આ છે જનરેશન ઝીમાં લોકપ્રિય એવી ‘બ્રૉકલી પર્મ’ હેરસ્ટાઇલ, મેઇન્ટેનન્સ બહુ જોઈતું ન હોવાથી યંગસ્ટર્સમાં એ મોસ્ટ ફેવરિટ બની રહી છે
સિદ્ધાંત ચતુર્વેદી
વાંકડિયા વાળ ધરાવતો છોકરો વાળ કપાવ્યા વગર કે માથું ઓળ્યા વગર સ્કૂલ જતો ત્યારે શિક્ષકો અને તેના ફ્રેન્ડ્સ તેને ટોણો મારીને હસતા અને કહેતા કે આ શું માથે ચિડિયા કા ઘોંસલા અથવા તો પક્ષીનો માળો લઈને આવ્યો છે? પણ આજે મૉડર્ન એરામાં ફૅશનની રૂપરેખા જ્યારે બદલાઈ રહી છે ત્યારે આ લેટેસ્ટ હેરસ્ટાઇલ બની ગઈ છે અને એ આજે ‘બ્રૉકલી પર્મ’ના નામે ઓળખાય રહી છે. આ હેરસ્ટાઇલનો ગાંડો ક્રેઝ ખાસ કરીને જનરેશન ઝીમાં આજકાલ ખૂબ જ જોવા મળી રહ્યો છે.
જેમ્સ ગનની આગામી ફિલ્મના સેટ પરના જાહેર કરવામાં આવેલા ફોટોમાં સુપરમૅનના નવા હેરકટને લઈને ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યું છે. તેની નવી હેરસ્ટાઇલમાં વાળને બન્ને સાઇડથી ટ્રિમ કરીને એકદમ બારીક કરી દેવામાં આવ્યા છે અને માત્ર ઉપરની તરફ વાળને ભરાવદાર રાખી કર્લ્સ લુક આપવામાં આવ્યો છે. જાણે માથા પર બ્રૉકલી મૂકી હોય એવું લાગે છે. આવા લુકને લીધે આ હેરસ્ટાઇલને ‘બ્રૉકલી પર્મ’ નામ આપવામાં આવ્યું છે. એવું નથી કે એ માત્ર વિદેશી ઍક્ટર્સ અને ત્યાંના લોકો સુધી જ સીમિત છે; અહીંની સેલિબ્રિટીઝ અને જનરેશન ઝીમાં પણ આ હેરસ્ટાઇલ લોકપ્રિય બની છે એટલું જ નહીં, Y જનરેશનના કેટલાક લોકોમાં પણ બ્રૉકલી પર્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બૉલીવુડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી, કૉમેડિયન અભિષેક ઉપમન્યુ, ઍથ્લેટિક્સ અમોજ જૅકબ અને અવિનાશ સાબળે તથા ઇન્ડો-કૅનેડિયન સિંગર એ. પી. ઢિલ્લન જેવી સેલિબ્રિટીઝને પણ બ્રૉકલી પર્મ હેરસ્ટાઇલ ગમી રહી છે.
ADVERTISEMENT
ઇન્ટરનૅશનલ હેરડ્રેસિંગમાં ડિપ્લોમા કરનાર અને તાજ હોટેલ્સમાં કામ કરવાનો અનુભવ ધરાવનાર હેરસ્ટાઇલિસ્ટ પ્રદીપ શિંદે કહે છે, ‘સોશ્યલ મીડિયાના લીધે બ્રૉકલી પર્મ હેરસ્ટાઇલ ટ્રેન્ડમાં આવી છે. જોકે તમે ધ્યાનથી જોયું હશે તો આ હેરસ્ટાઇલ જૂની એટલે કે ક્લાસિક હેરસ્ટાઇલનું નવા રૂપરંગે પુનઃઆગમન થયું હોવાનું જણાશે. નો ડાઉટ, આ હેરસ્ટાઇલ આઇકૅચી છે, જેથી ભીડમાં પણ એ લોકોનું ધ્યાન ખેંચે એવી છે.’
કોને સારી લાગે અને કોને નહીં?
નવી હેરસ્ટાઇલ ટ્રાય કરવી હોય તો થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે એની ટિપ્સ આપતાં પ્રદીપ શિંદે કહે છે, ‘બ્રૉકલી પર્મ દરેકના ચહેરા પર અને વાળ પર અલગ-અલગ લુક આપે છે એટલે પ્રૉપર ગાઇડન્સ સાથે આગળ વધવું જોઈએ. કુદરતી રીતે વાંકડિયા અથવા લહેરાતા વાળ પર આ બેસ્ટ લાગે છે. ગોળાકાર ચહેરા ધરાવતા લોકોને બ્રૉકલી પર્મ ચહેરાને લાંબો દેખાડવામાં મદદ કરી શકે છે. જોકે બ્રૉકલી કટ ખૂબ જ બારીક અથવા સીધા વાળ ધરાવતા લોકો માટે ઓછી અનુકૂળ છે. તેમ છતાં જો આવી વ્યક્તિઓને આવી હેરસ્ટાઇલ ગમતી હોય તો પ્રૉપર હેરસ્ટાઇલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. ટૂંકમાં લુકમાં ચેન્જ લાવવા ઇચ્છતા લોકો માટે આવી હેરસ્ટાઇલ આઇડિયલ બની રહેશે.’