રેસલિંગમાં વાપસી કરતાં પહેલાં એક વિડિયો જાહેર કરીને વિનેશ ફોગાટનો મોટો ધડાકો... બ્રિજ ભૂષણના ગામમાં કમબૅક ટુર્નામેન્ટ હોવાથી પક્ષપાતનો ભય વ્યક્ત કર્યો
બ્રિજ ભૂષણ
સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછી ફરવાની તૈયારી કરી રહેલી મહિલા રેસલર વિનેશ ફોગાટે ગઈ કાલે ૪.૨૧ મિનિટનો વિડિયો જાહેર કરીને મોટો ધડાકો કર્યો હતો. તેણે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ૨૦૨૩માં થયેલી જાતીય સતામણીના કેસ વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વિનેશ ફોગાટ આ વિવાદ સમયે જંતર-મંતર ખાતે થયેલા વિરોધ-પ્રદર્શનોના અગ્રણી ચહેરાઓમાંની એક હતી.
૩૧ વર્ષની વિનેશ ફોગાટે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર કોઈ પણ પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ, કારણ કે આ તેના ગૌરવ અને સન્માન સાથે જોડાયેલો મામલો છે. જોકે આજે ચોક્કસ સંજોગોને કારણે હું તમારા બધા સાથે કંઈક શૅર કરવા માગું છું. જ્યાં સુધી મામલો કોર્ટ સમક્ષ પેન્ડિંગ નહોતો ત્યાં સુધી મારો બોલવાનો ઇરાદો નહોતો. જોકે હું કહેવા માગું છું કે હું પોતે ફરિયાદ નોંધાવનાર ૬ પીડિતોમાંની એક છું અને અમારી જુબાની હાલમાં નોંધાઈ રહી છે.’
ADVERTISEMENT
બ્રિજ ભૂષણના ગામમાં યોજાવાની છે વિનેશ ફોગાટની કમબૅક ઇવેન્ટ વિવાદો વચ્ચે માંડ-માંડ વિનેશ ફોગાટે પોતાની કમબૅક ઇવેન્ટ એટલે કે નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં સફળતાપૂર્વક નામ નોંધાવ્યું હતું. આ સ્પર્ધા ૧૦થી ૧૨ મે દરમ્યાન ઉત્તર પ્રદેશના ગોંડામાં યોજાવાની છે. ગોંડા બ્રિજ ભૂષણ શરણ સિંહનું પૈતૃક ગામ છે.
આ વિશે વિરોધ નોંધાવતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે ‘જરા કલ્પના કરો કે જો હું તેના હોમ-ગ્રાઉન્ડ ખાસ કરીને તેની કૉલેજમાં કોઈ સ્પર્ધામાં ભાગ લેવા જાઉં તો ત્યાં હાજર દરેક વ્યક્તિ તેની સાથે જોડાયેલી હશે. હું ત્યાં ફક્ત સ્પર્ધા કરવા જઈશ. આવા પડકારજનક વાતાવરણમાં આપણા રમતવીરોને ભારે માનસિક પ્રેશરનો અનુભવ થાય એ સ્વાભાવિક છે. મને નથી લાગતું કે આવી પરિસ્થિતિમાં હું મારું ૧૦૦ ટકા આપી શકીશ. આવી પરિસ્થિતિમાં સ્પર્ધા કરવી એક મહિલા ખેલાડી માટે અતિ મુશ્કેલ હશે.’
બ્રિજ ભૂષણના દાવાનો ઉલ્લેખ કર્યો
વિનેશ ફોગાટે પોતાના વિડિયોમાં ઉલ્લેખ કર્યો છે કે ‘બ્રિજ ભૂષણ ખુલ્લેઆમ દાવો કરે છે કે તે રેસલિંગ ફેડરેશન ચલાવે છે. તે આખા રાષ્ટ્ર સમક્ષ આ દાવો કરે છે છતાં રમતગમત મંત્રાલય કે સરકાર કોઈ પગલાં લેતી નથી. જો હું એ સ્પર્ધામાં ભાગ લઈશ તો મારી ટીમ મારી સાથે હશે. અમારા શુભેચ્છકો પણ અમારી સાથે હશે. જોકે કોઈ અનિચ્છનીય ઘટના બને તો હું તમને બધાને સ્પષ્ટ કરવા માગું છું કે એને માટે સરકાર જવાબદાર રહેશે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘બ્રિજ ભૂષણે પોતે કૅમેરા સામે કબૂલ્યું છે કે તેણે ખૂન કર્યું છે છતાં તેને કોઈ પ્રકારની સજા નથી થઈ. એનાથી તમને તેની માનસિકતાનો ખ્યાલ આવે છે કે તે શું કરવા સક્ષમ છે. કોઈ પણ સાથે કંઈ પણ થઈ શકે છે. હું મારા માટે કોઈ ખાસ વિશેષાધિકાર માગતી નથી. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે રેસલિંગની મૅટ પર જે પણ નિર્ણય આપવામાં આવે એ ફક્ત દરેક રમતવીરની મહેનત અને યોગ્યતા પર આધારિત હોય, કોઈ ગુંડાની ઇચ્છાથી નક્કી ન થાય.’
રમતગમતના ઉત્સાહીઓ અને મીડિયાના સભ્યોને વિનંતી કરી
વિનેશ ફોગાટે વધુમાં કહ્યું હતું કે ‘બધા રમતગમતના ઉત્સાહીઓ અને મીડિયાના સભ્યો જે વર્ષોથી રમતગમતને આવરી રહ્યા છે અને જેમને કારણે આજે ભારતમાં રમતગમતની ભાવના જીવંત છે એ બધાને હું ત્યાં હાજર રહેવા વિનંતી કરું છું. સમગ્ર રાષ્ટ્ર સમક્ષ અસ્પષ્ટ સત્ય પ્રગટ થવું જોઈએ.’
આ ટુર્નામેન્ટ જપાનમાં યોજાનારી ૨૦૨૬ની એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. વિનેશ ફોગાટ છેલ્લે પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં જોવા મળી હતી. એ સમયે ગોલ્ડ મેડલ મૅચમાં વજન ઘટાડવામાં નિષ્ફળ ગયા બાદ તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
WFIએ વેન્યુ બદલવાની ના પાડી, પણ સલામતીની ગૅરન્ટી આપી
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહે આ વિવાદમાં ભારપૂર્વક જાહેર કર્યું છે કે ‘જો વિનેશ તેની સલામતી વિશે ચિંતિત છે તો હું તેને ખાતરી આપવા માગું છું કે હું તેની વ્યક્તિગત ગૅરન્ટી લઈ રહ્યો છું. એ ઉપરાંત અમારી પાસે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા મંજૂર રેફરી છે જે અમ્પાયરિંગ કરે છે અને તમામ ટ્રાયલ બાઉટ રેકૉર્ડ કરવામાં આવે છે એથી પક્ષપાત થવાની કોઈ શક્યતા નથી. અમે સ્થળ બદલવાના નથી.’
