માત્ર લગ્નવિધિમાં જ નહીં, માંડવા-રોપણથી લઈને ગૃહપ્રવેશ સુધીની લગ્નની વિધિઓમાં હળવી પીર રચવાનું હવે ચલણ વધ્યું છે...
દુલ્હનના કપાળે થતી પીરમાં નવો ટ્રેન્ડ
પીર પરંપરાગત ગુજરાતી દુલ્હનના શણગારનો એક મહત્ત્વનો ભાગ છે. પીરને દેવી પાર્વતીના પ્રતીક તરીકે અને સૌભાગ્ય તથા આશીર્વાદ તરીકે લગાવવામાં આવે છે. ગુજરાતી જ નહીં, ભારતના ઘણા પ્રાંતોમાં પીરનું મહત્ત્વ છે. પીર દુલ્હનની સુંદરતા અને લાવણ્યમાં વધારો કરે છે. એમાં વપરાતો લાલ રંગ સમૃદ્ધિ અને નવા જીવનની શરૂઆતનું પ્રતીક છે.
વચ્ચે થોડા સમય માટે પીર કરવાનો ટ્રેન્ડ ઘટી ગયો હતો, પરંતુ હવે ફરીથી ગુજરાતી દુલ્હનો તેમનાં લગ્ન અથવા મંડપ મુહૂર્તના દિવસે આ પરંપરાગત પીર પહેરવાનું પસંદ કરતી થઈ છે. આ બાબતે મેકઅપ આર્ટિસ્ટ નિકિતા પોરિયા કહે છે, ‘હમણાં-હમણાં આપણી આ પીર કરવાની પ્રાચીન પરંપરામાં નવો ટ્રેન્ડ આવ્યો છે. દરેક દુલ્હનની એવી ઇચ્છા હોય છે કે તે કંઈક નવું કરે, અન્યોથી હટકે દેખાય અને એટલે જ થોડા-થોડા સમયે ટ્રેન્ડ બદલાતા રહે છે અને નવા-નવા ટ્રેન્ડ આવતા-જતા હોય છે. આ વખતે પીરમાં નવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. પરંપરાગત રીતે ફેરા વખતે પીર કરાતી, પરંતુ આ ટ્રેન્ડમાં ત્યારે બદલાવ આવ્યો જ્યારે રાધિકા અંબાણીએ ગૃહપ્રવેશ વખતે પીર કરી. હવે તો માંડવા રોપણના પ્રસંગે પણ દુલ્હન પીર કરવાનો આગ્રહ રાખતી થઈ છે અને એ વખતે કરાતી પીરમાં નવી ડિઝાઇન વાઇરલ થઈ રહી છે. સામાન્ય રીતે પીરમાં લાલ અને સફેદ ટપકાંની ડિઝાઇન કરવામાં આવે છે, પરંતુ આ નવા ટ્રેન્ડમાં સનાતની આસ્થાનાં પ્રતીકોનો શણગાર કરવામાં આવે છે. જેમ કે શ્રી, માતાજીનાં પગલાંની ડિઝાઇન તેમ જ કમળ, સાથિયો વગેરે... વગેરે. આ ડિઝાઇન ખૂબ યુનિક અને સુંદર લાગે છે.’
લગ્નમાં મહત્ત્વના પ્રસંગો એટલે માંડવાવિધિ, ફેરા અને ત્રીજો ગૃહપ્રવેશ. નિકિતા કહે છે, ‘આ ત્રણેય પ્રસંગે પીર કરી શકાય. રાધિકા અંબાણીએ ગૃહપ્રવેશ વખતે પીર કરી હતી. પછી ઘણી દુલ્હનો એવું કરાવતી થઈ છે. હમણાં પીરમાં ‘રામ’ અને ‘સીતા’ લખાવવાનો પણ ટ્રેન્ડ છે. ઘણી દુલ્હનો આખી પીરને બદલે આઇબ્રોના છેડે માત્ર ૩ ટપકાં પણ કરે છે. બંગાળીઓમાં પીરને કાનની નીચે સુધી લંબાવવાનો રિવાજ છે. અમુક જણ એ ઑપ્શન પણ પસંદ કરે છે. દરેક દુલ્હનને પોતાના જીવનના અત્યંત મહત્ત્વના દિવસે જુદા દેખાવું હોય છે અને અમે એ માટે તૈયાર રહીએ છીએ. હા, પીર કરવામાં ઍક્રિલિક કલર્સ વાપરવા જેથી સ્પ્રેડ ન થાય. મોટા ભાગે આઇલાઇનર બ્રશથી ડિઝાઇન થતી હોય છે; પરંતુ મારો અનુભવ છે કે સાથિયા, ઓમ અથવા રામ અને સીતા જેવી સંજ્ઞાઓ દોરવી હોય ત્યારે ટૂથપિકથી ઘણું સુઘડ કામ થઈ શકે છે. આપણે આપણી પરંપરાઓ તરફ પાછા વળી રહ્યા છીએ અને મને તો દુલ્હનને પીર કરી આપવામાં આનંદ થાય છે.’
