૧૪ વર્ષ પાંચ મહિનાની ઉંમરે જેન્સી કાનાબાર પ્રોફેશનલ સિંગલ્સ ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી : સાનિયાએ ૧૪ વર્ષ પાંચ મહિના ૧૧ દિવસની ઉંમરે આ રેકૉર્ડ કર્યો હતો
જેન્સી કાનાબાર
ગુજરાતના જૂનાગઢની ૧૪ વર્ષની ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે દિલ્હીમાં રમાઈ રહેલી ઇન્ટરનૅશનલ ટેનિસ ફેડરેશન (ITF) ૧૫ ટુર્નામેન્ટમાં મૅચ જીતીને સાનિયા મિર્ઝાનો પચીસ વર્ષ જૂનો રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ બનાવીને સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
સાનિયા મિર્ઝાનો ૧૪ વર્ષ, પાંચ મહિના અને ૧૧ દિવસનો રેકૉર્ડ હતો જે જેન્સી કાનાબારે ૧૪ વર્ષ પાંચ મહિનાની વયે તોડ્યો છે. જેન્સી કાનાબારે સિંગલના આ મુકાબલામાં મૅચ જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પોતાની બીજી ITF ટુર્નામેન્ટ રમતાં જેન્સી કાનાબારે પોતાની ઉંમર કરતાં મોટી ઉંમરની હરિયાણાની ખેલાડી સંદીપતી સિંહ રાવને ૬-૩, ૭-૫થી હરાવીને અંતિમ આઠમાં પોતાની જગ્યા બનાવી છે. આ મૅચના બીજા સેટમાં જેન્સી કાનાબારે ચાર મહત્ત્વપૂર્ણ સેટ પૉઇન્ટ બચાવીને પોતાની મજબૂત માનસિકતાનો અનુભવ કરાવ્યો હતો. જેન્સી કાનાબારે પોતાની ક્ષમતા અને આવડતનો પરિચય આપવાની સાથે ટેનિસજગતમાં પોતાની છાપ છોડી છે.
