Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હોમ ડેકોરમાં નવો ટ્રેન્ડ મશરૂમ લૅમ્પ

હોમ ડેકોરમાં નવો ટ્રેન્ડ મશરૂમ લૅમ્પ

Published : 05 June, 2026 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરની સજાવટમાં લાઇટિંગ માત્ર અંધારું દૂર કરવા માટે નથી હોતી, એ ઘરનો મૂડ પણ સેટ કરે છે. આજકાલ હોમ ડેકોરમાં મશરૂમ લૅમ્પ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે

મશરૂમ લૅમ્પ

મશરૂમ લૅમ્પ


જો ઘરમાં લાઇટિંગ પર્ફેક્ટ અને સૉફ્ટ હોય તો સાદું ઘર પણ કોઈ આલીશાન હોટેલ જેવું લક્ઝુરિયસ દેખાવા લાગે છે. આજકાલ હોમ ડેકોરની દુનિયામાં ખાસ પ્રકારના લૅમ્પે ભારે ધૂમ મચાવી છે, જેને મશરૂમ લૅમ્પ કહેવાય છે. નામ સૂચવે છે એ પ્રમાણે આ લૅમ્પનો આકાર કુદરતી મશરૂમ જેવો એકદમ ક્યુટ અને આકર્ષક હોય છે. એમાંથી નીકળતો હળવો પ્રકાશ ઘરના ખૂણેખૂણાને એકદમ શાંત, હૂંફાળો અને રૉયલ લુક આપે છે.

કેવા મશરૂમ લૅમ્પ સૌથી વધુ ટ્રેન્ડમાં છે?



ગ્લાસ મશરૂમ લૅમ્પ અત્યારે માર્કેટમાં સૌથી વધુ ધૂમ મચાવી રહ્યા છે. રંગીન અથવા ઓપલ ગ્લાસ (દૂધિયા કાચ)માંથી બનેલા આ લૅમ્પ્સ આખા રૂમમાં એકદમ નરમ અને આંખોને ગમે એવી લાઇટ ફેલાવે છે. એમાં પણ ખાસ કરીને પીળાશ પડતો કથ્થઈ, વાઇટ અને સ્મોકી ગ્લાસના વેરિઅન્ટ્સ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જો તમને જૂની અને ક્લાસિક ફૅશન પસંદ હોય તો રેટ્રો મશરૂમ લૅમ્પ તમારા માટે બેસ્ટ છે. ઑરેન્જ, મસ્ટર્ડ યલો અને ચૉકલેટ બ્રાઉન જેવા રેટ્રો રંગોમાં આવતા આ લૅમ્પ્સ ઘરમાં વિન્ટેજ લુક લાવે છે. એ રૂમમાં નૉસ્ટાલ્જિક અને આર્ટિસ્ટિક ફીલ ઉમેરે છે. હાથથી તૈયાર કરેલા સિરૅમિક બેઝ અને મશરૂમ આકારના શેડવાળા સિરૅમિક મશરૂમ લૅમ્પ્સ આજકાલ બુટિક હોમ ડેકોરમાં ભારે ટ્રેન્ડ કરી રહ્યા છે. આ લૅમ્પ્સ ખાસ કરીને બોહો અને નૅચરલ ઇન્ટીરિયર એટલે કે જે ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ અને લાકડાનું ફર્નિચર વધુ હોય એની સાથે અદ્ભુત રીતે મેળ ખાય છે. જો તમને સિમ્પલ અને સોબર લુક ગમતો હોય તો સફેદ, બેજ અથવા મેટલિક ફિનિશવાળા મિનિમલિસ્ટ મશરૂમ મિનિમલિસ્ટ ઘરો માટે બેસ્ટ ચૉઇસ છે. એમની ડિઝાઇન ભલે એકદમ સરળ હોય, પણ એ જોવામાં અતિશય એલિગન્ટ અને મૉડર્ન લાગે છે. સ્ટેઇન્ડ ગ્લાસ અને આર્ટિઝન મશરૂમ લૅમ્પ પણ લોકો ખૂબ પસંદ કરે છે. આ કોઈ સામાન્ય લૅમ્પ નથી પણ કારીગરો દ્વારા રંગીન કાચના ટુકડા જોડીને બનાવેલી અદ્ભુત કલાકૃતિ છે. આ લૅમ્પ્સમાં હૅન્ડમેડ ડિઝાઇન હોય છે જે રાત્રે ચાલુ થતાં જ દીવાલો પર રંગબેરંગી આકૃતિઓ બનાવે છે. એ લાઇટિંગ કરતાં વધુ ઘરમાં એક મોંઘા આર્ટ પીસ તરીકે કામ કરે છે. ટેક્નૉલૉજીની સાથે હવે વાયર વગરના અને USBથી રીચાર્જ થઈ શકે એવા મશરૂમ લૅમ્પ્સનો ક્રેઝ ખૂબ વધ્યો છે. વાયરની કોઈ ઝંઝટ ન હોવાને કારણે એને તમે બેડસાઇડ ટેબલ, લિવિંગરૂમ, બાલ્કની કે પછી ટેરેસ પર બનાવેલા કૅફે-સ્ટાઇલ કૉર્નરમાં પણ ગમે ત્યારે સરળતાથી મૂકી શકો છો.


ઘરમાં કેવી રીતે ડેકોરેટ કરવા?

તમારા સોફાની બાજુમાં આવેલા સાઇડ ટેબલ પર એક માર્બલ અથવા વુડન ફિનિશવાળો મશરૂમ લૅમ્પ મૂકો. એની આસપાસ બે-ત્રણ પુસ્તકો અને એક નાનું ઇન્ડોર પ્લાન્ટનું કૂંડું રાખો. આનાથી આખો કૉર્નર મૅગેઝિન જેવો એકદમ લક્ઝુરિયસ લાગશે.


બેડરૂમના સાઇડ ટેબલ પર બ્રાઇટ નાઇટ લૅમ્પને બદલે ડીમેબલ LEDવાળો મશરૂમ લૅમ્પ લગાવો. રાત્રે એની સૉફ્ટ, વૉર્મ લાઇટ બેડરૂમને એકદમ શાંત અને રોમૅન્ટિક વાતાવરણ આપશે.

કન્સોલ ટેબલ પર ઘરની એન્ટ્રીમાં જ એક બોલ્ડ આર્કિટેક્ચરલ મશરૂમ લૅમ્પ મૂકો. મહેમાનો ઘરમાં પ્રવેશશે ત્યારે આ યુનિક ડિઝાઇન જોઈને જ પ્રભાવિત થઈ જશે.

તમારી પાસે જો બુકશેલ્ફ હોય તો પુસ્તકોની વચ્ચે એક નાનો વાયરલેસ (રીચાર્જેબલ) મશરૂમ લૅમ્પ ગોઠવી દો. એ પુસ્તકો પર ખૂબ જ સુંદર પડછાયો પાડશે અને તમારા રીડિંગ-ઝોનને આકર્ષક બનાવશે.

નવા ટ્રેન્ડના મશરૂમ લૅમ્પનો મુખ્ય હેતુ આખા રૂમમાં ધોળો દૂધ જેવો ઉજાસ ફેલાવવાનો નથી, પણ એક સ્કલ્પ્ચરલ મૂડ ક્રીએટ કરવાનો છે. તેથી હંમેશાં એવા લૅમ્પ પસંદ કરો જેમાં લાઇટ નીચેની તરફ નમતી હોય અને સૉફ્ટ ગ્લો આપતી હોય.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK