Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વીક-એન્ડમાં ફરીથી યુરોપિયન દેશો હિંસક પ્રદર્શનની લપેટમાં

વીક-એન્ડમાં ફરીથી યુરોપિયન દેશો હિંસક પ્રદર્શનની લપેટમાં

Published : 26 October, 2026 10:28 AM | Modified : 26 October, 2026 10:31 AM | IST | France
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રાન્સમાં ૭૦,૦૦૦ પોલીસ અધિકારીઓ તહેનાત કર્યા હોવા છતાં ૪ લાખ લોકો રસ્તા પર ઊતરી આવ્યા, ૧૦૦૦ લોકોની ધરપકડઃ હવે સ્પેનમાં લક્ઝરી સ્ટોર્સ લૂંટાયા: આલ્બેનિયામાં પબ્લિકે પોલીસો સામે સ્મોક બૉમ્બ અને રૉકેટ્સ છોડ્યાં

પૅરિસની ગલીઓમાં લાખોની સંખ્યામાં લોકો રોડ પર ઊતરી આવ્યા હતા.

પૅરિસની ગલીઓમાં લાખોની સંખ્યામાં લોકો રોડ પર ઊતરી આવ્યા હતા.


યુરોપમાં શનિવારે ફરી એક વાર વ્યાપક વિરોધ-પ્રદર્શનો જોવા મળ્યાં હતાં. એમાં ફ્રાન્સ, ઇટલી, સ્પેન, પોર્ટુગલ, આલ્બેનિયા અને બેલ્જિયમમાં લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. ૧૭-૧૮ ઑક્ટોબરે ફ્રાન્સમાં ૮ લાખ લોકો રસ્તા પર નીકળીને બેફામ બન્યા હોવાથી આ વખતે ફ્રાન્સની સરકારે તોફાની શહેરોમાં ૭૦,૦૦૦ જેટલા પોલીસ-અધિકારીઓને કામે લગાડ્યા હતા. 

ઘણાં દેશોમાં પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં હતાં; પરંતુ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણો, તોડફોડ અને લૂંટફાટને કારણે સત્તાવાળાઓએ પ્રતિબંધો લાદવા પડ્યા હતા. જીવનનિર્વાહનો વધતો ખર્ચ, પરવડી શકે એવાં ઘરોની ઓછી ઉપલબ્ધતા, ઓછું વેતન, શિક્ષણ, કથળતી જતી જાહેર સેવાઓ અને સરકારી નીતિઓનો વિરોધ કરવા માટે લોકો ફરી રસ્તા પર ઊતરી આવ્યા છે.
ઇટલીએ ગયા સપ્તાહના અંતે થયેલી હિંસા જેવી ઘટના ફરી ન બને એ માટે મિલાનમાં વધારાના સૈનિકો તહેનાત કર્યા હતા. બાર્સેલોનામાં દેખાવકારોએ ડઝનબંધ દુકાનોમાં લૂંટફાટ કરીને લગભગ ૩૦ દુકાનોમાં આગ લગાવી હતી; જ્યારે રોમ, ટ્યુરિન, બ્રસેલ્સ અને ટિરાનામાં પોલીસે ભીડને વિખેરવા માટે અશ્રુવાયુ અથવા વૉટર કૅનનનો ઉપયોગ કર્યો હતો.



ફ્રાન્સમાં ૧૦૦૦ લોકોની ધરપકડ
સમગ્ર ફ્રાન્સમાં વિરોધ-પ્રદર્શનો ચાલુ રહેતાં લગભગ ૧૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સના ગૃહમંત્રાલયના અંદાજ મુજબ શનિવારનાં પ્રદર્શનોમાં લગભગ ૪,૧૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો, જ્યારે ટ્રેડ યુનિયનોના મતે આ સંખ્યા આશરે ૮,૦૦,૦૦૦ હતી. રૅલીઓ વ્યાપક અંધાધૂંધીમાં ન ફેરવાય એ માટે સત્તાવાળાઓએ લગભગ ૭૦,૦૦૦ પોલીસ-અધિકારીઓને તહેનાત કર્યા હતા અને અનેક શહેરોમાં પ્રતિબંધો લાદ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ કામચલાઉ અવરોધો ઊભા કર્યા હતા અને પોલીસો પર વસ્તુઓ ફેંકી હતી, જ્યારે મોઢા પર માસ્ક પહેરેલા યુવાનોએ કાર ડીલરશિપની બારીઓ તોડી નાખી હતી. પોલીસે લાઠીચાર્જ, ટિયરગૅસ અને વૉટર કૅનનનો ઉપયોગ કરીને વળતો જવાબ આપ્યો હતો.


આલ્બેનિયામાં પોલીસો પર હુમલો 
આલ્બેનિયાની રાજધાની તિરાનામાં શિક્ષણ-મંત્રાલયની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. તેમણે ટ્યુશન-ફીમાં ઘટાડો કરવાની, શિક્ષણક્ષેત્રે સરકારી રોકાણમાં વધારો કરવાની અને વડા પ્રધાન એડી રામાના રાજીનામાની માગણી કરી હતી. પોલીસો દ્વારા તેમને રોકવાનો પ્રયાસ થતાં પ્રદર્શનકારીઓએ તેમની સ્મોક બૉમ્બ્સ, રૉકેટ્સ અને સળગતા ફટાકડા ફેંક્યા હતા. 

વિરોધ-પ્રદર્શનોમાં જોવા મળ્યા ઍવેન્જર્સ, બૅટમૅન, ડેડપૂલ અને કૅપ્ટન અમેરિકા જેવા સુપરહીરો 


ફ્રાન્સમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનો દરમ્યાન સુપરહીરોનો વેશ ધારણ કરેલા પ્રદર્શનકારીઓના વિડિયો ઑનલાઇન સામે આવી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. વિડિયોમાં દેખાય છે કે બૅટમૅન પોતાનો હાથ ઊંચો રાખીને સખત સરકારી સુરક્ષાવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. ડેડપૂલ કોઈ વિરોધ-પ્રદર્શનમાં યુનિફૉર્મધારી જવાનોની સામે નાચી રહ્યો છે. કેપ્ટન અમેરિકા વૉટર કૅનનનો સામનો કરીને પ્રદર્શનકારીઓને બચાવી રહ્યો છે. સ્પાઇડરમૅન સરકાર તથા નાગરિકો વચ્ચે સર્જાયેલી ભારે અંધાધૂંધી વચ્ચે પસાર થઈ રહ્યો હોય એવું દેખાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 10:31 AM IST | France | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK