Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ દિવાળીમાં ટ્રેડિશનલ આર્ટવર્કથી ઘરને આપો વાઇબ્રન્ટ લુક

આ દિવાળીમાં ટ્રેડિશનલ આર્ટવર્કથી ઘરને આપો વાઇબ્રન્ટ લુક

Published : 26 October, 2026 05:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તહેવારોની સીઝનમાં બહારથી ડેકોર આઇટમ્સ ખરીદીને સજાવવાને બદલે પરંપરાગત પેઇન્ટિંગ કરીને ઘરને એસ્થેટિક અને ફેસ્ટિવ-રેડી બનાવો

દિવાળીમાં ટ્રેડિશનલ આર્ટવર્કથી ઘરને આપો વાઇબ્રન્ટ લુક

દિવાળીમાં ટ્રેડિશનલ આર્ટવર્કથી ઘરને આપો વાઇબ્રન્ટ લુક


આ દિવાળીમાં જો તમે ઘરને કંઈક અલગ અને સાચે જ ખાસ લુક આપવા માગતા હો તો ભારતીય પરંપરાગત કળાઆધારિત વૉલ-ડિઝાઇનિંગ સરસ અને યુનિક ઑપ્શન છે. પિછવાઈ આર્ટ, કલમકારી અને રાજસ્થાની થીમવાળાં પેઇન્ટિંગ્સ અથવા વૉલપેપર્સ તમારા ઘરને એક એવો ફેસ્ટિવ-રેડી લુક આપે છે જે દિવાળી પૂરી થયા પછી પણ ઘરને વાઇબ્રન્ટ રાખે છે.

આટલું ધ્યાન રાખજો



  • આખા ઘરની બધી દીવાલો પર પેઇન્ટિંગ કરવાને બદલે રૂમની કોઈ એક જ મેઇન વૉલ પસંદ કરો. ખૂબ નાની દીવાલ પર બહુ મોટું પેઇન્ટિંગ કે બહુ મોટી દીવાલ પર નાનું પેઇન્ટિંગ ન મૂકવું.
  • જો તમારી દીવાલનો કલર ડાર્ક હોય તો આછા અને બ્રાઇટ રંગોવાળું પેઇન્ટિંગ પસંદ કરો. જો દીવાલ ઑફ-વાઇટ, ક્રીમ કે બેજ હોય તો એના પર ઘેરા લાલ, લીલા, વાદળી કે ગોલ્ડન શેડ્સવાળી પિછવાઈ અને કલમકારી આર્ટ ખૂબ જ સુંદર ઊપસી આવશે.
  • ટ્રેડિશનલ પેઇન્ટિંગ્સની સાચી સુંદરતા યોગ્ય લાઇટિંગથી જ ખીલે છે. પેઇન્ટિંગની ઉપર વૉર્મ યલો સ્પૉટલાઇટ, ફોકસ લાઇટ કે આસપાસ નાની સીલિંગ લાઇટ્સ મૂકો જેથી રાતના સમયે એ વધુ આકર્ષક લાગે.
  • જો તમારું ફર્નિચર લાકડાનું અને ટ્રેડિશનલ હોય તો આર્ટ શૈલી ખૂબ સરસ મૅચ થશે. ટ્રેડિશનલ પેઇન્ટિંગ્સ સાથે મૉડર્ન અથવા સોબર ફર્નિચરનું ફ્યુઝન પણ ઘરને યુનિક લુક આપે છે.

કેવાં પેઇન્ટિંગ્સ સારાં લાગશે?

રાજસ્થાની આર્ટ : ખાલી લાગતાં પૅસેજ, ગૅલરી અથવા બેડરૂમની વૉલ પર રાજસ્થાની ઝરોખા, હાથી, ઘોડા અથવા રાજપૂત શૈલીનાં પેઇન્ટિંગ્સ કરાવવાથી એ જગ્યા જીવંત લાગશે. રાજસ્થાની આર્ટના ડાર્ક વાઇબ્રન્ટ રંગો રૉયલ વિન્ટેજ લુક આપે છે. આવા ટ્રેડિશનલ આર્ટ્સથી ઘરમાં પરંપરા અને મૉડર્ન આર્ટનું ફ્યુઝન તૈયાર થાય છે.


કલમકારી આર્ટ : ડાઇનિંગ એરિયા કે સ્ટડીરૂમ માટે કલમકારી આર્ટ કરી શકાય. કલમકારીમાં ઝીણી વનસ્પતિની ડિઝાઇનો, વેલબુટ્ટા, રાજારાણીઓની પૌરાણિક કથાઓની છાપ હોય છે. આ પેઇન્ટિંગ્સથી રૂમને ઍન્ટિક, ક્રીએટિવ અને સૉફિસ્ટિકેટેડ લુક મળે છે જે વાતાવરણને વૉર્મ અને કમ્ફર્ટેબલ બનાવે છે.

પિછવાઈ પેઇન્ટિંગ : ઘરની મેઇન દીવાલ એટલે કે લિવિંગરૂમની ફીચર વૉલ પર પિછવાઈ આર્ટઆધારિત પેઇન્ટિંગ્સ ભવ્ય લુક આપે છે. પિછવાઈ આર્ટમાં સામાન્ય રીતે શ્રીનાથજી, કમળનાં ફૂલો, ગાય અને પ્રકૃતિનાં સુંદર દૃશ્યો હોય છે. જો આ પેઇન્ટિંગ સોફાની પાછળની દીવાલ અથવા હૉલમાં પ્રવેશતાંની સાથે જ સામે જે દીવાલ આવે એના પર કરવામાં આવે તો એ ઘરને રૉયલ લુક આપશે. 

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK