આ કાવતરામાં સાથ આપનાર ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે ભાંડો ફોડ્યો: પોતાના પ્રેમસંબંધ સામે પપ્પાનો વિરોધ હતો એટલે દીકરીએ તેમને પતાવી નાખ્યા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ૩ વર્ષ પહેલાં થયેલા એક હેડ કૉન્સ્ટેબલના રહસ્યમય મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અકસ્માત ગણાયેલા આ કેસની તપાસ ફરી શરૂ થતાં જાણવા મળ્યું છે કે આ કોઈ કુદરતી મૃત્યુ નહીં પણ પૂર્વઆયોજિત હત્યા હતી. આ ગુનામાં હેડ કૉન્સ્ટેબલની પુત્રી જે પોતે હાલ પોલીસ તાલીમાર્થી છે તેની અને તેના ૩ સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આર્યા બલ્લાવરના ભૂતપૂર્વ પ્રેમી આશિષ શેડમાડેએ પોલીસ સામે ગુનાની કબૂલાત કરી અને બાતમીદાર બન્યો. આશિષ દ્વારા આપવામાં આવેલા નવા પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આર્યા અને આશિષ ૨૦૨૨થી સંબંધમાં હતા, જેનો તેના પિતા જયંત બલ્લાવર વિરોધ કરતા હતા.
પોલીસના દાવા મુજબ આર્યા તેના પિતાને લગ્નમાં અવરોધરૂપ માનતી હતી. તેથી તેણે આશિષ અને અન્ય સાથીદારો સાથે મળીને પિતાનો કાંટો કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.
આ માટે ૫૦૦૦ રૂપિયા આપીને એક સગીર મારફત ઝેર મગાવવામાં આવ્યું હતું. ૨૦૨૩ની ૨૫ માર્ચે આર્યાના પિતા જયંત બલ્લાવર ફરજ પર જાય એ પહેલાં જ આર્યાએ મિલ્કશેકમાં ઝેર ભેળવીને તેમને પીવડાવી દીધું હતું. ફરજ દરમ્યાન કલેક્ટરની ઑફિસ પાસે તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને હૉસ્પિટલમાં તેમને લઈ જવાતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
શરૂઆતમાં આ ઘટનામાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નહોતી, પણ પાપ ગમે ત્યારે છાપરે ચડીને પોકારે છે એ મુજબ સમગ્ર ઘટનામાં ઓચિંતો વળાંક આવ્યો હતો અને આર્યા સાથે અગાઉ રહી ચૂકેલો આશિષ પોલીસ સામે ગુનાની કબૂલાત કરીને બાતમીદાર બન્યો હતો. કેસની ફેરતપાસ કરાઈ હતી અને એમાં ઑટોપ્સી અને કેમિકલ ઍનૅલિસિસ રિપોર્ટની ફરી તપાસ કરવામાં આવી ત્યારે જયંત બલ્લાવરના શરીરમાં ઝેર હોવાની બાબત સાબિત થઈ હતી. પોલીસે આ સનસનાટીભર્યા મામલાના સંદર્ભમાં પુત્રી આર્યા ઉપરાંત આશિષ (૩૦ વર્ષ), ચૈતન્ય ઉર્ફે મૉન્ટી ગેડામ (બાવીસ વર્ષ) અને એક સગીરની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
