Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > દિવાળીમાં લક્ષ્મીજી ઘરે પધારે એટલે ઘર કદી બંધ ન કરાય

દિવાળીમાં લક્ષ્મીજી ઘરે પધારે એટલે ઘર કદી બંધ ન કરાય

Published : 09 November, 2026 09:23 AM | IST | Mumbai
Darshini Vashi

મુંબઈમાં તહેવારોના દિવસોમાં બહાર ફરવા નીકળી જવાનો શિરસ્તો હવે ટ્રેન્ડ બની રહ્યો છે ત્યારે પણ દિવાળી અને બેસતા વર્ષના દિવસોમાં કદી ઘર બંધ ન કરવાની પરંપરા વર્ષોથી આ પરિવારોએ જાળવી રાખી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હિન્દુ સંસ્કૃતિમાં દિવાળીના પાંચ દિવસોને અત્યંત પવિત્ર અને મંગળકારી માનવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના આ પાંચ દિવસોમાં ધનની દેવી માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોના ઘરે પધારે છે તેમ જ આ દિવસોમાં વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મક ઊર્જા વધુ હોય છે, જે ખુલ્લા ઘરોમાં દાખલ થતી હોય છે. તેથી આપણા અસ્સલના લોકો દિવાળી દરમ્યાન ઘર બંધ કરીને જવાનું ટાળતા હતા, પરંતુ આજે દિવાળીની રજા પડે એ પહેલાં લોકોનાં બિસ્તરાપોટલાં બંધાઈ જતાં હોય છે અને જેવું વેકેશન શરૂ થાય કે તરત ઘર બંધ કરીને ક્યાં તો આઉટસ્ટેશન ફરવા નીકળી જતા હોય છે અથવા તો પોતાના વતન જતા રહેતા હોય છે, પરંતુ આજે પણ મુંબઈમાં એવા કેટલાક પરિવારો છે જેઓ દિવાળીના મુખ્ય દિવસોમાં ક્યારેય ઘર બંધ કરતા નથી. તેમનું માનવું છે કે તહેવારની સાચી મજા ત્યારે જ આવે જ્યારે એ પરંપરાગત રીતે પરિવારના સદસ્યોની સાથે મળીને પોતાના ઘરમાં ઊજવાય.

બાળકો પણ દિવાળીમાં બહાર જવાની ક્યારેય જીદ નથી કરતાં ઃ ભાવના પંડ્યા, પવઈ




પવઈ ખાતે રહેતાં ભાવના પંડ્યા કહે છે, ‘અમે દિવાળીમાં ક્યારેય ઘર બંધ કર્યું નથી. મારાં લગ્ન થયાંને ૪૩ વર્ષ થઈ ગયાં છે, પણ આજ સુધીમાં મને એક પણ એવી દિવાળી યાદ નથી જ્યારે અમે ઘર બંધ કરીને બહાર ગયાં હોઈએ. દિવાળી આપણો મુખ્ય તહેવાર છે અને એની સાથે આ દિવસોમાં કરવામાં આવતી પૂજાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે. આ દિવસોમાં ઘરમાં દીવા કરવાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે. બાર મહિનાની પહેલી અજવાળી અમાસ દિવાળી હોય છે. તો આવા મહત્ત્વના ગણાતા દિવસોમાં ઘર કેવી રીતે બંધ કરી શકાય? અમે તો આ પાંચે દિવસ ઘરમાં રહીને પરંપરાગત રીતે પૂજાપાઠ કરીએ છીએ. ઘરમાં બનેલો નાસ્તો અને મિષ્ટાન્ન ખાઈએ છીએ અને રાત્રે દીવાથી ઘરને પ્રજ્વલિત કરીએ છીએ. પહેલાં બાળકો નાનાં હતાં ત્યારે દિવાળીમાં બહાર જવા માટે કહેતાં, પણ જયારે તેમને ઘર બંધ કરીને ન જવા પાછળનું ધાર્મિક કારણ સમજાવ્યું તો તેઓ માની ગયાં હતાં.’

દિવાળીમાં બહાર જવાની વાત કરવાની જ નહીં ઃ રેખા સીતાપરા, સાંતાક્રુઝ


આ પાંચ દિવસ મને કોઈના ઘરે જવાનું ગમતું નથી અને ઘર બંધ કરવાનું પણ ગમતું નથી એમ જણાવતાં સાંતાકુઝમાં રહેતાં રેખા સીતાપરા કહે છે, ‘દિવાળીના દિવસોમાં થતી પૂજાનું મહત્ત્વ અનેરું છે, જે કોઈ પણ સંજોગોમાં થવી જ જોઈએ એવું મારું માનવું છે. આપણા ધર્મમાં જે કંઈ પણ સૂચવ્યું છે એની પાછળ ચોક્કસ કોઈ ને કોઈ કારણ અને લૉજિક હોય છે. પહેલાંના સમયમાં લોકો દિવાળીનો તહેવાર ઘરે રહીને રીતસરની પૂજા અને દીવાબત્તી કરીને ઊજવતા હતા, પરંતુ હવે લોકો બધું ભૂલી ગયા છે. એવું ન હોવું જોઈએ. મારો તો એક જ નિયમ છે કે જેને ફરવા જવું હોય તે જઈ શકે છે, પણ હું ક્યારેય ઘરને છોડીને જતી નથી. ઘરની સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે એટલે તેણે તો ખાસ આ દિવસોમાં ઘરમાં જ રહેવું જોઈએ. અમને જોઈને અમારાં બાળકો પણ આ બાબતોને ફૉલો કરે છે, જેનો મને આનંદ છે.’

ઘરના જેવી દિવાળીની મજા બીજે ક્યાં આવે જ છે?ઃ ડિમ્પલ માલદે, ગોરેગામ

‘અમે ઘરે જ એટલી સરસ રીતે દિવાળી ઊજવીએ છીએ કે બહાર જવાનું મન જ થતું નથી,’ એમ જણાવતાં 
ગોરેગામ-ઈસ્ટમાં રહેતાં ડિમ્પલ માલદે કહે છે, ‘અમે દિવાળીમાં કશે જતાં જ નથી. સાચું કહું તો દિવાળીમાં ઘરની બહાર જવાનું મન પણ થતું નથી. એક તો દિવાળીના દિવસમાં ઘરમાં અંધારું રાખવાનું ન ગમે અને બીજું એ કે અમે ઘરના લોકો એટલી સરસ રીતે દિવાળી ઊજવીએ છીએ કે અમને ક્યારેય બહાર જવાની ઇચ્છા પણ થતી નથી. અમારાં બાળકો પણ બહાર જવાની ના જ પાડે છે. અમારા પરિવારના સભ્યો બાજુ-બાજુના બિલ્ડિંગમાં જ રહે છે. દિવાળીના પાંચે દિવસ અમે બધા ભેગા થઈએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ. ફટાકડા પણ અમે બધા સાથે મળીને જ ફોડવા જઈએ છીએ. આવી મજા અને પરંપરાને છોડીને કોને બહાર જવાનું મન થાય?’

૬૦ વર્ષમાં ક્યારેય ઘર બંધ કરીને જવાનો વિચાર પણ આવ્યો નથી ઃ સુરેશ ખાખરિયા, માટુંગા

બાળકો માટે તેમનું ઘર જ તેમની પહેલી શાળા છે અને માતા-પિતા તેમનાં પ્રથમ શિક્ષક છે. પોતાના પરિવારને જોઈને બોલતાં, આદર આપતાં અને સારા-નરસાનો ભેદ પારખતાં શીખે છે. એવી જ રીતે ધાર્મિક રીતિરિવાજોનો પણ તેઓ એવી રીતે અમલ કરે છે. માટુંગામાં રહેતા સુરેશ ખાખરિયા કહે છે, ‘અમારા પેરન્ટ્સને અમે નાના હતા ત્યારથી જોતા આવ્યા છીએ કે તેઓ દિવાળીના દિવસોમાં ઘરમાં જ રહીને પૂજાપાઠ અને દીવાબત્તી કરતા હોય. આ દિવસોમાં ઘરમાં તાળું લગાવતા નહીં. એવા જ સંસ્કાર અમારામાં આવ્યા અને અમે પણ વર્ષોથી આવી રીતે જ દિવાળી ઊજવીએ છીએ. ૬૦ વર્ષમાં મને યાદ પણ નથી કે અમે કયારેય દિવાળીમાં ક્યાંક બહાર ગયા હોઈએ. દિવાળીના દિવસમાં ઘરમાં અંધારું ન રહેવું જોઈએ. લાઇટોનો ઝગમગાટ નહીં હોય તો એક વખત ચાલી જશે, પણ છેલ્લે દીવા તો હોવા જ જોઈએ. અંધારું ન હોવું જોઈએ. એક તરફ આપણે લક્ષ્મીજીનું ઘરમાં આગમન થાય એ માટે કેટલી મહેનત કરતા હોઈએ અને જ્યારે આગમન થવાનું હોય ત્યારે ઘરમાં તાળું લગાવીને જતા રહીએ તો કેવી રીતે ચાલશે? હું પોતે ચાર દિવસ દુકાન બંધ રાખું છું, છતાં બહાર ફરવા જવાનો વિચાર પણ આવતો નથી.’

દિવાળી વર્ષમાં એક જ વખત આવે એટલે ઘરે તો રહેવું જ જોઈએ ઃ ક્રિષ્ના ઓઝા, મલાડ

મલાડમાં રહેતાં ક્રિષ્ના ઓઝા કહે છે,  ‘અગિયારસથી લઈને નવા વર્ષ સુધીના દિવસોમાં અમે ક્યારે પણ ઘર બંધ કરીને ગયાં નથી. મારા પિયરમાં પણ દિવાળીના દિવસોમાં ક્યારેય ઘર બંધ નહોતું કરવામાં આવતું. મને આ પરંપરા જાળવી રાખવાનું ગમે છે, કેમ કે એની પાછળ આપણી ધાર્મિક લાગણીઓ છે. બાળકોને સ્કૂલમાં વેકેશન હોય છે છતાં અમે દિવાળીમાં ફરવા જવાનું ક્યારેય વિચાર્યું પણ નથી. ઘરમાં હો તો તમે મુખ્ય દિવસોમાં પૂજાપાઠ કરી શકો અને સાંજના સમયે દીવાબત્તી પણ કરી શકો. ઘરને શણગારી શકો અને મહેમાનોને પણ આવકારી શકો. ઘરમાં બનેલી મીઠાઈ અને ફરસાણને પરિવાર સાથે બેસીને ખાઈ શકો છો. ફરવા જવા માટે તો બીજા ઘણા દિવસો મળી જશે, પરંતુ દિવાળી તો વર્ષમાં એક જ વખત આવે છે એટલે ત્યારે તો ઘરે જ રહેવું જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 09:23 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK