Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સોનાથી લખાયેલું રામાયણ જોવા મળશે સુરતમાં

સોનાથી લખાયેલું રામાયણ જોવા મળશે સુરતમાં

Published : 29 March, 2026 05:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૨૨ તોલા સોનાની શાહીથી લખાયેલો આ વિશિષ્ટ ગ્રંથ આખું વર્ષ બૅન્કના લૉકરમાં રહે છે, પણ રામનવમીના દિવસે ભક્તોને દર્શન કરવા માટે ખુલ્લો મુકાય છે. કોણે બનાવ્યું છે અને કેવી રીતે એ જાણો

સોનાથી લખાયેલું રામાયણ

સોનાથી લખાયેલું રામાયણ


ગયા અઠવાડિયે જ આપણે ધૂમધામથી રામનવમી એટલે શ્રીરામજન્મોત્સવની ઉજવણી કરી. રામચંદ્રજીની જીવની જે ગ્રંથમાં પદ્ય સ્વરૂપે ગ્રંથસ્થ કરવામાં આવી એ અતિ પવિત્ર ગ્રંથ એટલે રામાયણ. સનાતન હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથો છે રામાયણ અને મહાભારત. એમાંય મહાભારત તો એક એવો ગ્રંથ છે જેની સમાંતર વિશ્વનો બીજો કોઈ ગ્રંથ ક્યારેય આવી શકે નહીં. આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી હમણાં સુધીમાં વિશ્વભરમાં જેટલું પણ સાહિત્ય રચાયું છે એમાં એકમાત્ર પૂર્ણ સાહિત્ય એટલે સનાતન હિન્દુ ધર્મનો મહાભારત ગ્રંથ. કારણ? આ વિશ્વમાં જે કંઈ પણ હાજર છે એ તમામ વિશે એક યા બીજી રીતે મહાભારતમાં ઉલ્લેખ છે અને જેનો મહાભારતમાં ઉલ્લેખ નથી એ આ વિશ્વમાં ક્યાંય મોજૂદ નથી. આ એક સનાતન સત્ય છે.

તેથી જ સમયે-સમયે બહારના આક્રમણકારીઓ દ્વારા અને એ પછી આ દેશમાં પ્રચલિત થયેલી બીજી વિચારધારાઓ (ડાબેરી, સેક્યુલર, માર્ક્સવાદી, સમાજવાદી, ઇસ્લામિક અને કંઈકેટલીયે) દ્વારા સતત એવો પ્રયત્ન થતો રહ્યો કે આ દેશની પ્રજા અને આવનારી પેઢી તેમના આ અમૂલ્ય વારસાને ભુલાવી દે અથવા એવી વિસારે પાડી દે કે આપણે ચાહીએ એટલી એના વિશે મજાક ઉડાવીને એને નિમ્ન ગણાવીએ તો પણ આ પ્રજા એનો વિરોધ તો નહીં જ કરે ઉપરથી એમાં સાથ પુરાવે. એનું તાદૃશ ઉદાહરણ છે મહાભારત ગ્રંથ ઘરમાં રખાય જ નહીં એવી માન્યતા ફેલાવવામાં આવી એ. કહેવાયું કે મહાભારત ઘરમાં રાખીએ તો ઘરમાં કંકાસ થાય, ઝઘડા થાય. આવું કહેવા પાછળનું મૂળ કારણ એ છે કે જો ઘરમાં એ ગ્રંથ હોય જ નહીં તો આવનારી પેઢી એ વાંચે, સમજે, જાણે નહીં અને કાળક્રમે એના પ્રત્યેનું ગૌરવ, સાચી સમજ ભુલાતાં જાય. એ જ રીતે રામાયણ સાથે પણ અનેક પ્રકારનાં ચેડાં થયાં. ક્યારેક રામચંદ્રજીને શંકાશીલ ચીતરવાનો પ્રયત્ન થયો તો ક્યારેક સીતાજીને અબળા અને અન્યાય વેઠનારાં.



જોકે આ બધા જ પ્રયત્નો વચ્ચે પણ આ અમૂલ્ય ગ્રંથ સુરતમાં એક અલભ્ય પ્રકારે સચવાયેલો છે. આખા વર્ષમાં માત્ર એક દિવસ એટલે કે રામનવમીના દિવસે ભક્તોનાં દર્શન હેતુ એ ગ્રંથને બહાર લાવવામાં આવે છે. કારણ? આ આખું રામાયણ ૨૨૨ તોલા જેટલી સોનાની શ્યાહીથી રચવામાં આવ્યું છે. જી... જી... એકદમ સાચું. તમે સાચું જ વાંચ્યું છે અને સાચું જ સમજ્યા છો. સોનાના અક્ષરો પાનાંઓ પર ઉતાર્યા અને પવિત્ર રામાયણની ગ્રંથની સોનાની શાહી દ્વારા રચના કરવામાં આવી.


વાત થોડી વિગતે જણાવીએ. કુલ ૧૯ કિલો સોનાથી રચાયેલા આ રામાયણમાં ૨૨૨ તોલા સોનાની શ્યાહીનો ઉપયોગ થયો છે! એટલું જ નહીં. આ રામાયણમાં પાંચ કરોડ વાર ‘શ્રી રામ’ નામ પણ લખવામાં આવ્યું છે. સોનાની શાહીથી લખાયેલી રામાયણની બધી ચોપાઈઓ અને ૧૦ કિલો ચાંદી દ્વારા તૈયાર થયેલું એનું કવર અને બાકીના હિસ્સા અને સાથે જ એમાં જડાયેલાં છે ૪૦૦૦ હીરા, માણેક અને પન્ના જેવાં રત્નો. મુખપૃષ્ઠ પર હનુમાનજીની અર્ધમૂરત તૈયાર કરવામાં આવી છે જે પણ સોનાની છે અને તેમની સાથે એક તોલા સોનાની મૂરતમાં બિરાજમાન છે મહાદેવજી.

સાલ હતી ૧૯૮૧ની. રાજેશભાઈ રમેશભાઈ ભક્તાના દાદા! અર્થાત્ હમણાં હયાત છે તેમનાથી ત્રીજી પેઢીના એ ભક્તવત્સલ જેમનું નામ રામભાઈ ગોકર્ણભાઈ ભક્તા. રામભાઈ નામ પ્રમાણે જ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત. તેમણે આ સોનાની રામાયણની રચના કરવાનો નિર્ધાર કર્યો અને ૧૯૮૧ના એ અતિ શુભ દિવસ ગણાતા પુષ્ય નક્ષત્રના દિને એની રચનાનો આરંભ થયો. ખાસ જર્મનીથી કાગળ મગાવવામાં આવ્યા. એ એવા વિશેષ કાગળ હતા કે એનો રંગ તો સફેદ હતો, પરંતુ હાથ લાગવાથી પણ એના પર ડાઘ પડતા નહોતા. એટલું જ નહીં, જર્મનીના એ કાગળો એવા હતા કે એમને પાણીથી ધોવામાં આવે તો પણ એમના પર કોઈ માઠી અસર થતી નહોતી. કાગળો એવા ને એવા જ સફેદ અને ઉત્તમ ક્વૉલિટીના રહેતા હતા. બરાબર ૯ મહિના અને ૯ દિવસની રામભાઈ સાથે બીજા ૧૨ માણસોની અથાગ મહેનત અને શ્રદ્ધા બાદ આખરે કુલ ૫૩૦ પાનાંમાં આ અમૂલ્ય ગ્રંથ રચાયો. પ્રભુ શ્રી રામચંદ્રજીનું જીવનચરિત્ર સોનાની શાહી દ્વારા ૫૩૦ પાનાંમાં અંકિત થયું અને ત્યાર બાદ રામનામનો જાપ, અર્થાત્ પાંચ કરોડ વાર ‘શ્રી રામ’નું નામ અંકિત કરવામાં આવ્યું. આ અમૂલ્ય ગ્રંથ દર વર્ષે માત્ર રામનવમીના દિવસે જ ભાવિક ભક્તોનાં દર્શન માટે બહાર લાવવામાં આવે છે. એ સિવાય બૅન્કના લૉકરમાં એની જાળવણી થાય છે.


છેને મજાની વાત? અમૂલ્ય વારસો અને સનાતન ધર્મ પ્રત્યેની પ્રભુ શ્રી રામચંદ્રજીની અનન્ય ભક્તિનો કંઈક અલગ જ અંદાજ જે સોનામઢિત નહીં પણ આખેઆખી સોનાથી જ રચાયેલી રામાયણ છે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK