Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ૪૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૨૧ ગાયોએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

૪૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૨૧ ગાયોએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

Published : 12 July, 2026 04:02 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.

પદયાત્રા કરી રહેલી અને રસ્તામાં તરસ છિપાવતી ગાયો.

પદયાત્રા કરી રહેલી અને રસ્તામાં તરસ છિપાવતી ગાયો.


એક પણ ગાય ન ધરાવતા અમદાવાદના સંદીપ ખંભાળિયાને રાતે સપનું આવ્યું અને તેમણે પોતાના જિલ્લા બોટાદના લાઠીદડ ગામથી ૪૦૦ કિલોમીટર દૂર આવેલા દ્વારકા સુધી ૨૧ ગાયોની અનોખી પદયાત્રા યોજી. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામમાં ગાયો પહેલી વાર સભામંડપમાં જઈને દ્વારકાધીશનાં સન્મુખ દર્શન કરી આવી

ભારતના શ્રદ્ધાળુઓમાં પદયાત્રાનું એક આગવું માહાત્મ્ય છે. હાલમાં બર્ફાનીબાબા અમરનાથની યાત્રા ચાલી રહી છે તો ચારધામની યાત્રાએ પણ ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં પદયાત્રીઓ અંબાજી, ડાકોર, પાવાગઢ, દ્વારકા, માતાનો મઢ સહિતનાં ધાર્મિક સ્થળોની યાત્રા કરતા હોય છે. આ પદયાત્રાની વચ્ચે અચરજ પમાડે એવી અસાધારણ કહી શકાય અને અલૌકિક ગણી શકાય એવી પદયાત્રા સંતો અને શૂરોની ભૂમિ પર થઈ છે. સૌરાષ્ટ્રમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ધર્મસ્થાન દ્વારકામાં અંદાજે ૪૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને બે-પાંચ નહીં, ૨૧ ગાય પહોંચી હતી. ગોવાળો અને ગૌપ્રેમીઓ સાથે કોઈ પણ જાતની ખલેલ વગર આ ગૌમાતાઓ મંદિરના સભામંડપમાં જઈ ભગવાન દ્વારકાધીશની મૂર્તિની સામેથી પસાર થઈ દર્શન કરીને બહાર નીકળી હતી. ક્યાંય કોઈ દોડાદોડી નહીં. એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ગાયો શિસ્તબદ્ધ લાઇનમાં અંદર ગઈ અને દર્શન કરીને બહાર નીકળી ત્યારે મંદિરના પરિસરમાં દિવ્ય વાતાવરણની અનુભૂતિ થઈ હતી.



ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.



ગાયો સાથે પદયાત્રા કરી રહેલા સંદીપ ખંભાળિયા. 

સપનું આવ્યું અને ગાયો માટે યોજી પદયાત્રા


જેમના ઘરે ગાય ન હોય, ગાય રાખવાનો અનુભવ ન હોય તે વ્યક્તિએ ગાયોની પદયાત્રા યોજી. ૨૧ ગાયોને લઈને સંદીપ ખંભાળિયાએ દ્વારકા સુધીની આ પદયાત્રા કેમ યોજી એની વાત કરતાં તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું અમદાવાદમાં રહું છું અને ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરુ છું. અમદાવાદમાં અમે આઠેક મિત્રો ભેગા મળીને દર રવિવારે બપોરે ઉજાલા બ્રિજ નીચે ભૂખ્યાને ભોજન કરાવીએ છીએ. ગાયોને દ્વારકા લઈ જવાનો વિચાર મને એટલા માટે આવ્યો કે એક રાતે મને સપનું આવ્યું હતું. સપનામાં મને કહેવામાં આવ્યું કે તારે લાઠીદડથી ચાલીને દ્વારકા આવવાનું છે; એકલા નથી આવવાનું, સાથે ૨૧ ગાય લઈને આવવાનું છે; ગામમાં તારા નાનપણના બે ભાઈબંધ છે તેમને મળીશ એટલે ગાયોની વ્યવસ્થા થઈ જશે. આ સપનું આવતાં મેં બોટાદ જિલ્લાના મારા ગામ લાઠીદડમાં મારા બે મિત્રો ભરત ભરવાડ અને મહેશ આહિરને મને આવેલા સપનાની વાત કરી. હકીકતમાં મારી પાસે એક પણ ગાય નથી એટલે મેં મારા મિત્રોને વાત કરી હતી. મિત્રોની મદદથી ગામમાંથી ૨૧ ગાય મળી ગઈ. આ ગાયો કોઈ ગૌશાળાની નહોતી પણ ગામની કોઈ ને કોઈ વ્યક્તિની હતી. ગામમાં પૂજાવિધિ કરીને ૧૬ જૂને લાઠીદડ ગામથી ૨૧ ગાય, ૪ ગોવાળિયા અને ગૌપ્રેમીઓ સાથે દ્વારકા જવા અમે ગાયોની પદયાત્રા શરૂ કરી હતી.’


દ્વારકાધીશ મંદિરમાં જતી ગાયો.

ગાયોને લોકો સમજે, સેવા કરે

ગાયોની પદયાત્રા યોજવા પાછળનો ઉદ્દેશ શું હતો એ વિશે સંદીપ ખંભાળિયા કહે છે, ‘ગાયો માટે યુવાનોને જાગૃત કરવા છે. ઘણી જગ્યાએ ગાયો કચરો ખાતી જોવા મળે છે. રખડતી ગાયોને લોકો હેરાન કરતા હોય છે. આ અબોલ જીવ બોલતો નથી ત્યારે એનો અવાજ બનીને ગાયમાતાની આ વેદનાયાત્રા યોજી હતી. આ અબોલ જીવ પાસેથી આપણે ઘણુંબધું લીધું છે તો એની થોડીક સેવા પણ કરીએ. ગાયોને લોકો સમજે, સેવા કરે અને સારી રીતે રાખે એ હેતુથી અમે પદયાત્રા કરી હતી. થોડા લોકો પણ ગાય માટે જાગૃત થશે તો અમારી આ પદયાત્રા સફળ લેખાશે.’

૧૯ દિવસે ગાયો પહોંચી દ્વારકા

લાઠીદડ ગામથી દ્વારકાનું અંતર અંદાજે ૪૦૦ કિલોમીટર જેટલું છે. આટલે દૂર જવા માટે રસ્તામાં વિસામાની જરૂર અવશ્ય પડે. આ વિશે સંદીપ ખંભાળિયા કહે છે, ‘૨૧ ગાય સાથે અમારા ગામેથી નીકળેલી પદયાત્રા ૧૯મા દિવસે દ્વારકા પહોંચી હતી. માર્ગમાં રોજ સવારે અને બપોર પછી પગપાળા આગળ વધતા હતા. સવારે સાડાસાત-આઠ વાગ્યે ચાલવાનું શરૂ કરતા હતા. સવારે અમે દસેક કિલોમીટર જેટલું ચાલતા અને વિસામો કરતા હતા. પછી બપોરે ૩ વાગ્યા પછી ફરી ચાલવાનું શરૂ કરતા હતા અને બીજા દસેક કિલોમીટર સાથે વીસેક કિલોમીટરનું અંતર કાપતા હતા. માર્ગમાં આવતાં ગામોના લોકોએ અમને વિસામો કરાવ્યો હતો. તેઓ ગાયોને સાચવતા. ખાસ કરીને ભરવાડ અને આહિર સમાજ અમને આશરો આપતો હતો. એમ કરતાં-કરતાં અમે ૪ જુલાઈએ દ્વારકા પહોંચ્યા હતા. મારી પાસે પૈસા વગેરે કશું જ નહોતું. બધું ભગવાનભરોસે ચાલ્યું અને ભગવાને અમને દ્વારકા પહોંચાડ્યા. દ્વારકા પહોંચીને ગાયોને મંદિર ફરતે પ્રદક્ષિણા કરાવવાની હતી, કારણ કે અમે મંદિરમાં કંઈ જણાવ્યું નહોતું અને કોઈની ભલામણ નહોતી કરાવી. અમને ત્યાં કોઈ ઓળખતું પણ નહોતું. જોકે ભગવાન દ્વારકાધીશે એવું તે શું કર્યું કે બધી ગાયોને મંદિરની અંદર લઈ જઈને અમને બધાને દર્શન કરવાનો લહાવો મળ્યો.’


સભામંડપમાંથી દર્શન કરીને લાઇનસર બહાર આવી રહેલી ગાયો.

લમ્પી વાઇરસ વખતે આવી હતી ગાયો

ગાયમાતાઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચી હતી એમ આ પહેલાં ગુજરાતમાં ગાયોમાં લમ્પી વાઇરસ ફેલાયો હતો ત્યારે એમાંથી બચી ગયેલી કેટલીક ગાયોને દ્વારકા મંદિરે દર્શન કરાવવા લાવવામાં આવી હતી. મંદિરના કર્મચારી જયેશભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘લમ્પી વાઇરસ ગાયોમાં ફેલાયો હતો અને ઘણી ગાયો મરી ગઈ હતી. એમાં જે ગાયો બચી ગઈ હતી એવી કેટલીક ગાયોને કોઈ ગૌશાળાવાળા મંદિરમાં દર્શન કરાવવા લાવ્યા હતા. જોકે એ સમયે ગાયોને મંદિરના પટાંગણમાં લઈ ગયા હતા અને ત્યાંથી દર્શન કરાવ્યાં હતાં.’

મંદિરતંત્રે રાતે કરી આપી દર્શનની વ્યવસ્થા

ગાયો સાથેની આ પદયાત્રા દ્વારકા આવતાં આવી એ પછી દ્વારકાધીશ મંદિર પ્રશાસને પણ ખાસ વ્યવસ્થા કરી આપી હતી. આ મુદ્દે વાત કરતાં નાયબ કલેક્ટર અને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ ‘મિડ-ડે’ને કહે છે, ‘બોટાદના લાઠીદડ ગામથી ૨૧ ગૌધન અને ૯ ગોવાળ ગૌમાતાનું સંવર્ધન થાય, જતન થાય અને સૌ જાગૃત થાય એવા આશયથી દ્વારકા સુધી પદયાત્રા કરીને આવ્યા હતા. દ્વારકા મંદિરમાં ૪ જુલાઈએ રાતે ગૌમાતા અને સાથે આવેલા તમામ માટે દર્શનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ગૌમાતા મંદિરના પરિસરમાં આવી હતી. ત્યાંથી મંદિરની અંદર સભામંડપ સુધી લઈ ગયા હતા, જેથી એક-એક ગાય ઠાકોરજીની સન્મુખથી પસાર થઈ શકે અને એ રીતે દર્શન થઈ શકે. દ્વારકા મંદિરમાં આ એવી પહેલી ઘટના બની જેમાં પદયાત્રા કરીને આવેલી ૨૧ ગાયને રાતે સ્પેશ્યલ દર્શન કરાવ્યાં હોય. રાતે એટલા માટે વ્યવસ્થા કરી કેમ કે દિવસ દરમ્યાન દર્શનાર્થીઓ હોય એટલે આટલી ગાયોને અંદર લઈ જવી શક્ય નહોતું.’


દ્વારકા મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ.

ભગવાને ગોવાળ બનીને કરેલાં રખોપાં

ભગવાન શ્રીકૃષ્ણ અને ગાયોનો નાતો પૌરાણિક છે. ગાયોને વાચા આપવા માટે પદયાત્રા કરીને દ્વારકાધીશના ચરણે આવેલી ગાયોના મુદ્દે વાત કરતાં હિમાંશુ ચૌહાણ કહે છે, ‘મંદિરના વહીવટદાર અને એક ભક્ત તરીકે કહું તો આ એક હિસ્ટોરિકલ બાબત હતી. બીજું, ભગવાન એના ગોવાળ થયા હતા અને ગાયનાં રખોપાં કરતાં હતાં. આજે કળિયુગમાં ગાયની પીડા હોય અને એને વાચા આપવા માટે કોઈ વ્યક્તિ નીકળી હોય તો એ આવકાર્ય છે. ગાયમાતાના પ્રશ્નો ઉકેલાય એ માટે આપણા લેવલે પ્રયત્નો કરવા જોઈએ. બધા માટે આ એક ભાવનાત્મક ક્ષણ હતી. આ નાની બાબત કહેવાય, પણ એ જીવનનું સંભારણું બની ગયું.’

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 04:02 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK