જપાનમાં કાંકેત્સુ તરીકે ઓળખવામાં આવતી ટેક્નિક પણ આ જ કરવાનું કહે છે. પારાવાર વ્યસ્તતા વચ્ચે થોડીક સ્પેસ પોતાના માટે ફાળવીને પર્સનલ ગ્રોથ પ્રમોટ કરતી અને આંતરિક તેજને વધારવા માટે મોટિવેટ કરતી આ પદ્ધતિ શું છે અને એની પ્રૅક્ટિકલ ઍપ્લિકેશન પર ચર્ચા કરીએ
પ્રતીકાત્મક તસવીર
આપણે અત્યારે એ સમયમાં જીવીએ છીએ જ્યાં નોટિફિકેશન ઍન્ગ્ઝાયટી સામાન્ય બનતી જાય છે. માઇન્ડ સતત અલર્ટ મોડમાં રહે છે અને આ જ કારણ છે કે ખૂબ સ્વસ્થ જીવનશૈલી જીવતા લોકો પણ સ્ટ્રેસ સામે હારી જાય છે અને જીવનશૈલીને લગતી બીમારીઓને નોતરું આપી બેસે છે. વ્યસ્ત જીવન અને ડિજિટલ ડિપેન્ડન્સીએ બ્રેઇનની નૅચરલ રિધમને ખોઈ દીધી છે, હૉર્મોનલ સિસ્ટમને ખોરવી દીધી છે અને થોડીક ક્ષણોની એકાગ્રતા પણ અમૂલ્ય બનતી જાય છે ત્યારે મનને સ્થિર કરીને વધુ બહેતર રીતે આગળ વધારવા માટે વિવિધ કલ્ચરમાં આવતી જાત-જાતની પદ્ધતિઓ વિશે જાણવું અને એને અમલમાં ઉતારવું એ જરૂરિયાત બની રહ્યું છે. ભારત માટે જેમ યોગ અને ધ્યાનના વિવિધ અભ્યાસો છે જે મનની સ્થિરતાને વધારનારા છે એમ દુનિયાની અન્ય સંસ્કૃતિઓએ પણ આવી જ કેટલીક પદ્ધતિઓ આપી છે. જપાનની કાંકેત્સુ એમાંની જ એક પદ્ધતિ છે. જાણીએ શું છે કાંકેત્સુ અને કઈ રીતે એ કામ કરે છે.
કાંકેત્સુ શું છે?
ADVERTISEMENT
જૅપનીઝ સંસ્કૃતિમાં કાંકેત્સુ એટલે વધારાના કચરાને દૂર કરવો અને જે જરૂરી છે એના પર ફોકસ કરવું. કાંકેત્સુ આપણને શીખવે છે કે જીવનમાં ક્લટર જેટલો ઓછો હશે, વિચારવાની શક્તિ એટલી જ સ્પષ્ટ હશે. કાંકેત્સુમાં સ્ટેપ બાય સ્ટેપ આપણા માઇન્ડના અને જીવનના કચરાને દૂર કરવાનાં રસ્તાઓ આપ્યા છે. એ રસ્તાઓ અપનાવો એટલે ધીમે-ધીમે આપોઆપ જ વ્યક્તિ માનસિક રીતે વધુ ક્લિયર અને સાફ થતી જશે. કાંકેત્સુ આપણને એક ડગલું પાછળ હટવાનું આમંત્રણ આપે છે, આપણી જાતને પૂછવા માટે પ્રેરિત કરે છે : અહીં ખરેખર શું મહત્ત્વનું છે? શું આપણને વધુ શબ્દોની જરૂર છે, વધુ વસ્તુઓની જરૂર છે કે પછી આપણે વસ્તુઓને એની મૂળ સ્થિતિમાં જ રહેવા દઈ શકીએ? જ્યારે આપણે આપણા ઘરમાં, આપણા કામમાં અથવા આપણી વાતચીતમાં આ વિચારને સન્માન આપીએ છીએ ત્યારે હળવાશ આપોઆપ આવતી જાય છે. આપણે જે કહેવા કે કરવા માગીએ છીએ એની સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાઈ શકીએ છીએ.
આપણે ત્યાં પણ છે
તમે જ્યારે કાંકેત્સુ અપનાવો છો ત્યારે બહારની વાહવાહીથી મુક્ત થઈને આંતરિક સંતોષ તરફ ગતિ કરો છો. જૅપનીઝ સંસ્કૃતિમાં આ ગુણને આદર આપવામાં આવે છે. જોકે માત્ર આ જપાનની વાત નથી. આપણે ત્યાં પણ આવા સિદ્ધાંતો આવે છે. આ સંદર્ભે યોગશિક્ષક, સાઉન્ડ હીલર, રેકી જેવી અઢળક હીલિંગ મોડાલિટીનાં જાણકાર શાંતિ ગાલા કહે છે, ‘અત્યારે આપણે જરૂર કરતાં વધુ એક્સ્ટ્રોવર્ટ બની ગયા છીએ. જરૂર કરતાં વધુ એક્સપોઝર, જરૂર કરતાં વધુ બોલવું, જરૂર કરતાં વધુ શૅર કરવું આ બધું જ આપણી અંદરની દુનિયાથી આપણને દૂર કરી રહ્યું છે. ફરી જાત સાથે જોડાવાની પ્રોસેસ માટે યોગમાં પ્રત્યાહારનો કન્સેપ્ટ આપ્યો છે. એવી જ રીતે જૈનીઝમમાં અપરિગ્રહવાદની વાત આવે છે જેની ડેફિનેશન અને કાંકેત્સુની વાતમાં ખૂબ સામ્ય છે. આજના સમયમાં પ્રૅક્ટિકલી તમારે મનથી સ્થિર થવું, એકાંતમાં મૌનને માણવું, જરૂરિયાતો ઘટાડીને જાતને અંતર્મુખી કરવાની પ્રૅક્ટિસ કરવી હેલ્ધી માઇન્ડ અને બૉડી માટે જરૂરી છે. કાંકેત્સુનો કન્સેપ્ટ તમને એ અવકાશ, એ મોકળાશ આપે છે જેમાં તમે વિચારી શકો, સભાનતાપૂર્વક શ્વાસ લઈ શકો.’
મુખ્ય મુદ્દાઓ
વિચારોનું શુદ્ધીકરણ : આપણું મન ઘણી વાર ભૂતકાળની ચિંતા કે ભવિષ્યના ડરમાં અટવાયેલું હોય છે. કાંકેત્સુ મુજબ દરરોજ ૧૦-૧૫ મિનિટનો ‘સાયલન્સ ટાઇમ’ ફાળવો. આ સમયે કોઈ ગૅજેટ્સ નહીં, કોઈ પુસ્તક નહીં. માત્ર તમે અને તમારા શ્વાસ. આ પ્રૅક્ટિસ મનમાં ચાલતા બિનજરૂરી વિચારોને શાંત કરીને ક્લિયર થિન્કિંગ માટે જગ્યા બનાવે છે.
ના પણ જરૂરી : દરેક જગ્યાએ હાજર રહેવું જરૂરી નથી. તમારા રૂટીનમાંથી એવી પ્રવૃત્તિઓ કાઢી નાખો જે તમારા પર્સનલ ગ્રોથમાં મદદરૂપ નથી થતી. તમે જ્યારે બિનજરૂરી સામાજિક દબાણોને ‘ના’ કહો છો ત્યારે તમે તમારા પોતાના માટે ‘સ્પેસ’ ઊભી કરો છો.
મિનિમલિસ્ટ લિવિંગ : તમારી આસપાસનું વાતાવરણ તમારા મનનું પ્રતિબિંબ છે. જો તમારી ડેસ્ક કે તમારી રૂમ અસ્તવ્યસ્ત હશે તો વિચારો પણ એવા જ રહેશે. કાંકેત્સુ મુજબ તમારી આસપાસ માત્ર એટલી જ વસ્તુઓ રાખો જે ખરેખર ઉપયોગી હોય. ભૌતિક સ્પષ્ટતા માનસિક શાંતિ તરફ દોરી જાય છે.
શૉર્ટ ઍન્ડ સ્વીટ : કોઈ પણ કામને લાંબું ખેંચવાને બદલે એને ટૂંકમાં અને અસરકારક રીતે પૂરું કરો. ભલે એ કામ ઈ-મેઇલ લખવાનું હોય કે મીટિંગ કરવાનું હોય. જ્યારે તમે ટુ ધ પૉઇન્ટ રહો છો ત્યારે તમારી એનર્જી બચે છે જેનો ઉપયોગ તમે તમારી સર્જનાત્મકતા ખીલવવા માટે કરી શકો છો.
આટલું ટ્રાય કરી શકાય?
તમારા જીવનમાં કાંકેત્સુની ભાવના લાવવા માટે તમારે તમારી આખી લાઇફસ્ટાઇલને સંપૂર્ણપણે બદલી નાખવાની જરૂર નથી. શરૂઆત કરવા માટે અહીં કેટલીક નાની અને સરળ રીતો છે.
તમારા શબ્દોને સુધારો, પણ હૃદયની હૂંફ જાળવી રાખો : હવે પછી જ્યારે તમે કંઈક લખો અથવા બોલો ત્યારે તમારો અર્થ ઓછા શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો, પરંતુ એમાં રહેલી હૂંફ અને લાગણીને ઓછી ન થવા દો.
ભૌતિક અને માનસિક બન્ને પ્રકારના કચરાને દૂર કરો : ભલે વાત તમારી પોતાની રૂમની હોય કે તમારા વિચારોની, ધ્યાન આપો કે કઈ વસ્તુઓ ખરેખર અનિવાર્ય છે અને બાકીની બિનજરૂરી વસ્તુઓને સભાનતા સાથે છોડતાં શીખો.
મૌન શોધો : કેટલીક વાર કંઈ ન બોલવું એ સૌથી શક્તિશાળી બાબત હોય છે. વાતોની વચ્ચે આવતા વિરામને જ બોલવા દો.
એક સમયે એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો : તમે જે પણ કામ હાથમાં લો એને તમારું સંપૂર્ણ ધ્યાન આપો. એ પછી જે માનસિક શાંતિ મળશે એનાથી તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો.
