લોકોએ અલાર્મ ચેઇન ખેંચીને ટ્રેન ઘાટકોપર સ્ટેશને ઊભી રખાવી, સદ્ભાગ્યે મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ
બૅગમાં આગ લાગી ત્યાર પછી એના પર પાણી નાખીને ઓલવવાનો પ્રયત્ન કરતા પ્રવાસીઓ.
દાદરથી બદલાપુર જઈ રહેલી ઍર કન્ડિશન્ડ (AC) ટ્રેનના મહિલા કોચમાં એક મહિલાની બૅગમાં આગ લાગતાં પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. પ્રાથમિક દૃષ્ટિએ મહિલાની બૅગમાં રાખવામાં આવેલી પાવર બૅન્કમાં ખામી સર્જાતાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ થતાં જ મહિલાની બૅગ સળગી ઊઠી હતી. AC અને બંધ દરવાજાને કારણે ધુમાડો કોચમાં પ્રસરી ગયો હતો. ગભરાયેલા પ્રવાસીઓએ તરત જ અલાર્મ ચેઇન ખેંચી હતી જેને પગલે ટ્રેનને ઘાટકોપર સ્ટેશન પર ઊભી રાખવામાં આવી હતી. આ ઘટના શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે બની હતી.
ઘાટકોપર સ્ટેશન આવતાં જ જે બૅગમાં આગ લાગી હતી એને પ્લૅટફૉર્મ પર ફગાવી દઈને પાણી નાખી આગને ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી. જોકે AC સિસ્ટમ સુધી આગ પહોંચી હોત અને ટ્રેનના ઑટોમૅટેડ દરવાજા કામ કરવાના બંધ થઈ ગયા હોત તો શું થયું હોત? એવી ચર્ચા પ્રવાસીઓમાં થઈ રહી હતી. રેલવે-સ્ટાફે કોચનું સેફ્ટી ચેક કર્યું ત્યાર પછી જ ટ્રેન-સર્વિસ ફરી શરૂ કરવામાં આવી હતી.
પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ પર ઊઠ્યા સવાલ
ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થો કે વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ આયન-લિથિયમ બેટરી કે એના જેવા અન્ય પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સના કારણે પણ આવી ઇમર્જન્સી ઊભી થઈ શકે છે. પોર્ટેબલ ચાર્જરના કારણે બનેલા આ બનાવ બાદ પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
ADVERTISEMENT
ભાઈંદરમાં બિલ્ડિંગની ગૅલરી પડી, ૩ લોકોને બચાવી લેવાયા
ભાઈંદરમાં એક મોટી દુર્ઘટના બની હતી. શનિવારે મધરાત બાદ ૨.૩૦ વાગ્યે જ્યારે નવઘર રોડ પર આવેલા દેવકી બિલ્ડિંગની ગૅલરીનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટના દરમ્યાન એક રૂમમાં ફસાયેલી બે મહિલાઓ અને એક પુરુષને ફાયર બ્રિગેડના જવાનોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યાં હતાં. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી.
