૪ જણનાં રહસ્યમય મોત પછી તપાસ માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનને પાયધુનીમાંથી તરબૂચ ભેગાં કરવાં છે, પણ ક્યાંય નથી મળી રહ્યાં. મૃત્યુનું કારણ જાણવા માટે હવે ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ સામૂહિક આત્મહત્યા છે કે કેમ એ ઍન્ગલથી પણ તપાસ
પુલાવ ખાધા પછી તરબૂચ ખાઈને જીવ ગુમાવનારો પરિવાર
પાયધુનીમાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુના કારણની તપાસ કરી રહેલા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની ટીમ નજીકના કોઈ તરબૂચ વેચનારાનો સંપર્ક કરી શકી નથી. પતિ-પત્ની અને બે દીકરીઓનાં મૃત્યુ પાછળ તરબૂચ જવાબદાર છે કે નહીં એ તપાસવા માટે આ વિસ્તારમાં વેચાતાં તરબૂચની તપાસ કરવી જરૂરી છે. જોકે આ દુર્ઘટનાના સમાચાર મળતાં આ વિસ્તારમાં તરબૂચનું વેચાણ બંધ થઈ ગયું છે એટલું જ નહીં, APMC માર્કેટમાં પણ તરબૂચના ખરીદદારો ન મળતાં ભાવ ગગડી ગયા છે.
FDAની ટીમે જીવ ગુમાવનારાઓના ઘરની મુલાકાત લીધી હતી અને ચિકન પુલાવ તથા તરબૂચના ટુકડાનાં સૅમ્પલ લીધાં હતાં. જોકે બે દિવસ પછી બચેલા ચિકન પુલાવમાં ફૂગ ચડી ગઈ હતી. ટીમે તરબૂચ વેચનારાઓને શોધવાનો પ્રયાસ કર્યો હતો જેથી કોઈ અસરગ્રસ્ત લૉટની તપાસ કરી શકાય. જોકે છેલ્લા બે દિવસથી વડાલા અને ભાયખલા સુધીના વિસ્તારમાં કોઈ ફેરિયાઓ મળ્યા નહોતા એને કારણે FDAની ટીમ નમૂના મેળવી શકી નહોતી. તપાસ માટે પરિવારના ઘરથી ૧૦ કિલોમીટર સુધીના વિસ્તારમાંથી નમૂના તરીકે ૫૦૦ ગ્રામ તરબૂચ ભેગું કરવું જરૂરી છે.
ADVERTISEMENT
FDAએ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ને તેમણે એકત્રિત કરેલા ફૂડનાં ૧૧ સૅમ્પલનો રિપોર્ટ શૅર કરવા વિનંતી કરી છે. FSLના રિપોર્ટ પરથી તરબૂચમાં નશીલા પદાર્થ વગેરેની હાજરી વિશેની માહિતી મળી શકશે. અત્યારે મહારાષ્ટ્રભરમાંથી મુંબઈ આવતાં ફળોની તપાસ ચાલી રહી છે. ખાસ કરીને જેને કેમિકલથી પકવવાની શક્યતા હોય એવાં ફળનાં સૅમ્પલ લેવાઈ રહ્યાં છે.
પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ સામૂહિક આત્મહત્યાનો કેસ છે કે નહીં એ નક્કી કરવા માટે પરિવારજનોનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે અને ડોકડિયા પરિવાર કોઈ મુદ્દાથી દેવામાં ડૂબેલો હતો કે અન્ય કોઈક કારણસર પરેશાન હતો કે નહીં એ તપાસવામાં આવી રહ્યું છે.
ડૉક્ટરો શું કહે છે?
કેટલાક ફેરિયાઓ ફળને પાકવાની પ્રક્રિયા ઝડપી બનાવવા, શેલ્ફ-લાઇફ વધારવા અથવા ફળોનો રંગ વધારવા માટે કૅલ્શિયમ કાર્બાઇડ, ઇથિલિન, ફૉર્મેલિન, મિથાઇલ ગ્રીન ડાઇ અને સૅકરીન જેવાં રસાયણનો ઉપયોગ કરે છે. આ પદાર્થનો વધુપડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ કેમિકલ્સ પેટ અને આંતરડાના માર્ગને નુકસાન પહોંચાડી શકે છે જેને કારણે ઊલટી-ઝાડા જેવાં લક્ષણો થઈ શકે છે.
