અત્યારે આપણે મોતીની વાત કરી રહ્યા છીએ તો આવો સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ શૈલવી શાહ પાસેથી જાણીએ કે મોતીની માળાને જુદાં-જુદાં આઉટફિટ્સ સાથે કઈ રીતે સ્ટાઇલ કરી શકાય?
પર્લ જ્વેલરી
મોતી એટલે કે પર્લ જ્વેલરી ફરી ઇન છે એવું કહીશું તો એ વાત બરાબર નથી. એ ક્યારેય આઉટ થઈ જ નથી તો ઇન થઈ કેવી રીતે કહેવાય? હા, પર્લ જ્વેલરીને સ્ટાઇલિંગ કરવાનો ટ્રેન્ડ બદલાતો રહે છે. એમ તો સાચાં મોતીનો જાદુ જુદો જ હોય, પરંતુ એના ભાવ પણ ઘણા વધુ હોય છે. જોકે કલ્ચર્ડ મોતી પણ મળે છે જેમના ભાવ ઘણા વાજબી હોય છે. સારી ક્વૉલિટીની ઇમિટેશનની મોતી જ્વેલરી પણ સરસ લુક આપી શકે. જોકે વાત એવી છે કે એકની એક જ્વેલરી પહેરીને આપણે કંટાળી જઈએ, પણ દર વખતે નવી ખરીદવી પણ કેટલી? હા, હોય એને જુદી-જુદી રીતે પહેરતાં આવડે તો તદ્દન નવો લુક મળે. જ્વેલરીના સ્ટાઇલિંગ પાવરને ક્યારેય ઓછો ન આંકવો. પોતાની કલ્પનાને કામે લગાડવી અને કૉન્ફિડન્સથી રિપીટ મોડમાં પણ જુદી-જુદી સ્ટાઇલમાં પહેરવી.
અત્યારે આપણે મોતીની વાત કરી રહ્યા છીએ તો આવો સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ શૈલવી શાહ પાસેથી જાણીએ કે મોતીની માળાને જુદાં-જુદાં આઉટફિટ્સ સાથે કઈ રીતે સ્ટાઇલ કરી શકાય?
ADVERTISEMENT
૧. સાડી : સિમ્પલ સિંગલ લેયર્ડ મોતીની માળાને સિલ્ક અથવા શિફોનની સાડી સાથે પહેરો. સાડી હેવી છે તો મિનિમલ પર્લ્સ અને જો સિમ્પલ છે તો લેયર્ડ પર્લ્સ. જો એની સાથે ઢીલો અંબોડો લેશો તો રૉયલ વાઇબ્સ મળશે.
૨. અનારકલી અને કુરતી : સ્ટ્રેઇટ કુરતી સાથે લાંબી માળાનું કૉમ્બિનેશન ક્લાસી લાગે છે અને જો અનારકલી પહેર્યું છે તો એ જ માળા ચૉકરની સ્ટાઇલમાં પહેરવી. કૉન્ટ્રાસ્ટ કલરના આઉટફિટ સાથે સફેદ મોતી એકદમ જાજરમાન લાગે છે.
૩. વેસ્ટર્ન આઉટફિટ : શર્ટ અથવા બ્લેઝર સાથે નાનકડી માળા ખૂબ સરસ લાગે છે. એમાં પણ જો બ્લેઝર કાળું હોય તો વાત જ શું. બ્લૅક ડ્રેસ સાથે મોતીનું કૉમ્બિનેશન ટાઇમલેસ ગણાય છે. જીન્સ અને ટૉપ સાથે નાનકડી માળા સરસ લાગશે.
બે માળા પણ બસ છે
જો તમારી પાસે નાની અને મોટી એમ એકાદ-બે માળા છે તો એને પણ જુદી-જુદી રીતે પહેરી શકશો, સ્ટાઇલિંગ કરી શકશો.
લેયરિંગ : લાંબી માળાને બે કે ત્રણ લેયરમાં પહેરી શકાય. એનાથી ફુલ નેકલાઇન કવર થશે. ટર્ટલનેક અને બોટનેકના આઉટફિટ માટે આવી લેયર સ્ટાઇલ બેસ્ટ રહેશે.
નોટ : લાંબી માળાને છેડે નોટ લગાવો. એ નોટ પેન્ડન્ટ જેવો હેવી લુક આપશે. એ નોટ ગળામાં વચ્ચે આવે એ રીતે ચૉકરની જેમ પહેરો. ફિક્સ કરવા ગળાની પાછળના ભાગમાં સેફ્ટી પિનનો ઉપયોગ કરવો. આ સ્કૂપ નેક, ટ્યુબ ડ્રેસિસ અને બ્લેઝર સાથે જબરદસ્ત લુક આપશે. લાંબી માળાને ડબલ કરો અને નીટલી એકબીજા સાથે લૉક કરો. નેકલાઇન આ કારણે લાંબી લાગે છે અને સ્લિમર લુક આપે છે. વી નેકલાઇન સાથે તો આ સ્ટાઇલ પર્ફેક્ટ્લી જશે. એ જ રીતે લાંબી માળાને અડધેથી ફોલ્ડ કરો. પછી એને ઝિગઝૅગ વળ આપો અને ગળામાં પહેરો. આ સ્ટાઇલ પાર્ટીવેઅર સાથે ખૂબ સુંદર લાગે છે. સાડી, કુરતી અને કુરતા જેમાં ડીપ નેકલાઇન હોય એની સાથે એ પહેરો. લાંબી માળાનો એક શૉર્ટ એટલે કે ગળામાં ફિટ બેસે એવો લૂપ બનાવો અને એક લાંબો લૂપ રાખો. લાંબા છેડેથી એક નાની નોટ લગાવો. સિલ્કનાં શર્ટ્સ, સૉલિડ ડ્રેસિસ સાથે આ ખૂબ ટ્રેન્ડી લાગશે. એવી જ રીતે સાઇડમાં રાખીને એને સિલ્ક અથવા સૅટિન રીબનથી બો બનાવીને પહેરો. છેને ડિફરન્ટ આઇડિયા? તમારી પાસે જે નાની માળા છે એને હાથમાં બ્રેસલેટ તરીકે પહેરો. જો તમારે કશુંક ખરેખર આઉટ ઑફ ધ બૉક્સ કરવું હોય તો તમારી એ મોતીની માળા અંબોડામાં કે પોનીટેલમાં લગાડો અને પછી જુઓ કેટલાં કૉમ્પ્લિમેન્ટ્સ મળે છે.
