એક સમયે આત્મહત્યાનો વિચાર કરી બેઠેલો અમેરિકન ઇન્ડિયન રિશી ઝવેરી જીવનના સાચા આનંદને પામવા દીક્ષા લઈ રહ્યો છે : તમામ ભૌતિક સુખસગવડો છોડીને સંયમમાર્ગ સુધી પહોંચવાની તેની યાત્રા ૧૧ વર્ષની રહી છે
પંન્યાસ પ્રવર શ્રી વિરાગરત્ન મહારાજસાહેબ સાથે રિશી ઝવેરી, રિશીના દીક્ષામહોત્સવમાં સહભાગી થવા વિદેશથી સવાસોથી દોઢસો લોકો આવશે
સવા કરોડ રૂપિયાની સૅલેરી, લક્ઝરી લાઇફસ્ટાઇલ છોડીને આ અમેરિકન જૈન યુવાન શા માટે દીક્ષા લઈ રહ્યો છે?
થાણેમાં જન્મેલો અને ૨૮ વર્ષથી અમેરિકામાં રહેતો ૩૦ વર્ષનો રિશી ઝવેરી ૮ જૂને શહાપુરમાં સંયમમાર્ગે પ્રયાણ કરવાનો છે : રિશીનાં મમ્મી સુનીતાબહેન પણ દીકરા સાથે દીક્ષા લઈ રહ્યાં છે
ADVERTISEMENT
અમેરિકામાં રિશી ઝવેરી
આજના યુથને એ જ સંદેશ છે કે તમારી પાસે થોડો સમય હોય ત્યારે સાધુભગવંત સાથે સમય વિતાવો. ભલે તમે દીક્ષા ન લો, મને લાગે છે કે ફક્ત એક કે બે દિવસનું તેમના પ્રત્યેનું નિરીક્ષણ પણ તમારા જીવનના દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે. - રિશી ઝવેરી
ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકા સેટલ થઈ જવાનો અને ત્યાંની ગ્લૅમરસ લાઇફસ્ટાઇલ માણવાનો ક્રેઝ મોટા ભાગે વિશ્વની દરેક વ્યક્તિમાં જોવા મળે છે, પણ છેલ્લાં ૨૮ વર્ષ અમેરિકામાં રહ્યા બાદ ત્યાંની લક્ઝરી લાઇફસ્ટાઇલ અને વર્ષે સવા કરોડ રૂપિયાના પગારની જૉબ છોડીને જીવનમાં સાચા આનંદને પામવા ૩૦ વર્ષનો રિશી ઝવેરી ૮ જૂને મુંબઈ પાસે શહાપુરમાં આવેલા શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિર તીર્થમાં સંયમ ગ્રહણ કરશે. ખાસ વાત એ છે કે રિશી ઝવેરીની સાથે તેનાં મમ્મી સુનીતાબહેન પણ દીક્ષા લેશે.
મમ્મી સુનીતાબહેન
મૂળ વતન ખંભાત અને પોતાના જન્મ સમયે થાણેમાં રહેતો રિશી ઝવેરી બે વર્ષનો હતો ત્યારે જ પોતાની ફૅમિલી સાથે અમેરિકાના મિશિગન સ્ટેટમાં આવેલા ડેટ્રોઇટ શહેરમાં શિફ્ટ થયો હતો. તેના પપ્પા મનીષભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને મમ્મી સુનીતાબહેન સૉફ્ટવેર એન્જિનિયર છે. ફુટબૉલ અને વિડિયો-ગેમ્સ રમતાં-રમતાં મોટા થયેલા રિશીએ કરાટેમાં બ્લૅક બેલ્ટ પણ મેળવ્યો છે. ડાન્સ, મ્યુઝિક, ટ્રેકિંગ, સિતાર અને વાંસળી વગાડવી એ તેના શોખ છે. તેણે રોબોટિક્સ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. શ્રી વીસા શ્રીમાળી સમાજનો રિશી ઝવેરી પોતાના જીવનમાં આવેલા આ પરિવર્તનની શરૂઆત વિશે જણાવતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૮ વર્ષથી હું મિશિગનમાં મોટો થયો છું. યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કમ્પ્યુટર સાયન્સમાં બૅચલર અને માસ્ટર ઑફ એન્જિનિયરિંગ કર્યું છે. મિશિગનમાં અમારી નજીક એક દેરાસર હતું અને મારાં માતા-પિતાએ એ એરિયા પસંદ કર્યો, કારણ કે ત્યાં એક જૈન સમુદાય હતો. અમારી ફૅમિલીમાં પહેલેથી જ ધર્મના સંસ્કાર હતા. એથી ઘણીબધી ધાર્મિક વિધિ હું કરતો હતો, પણ મને ક્યારેય એ બાબતોનું કારણ કે એ શા માટે કરવું એ ખબર નહોતી. ઘણી વાર પેરન્ટ્સના પ્રેશરમાં આવીને પણ આ બધી ધાર્મિક વિધિ મારે કરવી પડતી હતી. જૈન ધર્મ પ્રત્યે મારા મનમાં શ્રદ્ધા નહોતી. મારા મનમાં ઘણા સવાલો આવતા રહેતા. મારી લાઇફસ્ટાઇલ એક અમેરિકનની જેમ જ હતી. આજથી આશરે ૧૨ વર્ષ પહેલાં એટલે કે મારા માસ્ટર્સ થયા પહેલાં એક વખત અમદાવાદમાં રહેતા મારા મામા સુકેતુભાઈને ત્યાં જવાનું થયું. આ સમય દરમ્યાન ભુવનભાનુ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબના પ્રથમ શિષ્ય પંન્યાસ પ્રવર શ્રી વિરાગરત્ન મહારાજસાહેબને ઉપાશ્રયમાં મળવાનું થયું. હું ત્યાં ફક્ત તેમની સાથે દલીલ કરવા અને તેમને કહેવા ગયો હતો કે જૈનિઝમના સિદ્ધાંત ખોટા છે અને લોકોને મૂરખ બનાવી રહ્યા છે, પણ તેમને મળ્યા બાદ મારા મનમાં રહેલા ઘણા સવાલોના સંતોષકારક જવાબ મને તેમની પાસેથી મળ્યા. બીજા વર્ષે પણ કોઈ કારણસર અમદાવાદ જવાનું થયું અને ફરી મહારાજસાહેબને મળવાનું થયું. મારા મનમાં નક્કી થઈ ગયું કે તેમની પાસે કંઈક તો છે. આથી દર વર્ષે હું સમર-વેકેશન દરમ્યાન તેમને અમેરિકાથી અમદાવાદ મળવા જવા લાગ્યો અને ત્યારથી વસ્તુઓ બદલાવા લાગી અને હું મારામાં એક પરિવર્તન અનુભવવા લાગ્યો. તેમને મેં મારા ગુરુ બનાવ્યા.’
અમેરિકાને હંમેશાં માટે છોડીને ભારતમાં દીક્ષા લેવા માટે ૧ મેએ ટૉરોન્ટો ઍરપોર્ટ પરથી રિશી ઝવેરીએ મમ્મી સુનીતા ઝવેરી સાથે છેલ્લી ફલાઇટ પકડી હતી.
કાર-ઍક્સિડન્ટે બદલી જીવનની દિશા
પોતાના જીવનમાં આવેલી એક ઘટના વિશે જણાવતાં રિશી કહે છે, ‘હું ૨૦૧૬માં સેલ્સફોર્સ કંપનીમાં સિનિયર સૉફ્ટવેર એન્જિનિયર તરીકે જૉબ પર લાગ્યો હતો અને ભારતીય રૂપિયા પ્રમાણે વર્ષના આશરે સવા કરોડ રૂપિયાની સૅલેરી હતી. એક વખત મારી કારમાં ઑફિસ જતી વખતે કોઈએ પાછળથી મારી કારને ટક્કર મારી. શારીરિક રીતે હું ઠીક હતો, પણ કારને થોડું નુકસાન થયું હતું. ચાર-પાંચ દિવસ કાર રિપેરિંગ માટે મોકલવી પડી. ખરેખર કોઈ મોટી વાત નહોતી, પણ એનાથી મારે થોડા દિવસ ઘરેથી કામ કરવું પડ્યું. કારની ઇન્શ્યોરન્સ કંપની સાથે ક્લેમ માટે વ્યવહાર કરવો પડ્યો, દરરોજ એક કલાક આવું કામ કરવાનું જેના કારણે મારું આખું શેડ્યુલ બગડી ગયું અને એનાથી મારું મન ડિસ્ટર્બ થઈ ગયું હતું. મને લાગ્યું કે આ કેવી રીતે થઈ શકે? આ ન થયું હોત તો? આ એક નાનકડી ઘટનાથી મારી માનસિક શાંતિ ખોરવાઈ ગઈ. આ નાની ઘટનાએ મને હચમચાવી દીધો તો મોટી ઘટના વખતે શું થશે? મેં આચાર્ય શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબની જેલર નામની એક બુક વાંચી હતી. એમાં એક સરસ સલાહ હતી કે તમારું મન પેટ્રોલનું ટૅન્કર અથવા પાણીના ટૅન્કર જેવું હોઈ શકે. જો મન પેટ્રોલના ટૅન્કર જેવું હશે તો આ પ્રકારની ઘટનાથી બ્લાસ્ટ થશે, પણ જો પાણીના ટૅન્કર જેવું હશે તો આ પ્રકારની ઘટનાઓની કોઈ અસર મન પર નહીં થાય. સૈદ્ધાંતિક રીતે સરસ, પણ મને ખબર નહોતી કે મારા મનને પાણીના ટૅન્કર જેવું કેવી રીતે બનાવવું. મેં એ શીખ્યું નહોતું, એવું શું છે મારા ગુરુજી અને સાધુઓ પાસે કે તેમનું મન કોઈ અપેક્ષા વિના શાંત રહે છે? આ એક કાર-ઍક્સિડન્ટે આ બધું શરૂ કર્યું. અમે બધા એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ જ્યાં કંઈક ખોટું થાય છે અને એ થોડાં અઠવાડિયાં માટે અસર કરે છે. આ વખતે મને લાગ્યું કે આવું ફરી-ફરી થશે. જીવન હંમેશાં અનપેક્ષિત હોય છે. શું આવું જીવન હું ઇચ્છું છું? નહીં, હું એવું જીવન ઇચ્છું છું જ્યાં હું કોઈ ડિસ્ટર્બન્સ ન અનુભવું, જ્યાં હું ખુશ રહી શકું.’
કૉલેજ સમય દરમ્યાન પોતાના મિત્રો સાથે રિશી ઝવેરી (ઉપર ડાબેથી ત્રીજો).
આત્મહત્યાનો વિચાર અને ગુરુની સલાહ
યુનિવર્સિટીનાં વર્ષો દરમ્યાન એક બનાવ વિશે જણાવતાં રિશી કહે છે, ‘એક વખત હું યુનિવર્સિટીની કલ્ચરલ કમિટીમાં ડાન્સ પર આધારિત રાસ ટીમનો કૅપ્ટન બન્યો. એ સમયે સેમિસ્ટર ઘણું ટફ હતું. કામનો અતિશય બોજ અને ઘણા પ્રોજેક્ટ્સ હતા. ઘણા લોકોને મારી પાસેથી અપેક્ષાઓ હતી જે મારાથી પૂર્ણ થઈ શકવાની શક્યતા નહોતી. મારા પોતાના પણ અમુક પર્સનલ પ્રૉબ્લેમ હતા. મારા મગજ પર આ બધું હાવી થઈ ગયું હતું. હું ખૂબ જ ડિપ્રેશનમાં હતો. મને લાગતું કે જો આ હજી થોડો વધુ સમય ચાલુ રહેશે તો આત્મહત્યા કરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહીં બચે. મારી જે પરિસ્થિતિ હતી એમાં મારા મિત્રો, ફૅમિલી કે રૂપિયા-પૈસા મને કોઈ મદદ કરી શકે એ સ્થિતિમાં નહોતાં. એ સમયે એક મિત્રે મને સલાહ આપી કે હું જે સાધુ ભગવંતને અમદાવાદ મળ્યો હતો તેમને આ બધી વાત કરું. મેં મારા ગુરુદેવને મેસેજ મોકલાવ્યો, મારી પરિસ્થિતિ સમજાવી. તેમણે મને જે સલાહ આપી એ ખૂબ પર્સનલ હતી. દરેક વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને તેમની ક્રિયાઓ અને મારી પ્રતિક્રિયાઓને કેવી રીતે બદલવી એ વિશે તેમણે મને ખૂબ જ સારી સમજ આપી. તેમણે આપેલા માર્ગદર્શને મારું જીવન બે-ત્રણ અઠવાડિયાંમાં બદલી નાખ્યું. હું એ પ્રેશરને સરળતાથી હૅન્ડલ કરી શક્યો અને મારી પરિસ્થિતિનું સૉલ્યુશન લાવી શક્યો. તેમણે મને મદદ કરી. તેમના પર મારો વિશ્વાસ વધુ થયો. દર વર્ષે હું તેમને વેકેશન દરમ્યાન મળતો અને જે સવાલો મનમાં હોય એ પૂછતો. દર વખતે જવાબો હંમેશાં તરત નથી મળતા, કેટલાક જવાબો માટે અનુભવની જરૂર હોય છે. એ એક સતત વિકાસ હતો, હું અનુભવતો રહ્યો અને જોયું કે એ અસરકારક છે કે નહીં.’
જૈન ઍલર્ટ ગ્રુપની અમેરિકામાં આયોજિત એક શિબિર દરમ્યાન રિશી ઝવેરી.
યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ઑફ એન્જિનિયરિંગની ગ્રૅજ્યુએશન સેરેમની દરમ્યાન રિશી ઝવેરી.
ટ્રેકિંગ પર જતી વખતે રિશી ઝવેરી.
ગુરુ સાથેના નવ મહિના
રિશીએ મનમાં સતત આવતા સવાલોના જવાબ માટે પોતાની જૉબ એક વર્ષ બાદ છોડી દીધી હતી અને થોડા સમય માટે ગુરુદેવ પાસે રહેવાનું નક્કી કર્યું હતું. તે કહે છે, ‘અમેરિકામાં સામાન્ય રીતે લોકો ૧૭-૧૮ વર્ષની ઉંમરે પેરન્ટ્સને છોડીને અલગ રહેવા જતા હોય છે. તેમને ઇન્ડિપેન્ડન્સ જોઈતું હોય છે. મેં પણ આમ જ કર્યું હતું. પોતાનું ઘર અને કાર હતી અને અમેરિકન લાઇફસ્ટાઇલ હું જીવી રહ્યો હતો, પણ જીવનમાં આ બધું ક્ષણિક સુખ જેવું લાગતું હતું. મનમાં ઘણા પ્રશ્નો હતા એટલે મેં મારી જૉબ છોડીને ગુરુદેવ પાસે ૯ મહિના રહેવા જવાનું નક્કી કર્યું. રાજસ્થાનમાં એ વખતે તેમના વિહારો હતા. હું તેમની સાથે રહ્યો હતો. હું તેમની દિનચર્યા નિહાળતો. એ સમયે દીક્ષાની કોઈ વાત નહોતી. હું ફક્ત શીખવા માગતો હતો કે સંતોષી અને ખુશ જીવન કેવી રીતે જીવવું. આશરે ૧૫૦૦ કિલોમીટરના વિહાર મેં ગુરુ સાથે કર્યા, તેમની લાઇફસ્ટાઇલને ફૉલો કરી. મારા ગુરુએ મને ક્યારેય દીક્ષા લેવા દબાણ નહોતું કર્યું. તેઓ ફક્ત મારી ઇચ્છાઓ મુજબ મને શ્રેષ્ઠ જીવન જીવવામાં મદદ કરી રહ્યા હતા. હું તેમની સાથે એવી રીતે જોડાયેલો છું કે તેઓ મારા માટે જે પણ નિર્ણય લે એ મારા માટે યોગ્ય હશે. મેં અસંખ્ય ઉદાહરણો અનુભવ્યાં છે. એવું નથી કે કોઈએ મને કહ્યું અને મેં માની લીધું. મારા ગુરુએ મને શીખવ્યું કે જીવનના બે હેતુ હોવા જોઈએ : ગુણો વધારવા અને દોષો ઘટાડવા. મેં પણ મારા જીવનમાં એ અપનાવવાનું નક્કી કર્યું. ત્યાર બાદ હું પાછો અમેરિકા આવ્યો અને ફરી એ જ કંપનીમાં મારી જૉબ શરૂ કરી.’
સ્કૂલની એક ઇવેન્ટ વખતે બૅન્ડમાં વાંસળી વગાડી રહેલો રિશી ઝવેરી.
યુનિવર્સિટીની કલ્ચરલ કમિટીમાં ડાન્સ પર આધારિત રાસ ટીમની એક ઇવેન્ટ દરમ્યાન રિશી ઝવેરી.
દોઢ વર્ષ પહેલાં નિર્ણય
૧૧ વર્ષથી રિશી પોતાના ગુરુ સાથે સંપર્કમાં હતો, પણ દીક્ષા લેવાના ભાવ ક્યારે થયા એ પ્રશ્નના જવાબમાં તે કહે છે, ‘દીક્ષા લેનારા મોટા ભાગના લોકો માટે એક ટર્નિંગ પૉઇન્ટ હોય છે, પણ મારી યાત્રા ૧૧ વર્ષની હતી એટલે એક ચોક્કસ ટર્નિંગ પૉઇન્ટ બતાવવો મુશ્કેલ છે. જો આપણે ચાલતા હોઈએ તો તરત યુ ટર્ન લઈ શકીએ, પણ ૧૬ વ્હીલની ટ્રકને ટર્ન લેવો હોય તો ખૂબ સમય લાગે. મારું જીવન પણ એવું જ હતું. એ ધીમે-ધીમે ટર્ન લઈ રહ્યું હતું. એક બાજુ હું લગ્ન માટે તૈયાર થઈ રહ્યો હતો અને વિચારતો હતો કે એમાં શું સામેલ છે. કોઈ પણ જીવન - સાંસારિક, લગ્નજીવન કે સાધુજીવન - સરળ નથી. હંમેશાં સમાધાનો કરવાં પડે છે, પડકારો હોય છે. મેં વિચાર્યું કે જો મારે પડકારોનો સામનો કરવો જ છે તો શા માટે એ જીવન ન પસંદ કરું જે મને સૌથી વધુ ખુશી આપે? મેં જોયું કે સાધુનું જીવન સૌથી વધુ ખુશીદાયક છે જે મેં અનુભવ્યું. જો મારે સંઘર્ષ કરવો જ છે તો શા માટે એ સંઘર્ષ ન કરું જે મને વધુ શાંતિપૂર્ણ જીવન આપે? હું ડેટ્રોઇટ સંઘમાં બાળકોને પાઠશાળામાં ભણાવતો હતો. હું તેમને ક્ષણિક ખુશી અને સાચી ખુશી વચ્ચેનો તફાવત શીખવતો હતો. બે વર્ષ પહેલાં અમારા સંઘનાં એક ભાઈ-બહેને દીક્ષા લીધી અને હું તેમને ઉદાહરણ તરીકે રજૂ કરતો કે તેમણે સાચી ખુશી માટે આ જીવન પસંદ કર્યું. જોકે પછી મને ખ્યાલ આવ્યો કે જો હું મારા વિદ્યાર્થીઓને આ શીખવું છું તો મારે પણ એ કરવું જોઈએ. મેં આયંબિલ શરૂ કર્યા અને જેમણે લાંબા સમય સુધી આયંબિલ કર્યાં હોય તેમને ખબર પડે છે કે તમારા મનની શુદ્ધતા ઝડપથી વધે છે. એનાથી મને વધુ શક્તિ અને સ્પષ્ટતા મળી. મેં લગભગ ૨૬-૨૭ આયંબિલ કર્યાં અને એના અંતમાં મને દીક્ષાના વિચારો આવવા લાગ્યા હતા. નવેમ્બર ૨૦૨૩માં મને દીક્ષામાર્ગે જવાની ઇચ્છા થઈ, પણ જાન્યુઆરી સુધી મેં મારા ગુરુ સાથે આ વિષયમાં વાત ન કરી. બે મહિના સુધી મેં વિચાર્યું કે શું આ ફક્ત ક્ષણિક ઇચ્છા છે કે શું એ ફિક્સ છે? ઘણી વખત લોકો ખરાબ ઘટનાઓ પછી દીક્ષા લેવા વિચારે છે, પણ જીવન સારું થઈ જાય તો દીક્ષા લેવામાં રસ ગુમાવી દે છે. મેં મારા જીવનની તપાસ કરી અને જ્યારે બીજી આકર્ષક વસ્તુઓ આવી ત્યારે પણ મારું મન દીક્ષા પર સ્થિર રહ્યું હતું. મને લાગ્યું કે આ જ માર્ગ મારા માટે છે. અમેરિકામાં ગમે એ હોય, મારે જે જોઈએ છે એ ભારતમાં દીક્ષા દ્વારા જ મળી શકશે. મેં મારાં માતા-પિતાને એ વિશે જાણ કરી. મારાં મમ્મી તો પહેલેથી જ ઇચ્છતાં હતાં કે હું દીક્ષા લઉં, પણ મારા પપ્પા અને નાનો ભાઈ મિહિર મને રજા આપવા માટે તૈયાર નહોતા. જોકે આખરે મારી ઇચ્છા જોઈને તેમણે પણ મને સંયમમાર્ગે જવા માટે હા પાડી દીધી. ત્યાર બાદ ૨૦૨૪માં જ મેં મારી જૉબ છોડી દીધી.’
અમેરિકન લાઇફસ્ટાઇલ અને સંયમમાર્ગ
શું અમેરિકન લાઇફસ્ટાઇલમાં ઊછર્યા બાદ સંયમમાર્ગ ફાવશે? આ સવાલના જવાબમાં રિશી ઝવેરી કહે છે, ‘અમેરિકન લાઇફસ્ટાઇલ એક ઇન્ડિપેન્ડન્ટ જીવન જીવવાની પદ્ધતિ છે, જ્યારે સંયમજીવનમાં હંમેશાં ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. મારે વિહારો દરમ્યાન દિવસના આશરે ૧૫ કિલોમીટર ચાલવું પડશે જે અંતર અમેરિકામાં હું બે મિનિટમાં કાર દ્વારા કાપી શક્યો હોત. મારું જીવન સહેલું અને સરળ નહીં હોય. મને લાગે છે કે ખાસ કરીને શરૂઆતમાં આ બધું લાગવું ખૂબ જ સ્વાભાવિક છે. આ બધાની સામે ભલે મારી લાઇફ લક્ઝરી હતી, પણ એમાં કોઈ ખુશી નહોતી. જોકે હું આજે પણ સંતુષ્ટ છું. મારી પાસે કંઈ નથી જેની મને જરૂર હોય. દીક્ષા બાદ હું જે જ્ઞાન મેળવીશ એનાથી મારા ગુણો, દૃષ્ટિકોણ અને ક્ષમતાઓમાં ફેરફાર થશે. જૈન ધર્મ એક જીવન જીવવાની ફ્રેમવર્ક આપે છે. દીક્ષા લેવાનો નિર્ણય પણ આ જ ફ્રેમવર્ક પર આધારિત છે. જો તમે તમારા ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો એ તમને જીવનના ઉચ્ચ હેતુ તરફ લઈ જશે. આજના યુથને એ જ સંદેશ છે કે તમારી પાસે થોડો સમય હોય ત્યારે સાધુભગવંત સાથે સમય વિતાવો. ભલે તમે દીક્ષા ન લો, મને લાગે છે કે ફક્ત એક કે બે દિવસનું તેમના પ્રત્યેનું નિરીક્ષણ પણ તમારા જીવનના દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે.’
રિશીએ પાંચ પ્રતિક્રમણ અર્થ સાથે, ત્રણ ભાષ્ય, ૪ પ્રકરણ અને પહેલા કર્મગ્રંથનો અભ્યાસ કર્યો છે. આ સાથે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ પણ ચાલુ છે. તે ડેટ્રોઇટ જૈન સંઘની પાઠશાળામાં બાળકોને ભણાવતો હતો. અમેરિકામાં તેણે જૈન અલર્ટ ગ્રુપની સ્થાપના કરી છે. આ સિવાય તે જૈન સોસાયટી ઑફ ગ્રેટર ડેટ્રોઇટ, ફેડરેશન ઑફ જૈન અસોસિએશન્સ ઇન નૉર્થ અમેરિકા (જૈના) તેમ જ યંગ જૈન્સ ઑફ અમેરિકામાં ઍક્ટિવ મેમ્બર છે.
મમ્મી પણ લેશે પુત્ર સાથે દીક્ષા
રિશીનાં મમ્મી સુનીતા ઝવેરી પણ પોતાના પુત્ર સાથે જ ૮ જૂને મુંબઈ પાસે શહાપુરમાં આવેલા શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિર તીર્થમાં સંયમ ગ્રહણ કરશે. આ વિશે વધુ માહિતી આપતાં અમદાવાદમાં રહેતા તેમના ભાઈ સુકેતુ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘સુનીતાબહેન મિશિગનની DTE એનર્જી કંપનીમાં ઘણાં વર્ષોથી સૉફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત હતાં. ધર્મમાં તેમને પહેલેથી જ ઘણી રુચિ હતી. દીક્ષા લેવાની ભાવના તેમને બન્ને પુત્રો નાના હતા ત્યારથી જ હતી, પરંતુ સાંસારિક જવાબદારી પૂરી કર્યા પછી તેમણે દીક્ષા માટે આગળ વધવાનું નક્કી કર્યું હતું. તેમના નાના પુત્ર મિહિરનાં લગ્ન થયાં હતાં અને આ તરફ રિશીએ પણ સંયમમાર્ગે જવાનું નક્કી કરતાં સુનીતાબહેને પુત્ર સાથે જ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે. તેઓ પરમ પૂજ્ય સાધ્વી શ્રી હિતઆત્મારેખા મહારાજસાહેબનાં શિષ્યા બનશે.’

