મહિલાનો મૃતદેહ લઈ ૪ કલાક ઘરના છાપરા પર બેઠા રહેવું પડ્યું સ્વજનોએ
મૃતદેહ લઈને પતરાના છાપરા પર બેઠેલા મૃત્યુ પામનારાના સ્વજન.
પાલઘરમાં અતિશય ભારે વરસાદે તબાહી મચાવી એ દરમ્યાન અહીંના દેવીપાડાના એક ગામમાં એક કુટુંબે પોતાના સ્વજનના મૃતદેહને લઈને ભરવરસાદમાં તેમના ઘરના પતરાંના છાપરા પર બેઠા રહેવું પડ્યું હતું. છઠ્ઠી જુલાઈએ બનેલી આ ઘટનાનો વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ચારે બાજુ પાણીમાં ગરકાવ થયેલો આખો વિસ્તાર, અડધું ડૂબી ગયેલું ઘર અને છાપરા પર મૃતદેહને લઈને બેઠેલું આખું કુટુંબ દેખાય છે.
મળેલી માહિતી મુજબ પંચાવન વર્ષનાં અનુસૂયા મનોહર લીલાકાનું સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું ત્યાર બાદ તેમને ઍમ્બ્યુલન્સ દ્વારા છઠ્ઠી જૂને ઘરે લવાયાં હતાં. જોકે અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી હતી ત્યારે જ અચાનક ધોધમાર વરસાદ વરસી પડ્યો અને આખા વિસ્તારમાં તથા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે પરિવારજનોએ મૃતદેહને પ્લાસ્ટિકની શીટમાં લપેટીને ખભે ઊંચકીને ઘરના છાપરા પર લઈ જવો પડ્યો હતો.
ADVERTISEMENT
લગભગ ૪ કલાક સુધી સતત ભારે વરસાદ પડતો રહ્યો અને ત્યાં સુધી બધાએ ત્યાં જ બેઠા રહેવું પડ્યું હતું. ૪ કલાક બાદ જ્યારે પાણી ઊતર્યાં ત્યાર બાદ દેવીપાડાના સ્મશાનમાં અનુસૂયા લીલાકાના અંતિમ સંસ્કાર થયા હતા.
