Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: રોશની અને સજાવટથી ઝળહળી ઊઠ્યું માટુંગા, સાથે ઊજાળી ખેડૂતોની દિવાળી

News In Shorts: રોશની અને સજાવટથી ઝળહળી ઊઠ્યું માટુંગા, સાથે ઊજાળી ખેડૂતોની દિવાળી

Published : 09 November, 2026 07:33 AM | Modified : 09 November, 2026 02:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિકો દ્વારા પારંપારિક રીતે બધી જ વ્યવસ્થાઓ અને સુશોભનો કરીને માટુંગા-ઈસ્ટને દિવાળીના પવિત્ર તહેવારનો ખરો રંગ દાખવ્યો હોય એવું ભાસતું હતું

તસવીર: આ‌શિષ રાજે

તસવીર: આ‌શિષ રાજે


લાસ્ટ માઇલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શનિવારથી ત્રણ દિવસનો માટુંગા લાઇટ્સ અપ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો એ દરમ્યાન યુવાનોએ માટુંગા-ઈસ્ટમાં મહેશ્વરી ઉદ્યાનના બ્રિજ નજીક રંગબેરંગી સજાવટો અને રોશનીઓ ઉપરાંત ફટાકડાઓ ફોડીને આખા વાતાવરણને તહેવારના રંગોમાં સજાવી દીધું હતું. સ્થાનિકો દ્વારા પારંપારિક રીતે બધી જ વ્યવસ્થાઓ અને સુશોભનો કરીને માટુંગા-ઈસ્ટને દિવાળીના પવિત્ર તહેવારનો ખરો રંગ દાખવ્યો હોય એવું ભાસતું હતું. જોકે આ ફક્ત સેલિબ્રેશન પૂરતું જ મર્યાદિત નહોતું. આ આખો કાર્યક્રમ મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદ કરવા માટે અને તેમનાં કુટુંબોને મદદ કરી શકાય એ માટે જાગરૂકતા ફેલાવીને તેમની માટે ફન્ડ-ફાળો ઊભો કરવા માટે પણ હતો. ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડ (CMRF) અંતર્ગત આ ફાળો ઊભો કરવા ઉપરાંત આ કાર્યક્રમ યોજનારાઓ દ્વારા ૫૦૦૦ પર્સનલ મેસેજ ખેડૂતો સુધી પહોંચાડીને ૫૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. એટલે રંગોત્સવ, રંગબેરંગી, રોશનીથી ભરેલી દિવાળીની ઉજવણી સાથે પર્યાવરણ અને ખેડૂતોની મદદ સાથેનો આ કાર્યક્રમ પાર પડ્યો હતો. 

શ્રીનગરમાં ૧૦,૦૦૦ દીવડાઓની રંગોળી




જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગઈ કાલે લાલ ચોક પર દિવાળીની સાંજે દીવડાઓ અને રંગોથી મનમોહક રંગોળી રચવામાં આવી હતી. લાલ ચોક અને ઘંટા ઘરના આખા વિસ્તારમાં ૧૦,૦૦૦ દીવડાઓથી રોશની કરવામાં આવી હતી.

શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ, ઘાટકોપર દ્વારા ભવ્ય સમૂહ ચોપડા પૂજનનું આયોજન


દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ, ઘાટકોપર દ્વારા પરંપરાગત સમૂહ ચોપડા પૂજનનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ૫૦થી વધુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિધિવત્ ચોપડા પૂજન કર્યું હતું અને નવા વર્ષમાં વેપાર-ધંધામાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સમાજના ટ્રસ્ટી જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે `છેલ્લાં છ વર્ષથી આપણો સમાજ સતત આ ભવ્ય સમૂહ ચોપડા પૂજનનું આયોજન કરી રહ્યો છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને સંસ્કારોનું જતન કરવું એ આપણી સૌની જવાબદારી છે. આવનારી પેઢીને પણ આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો પ્રાપ્ત થાય એ હેતુથી અમે ભવિષ્યમાં પણ આ પરંપરાને વધુ ભવ્યતા સાથે ચાલુ રાખીશું.` તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા સામૂહિક ધાર્મિક આયોજનો દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સહકારની ભાવના વધુ મજબૂત બને છે.

પ્રભાદેવી સ્ટેશન પર નવા દાદરા ખુલ્લા મુકાયા 

પ્રભાદેવી સ્ટેશન ખાતે દાદર સાઇડના ફુટઓવર બ્રિજ પર ચડવા-ઊતરવા સેન્ટ્રલ રેલવે દ્વારા નવા દાદરા (સ્ટેરકેસ)નું કામ ચાલી રહ્યું હતું. એ કામ પૂરું થઈ ગયું છે અને ગઈ કાલે દિવાળીના શુભ દિવસે પ્રવાસીઓ માટે એ સુવિધા ખુલ્લી મુકાઈ હ‌તી. એથી હવે ખાસ કરીને પીક અવર્સમાં લોકોને ફુટઓવર બ્રિજ પર ચડવા-ઊતરવામાં આસાની રહેશે અને એથી ફુટઓવર બ્રિજ પર ભીડ પણ ઓછી થશે. આ દાદરા બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ માત્ર ૮૦ દિવસમાં રેકૉર્ડ-બ્રેક પિરિયડમાં આ દાદરા બનાવી લેવાયા છે. ‍

ઘાટકોપરમાં આગ લાગ્યાની જાણ થતાં જ વિધાનસભ્ય પરાગ શાહ સ્પૉટ પર પહોંચી ગયા 
ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી પુણે વિદ્યા ભવન પાસેની શિવનેરી હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે શનિવારે આગ ફાટી નીકળી હતી. એ ઘટનાની જાણ થતાં જ વિધાનસભ્ય પરાગ શાહ ત્યાં પહોંચી ગયા હતા. સોસાયટીના લોકોએ દાખવેલી અલર્ટનેસ અને ફાયરબ્રિગેડ સાથે તેમણે કરેલા કૉર્ડિનેશનને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. પરાગ શાહે અધિકારીઓ સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો અંદાજ લીધો હતો. તેમણે સોસાયટીના રહેવાસીઓની અલર્ટનેસને બિરદાવી હતી. 

કાસારવડવલીના બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગતાં ચાર ઘાયલ, બે જણને બચાવી લેવાયા 

થાણેના ઘોડબંદર રોડ પર કાસારવડવલી ખાતે આવેલા અરવલ્લી હાઇટ્સમાં સાતમા માળના કૉરિડોરમાં શનિવારે મધરાત બાદ ૧૨.૨૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં સાતમા માળે આવેલા ૭૦૪-નંબર ફ્લૅટમાં રહેતા પરિવારના ત્રણ જણને ઈજા થઈ હતી. પાંચમા માળે રહેતા ૬૭ વર્ષના રાજેન્દ્ર જોશી આગ લાગ્યા બાદ ઝડપથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે તેમના પગમાં ઈજા થઈ હતી. તેમને ઘટનાસ્થળે પહોંચેલી ઍમ્બ્યુલન્સ સાથેના ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. 
સાતમા માળે આવેલા ફ્લૅટ-નંબર ૭૦૧માં બે લોકો ફસાઈ ગયા હતા જેમને ફાયરબ્રિગેડના જવાનોએ બચાવીને બહાર કાઢ્યા હતા. રાતે ૧૨.૨૦ વાગ્યે લાગેલી આગ પર ૧.૧૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો.  

પબ્લિકના રક્ષક પોલીસની અનોખી સલામ

ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા કે દિવાળી કોઈ પણ તહેવાર હોય, મુંબઈગરા એ તહેવારો શાંતિથી અને સુરક્ષાપૂર્વક ઊજવી શકે એ માટે મુંબઈ પોલીસ ૨૪ કલાક ખડે પગે તેની ફરજ બજાવતી હોય છે. તેમના તહેવારો તો ઘર-પરિવારથી દૂર બંદોબસ્તમાં જ પૂરા થઈ જતા હોય છે. વરલીના રહેવાસીઓના ‘આમ્હી વરલીકર’ ગ્રુપે આ વર્ષે પોલીસ-વૅનનું કંડીલ લગાડી પોલીસ દળ માટે કૃતજ્ઞતા દાખવી તેમની સેવાનો અનોખી રીતે આભાર માન્યો છે. અનેક લોકો આ કંડીલ જોવા જઈ રહ્યા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સામૂહિક ચોપડાપૂજન

દાદર-ઈસ્ટમાં સ્ટેશન સામે જ આવેલા બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) મંદિરના યોગી સભાગૃહમાં દર વર્ષની જેમ ગઈ કાલે સામૂહિક ચોપડાપૂજનનું આયોજન કરાયું હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના વેપારીઓ દ્વારા સંતોના પાવન હસ્તે પૂજન થયેલા અને આશીર્વાદ પામેલા એ રોજમેળ અને ખાતાવહીમાં તેમનો વર્ષભરનો હિસાબ માંડતા હોય છે. પૂજ્ય ભક્તિપરિચય સ્વામી અને પૂજ્ય અભયસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં ગઈ કાલે એકસાથે ૬૫૦૦થી વધુ ચોપડાનું પૂજન કરતી વખતે સંતો દ્વારા બોલાયેલા શ્લોકો અને આશીર્વચનોથી માહોલ ભક્તિમય થઈ ગયો હતો. તસવીરઃ અતુલ કાંબળે 

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટની ટ્‍‌વિન ટનલની બીજી ટનલના ખોદકામનો શુભારંભ

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) માટે ટ્‍‌વિન ટનલ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવી છે. શનિવારે ટનલ બોરિંગ મશીન (TBM) વિહાર દ્વારા બીજી ટનલનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે TBM તુલસી દ્વારા ૨૭૦ મીટરનું ખોદકામ પૂરું થઈ ચૂક્યું છે. મુંબઈના પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોને જોડવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા GMLR પ્રોજેક્ટનો સંજય ગાંધી નૅશનલ પાર્ક નીચેથી ટનલ બનાવવાનો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂરો થઈ ગયો છે. 

મુંબઈ ઍરપોર્ટની છતનો ભાગ પડ્યો, એક જણ જખમી

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA)ના ટર્મિનલ-2 પરની ફૉલ્સ સીલિંગનો થોડો ભાગ રવિવારે તૂટી પડતાં એક જણ જખમી થયાની ઘટના બની હતી. ઍરપોર્ટની ઇમર્જન્સી મેડિકલ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને જખમી થયેલી વ્યક્તિને ફર્સ્ટ-એઇડ આપી હતી. જોકે આ ઘટનામાં તે વ્યક્તિને વધુ ઈજા પહોંચી ન હોવાનું ઍરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જોકે આ ઘટનાના કારણે ઍરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા સીલિંગ શેના કારણે પડી એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK