આમ કહીને પોતાની પાસે દૈવી શક્તિ હોવાનો ભ્રમ ફેલાવીને પરિણીત મહિલાનું શારીરિક શોષણ કરનાર વસઈનો હૃષીકેશ વૈદ્ય પિંપરી-ચિંચવડમાંથી ઝડપાયો
પુણેની માંજરી પોલીસે ગઈ કાલે હૃષીકેશ વૈદ્યને કોર્ટમાં હાજર કર્યો હતો.
દૈવી શક્તિનો સંચાર હોવાનો ભ્રમ ફેલાવીને ૩૫ વર્ષની પરિણીત મહિલાનું શારીરિક શોષણ કરનાર હૃષીકેશ વૈદ્યની પુણેની માંજરી પોલીસે ગઈ કાલે વહેલી સવારે પુણેના પિંપરી-ચિંચવડમાંથી ધરપકડ કરી હતી. હૃષીકેશ વૈદ્ય મૂળ વસઈનો રહેવાસી છે. તેનો ભોગ બનનાર મહિલા ધાર્મિક વ્રત-ઉપવાસ કરતી હોવાથી આરોપીએ તેની આસ્થાનો લાભ લઈને તેને પોતાની જાળમાં ફસાવી હતી. તેણે મહિલાને કહ્યું હતું કે મારી અંદર દેવીનો સંચાર થાય છે અને હું ઈશ્વરની ઉપાસના માટે ખાસ તંત્ર શીખવીશ. આ ઉપરાંત હું મહાદેવ છું અને તું મારી પાર્વતી છે એમ કહીને તેની સાથે સંબંધો બાંધ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર હૃષીકેશ વૈદ્યએ મહિલા સાથે વસઈ અને પુણેની બે લૉજમાં સંબંધો બાંધ્યા હતા.
વસઈના માણિકપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હીરાલાલ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાની અને આરોપીની ઓળખાણ ઑક્ટોબર ૨૦૨૩ દરમ્યાન સોશ્યલ મીડિયા મારફત થઈ હતી. આરોપીએ પહેલેથી મહિલાનો વિશ્વાસ જીત્યો અને સૌપ્રથમ પુણેમાં તેની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ આરોપીએ પુણે જઈ મહિલાને નશીલી દવા આપીને તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મહિલાએ પોતાની ફરિયાદમાં કર્યો છે. ફરિયાદ મુજબ આરોપીએ મહિલાને એકાદ વખત ફરી વસઈ બોલાવીને ત્યાં પણ તેના પર અત્યાચાર કર્યો હતો. ભક્તિ અને આધ્યાત્મિક માર્ગદર્શનના નામે મહિલાનો વિશ્વાસ મેળવીને તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું. બે દિવસ પહેલાં આરોપી હૃષીકેશને મીડિયા દ્વારા ખબર પડી હતી કે તેની સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યાર બાદ તે ખાનગી કારમાં ફરાર થઈ ગયો હતો. જોકે અમે તેના લોકેશન પર સતત નજર રાખી હતી અને તે પુણે પહોંચ્યો હોવાની માહિતી મળતાં પુણે પોલીસ સાથે સંકલન કરીને તેની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસની આગળની તપાસ પુણેના માંજરી પોલીસ-સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.’
