરી શકે છે.’
ADVERTISEMENT
વધુ માહિતી આપતાં ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘સાયન્ટિફિક સ્ટડીમાં એવું સાબિત થયું છે કે હળદર સ્કિનને અમુક રીતે નુકસાન પહોંચાડી શકે. એક તો એ ત્વચા પર પિગમેન્ટેશન કરી શકે. બીજું, એ તમારી સ્કિન પર ઍલર્જિક ઇશ્યુઝ આપી શકે. ત્રીજું, એનાથી શિળસની સમસ્યા કે જેમાં ત્વચા પર ચકામાં જેવું ઊપડે એ થઈ શકે છે. ચોથું, વિટિલિગો જેને આપણે કોઢ કહીએ એના પર ઘણા લોકો હળદરનો લેપ લગાવતા હોય છે. એનાથી પણ વિટિલિગો ઘટવાને બદલે વધી શકે છે. ઘણા લોકો ચહેરા પર હળદરના થપેડા કરતા હોય છે પણ એનાથી સ્કિન પર ટૉક્સિસિટી વધી શકે છે અને એને કારણે ત્વચાને વધુ નુકસાન થાય છે. એ સિવાય આપણે બધા હળદરનો પાઉડર માર્કેટમાંથી ખરીદીને જ વાપરીએ છીએ, તો એમાં રહેલાં કેમિકલ્સ પણ ત્વચાને ઇરિટેટ કરી શકે છે.’


