પુરુષો માટે ગ્રૂમિંગનો અર્થ માત્ર સારી હેરકટ કે દાઢી ટ્રિમ કરવી એ નથી, પણ સ્વચ્છ અને ગંધમુક્ત રહેવું એ પણ છે. આ નાની-નાની આદતો તમને આખા ઉનાળા દરમ્યાન આત્મવિશ્વાસથી ભરપૂર રાખશે
પ્રતીકાત્મક તસવીર
ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી રહ્યો હોય ત્યારે પુરુષો માટે સૌથી મોટો પડકાર પરસેવો અને એની સાથે આવતી દુર્ગંધ છે. પુરુષોની ત્વચા સ્ત્રીઓ કરતાં વધુ જાડી હોય છે અને તેમની પરસેવાની ગ્રંથિઓ વધુ સક્રિય હોય છે જેને કારણે તેમને પરસેવો વધુ વળે છે. ઘણી વાર માત્ર પરફ્યુમ છાંટવાથી કામ નથી ચાલતું. ઉનાળામાં સ્માર્ટ દેખાવા માટે સ્માર્ટ ગ્રૂમિંગ જરૂરી છે.
૧. દુર્ગંધનું મૂળ કારણ સમજો : પરસેવો પોતે ગંધહીન હોય છે. દુર્ગંધ ત્યારે આવે છે જ્યારે ત્વચા પર રહેલા બૅક્ટેરિયા પરસેવા સાથે ભળે છે. ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં આ બૅક્ટેરિયા ઝડપથી વધે છે. તેથી તમારો હેતુ માત્ર સુગંધ ઉમેરવાનો જ નહીં, બૅક્ટેરિયાને નિયંત્રિત કરવાનો પણ હોવો જોઈએ.
ADVERTISEMENT
૨. હાઇજીન ફર્સ્ટ : ઉનાળામાં દિવસમાં બે વાર સ્નાન કરવું અનિવાર્ય છે. પુરુષોએ ખાસ કરીને ઍન્ટિ-બૅક્ટેરિયલ સોપ અથવા લાઇમ કે મેન્થૉલ-બેઝ્ડ બૉડીવૉશ વાપરવું જોઈએ. સ્નાન કર્યા પછી શરીરને સંપૂર્ણપણે કોરું કરવું જરૂરી છે, કારણ કે ભેજવાળી ત્વચા બૅક્ટેરિયાનું ઘર બને છે. જો શક્ય હોય તો પાણીમાં લીમડાનાં પાન અથવા થોડું ફટકડીનું પાણી ઉમેરવાથી કુદરતી રીતે બૅક્ટેરિયા ઓછા થાય છે.
૩. ગ્રૂમિંગ અને ટ્રિમિંગ : અન્ડરઆર્મ્સના વાળ પરસેવા અને બૅક્ટેરિયાને જકડી રાખે છે. ઉનાળામાં એને ટ્રિમ રાખવા એ માત્ર સ્ટાઇલ નથી, હાઇજીન પણ છે. વાળ ઓછા હોવાથી ડીઓડરન્ટ સીધું ત્વચા પર પહોંચે છે અને વધુ અસરકારક રીતે કામ કરે છે.
૪. ડીઓડરન્ટ વર્સસ ઍન્ટિ-પર્સ્પિરન્ટ : જો તમને પરસેવો ખૂબ વધારે વળતો હોય તો માત્ર ડીઓડરન્ટ કામ નહીં કરે. તમારે ઍન્ટિ-પર્સ્પિરન્ટ વાપરવું જોઈએ, જે પરસેવો આવતાં જ રોકે છે. એને લગાવવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલાં અથવા સ્નાન કર્યા પછી તરત જ છે.
૫. ફૅબ્રિકની પસંદગી : તમે ગમે એટલું મોંઘું પરફ્યુમ લગાવો, પણ જો તમારાં કપડાં સિન્થેટિક કે નાયલૉનનાં હશે તો ગંધ આવશે જ. પુરુષોએ ઉનાળામાં પ્યૉર કૉટન અથવા લિનનનાં કપડાં જ પસંદ કરવાં જોઈએ. આ કાપડ પરસેવાને શોષી લે છે અને ત્વચાને શ્વાસ લેવા દે છે.
૬. ખોરાક અને સુગંધનો સંબંધ : તમે જે ખાઓ છો એની અસર તમારા પરસેવામાં દેખાય છે. વધુપડતું લસણ, ડુંગળી અને ગરમ મસાલા પરસેવાની ગંધને તીવ્ર બનાવે છે. ઉનાળામાં પુષ્કળ પાણી પીઓ, સિટ્રસ ફળો (લીંબુ, સંતરાં) ખાઓ અને ગ્રીન ટી પીઓ. એ શરીરને અંદરથી ડીટૉક્સ કરે છે અને દુર્ગંધ ઘટાડે છે.
૭. પરફ્યુમ લેયરિંગની સ્માર્ટ રીત : પુરુષો ઘણી વાર ખૂબ જ સ્ટ્રૉન્ગ અને મસ્કી સુગંધ પસંદ કરે છે જે ગરમીમાં સામેવાળી વ્યક્તિને માથાનો દુખાવો આપી શકે છે. ઉનાળા માટે સિટ્રસ, ઍક્વાટિક, વુડી અથવા ગ્રીન નોટ્સવાળાં પરફ્યુમ શ્રેષ્ઠ છે. કાંડા પર, કાનની પાછળ અને ગરદન પર પરફ્યુમ લગાવતાં પહેલાં થોડું વૅસલિન અથવા નૉન-સેન્ટેડ મૉઇશ્ચરાઇઝર લગાવો. આનાથી સુગંધ ચાર-પાંચ કલાક વધુ ટકી રહેશે.
