૨૦૨૧માં ઍન્ટિલિયાની બહારથી એક શંકાસ્પદ સ્કૉર્પિયો કાર મળી આવી હતી
સચિન વાઝે
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ઍન્ટિલિયાની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કાર અને મનસુખ હિરણ હત્યાપ્રકરણમાં મુખ્ય આરોપી અને ડિસમિસ્ડ પોલીસ-અધિકારી સચિન વાઝેના ગઈ કાલે હાઈ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આશરે સાડાપાંચ વર્ષ જેટલો લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ લાંબા ગાળાની જેલમુદત આધાર પર કોર્ટે તેને આ રાહત આપી છે.
૨૦૨૧માં ઍન્ટિલિયાની બહારથી એક શંકાસ્પદ સ્કૉર્પિયો કાર મળી આવી હતી. આ કારમાંથી જિલેટિનની ૨૦ છડીઓ અને ધમકીભર્યો પત્ર મળી આવ્યાં હતાં. ત્યાર બાદ આ કેસ સાથે જોડાયેલા કારમાલિક મનસુખ હિરણની હત્યાનો મામલો પણ સામે આવ્યો હતો. આ સમગ્ર ષડ્યંત્રમાં મુંબઈ પોલીસના તત્કાલીન અધિકારી સચિન વાઝેની મુખ્ય ભૂમિકા સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવ્યો હતો.
સચિન વાઝેને આ શરતો પર જામીન આપવામાં આવ્યા...
એક લાખ રૂપિયાનું બૉન્ડ.
સચિન વાઝે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર કે રાયગડમાં પ્રવેશી કે રહી શકશે નહીં. જ્યાં સુધી મુખ્ય સાક્ષીઓનાં નિવેદનો લેવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સચિન વાઝે માત્ર કોર્ટની સુનાવણી માટે જ આ પાંચ જિલ્લાઓમાં પ્રવેશી શકશે.
પાંચ જિલ્લા સિવાયની જે જગ્યાએ રહેવા જાય ત્યાંનું સરનામું રજૂ કરવાનું રહેશે અને દર રવિવારે ત્યાંના લોકલ પોલીસ-સ્ટેશનમાં હાજર થવાનું રહેશે.
તેનો પાસપોર્ટ અથવા પાસપોર્ટ ન હોય તો ઍફિડેવિટ NIAને સરેન્ડર કરવાની રહેશે.
તેનો મોબાઇલ ફોન ચાલુ જ રહેશે, પણ તે કોઈ સાક્ષીનો સંપર્ક નહીં કરી શકે.
