જવાબ છે હા. ‘મૂન ફેસ’ તરીકે ઓળખાતી આ અવસ્થા પાછળ સ્ટ્રેસ ચહેરાના આકારને બદલવામાં શું ભૂમિકા ભજવે છે એ વિશે વાત કરીએ
પ્રતીકાત્મક તસવીર
તમે રાત્રે કેટલા કલાકની અને કેવી ઊંઘ લો છો? આ સવાલ સાંભળવામાં બહુ સામાન્ય લાગે છે અને એને અવગણીએ છીએ, પણ આ જ સવાલના જવાબો તમારી મેન્ટલ હેલ્થને છતી કરે છે. રાત્રે સૂતી વખતે શાંત મગજ હોય તો સવારે ઊઠીને ફ્રેશ ફીલ થાય છે, પણ એનાથી વિપરીત જો રાત્રે ઓવરથિન્કિંગ કરી-કરીને સ્ટ્રેસમાં સૂતા હો તો સવારે ઊઠીને અરીસામાં જોશો તો ચહેરો સૂઝેલો હશે. સ્ટ્રેસ ફક્ત મગજને નહીં પણ ચહેરાને પણ પ્રભાવિત કરે છે. એને કારણે ચહેરાનો આકાર પણ બદલાઈ શકે છે.
સોશ્યલ મીડિયા પર ‘કૉર્ટિઝોલ ફેસ’ બહુ ચર્ચાઈ રહ્યો છે. કૉર્ટિઝોલ એ સ્ટ્રેસ હૉર્મોન છે જે શારીરિક કાર્યના દરેક પાસાને પ્રભાવિત કરે છે. રોગપ્રતિકારક શક્તિ, ચયાપચયની ક્રિયા અને બ્લડ-પ્રેશરને સંતુલિત કરવામાં એ મદદ કરે છે અને આ હૉર્મોન સ્ટ્રેસફુલ સિચુએશન્સ સામે લડવા શરીરને તૈયાર કરવા માટે ગ્લુકોઝ વધારે છે અને તનાવને કારણે ડૅમેજ થયેલા ટિશ્યુઝને રિપેર કરવાનું કામ કરે છે, તેથી એને સ્ટ્રેસ હૉર્મોન પણ કહેવાય છે.
ADVERTISEMENT
મૂન ફેસ એટલે?
વધુપડતા સ્ટ્રેસને કારણે સ્ટ્રેસ હૉર્મોન એવા કૉર્ટિઝોલનું લેવલ અસંતુલિત થઈ જાય છે પરિણામે સ્નાયુમાં નબળાઈ આવવી, ત્વચા પર રૅશિસ થવા, વજન વધવું, સ્ટ્રેચ માર્ક્સ આવવા, બોન લૉસ થવો અને શરીરમાં અને ખાસ કરીને ચહેરા પર ચરબી જમા થવી જેવાં લક્ષણો દેખાય છે. ખાસ કરીને ગાલ, ગળું, દાઢી અને કાનની આસપાસ ચરબી જમા થાય છે. એને ‘મૂન ફેસ’ કહેવાય છે. વ્યસ્ત જીવનશૈલીને લીધે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે અને સૌથી વધુ સ્ટ્રેસ લેતા લોકો પર એનું રિફ્લેક્શન ચહેરા પર પણ દેખાય છે. મુન ફેસની અવસ્થામાં માત્ર ચહેરાના આકારમાં જ નહીં, પણ સ્કિનની ક્વૉલિટીને પણ અસર થાય છે. ચહેરા પર ઑઇલીનેસ, ખીલ અને સોજાની સમસ્યા ઉદ્ભવી શકે છે. કેટલાક કેસમાં ત્વચામાં હાજર કૉલેજન બ્રેકડાઉન થતાં સમય કરતાં વહેલા વૃદ્ધત્વનો અનુભવ થાય છે.
ફેસયોગ અને એક્સરસાઇઝ
આ પ્રૉબ્લેમથી છુટકારો મેળવવા અથવા સ્ટ્રેસને ઓછું કરીને ચહેરાના આકારને ફરીથી પહેલાં જેવો બનાવવા માટે એક્સરસાઇઝ નૅચરલ પેઇનકિલરનું કામ કરે છે. કસરત કરવાથી સ્ટ્રેસ હૉર્મોન્સ ઓછાં થાય છે. લાઇફસ્ટાઇલમાં મેડિટેશન અને ફેશ્યલ યોગને સ્થાન આપવું જોઈએ. એ શરીરને રિલૅક્સ કરવાની સાથે સ્ટ્રેસ-લેવલને ઓછું પણ કરે છે અને યોગ ચહેરા પરના ફૅટને ઓછું કરવામાં મદદ કરશે. ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી કસરત કરવી જોઈએ. ક્વૉલિટી સ્લીપ શરીરના સ્વાસ્થ્યને સુધારવાની સાથે-સાથે મેન્ટલ હેલ્થને પણ હેલ્ધી રાખે છે. તેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી આવશ્યક છે.
બૅલૅન્સ્ડ ડાયટ
હેલ્ધી ડાયટ મહત્ત્વની છે. શાકભાજી અને ફળો શરીરને પૂરતાં પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને મૂડને પણ સુધારે છે. બ્લડ-શુગર લેવલ અને મૂડને સુધારવા માટે ઑમેગા થ્રી ફૅટી ઍસિડની જરૂર હોય છે, જે અળસીમાં મળી રહે છે. સોડિયમયુક્ત ખોરાક ઓછો કરીને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ ચહેરા પર આવેલું સ્વેલિંગ ઓછું થાય છે. આહારમાંથી જન્ક ફૂડ, રેડીમેડ સૂપ, ઠંડા પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ, ગ્લુટનયુક્ત ખોરાકની બાદબાકી કરવી જોઈએ અને પાંદડાંવાળી ભાજીનો સમાવેશ કરવો. આ ઉપરાંત શરીરને પોટૅશિયમ પૂરું પાડતાં કેળાં, શક્કરિયાં, ગાજર, સંતરાં અને સફરજન ખાવાં જોઈએ અને સાકરનું સેવન બની શકે એટલું ઓછું કરવું જોઈએ, કારણ કે સાકરને લીધે શરીરમાં ફૅટનું પ્રમાણ વધે છે.