અમેરિકાના પ્રેડિક્શન પ્લૅટફૉર્મ પૉલિમાર્કેટ પર પશ્ચિમ બંગાળમાં BJP અને TMC વચ્ચે કાંટાની જોરદાર ટક્કર
અમેરિકાનું પૉલિમાર્કેટ
ભારતના પારંપરિક સટ્ટાબજાર ફલોદીની વાત હવે જૂની થઈ ગઈ. આ વખતે ચૂંટણીનો માહોલ જે હદે ગરમાયો છે એમાં આંતરરાષ્ટ્રીય સટ્ટાબજાર પણ સક્રિય થઈ ગયું છે. અમેરિકાનું પૉલિમાર્કેટ નામનું પ્રેડિક્શન પ્લૅટફૉર્મ પણ આ વખતે મેદાનમાં આવી ગયું છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ પૉલિમાર્કેટ પર લગભગ ૨૬ મિલ્યન ડૉલર એટલે કે ૨૪૭ કરોડ રૂપિયાનો દાવ લગાવાયો છે.
અહીં તામિલનાડુ પર સૌથી વધુ ૨૦ મિલ્યન ડૉલર એટલે કે ૧૯૦ કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળ માટે ૪૪ કરોડ, કેરલમ માટે ૩.૮ કરોડ રૂપિયા, આસામ પર ૧.૬ કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.
પૉલિમાર્કેટના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં BJPની જીતની સંભાવના ૫૧ ટકા છે. તામિલનાડુમાં DMKની જીતની સંભાવના ૮૮ ટકા છે. આસામમાં BJPની જીતની સંભાવના ૯૮ ટકા છે. પૉન્ડિચેરીમાં BJPના ગઠબંધન NDAના વિજયની સંભાવના ૮૬ ટકા છે. કેરલમમાં કૉન્ગ્રેસની યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ (UDF)ના જીતવાની સંભાવના ૭૫ ટકા છે.
ફલોદી સટ્ટાબજાર અને પૉલિમાર્કેટમાં ફરક?
ADVERTISEMENT
રાજસ્થાનના જોધપુર પાસે આવેલું ફલોદી દાયકાઓથી ચૂંટણીના સટ્ટાબજારનું કેન્દ્ર રહ્યું છે. અહીંનું બજાર અનૌપચારિક અને ગુપ્ત છે, જ્યારે પૉલિમાર્કેટનો ડેટા ડિજિટલ અને રિયલ ટાઇમમાં દુનિયાઆખી સામે ઉપલબ્ધ રહે છે. ફલોદી સ્થાનિક નેટવર્ક પર ચાલે છે, જ્યારે પૉલિમાર્કેટ ગ્લોબલ છે અને ક્રિપ્ટો આધારિત હોવાથી યુવાઓ વચ્ચે વધુ લોકપ્રિય છે.
