Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > RBIએ જાહેર ક્ષેત્રની ૩ બૅન્કોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

RBIએ જાહેર ક્ષેત્રની ૩ બૅન્કોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

Published : 29 March, 2026 08:27 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા અને પાઇન લૅબ્સે ગ્રાહકોનાં હિત, KYC અને લેવડદેવડના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ બૅન્કિંગ નિયમોનું પાલન ન કરવા બદલ યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા પર ૯૫.૪૦ લાખ રૂપિયા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા પર ૬૩.૬૦ લાખ રૂપિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા પર ૫૮.૫૦ લાખ રૂપિયા અને પાઇન લૅબ્સ પર ૩.૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાની બેદરકારી



યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા ગ્રાહક સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. કેટલાક કિસ્સાઓમાં બૅન્ક ગેરકાયદે ઇલેક્ટ્રૉનિક વ્યવહારોની ફરિયાદો મળ્યાના ૧૦ કાર્યકારી દિવસોમાં ગ્રાહકોના ખાતામાં રકમ પરત કરવામાં નિષ્ફળ રહી હતી. બૅન્ક ગ્રાહકોને ગેરકાયદે વ્યવહારોની જાણ કરવા માટે ૨૪ કલાકની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. વધુમાં કેટલાંક કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખાતાંઓમાં સિસ્ટમ-આધારિત સંપત્તિ વર્ગીકરણને બદલે મૅન્યુઅલ હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો જે નિયમોની વિરુદ્ધ છે.


સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાની ભૂલો

સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાને KYC (નો યૉર કસ્ટમર) નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. બૅન્ક નિર્ધારિત સમયમર્યાદામાં કેટલાક ગ્રાહકોના KYC રેકૉર્ડ સેન્ટ્રલ KYC રજિસ્ટ્રીમાં અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી. વધુમાં બૅન્કે કેટલાક ગ્રાહકો માટે વધારાનાં બેઝિક સેવિંગ્સ બૅન્ક ડિપોઝિટ (BSBD) ખાતાં ખોલ્યાં હતાં, જેમની પાસે પહેલેથી જ આવાં ખાતાં હતાં. આને નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન પણ માનવામાં આવ્યું હતું.


સર્વિસ ચાર્જ અંગે બૅન્ક ઑફ ઇન્ડિયા વિરુદ્ધ ફરિયાદ

RBIએ કેટલાંક પ્રાયોરિટી સેક્ટર લોન અકાઉન્ટ્સ પર અયોગ્ય રીતે ફી વસૂલવા બદલ બૅન્ક ઑફ ઇન્ડિયા સામે કાર્યવાહી કરી હતી. બૅન્કે ઍડ-હૉક સર્વિસચાર્જ, નિરીક્ષણ-ફી અને પ્રોસેસિંગ-ફી જેવા ચાર્જ વસૂલ્યા હતા જે નિયમો અનુસાર નહોતા. વધુમાં બૅન્ક પાકતી મુદતથી ચુકવણી તારીખ સુધી ચોક્કસ ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો પર વ્યાજ ચૂકવવામાં પણ નિષ્ફળ રહી હતી, જે ગ્રાહક હિતોની વિરુદ્ધ છે.

પાઇન લૅબ્સના KYCમાં ગરબડ

RBIએ પ્રી-પેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) જારી કરતી વખતે KYCના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ પાઇન લૅબ્સને દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ ઘણા ગ્રાહકોને તેમની KYC આવશ્યકતાઓ પૂરી કર્યા વિના પૂર્ણ KYC PPI જારી કર્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે.

ગ્રાહક હિતોનું રક્ષણ કરવા પર ભાર

RBIએ સ્પષ્ટતા કરી કે સંબંધિત સંસ્થાઓ દ્વારા નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન ન કરવાને કારણે આ દંડ લાદવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બૅન્કિંગ સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે. ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા માટે નિયમોનું કડક પાલન જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 08:27 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK