Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સલવાર-કમીઝ હોય કે સાડી, સ્કર્ટ હોય કે ફ્રૉક: હવે ફીમેલ ફૅશનમાં બધે જ પૉકેટ્સનો દબદબો

સલવાર-કમીઝ હોય કે સાડી, સ્કર્ટ હોય કે ફ્રૉક: હવે ફીમેલ ફૅશનમાં બધે જ પૉકેટ્સનો દબદબો

Published : 30 September, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટ્સ હવે પૉકેટ્સ વગર અધૂરાં લાગે છે ત્યારે કુરતી, સ્કર્ટ્‍સ અને સાડીમાં આવતાં પૉકેટ્સને કેવી રીતે સ્ટાઇલ કરવાં જોઈએ એ જાણી લેજો

ફૅશન

ફૅશન


 અત્યારે પૉકેટમાં હાથ રાખીને ફોટો પડાવવાનો ટ્રેન્ડ ખૂબ ચાલે છે, પણ આવું કરતા હો તો આખા હાથનો ભાર પૉકેટ પર ન આપવો. માત્ર આંગળીઓ અથવા અંગૂઠો જ હળવાશથી પૉકેટમાં મૂકવો.

ફીમેલ ફૅશનમાં પૉકેટ્સવાળાં આઉટફિટ્સ માત્ર ડિઝાઇનિંગમાં ફેરફાર જ નહીં, ફૅશન અને યુટિલિટીનું શ્રેષ્ઠ કૉમ્બિનેશન છે. એક જમાનામાં પૉકેટ્સ માત્ર મેન્સવેઅર કે વેસ્ટર્ન જીન્સ પૂરતાં જ મર્યાદિત હતાં; પણ હવે ડેનિમ્સ સિવાય ફ્લેર્ડ સ્કર્ટ્‍સ, એ-લાઇન કુરતી. એથ્નિક વન-પીસ અને સાડી જેવાં ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પણ હવે હિડન પૉકેટ્સ જોવા મળી રહ્યાં છે. આ પૉકેટ્સ કમ્ફર્ટની સાથે ફ્રીડમ પણ ફીલ કરાવે છે, કારણ કે આ પૉકેટ્સને કારણે નાની ચીજો માટે હૅન્ડબેગ કૅરી કરવાની જરૂર રહેતી નથી. 



પૉકેટવાળાં આઉટફિટ્સ પહેરવાં જેટલાં આરામદાયક છે, એમને યોગ્ય રીતે કૅરી કરવાં એટલાં જ મહત્ત્વપૂર્ણ છે. જો પૉકેટમાં ખોટી વસ્તુઓ મૂકવામાં આવે અથવા કપડાના ફિટિંગ પર ધ્યાન ન આપવામાં આવે તો તમારો લુક ખરાબ થઈ શકે છે. પૉકેટવાળાં આઉટફિટ્સ પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને પૉકેટ્સની યુટિલિટીનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણીએ.


આટલું ધ્યાન રાખજો
ફૅબ્રિકની પસંદગી અને ફિટિંગ : પૉકેટવાળાં કપડાંમાં ફૅબ્રિકનો રોલ સૌથી મહત્ત્વનો છે. જો ફૅબ્રિક ખૂબ જ પાતળું કે ટ્રાન્સપરન્ટ હશે તો પૉકેટની અંદર રાખેલી વસ્તુઓની આઉટલાઇન બહારથી સ્પષ્ટ દેખાશે, જે લુકને બગાડી શકે છે. કૉટન, સિલ્ક, રૉ-સિલ્ક, ડેનિમ, કૅન્વસ અથવા જાડાં બ્લેન્ડ ફૅબ્રિક્સ પૉકેટ આઉટફિટ્સ માટે શ્રેષ્ઠ ગણાય છે. ખૂબ જ ટાઇટ અથવા ફિટેડ આઉટફિટ્સમાં પૉકેટ્સ હોય તો એમાં કંઈ પણ રાખવાથી હિપ્સ કે વેસ્ટ લાઇન પાસે ઊપસેલો ભાગ દેખાશે. તેથી ફ્લેરેડ, એ-લાઇન અથવા લૂઝ ફિટિંગવાળાં આઉટફિટ્સમાં પૉકેટ્સ વધુ કમ્ફર્ટેબલ રહે છે.

પૉકેટનું પોઝિશનિંગ અને કટ : પૉકેટ ક્યાં અને કેવી રીતે મૂકવામાં આવ્યું છે એ આઉટફિટના ઓવરઑલ ફ્લોને નક્કી કરે છે. કુરતી, સ્કર્ટ્‍સ અને ગાઉનમાં સાઇડ સિમમાં આપેલાં પૉકેટ્સ હિડન રહે છે અને આઉટફિટના ફૉલને નુકસાન પહોંચાડતાં નથી. પૉકેટની ઊંડાઈ પૂરતી હોવી જોઈએ, જેથી એમાં વસ્તુ રાખવાથી એ બહાર સરી ન પડે અથવા કપડાને નીચેની તરફ ખેંચે નહીં.


કેવી રીતે સ્ટાઇલ કરવાં?
સાડી વિથ પૉકેટ્સ : સાડીમાં પૉકેટનો ટ્રેન્ડ અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. રેડી-ટુ-વેઅર સાડીઓ અથવા સાડી શેપવેઅરમાં જ પૉકેટ્સ ઇનબિલ્ટ આપવામાં આવે છે. સાડીમાં પૉકેટનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું કે પલ્લુનો ડ્રેપ એવી રીતે હોય જેથી પૉકેટનો ભાગ કવર થાય અથવા જો તમે પૉકેટનો ઉપયોગ કરો તો પલ્લુ પ્લીટ્સમાં સેટ થયેલો હોય. સાડીમાં બહુ ભારે વસ્તુઓ પૉકેટમાં રાખવાથી પ્લીટ્સનું ફિટિંગ બગડી શકે છે એ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
કુરતી અને એથ્નિક વન-પીસ : ડેઇલીવેઅર અથવા ઑફિસવેઅર કુરતીઓમાં સાઇડ હિડન પૉકેટ્સ પ્રૅક્ટિકલ સાબિત થાય છે. એ-લાઇન અને અનારકલી કુરતીઓમાં પૉકેટ્સ ખૂબ સહજતાથી છુપાઈ જાય છે. સ્ટ્રેટ કટ કુરતીમાં જો પૉકેટ હોય તો ફૅબ્રિક સહેજ સ્ટિફ હોવું જોઈએ.

સ્કર્ટ્‍સ અને લૉન્ગ ગાઉન્સ : ફ્લેર્ડ સ્કર્ટ્‍સમાં પૉકેટ્સ હોય ત્યારે એ સૌથી વધુ ગ્રેસફુલ લાગે છે, કારણ કે સ્કર્ટની પ્લીટ્સ અને ઘેરના કારણે પૉકેટ બિલકુલ દેખાતું નથી. સ્કર્ટ્‍સ સાથે ક્રૉપ ટૉપ કે ટક્ડ-ઇન શર્ટ પેર કરતી વખતે પૉકેટનો ઉપયોગ કરવાથી એફર્ટલેસ મૉડર્ન લુક મળે છે. લૉન્ગ ગાઉન જો ફ્લેરવાળું હોય તો એમાં પણ પૉકેટ હોય છે. જોકે સ્લિમ લુકવાળા ગાઉનમાં પૉકેટ રાખવું બિગ નો છે.

કેવી વસ્તુઓ રાખવી, જેથી સ્ટાઇલ ખરાબ ન થાય?
પૉકેટવાળાં આઉટફિટ્સનો હેતુ જરૂરી ચીજો હૅન્ડી રાખવા માટેનો છે, પરંતુ એનો અર્થ એ નથી કે એને હૅન્ડબૅગની જેમ વાપરવું. જાડા વૉલેટને બદલે કાર્ડહોલ્ડર અને થોડા કૅશ કૅરી કરવા. જો પૉકેટ ઊંડું અને ફૅબ્રિક મજબૂત હોય તો જ મોબાઇલ રાખવો. મોબાઇલ કવર ખૂબ બલ્કી ન હોવું જોઈએ. આ ઉપરાંત તમે પૉકેટમાં લિપ બામ અથવા સિંગલ લિપસ્ટિક જેવી નાની અને હલકી બ્યુટી એસેન્શિયલ્સ રાખી શકો. ચાવીઓનો મોટો ઝૂડો રાખવાને બદલે માત્ર જરૂરી સિંગલ કી કે ટિશ્યુ પેપર જેવી હળવી અને સપાટ વસ્તુઓ રાખી શકાય.

સ્ટાઇલિંગ કરતી વખતે પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે પૉકેટમાં હાથ રાખીને ફોટોગ્રાફ્સ પડાવવાનો ટ્રેન્ડ ખૂબ ચાલે છે, પણ આ કરતી વખતે આખા હાથનો ભાર પૉકેટ પર ન આપો. માત્ર આંગળીઓ અથવા અંગૂઠો જ હળવાશથી પૉકેટમાં દાખલ કરો, જેથી કપડાં ખેંચાય નહીં. જો આઉટફિટની બન્ને બાજુ પૉકેટ્સ હોય તો એક જ પૉકેટમાં બધી વસ્તુઓ ભરી દેવાને બદલે વજન બન્ને બાજુ સરખું વહેંચો અથવા એક જ બાજુ જરૂરી વસ્તુ રાખો.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK