Annu Kapoor accuses Om Puri: સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી પર અન્નુ કપૂરે લગાડ્યો મોટો આક્ષેપ - બહેન સીમા કપૂરનું જીવન બરબાદ કરવા અને તેને દગો આપવા પર થયા નારાજ; બહેન સીમા કપૂરે ઓમ પુરી સાથે કર્યા હતા લગ્ન
અન્નુ કપૂરે એક ઇન્ટરવ્યુમાં ઓમ પુરી વિશે કર્યા અનેક ખુલાસા
સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી (Om Puri) ભારતીય સિનેમા જગતના સૌથી કુશળ અભિનેતાઓમાંથી એક ગણાય છે, પરંતુ અન્નુ કપૂર (Annu Kapoor) માટે આ નામ ખૂબ જ અંગત અને પીડાદાયક યાદો સાથે જોડાયેલું છે. ઓમ પુરીના લગ્ન અન્નુ કપૂરની બહેન સીમા કપૂર (Seema Kapoor) સાથે થયા હતા. ત્યારબાદ જ્યારે સીમા કપૂર ગર્ભવતી હતી, ત્યારે ઓમ પુરી તેમને છોડીને નંદિતા (Nandita) સાથે પરણી ગયા હતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, અન્નુ કપૂરે તેમની બહેનના ઓમ પુરી સાથેના ટૂંકા લગ્ન જીવન અને તે સમયના સંવેદનશીલ તબક્કા વિશે વાત કરી હતી. તેમણે અભિનેતા પ્રત્યેના આદર અને ત્યારબાદ સર્જાયેલી ભાવનાત્મક મુશ્કેલીઓ વિશે પણ ચર્ચા કરી હતી.
બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાં ઓમ પુરીનું નામ ગણવામાં આવે છે. પરંતુ અભિનેતા અન્નુ કપૂરના દિલમાં તેમના માટે કડવી યાદો છે. તાજેતરમાં સિદ્ધાર્થ કાનન (Siddharth Kannan) સાથેની વાતચીતમાં અન્નુ કપૂરે પોતાની બહેનના લગ્નના સંવેદનશીલ દિવસોને યાદ કર્યા હતા અને ઓમ પુરીના અંગત જીવનનો ઉલ્લેખ (Annu Kapoor accuses Om Puri) કર્યો હતો.
ADVERTISEMENT
અન્નુ કપૂરે ઓમ પુરી વિશે કર્યા અનેક ખુલાસા
અન્નુ કપૂરે ઓમ પુરીની અભિનય ક્ષમતાના વખાણ કર્યા હતા, પરંતુ તેમના અંગત જીવનમાં જે કંઈ ખોટું થયું તે વિશે પણ સ્પષ્ટપણે વાત કરી હતી.
સિદ્ધાર્થ કાનન સાથેના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, `ઓમ પુરી એક અદભૂત અભિનેતા હતા અને તેમના જેવો બીજો કોઈ મહાન કલાકાર નહોતો, પરંતુ તે એક અલગ બાબત છે. તેઓ કોઈના પતિ બન્યા અને પતિ બન્યા પછી તેમણે એક સ્ત્રીને દગો આપ્યો, ત્યાંથી જ બધું ખોટું થયું અને હું તે સ્ત્રીનો ભાઈ છું.`
બહેન સીમા કપૂર સાથે ઓમ પુરીના થયા હતા લગ્ન
અન્નુ કપૂર તેમની બહેન સીમા કપૂર વિશે વાત કરી રહ્યા હતા, જેમના લગ્ન ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ઓમ પુરી સાથે થયા હતા. જ્યારે સીમા કપૂરને ઓમ પુરીના અન્ય મહિલા સાથેના સંબંધો વિશે જાણ થઈ, ત્યારે થોડા મહિનાઓમાં જ તેમના સંબંધોનો અંત આવી ગયો હતો.
એક સમયે બહેનથી પણ નારાજ હતા અન્નુ કપૂર
વર્ષો પછી જ્યારે ઓમ પુરીની તબિયત લથડવા લાગી, ત્યારે તેઓ ફરી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તે સમયને યાદ કરતા અન્નુ કપૂરે સ્વીકાર્યું હતું કે તેઓ માત્ર ઓમ પુરી પર જ નહીં, પરંતુ પોતાની બહેન પર પણ ગુસ્સે હતા અને આ બાબતને લઈને તેઓ મનોમન સંઘર્ષ કરી રહ્યા હતા.
અન્નુ કપૂરે વધુમાં જણાવ્યું કે, ‘તેઓ (ઓમ પુરી) તો ૧૦ વર્ષ પહેલા જ આ દુનિયા છોડી ગયા હોત. એ મારી બહેન જ હતી જેણે તેમની સંભાળ રાખી. જ્યારે તમારું શરીર નબળું અને નાજુક થઈ ગયું, ત્યારે તમે પાછા આવ્યા. હું મારી બહેનથી નારાજ અને પરેશાન પણ હતો.’
અન્નુ કપૂરથી ડરતા હતા ઓમ પુરી
અન્નુ કપૂરે આગળ જણાવ્યું કે, ‘આજે ઓમ પુરી હયાત નથી. તેમનો દીકરો છે. હું આજે પણ ભગવાનને તેમના દીકરા માટે અને તેમની પૂર્વ પત્ની નંદિતા માટે પ્રાર્થના કરું છું. મારે કોઈની સાથે દુશ્મની નથી. પરંતુ મને મારી બહેન માટે અફસોસ છે કારણ કે તેનું જીવન બરબાદ થઈ ગયું. તેની પાસે કોઈ ટેકો નહોતો. જો હું બધી વાતો કહેવા બેસીશ તો સ્થિતિ ખરાબ થઈ જશે કારણ કે મારી અંદરનો ભાઈ બહાર આવી જશે. ઓમ પુરી મારાથી ડરતા હતા કારણ કે હું બધું સ્પષ્ટ કહી દેતો હતો. હું ડરતો નહોતો, પણ હું લાચાર હતો. હું કંઈ કરી શક્યો નહીં.’
ઉલ્લેખનીય છે કે, અન્નુ કપૂરની બહેન સીમા કપૂરના લગ્ન ઓમ પુરી સાથે થયા હતા. પરંતુ અભિનેતાએ જ્યારે સીમા કપૂર ગર્ભવતી હતા ત્યારે તેમને છોડી દીધા હતા અને નંદિતા સાથે લગ્ન કરી લીધા હતા.
