અચિરવતી નદીના બન્ને કાંઠે શાક્યો અને કોલીયો એમ બે જાતિઓ વસતી હતી. આ બન્ને જાતિના લોકો અચિરવતીને ખૂબ પૂજનીય અને પવિત્ર માનતા હતા
પ્રતીકાત્મક તસવીર
બૌદ્ધ કથાનકોમાં અચિરવતી નામની એક નદીનો ઉલ્લેખ આવે છે. અચિરવતી નદીના બન્ને કાંઠે શાક્યો અને કોલીયો એમ બે જાતિઓ વસતી હતી. આ બન્ને જાતિના લોકો અચિરવતીને ખૂબ પૂજનીય અને પવિત્ર માનતા હતા. બન્ને જાતિઓનો એક એવો ગળા સુધીનો વિશ્વાસ હતો કે આ નદીનો રોજ રાતે એક વાર એક ક્ષણ પૂરતો પ્રવાહ અટકી જાય છે અને પુન: પ્રવાહિત થાય છે. આ અટકેલા પ્રવાહનું જેને આંખના પલકારામાં દર્શન થઈ જાય તેનું જીવતર ધન્ય થઈ જાય. કહે છે કે બન્ને કાંઠાના પુરવાસીઓ જીવનને ધન્ય કરવા માટે કેટલીયે રાત નદીકાંઠે ઉજાગરા કરતા. પેઢીઓથી આ રીતે દર્શન ઝંખતાં પણ કોઈને ક્યારેય આવો પલકારો સાંપડ્યો નહોતો. અને આમ છતાં પેઢીઓથી આ હજારો લોકો પોતાની આ માન્યતામાં ગળાબૂડ હતા.
એક વાર આ બન્ને પ્રજા વચ્ચે આ નદીના પ્રવાહ માટે યુદ્ધ થયું. યુદ્ધનું કારણ વર્ષાઋતુમાં પહેલા વરસાદમાં કયા કાંઠાના લોકો એમાં પહેલું સ્નાન કરે એવું હતું. ભગવાન બુદ્ધે આ યુદ્ધ રોકાવ્યું અને પૂછ્યું, ‘આ જળપ્રવાહને રોકાઈ જતાં તમે કોઈએ જોયો છે?’ કોઈએ જોયો તો નહોતો. બુદ્ધે એમને કહ્યું, ‘હજી તમારી તપસ્યા પૂરી થઈ જ નથી ત્યાં પરસ્પર યુદ્ધ કરીને શા માટે લોહી વહેવડાવો છો? અચિરવતીની તપસ્યા કર્યા વિના જો મૃત્યુ પામશો તો દર્શન શી રીતે થશે?’
ADVERTISEMENT
કહે છે કે યુદ્ધ તો રોકાઈ ગયું પણ પછી ક્યારેય કોઈને અચિરવતીના પ્રવાહને મધરાતે કોઈએ દર્શન આપતો જોયો કે નહીં એ કોઈ જાણતું નથી.
હિમાલય દર્શન
પાંચેક દાયકા પહેલાં અમે કેટલાક મિત્રો હિમાલય દર્શન માટે ગયા હતા ત્યારે આ કથાનક જાણવા મળ્યું હતું. અચિરવતીના કાંઠે એક આશ્રમ હતો. આ નદી તો હવે પુરાણકથા બની ગઈ છે એટલે એનું દર્શન એક કથાનકરૂપે જ થાય, વાસ્તવિક રૂપે નહીં. જે આશ્રમમાં અમે રાતવાસો કર્યો હતો એ આશ્રમના મઠાધિપતિએ સૂતી વેળાએ અમને અચિરવતીની આ કથા સંભળાવી હતી અને કહ્યું હતું કે ‘હિમાલયના બર્ફીલા પહાડોમાં ચાંદની રાતે સ્વર્ગની અપ્સરાઓ ઊતરી આવે છે અને જેઓ પૃથ્વી ઉપરથી આ પહાડોમાં પેલી અપ્સરાઓનું દર્શન કરી શકે છે તેમનું જીવતર ધન્ય થઈ જાય છે.’ આ ધન્ય જીવતર એટલે શું? એ વિશે તો અમારા મનમાં કશી સ્પષ્ટતા હતી નહીં પણ ચાંદની રાતે હિમાલયની સૂમસામ પ્રકાંડ શાંતિ વચ્ચે પહાડોમાં આવું કંઈ દર્શન થાય એ કલ્પના માત્ર અદ્ભુત હતી. નદીનો પ્રવાહ ક્યારેય રોકાય નહીં એ પરમ સત્ય અમે વૈજ્ઞાનિક ધોરણે જાણતા હોવા છતાં અમે એ રાત્રે વારંવાર ઊઠીને હિમાલયની આ અપ્સરાઓનાં દર્શન કરવા ઝંખના કરી હતી. જીવતરની ધન્યતા એટલે શું એ વિશે અમે થોડીક વાતો કરી હતી. પુષ્કળ ધનસંપત્તિ હોવી, સ્વસ્થ દીર્ઘાયુષ્ય હોવું, વૈશ્વિક પ્રતિષ્ઠા હોવી... આ બધાને જો જીવતરની ધન્યતા કહેવાતી હોય તો હિમાલયમાં આ અપ્સરા દર્શન કરી લેવા જેવું ખરું એવી સહજ માન્યતા સાથે અમે પણ એ રાત્રે ઉજાગરો કર્યો હતો. જોકે દર્શન થઈ શકે એમ નહોતું. રાતભર હિમાલયના બર્ફીલા પહાડો પર ચાંદની ઢોળાતી રહી, ક્યારેક ક્યાંક રંગો અને આકારોની અદલાબદલી થતી રહે અને આ દરેક બદલાતી ક્ષણે અમે અપ્સરાઓને શોધતા રહ્યા હતા.
પુરાણકથા એટલે શું?
દુનિયાનો એકેય ધર્મ પુરાણકથાઓ વિનાનો નથી. ઓશો રજનીશે આ પુરાણકથાઓ વિશે એક નિરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું છે કે પુરાણકથાઓને અને સહજ બુદ્ધિને સાથે ન સાંકળવાં જોઈએ. પુરાણકથાઓ બુદ્ધિથી નહીં પણ એની સાથે જોડાયેલા મર્મથી સમજવી જોઈએ. જે રીતે પ્રાથમિક શિક્ષણનાં બાળકોને વાર્તાઓ કહેવામાં આવે છે એવું જ આ પુરાણકથાઓનું છે. ચકી-ચકો ખીચડી બનાવે છે, પોપટ પાંખ ભરીને રૂપિયા લઈને ઘરે આવે છે, કાબર અને કાગડો વાડી પર મહેનત કરે છે. આવી બધી વાતો સાંભળીને કોઈ બાળક એવો પ્રશ્ન નથી પૂછતો કે ચકી-ચકો ખીચડી કઈ રીતે રાંધે? પોપટ આંબાની ડાળીએ બેસીને કઈ રીતે હીંચકા ખાઈ શકે? આ બધી પુરાણકથાઓ છે, પણ આ કથાઓને અંતે દાદા-દાદી કે શિક્ષક જ્યારે સમાપન કરે ત્યારે જે દર્શન કરાવે છે એ આ કથાનો મહિમા છે.
બરાબર એ જ રીતે પુરાણકથાઓ વાંચ્યા કે સાંભળ્યા પછી આપણે જો બૌદ્ધિક પ્રશ્ન કરીએ તો આ કથાઓ સમજવી મુશ્કેલ પડે, પણ એ સાથે જ જો એનો મર્મ ગ્રહણ કરીએ તો આ કથાઓ લાંબા વખત સુધી ભૂલી ન શકાય એવી બને છે. અચિરવતી કે હિમાલયની અપ્સરાઓ એક માનવસહજ દર્શન છે. માણસ આવી જ એક ઝંખના સાથે જીવતો હોય છે. નદીનો પ્રવાહ કદી થંભે નહીં પણ એ જાણવા-સમજવા છતાં કશુંક અલૌકિક દર્શન કરવાની તેની મહત્ત્વાકાંક્ષા કયારેય પૂરી થતી નથી. વિજ્ઞાન સમજવા છતાં હિમાલયની રાતે ઉજાગરો કરવા અમે રાતભર બેસી રહ્યા હતા. માણસ આજીવન આવી વાર્તાઓ વચ્ચે જ જીવતો રહે છે. આવી વાર્તાઓ એના મર્મ સાથે આપણી વચ્ચે ન હોય તો જીવન કપરું બની જાય છે. અચિરવતીના રોકાઈ ગયેલા પ્રવાહનું દર્શન અથવા ચાંદની રાતે હિમાલય પર ઊતરી આવતી અપ્સરાઓની કલ્પના માણસને એક ધન્ય ક્ષણમાં ઉતારી દે છે અને આ પળ જ કદાચ તેના જીવતરની ધન્યતા બની જાય છે.
આવો, આપણે અચિરવતીને વંદન કરીને અને હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર નજર ઠેરવીને ધન્યતાની પ્રતીક્ષા કરીએ.

