વાળ ડૅમેજ ન થાય એ માટે હેર-ઍક્સેસરીઝ યુઝ કરતી વખતે કેવી આદતો જાળવવી એ નિષ્ણાત પાસેથી સમજીએ
પ્રતીકાત્મક તસવીર
જો સૅટિનની હેરબૅન્ડ્સ, ક્લિપ્સ, બ્રશીઝ કે વુડન કૉમ્બ વાપરો તો એનાથી નાજુક હેરને ઓછું ડૅમેજ થાય એ વાત સાચી છે; પણ સાથે મોંઘીદાટ ચીજો કઈ રીતે વાપરવી એ શીખી લેજો. વાળ ડૅમેજ ન થાય એ માટે હેર-ઍક્સેસરીઝ યુઝ કરતી વખતે કેવી આદતો જાળવવી એ નિષ્ણાત પાસેથી સમજીએ
આજકાલ યંગસ્ટર્સમાં હેર-ઍક્સેસરીઝમાં સૅટિનના કાપડમાંથી બનેલા રબર અને હેરબૅન્ડ, મેટલની ક્લિપ તેમ જ લીમડાના કે અન્ય કોઈ લાકડામાંથી બનેલા કૉમ્બ એટલે કે દાંતિયો વાપરવાનો ક્રેઝ છે. આ વસ્તુઓ ઠીક-ઠીક મોંઘી તો હોય જ છે, પણ સાથે દાવો એવો કરવામાં આવે છે કે આ જ વાપરવું બેસ્ટ છે અને બાકી બધું જ વાળ માટે નુકસાનકારક છે. અત્યાર સુધી પ્લાસ્ટિકના સાદા દાંતિયા અને હેરક્લિપ્સ તેમ જ ઇલૅસ્ટિકવાળું રબર-બૅન્ડ વપરાતાં જ આવ્યાં છે. એ ખરું કે ક્યારેક કોઈક દાંતિયાના દાંત થોડાક તીણા હોય તો એનાથી સ્કાલ્પમાં વાગી જવાની શક્યતા હોય કે કોઈક ફૅન્સી રબર-બૅન્ડ એવું હોય કે એમાં વાળ ભરાઈ જાય અને કાઢતી વખતે તૂટે પણ ખરા.
ADVERTISEMENT
અમે જાણીતા ટ્રાઇકોલૉજિસ્ટ ડૉક્ટર હેમેન શાહનો સંપર્ક કર્યો. ડૉક્ટર હેમેન શાહ કહે છે, ‘માથાના વાળ હોય કે ઝાડનાં પાન એ ખરવાનાં જ છે. હેરફૉલ તદ્દન નૉર્મલ બાબત છે, પણ રીગ્રોથ હોવો જોઈએ. ખરી ગયેલા વાળ પાછા ઊગવા જોઈએ. તમારી ઍક્સેસરીઝ સાદી છે કે બ્રૅન્ડેડ અથવા કઈ વસ્તુની બનેલી છે એ મહત્ત્વનું નથી. તમે એ કેવી રીતે વાપરો છો એ મહત્ત્વનું છે. તમે વાળને ખેંચીને એકદમ ફિટ પોનીટેઇલ કરશો તો એકંદરે નુકસાન પહોંચાડશે. વાળને અત્યંત ખેંચીને પોનીટેઇલ વાળવાથી ખેંચાવાને કારણે બન્ને સાઇડ પરથી ઓછા થતા જાય છે. વાળને નૉર્મલી બાંધવા પડે. ગમે એ મટીરિયલનો દાંતિયો હોય કે હેર-બ્રશ ગૂંચ હળવા હાથે કાઢવી. બહુ ઉતાવળમાં કે જોરથી દાંતિયો વીંઝીને કાઢશો તો વાળ તૂટવાના જ. બાકી આપણે એવી જગ્યાએ તો રહેતા નથી જ્યાં જરાય પૉલ્યુશન કે સ્ટ્રેસ ન હોય અને વાળ બિલકુલ ન ખરે! વાળની હેલ્થ માટે તમે પેટમાં શું નાખો છો એ મહત્ત્વનું છે. મકાન બનાવો ત્યારે જ સારું બનાવવાનું હોય. વરસાદ આવે અને મકાન પડી જાય ત્યારે એમ ન કહેવાય કે વરસાદ આવવાથી મકાન પડી ગયું છે. મકાન ઑલરેડી નબળું હતું એટલે પડી ગયું. વાળ હેલ્ધી અને સ્ટ્રૉન્ગ હોવા જોઈએ. તમારે ભાત અને ઘઉં નથી ખાવા, દૂધ નથી પીવું, બૅલૅન્સ ડાયટ નથી લેવું ને નકરું ફાસ્ટ ફૂડ જ ખાવું છે ને પછી એમ કહો કે વાળ ઊતરે છે તો એ યોગ્ય નથી. પોષણ સરખું મળશે તો વાળ પણ હેલ્ધી રહેશે. હા, ઍક્સેસરીઝ જે પણ વાપરો હાઇજીનનું ધ્યાન ચોક્કસપણે રાખવાનું હોય. હેર-ઍક્સેસરીઝને વખતોવખત પાણી અને સાબુથી ક્લીન કરતા રહેવું. તમારા દાંતિયાના દાંત વચ્ચે મેલ ફસાયલો હશે કે તમારું રબર-બૅન્ડ મેલું હશે તો એ તમારા વાળને નુકસાન કરશે. ટૂંકમાં, ઍક્સેસરીઝ કઈ વાપરો છો એ નહીં પરંતુ કેવી રીતે વાપરો છો એ મહત્ત્વનું છે.`