જૈન સાધુ પરંપરામાં સર્વોચ્ચ સ્થાન ગણાતા આચાર્યપદને વરેલા મુંબઈના પાંચ જૈનાચાર્યો સાથે ‘મિડ-ડે’એ વાતો કરી
પ્રતીકાત્મક તસવીર
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાની પર્યુષણનો આજે બીજો દિવસ છે. ફેઇથ અને ફર્ગિવનેસના પર્વ તરીકે પર્યુષણ પર્વની ઉજવણી દુનિયાભરના જૈનો કરે છે ત્યારે જૈન પરંપરાને આગળ વધારવામાં, એની સાત્ત્વિકતાને બરકરાર રાખવામાં અને પોતાના આચરણ થકી દાખલો કાયમ કરવામાં સર્વશ્રેષ્ઠ ગણાય એવા જૈન સાધુ પરંપરામાં સર્વોચ્ચ સ્થાન ગણાતા આચાર્યપદને વરેલા મુંબઈના પાંચ જૈનાચાર્યો સાથે ‘મિડ-ડે’એ વાતો કરી. તમામ જૈન શાસ્ત્રોનો સાર ગણાતા નવકાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠી તરીકે ત્રીજા નંબરે સ્થાન પામનારા આચાર્ય મહારાજ જૈન સમાજના દિશાદર્શક છે તો સાથે જ સંપૂર્ણ માનવજાતના હિતમાં સતત સમાજનું ઘડતર કરવાની જવાબદારીઓ પણ તેઓ નિભાવતા હોય છે. આટલા મહત્ત્વપૂર્ણ પદ સુધી પહોંચેલા આ મહાત્માઓને ખરેખર દીક્ષામાં એવું શું દેખાયું જે ઘણા બધા લોકો નથી જોઈ શકતા. દાયકાઓથી સાધુજીવનના આકરા નિયમો પાળનારા આ મહાત્મા જૈનત્વને કઈ રીતે જુએ છે જેવા વિષયને લગતા પાંચ સવાલ અને એ સવાલના પાંચ જુદા દૃષ્ટિકોણ સાથે મળેલા જવાબ વાંચો જેમાં તમને વૈવિધ્ય પણ મળશે અને ઊંડાણ પણ.
આચાર્યશ્રી યશોવિજયજી - ઘાટકોપર
ADVERTISEMENT
મૌન ધ્યાન સાધના શિબિર દ્વારા જેઓ હજારો સાધકોના રાહબર, અંતર્મુખતા અને પ્રભુપ્રેમની ધારામાં સતત લીન એવા પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના ભક્તિયોગાચાર્ય તરીકે જાણીતા આ મહાત્માએ ૧૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને અત્યારે દીક્ષાના સાત દાયકામાં સ્વયં આત્માનુભવ કરીને અનેક પુસ્તકો લખ્યાં છે.
૧. દીક્ષા લેવાની ભાવના શું કામ જાગી આપને?
હું ૭ વર્ષનો હતો ત્યારે મને ટાઇફૉઈડ થયો હતો. મારા ગામ ઝીંઝુવાડામાં મેડિકલ સર્વિસ બરોબર નહોતી એટલે નજીકમાં આવેલા નાનકડા ટાઉન ખારાગોઢાની હૉસ્પિટલમાં મને ઍડ્મિટ કરવામાં આવ્યો. લગભગ છ-સાત અઠવાડિયાં થયાં, પણ તાવ ન ઊતરે, શરીર સાવ કૃશ બન્યું હતું. એ ક્ષણે માએ પ્રભુને પ્રાર્થના કરી, ‘પ્રભુ, દીકરો સાજો થઈ જાય અને પછી તેની ઇચ્છા હોય તો હું તેને તારા માર્ગ પર મોકલીશ.’ ચમત્કાર લાગે, પણ પ્રાર્થના પછી હું સ્વસ્થ થવા લાગ્યો. તબિયત સંપૂર્ણ સુધરી ગઈ. એ પછી એક દિવસ માએ મને પોતાની પ્રાર્થનાની વાત કરી. મને એ વાત ગમી ગઈ. એનું એક કારણ એ હતું કે એ સમયે પ્રસિદ્ધ આચાર્ય ૐકારસૂરિ મહારાજ મારા કાકા હતા. એટલે વારંવાર તેમની પાસે જવાનું થતું. ત્યારથી જ એ જીવન ગમવા લાગેલું. એક તરફ કાકા મહારાજની પ્રેરણા, બીજી બાજુ માની પ્રાર્થના અને સાથે જન્માંતરીય વૈરાગ્યની ધારાને કારણે અહીં આવવાનું થયું.
૨. સાધુજીવનમાં સૌથી અઘરી કહેવાય એવી કઈ વાત લાગી આપને?
સંયમી જીવનમાં અઘરું કશું જ નથી, આનંદ જ આનંદ છે.
૩. એવી કોઈ એક વાત, એવી કોઈ ઘટના કે એવી કોઈ ઘડી જે આપના ૬૮ વર્ષના સાધુજીવનમાં સૌથી વધુ સંતોષ આપનારી હતી?
દીક્ષાનાં ૬૮ વર્ષ પછી પણ આજે મને લાગે છે કે શ્રેષ્ઠ જીવન મને મળ્યું છે. એક–એક ક્ષણ મારી આનંદથી પૂર્ણ હોય છે, સાક્ષીભાવને કારણે. ઘટનાઓ ઘટ્યા કરતી હોય, પણ એ સાથે સંબંધ ન રચાતો હોય. સાક્ષીભાવનો અભ્યાસ અને અનુભૂતિ થવાથી ધન્ય ધન્ય અનુભવું છું.
૪. જૈન ધર્મનો કયો સિદ્ધાંત આપની દૃષ્ટિએ ‘અપ્લાય ફૉર ઑલ’ જેવો છે અને દુનિયા આખી માટે લાભકારી છે?
જૈન ધર્મનો ‘સર્વસ્વીકારનો સિદ્ધાંત’ બધા માટે ઉપયોગી છે. અણગમતું કંઈક ઘટિત થાય અને આપણું મન અપ્રસન્ન બને. ગમતું કંઈક થાય ને મન પ્રસન્ન બને. આમ વ્યક્તિની પ્રસન્નતા સ્વ-આધારિત રહેવાને બદલે ઘટના-આધારિત બને છે. પ્રભુ મહાવીર કહે છે કે તું બધાનો - અણગમતા અને ગમતાનો - એકસરખી રીતે સ્વીકાર કર. જે ક્ષણે જે ઘટના ઘટિત થવાની હતી એ ઘટિત થઈ. તું માત્ર એનો સાક્ષી બન! બધાનો સ્વીકાર સમભાવપૂર્ણ હૃદયથી. આજના સમયમાં બહુ મોટો વર્ગ મનની અશાંતિથી પીડાય છે ત્યારે ‘સર્વસ્વીકાર’ એક ચમત્કારી જડીબુટ્ટીની જેમ કામ કરી શકે છે.
૫. દીક્ષા લીધા વિના પણ ધર્મ તો થઈ જ શકે તો આટલું કષ્ટવાળું જીવન જીવવાનો આગ્રહ કેમ રાખવાનો?
સાધનાની પ્રગાઢતા માટે રાગદ્વેષ આદિથી અલગાવ એટલે કે નૉન-અટેચમેન્ટ જરૂરી છે. સંસારમાં ડગલે ને પગલે એવાં નિમિત્તો મળ્યા કરે કે ચિત્ત રાગદ્વેષ આદિથી છલકાઈ જાય. મારા સદ્ભાગ્યે, ગુરુદેવની કૃપાથી, ૩૦ વર્ષ મને એકાંતવાસમાં મળ્યા. થોડાં કાર્યો માટે બહાર આવવું પડે એવા અપવાદો વિના હું ઉપાશ્રયની એકાદ રૂમમાં જ રહેતો. ધ્યાન પણ કરતો, સ્વાધ્યાય પણ. મહર્ષિ પતંજલિ, હરિભદ્રાચાર્યજી, શંકરાચાર્યજી આદિ પૂર્વસૂરિઓના ગ્રંથોનો અભ્યાસ કરતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોર, આલ્બેર કામુ, નિત્સે આદિને વાંચતો. આનંદ જ આનંદ શ્રામણ્યની પરંપરાએ મને આપ્યો છે. સાધનાની પ્રગાઢતા, દીક્ષા વિના તો હું ન જ પામી શકત.
આચાર્યશ્રી મહાબોધિસૂરિજી - પાર્લા
પ્રવચનશિખર તરીકે જાણીતા અને આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય એવા આ મહાત્મા કડક શબ્દોમાં શીખ આપવા માટે યુવાનોમાં જાણીતા છે. ૭ વર્ષ પહેલાં સુકૃત સેન્ટર અંતર્ગત ધર્મ, સેવા, અનુકંપા અને વડીલોને ભોજન જેવી ૪૦થી વધુ ઍક્ટિવિટીની પ્રેરણા કરનારા આ પૂજ્યશ્રી ૧૫થી ૩૦ વર્ષના યુવાનોની વિશેષ શિબિર દ્વારા યુથ પરિવર્તનના કાર્યમાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.
૧. દીક્ષા લેવાની આપને શું કામ ઇચ્છા થઈ?
અમારા ઘરના સંસ્કાર એવા હતા એમ કહો તો ચાલે. મમ્મીની ઇચ્છા હતી કે અમે દીક્ષા લઈએ. ચાર ભાઈ અને ત્રણ બહેનો હતાં. ત્રણેય બહેનોએ દીક્ષા લીધી અને મારી ભાવના થઈ તો માતાજીનું કહેવું હતું કે તારા માટે ગુરુ હું પસંદ કરીશ. આપણે ત્યાં શાસ્ત્રોમાં ગુરુની પસંદગી મહત્ત્વની ગણાય છે. હું ૩ વર્ષનો હોઈશ જ્યારે મને વાંચતાં નહોતું આવડતું ત્યારે પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ હતાં. ૧૫ વર્ષની ઉંમરમાં તો કર્મગ્રંથ, ભાષ્ય, સંસ્કૃત વ્યાકરણ જેવું ઘણું બધું ભણાઈ ગયું હતું. એ દરમ્યાન મારા ગુરુદેવ સાથે પરિચય થયો. તેમનું એક પ્રવચન સાંભળ્યું અને મારાં માતાજીએ કહ્યું કે તમે આમની જ પાસે દીક્ષા લો. અમે બન્ને ભાઈઓએ સાથે દીક્ષા લીધી. એ રીતે અમારી અરેન્જ દીક્ષા થઈ છે, કારણ કે અમારા ગુરુની પસંદગી અમે નહીં, અમારી મમ્મીએ કરી હતી.
૨. સાધુજીવનમાં સૌથી અઘરી કહેવાય એવી કઈ વાત લાગી આપને?
આજથી ૫૦ વર્ષ પહેલાં જ્યારે અમારી દીક્ષા થઈ ત્યારે આજે તમને જે વસ્તુનું કષ્ટ લાગે છે એ વસ્તુ ત્યારે કષ્ટ નહોતી ગણાતી. ત્યારનું વાતાવરણ એવું હતું અને વાતાવરણથી વિચારોનું ઘડતર થાય છે. ઘણાં ઘરોમાં ત્યારે પંખા નહોતા. આજનાં બાળકો ખાવા માટે જે નખરાં કરે છે એવાં નખરાની ફૅશન ત્યારે નહોતી. ઘરે જે બને એ જ ખાવાનું. એટલે સાધુજીવનની લાઇફસ્ટાઇલ સહજ ગણાતી. લોચ(માથાના વાળ ખેંચીને કાઢવા) અને વિહાર(પગપાળા યાત્રા) બે ચૅલેન્જ આજની દૃષ્ટિએ લોકોને લાગે એ પણ અમારા માટે સહજ હતી, કારણ કે એક તો યુવાન વય અને બીજું વર્ષમાં બે જ વાર લોચ કરવાનું હોય. સૌથી મોટી એ સમયે ધર્મક્રિયાઓના યુવાનોના જીવનનો હિસ્સો હતી. દિવસના ૬ કલાક દેવગુરુ ધર્મમાં જતા એટલે કંઈ અઘરું હતું જ નહીં.
૩. એવી કોઈ એક વાત, એવી કોઈ ઘટના કે એવી કોઈ ઘડી જે આપના ૪૮ વર્ષના સાધુજીવનમાં સૌથી વધુ સંતોષ આપનારી હતી?
દીક્ષા લીધા પછી ૧૬ વર્ષ એકાંતવાસ સાથે ભણવામાં જ ગયાં. એ પછી જ્યારે સ્વતંત્ર ચાતુર્માસ કરવાનું શરૂ કર્યું ત્યારે અમારા સમુદાયના ગચ્છાધિપતિ જયઘોષસૂરિ મહારાજસાહેબે મને તેમની સાથે રાખ્યો. એ પચીસ વર્ષ તેમની સાથે રહેવામાં અને તેમની નિશ્રા તથા માર્ગદર્શનમાં ચાતુર્માસના વિવિધ કાર્યક્રમોને એક પછી એક ઊંચા આયામ પર લઈ જવાનાં કાર્યો જે ગુરુકૃપાથી થયાં એનો આનંદ અને સંતોષ અનેરો છે. બીજી એવી ઘટના છે જેણે ખૂબ આશ્વાસન આપ્યાં એ છે વિહાર ગ્રુપની સ્થાપના. જૈન પરંપરાના વિદ્વાન આચાર્ય, સત્તર ભાષાના જાણકાર પૂજ્ય જમ્બુવિજયજી મહારાજસાહેબ અકસ્માતમાં કાળધર્મ (મૃત્યુ) પામ્યા ત્યારે ખૂબ આઘાત લાગેલો. આવા અકસ્માતોથી મહાત્માને બચાવવા જ વિહાર ગ્રુપની સ્થાપના કરી. કોઈ ગચ્છ, એકતિથિ-બે તિથિ કે જૈનોના આંતરિક સંપ્રદાયના ભેદ વિના હજારો યુવાનોનાં ગ્રુપ બન્યાં જે વિહાર કરતા મહાત્મા સાથે ચાલે અને તેમની સુરક્ષાની કાળજી કરે. ૧૫ વર્ષમાં ૧૧ રાજ્યમાં ૫૦૦ સેન્ટરમાં ૫૦૦૦થી વધુ યુવાનો આ કાર્યમાં જોડાયા છે.
૪. જૈન ધર્મનો કયો સિદ્ધાંત આપની દૃષ્ટિએ ‘અપ્લાય ફૉર ઑલ’ જેવો છે અને દુનિયાઆખી માટે લાભકારી છે?
અનેકાંતવાદ. આજના સમયમાં અને આવનારા દરેક સમયમાં આ સિદ્ધાંતથી સમાજ અને વ્યક્તિની શાંતિ ટકાવવા માટે પ્રભુ મહાવીરનો સ્યાદ્વાદ અને અનેકાંતવાદનો સિદ્ધાંત અપનાવ્યા વિના છૂટકો નથી. સામેવાળા માટે દ્વેષભાવ લાવતાં અટકાવે અને નવા કર્મનાં બંધનોથી બચાવનારો આ સિદ્ધાંત છે, જેમાં સામી વ્યક્તિ તેની દૃષ્ટિએ સાચી હોઈ શકે અને તેનો પણ એક દૃષ્ટિકોણ છે એને સ્વીકારવું એ અનેકાંતવાદ છે. બીજી, ભગવાન મહાવીરે આપેલી ભેટ એટલે ક્ષમાપના. એકબીજાના વેર-વિરોધને કારણે જ દુનિયામાં અને વ્યક્તિના મનમાં આટલી અશાંતિ છે. બહુ બધું પકડી રાખ્યા વિના, માફ કરીને મનને હળવું કરો અને આગળ વધો એ વિચાર ક્યારેય કોઈએ ધર્મની ભૂમિકા પર નથી આપ્યો.
૫. દીક્ષા લીધા વિના પણ ધર્મ તો થઈ જ શકે, તો આટલું કષ્ટવાળું જીવન જીવવાનો આગ્રહ કેમ રાખવાનો?
રસ્તા પર બે વ્યક્તિ ચાલી રહી છે. બન્નેને એક જ જગ્યાએ જવું છે, પણ એક વ્યક્તિને પગમાં પ્રૉબ્લેમ છે એટલે લંગડાઈને ચાલે છે અને બીજો ઝડપથી સડસડાટ આગળ વધી રહ્યો છે. કોણ વહેલું પહોંચશે? જે સડસડાટ ચાલે છે એ. દીક્ષામાં અને સંસારી રહીને ધર્મ કરવામાં આટલો ફરક છે. સંસારમાં રહો એટલે તમે ઘણી વાતોથી હૅન્ડિકૅપ્ડ થઈ જાઓ છો અને તમારી સ્પીડ ઘટી જાય છે. બીજું, એ સમજાયા પછી સંયમ જીવનમાં કોઈ કષ્ટ લાગતાં જ નથી. આજે વર્ષે ધારો કે ૫૦૦ નવી દીક્ષાઓ થાય છે તો એમાં મોટા ભાગના મુમુક્ષો યુવાન, ભણેલા અને ખૂબ સંપન્ન પરિવારમાંથી આવે છે. તેમની પાસે બધું જ સુખ છે અને કોઈ કષ્ટભર્યું જીવન નથી છતાં તેમને એમાં સુખ નથી દેખાતું, કારણ કે તેમની સમજણ કેળવાઈ છે. તેમનો અભ્યાસ તેમને એ તારણ પર લઈ આવે છે કે ઝડપથી મોક્ષના લક્ષ્યને પામવું હશે તો વધુ ફોકસ્ડ થઈને સાધના કરવી પડશે અને એ દીક્ષા લીધા વિના સંભવ નથી.
આચાર્યશ્રી રાજપરમસૂરિજી - ખેતવાડી
સોળ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરીને કલિકુંડ ઉદ્ધારક ગુરુશ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં સર્વસ્વીકારની સાધના કરનારા આ મહાત્માએ પોતાના ક્રોધદોષને નાબૂદ કરવા માટે છેલ્લાં પચીસ વર્ષથી તળેલી વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. પ્રતિકૂળતામાં પણ પ્રસન્ન રહીને સમાધાન કાઢવામાં માનતા પૂજ્યશ્રી તેમની સરળતા માટે ઓળખાય છે.
૧. દીક્ષા લેવાની ઇચ્છા આપને શું કામ થઈ?
હું મારા દાદાગુરુદેવ આચાર્યશ્રી સોમચંદ્રસૂરિજી અને કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીના સંપર્કમાં હતો. એક વાર ગુરુદેવને મેં પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આપ સૌને દીક્ષાધર્મની પ્રેરણા શા માટે કરતા રહો છો? ગુરુદેવનો જવાબ હતો કે ભાઈ, ગટરમાં જીવન માટે તરફડતા જીવને આપણે જેમ બચાવીએ છીએ એમ સંસારમાં રાગદ્વેષથી પીસાતા જીવોને જોઈને દયા આવે છે એટલે મારાથી પ્રેરણા થઈ જાય છે. ગુરુદેવની આ વાત અને સાથે જ તેમના અનિત્ય ભાવના અને એને લગતી અન્ય વાતોના ૧૨ પત્રો મને મળ્યા. એ મારા જીવનમાં સંપૂર્ણ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયા. પાછલી બધી જ શીખ અને છેલ્લે મળેલા આ પત્રો સાથે ગુરુદેવનો એકધારો સંયોગ મને દીક્ષામાર્ગ તરફ લઈ આવ્યો.
૨. સાધુજીવનમાં સૌથી અઘરી કઈ વાત લાગી આપને?
કડકડતી ઠંડીમાં વેપાર કરતા વેપારીને વાતાવરણની ઠંડીને કારણે પડતું કષ્ટ તકલીફ નથી આપતું, કારણ કે તેનું ધ્યેય નિશ્ચિત છે કે મારે વેપાર વધારીને ધનવાન બનવું છે. બસ એ જ રીતે અનંત સુખસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિના ધ્યેય સાથે ચાલનારને સંયમજીવનનાં કષ્ટ કષ્ટરૂપ નથી લાગતાં. બીજું, વર્તમાન કાળમાં શ્રાવકો દ્વારા થતી ભક્તિને કારણે આજે સંયમજીવન પ્રમાણમાં સરળ બન્યું છે. કેટલાક અનિવાર્ય લોચ, વિહાર કે તપની તકલીફ ક્યારેય લાગી જ નથી, કારણ કે મંઝિલપ્રાપ્તિની ખુશી સામે એ ગૌણ છે.
૩. ૪૦ વર્ષના સાધુજીવનમાં સંતોષ આપનારી ક્ષણ કઈ?
દીક્ષા લીધા પછી ગુરુકૃપાથી સ્વાધ્યાય અને તીર્થયાત્રા આદિ ઘણાં કાર્યોનો અદ્ભુત લાભ મળ્યાનો સંતોષ છે, પરંતુ મનમાં એક વાત સતત રમતી હતી કે ‘મને જડ્યું જગતમાં જયકારી જિનશાસન સહુને સુખકારી.’ મનમાં હતું કે જિનશાસન થકી સૌ વિનય, વિવેક, નમ્રતા વગેરેના અનુશાસનમાં આવે. એના ફળસ્વરૂપ રાજસ્થાન, બંગાળ, ઝારખંડ વગેરે પ્રદેશોમાં હજારો વિદ્યાર્થીઓને પ્રભુશાસનની કેટલીક સારી વાતો સમજાવી. ધર્મ સન્મુખ બનાવવાના પ્રયત્નો કર્યા. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બંગાળ, કચ્છ, સૌરાષ્ટ્ર, ઝારખંડ વગેરે પ્રદેશોમાં ફરતાં સમજાયું કે લોકોને જૈનત્વ પ્રત્યે ખૂબ આદર છે. અનેકના જીવનમાં જૈનત્વથી અજવાળું પાથરવાની ક્ષણો ખૂબ સંતોષ આપનારી છે.
૪. જૈન ધર્મનો કયો સિદ્ધાંત આપની દૃષ્ટિએ ‘અપ્લાય ફૉર ઑલ’ જેવો છે?
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે...’ આ ગીતમાં પ્રતિબિંબિત પ્રભુ વીરની મૈત્રીભાવના દરેક જણ અપનાવે એમાં જ વર્તમાન સમયની સૌ સમસ્યાનું સમાધાન રહેલું છે.
૫. દીક્ષા લીધા વિના પણ ધર્મ તો થઈ જ શકે તો આટલું કષ્ટ શું કામ સહેવાનું?
કલાકાર એક કલાક દરરોજ મૂર્તિ બનાવવામાં ફાળવે તો કેટલું કામ થાય અને દિવસ-રાત માત્ર મૂર્તિ બનાવવા માટે મચેલો રહે તો કેટલું કામ થાય? જીવનનિર્વાહની અનેક જવાબદારી લઈને બેઠેલા ગૃહસ્થને સ્વકલ્યાણ માટે પણ સમય નથી મળતો તો પરોપકારના મોટા કાર્ય માટે ક્યાંથી સમય કાઢી શકવાનો? સાધનાજીવનના સ્વીકાર પછી માત્ર ને માત્ર સ્વ અને પર કલ્યાણની ભાવના સાથે માત્ર સાધુજીવનમાં તંદુરસ્ત ધર્મ કરી શકાય છે.
એક ઘટના કહું. કુમારપાળ દેસાઈને એક પરદેશી વ્યક્તિએ જૈન ધર્મના કાર્યમા મોટું ડોનેશન કર્યાની જાણ થઈ એટલે તેમણે એ વ્યક્તિને કારણ પૂછ્યું.
સામેવાળાએ જવાબ આપ્યો કે પ્રભુ માટે જીવનભરનું જે સમર્પણ એક જૈન સાધુનું મેં જોયું છે એવું બીજે ક્યાંય નથી જોયું. જૈન સાધુ એ ફુલટાઇમ પાદરી જેવા હોય છે.
એ દિવસે જૈન ધર્મ પ્રત્યેનો કુમારપાળભાઈનો અહોભાવ અનેકગણો સમૃદ્ધ થયો હતો. દીક્ષા લઈને જે થઈ શકે એવો ધર્મ સંસારીપણામાં રહીને કરવો બહુ મુશ્કેલ છે.
આચાર્યશ્રી તીર્થભદ્રસૂરિજી - ગોરેગામ
અધ્યાત્મયોગી આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજીના શિષ્ય એવા આ મહાત્માએ શરૂઆતનાં ૧૨ વર્ષ સુધી વધુમાં વધુ સમય મૌન રહીને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. અધ્યાત્મનાં મૂલ્યોથી સભર જીવન ધરાવતા અને ૧૦૦થી વધુ મુમુક્ષુને દીક્ષા આપી ચૂકેલા પૂજ્યશ્રીનો સરળ, શાંત અને વિચારશીલ સ્વભાવ તેમના સંપર્કમાં આવનારાઓના હૃદયમાં ઊંડી છાપ છોડનારો છે.
૧. દીક્ષા લેવાની આપને શું કામ ઇચ્છા થઈ?
સંસારીપણામાં પરિવાર સાથે માટુંગામાં રહેતો. ઘરનો માહોલ ખૂબ જ ધાર્મિક. માતાની ધર્મરુચિ મારામાં ઊતરી. મારી બે મોટી બહેનો દીક્ષા અંગીકાર કરી ચૂકી હતી. પોદ્દાર કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયો એ પછી મનમાં ‘હવે શું?’ની વિચારધારા ચાલતી હતી. જૈન પ્રવચનોનાં શબ્દો જાણે કાનમાં ગુંજતાં. સાચું સુખ પૌદોલિક પદાર્થમાં નથી એના સ્વાનુભવો મેળવી લીધા હતા અને સમજાયું હતું કે સાચું સુખ આત્મકલ્યાણમાં છે. એ શ્રદ્ધા દૃઢ થઈ એટલે મનમાં ભાવ જાગ્યા કે જિનેશ્વર ભગવાને બતાવેલો મોક્ષમાર્ગ જ આત્મકલ્યાણનો માર્ગ છે અને બસ સાચા ગુરુનો સથવારો મળ્યો અને દીક્ષાની એ ધન્ય ક્ષણ આવી જીવનમાં.
૨. સાધુજીવનમાં સૌથી અઘરી કહેવાય એવી કઈ વાત લાગી આપને?
સાચો વૈરાગ્યભાવ જાગ્યા પછી કંઈ જ અઘરું નથી લાગતું. જીવનમાં શું જોઈએ છે એની સ્પષ્ટતા હોય પછી જે આવે એ સ્વીકાર્ય છે. આગળ વધવામાં પછી આવતી દરેક બાબતો મુસીબત કે કષ્ટ નહીં, પણ લક્ષ્યપ્રાપ્તિનાં પગથિયાં જેવી લાગે. એને જીરવવાનું સામર્થ્ય આપોઆપ કેળવાતું જાય.
૩. એવી કોઈ એક વાત, એવી કોઈ ઘટના કે એવી કોઈ ઘડી જે આપના ૪૭ વર્ષના સાધુજીવનમાં સૌથી વધુ સંતોષ આપનારી હતી?
સંયમજીવનની દરેક ક્ષણ આનંદદાયી જ હોય છે, પરંતુ જે દિવસે વિશેષ સ્વાધ્યાય થાય અથવા જે દિવસે આરાધના સારી થાય ત્યારે વધુ સંતોષ થાય છે અને એ બધાથી ઉપર જીવનની એ ક્ષણ જ્યારે મારા ગુરુદેવ કલાપૂર્ણસૂરિજીના હાથે ઓઘો પ્રાપ્ત થયો એ ક્ષણના આનંદ અને સંતોષને તો વર્ણવી જ ન શકાય.
૪. જૈન ધર્મનો કયો સિદ્ધાંત આપની દૃષ્ટિએ ‘અપ્લાય ફૉર ઑલ’ જેવો છે અને દુનિયાઆખી માટે લાભકારી છે?
જૈન ધર્મમાં દર્શાવેલી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના - આ ચારની અત્યારના સમયમાં સંપૂર્ણ માનવજાતને સર્વાધિક જરૂર છે. દરેક જીવના હિતની ચિંતા કરવી એટલે મૈત્રી, ગુણીજનો પ્રત્યે આદર અને અનુમોદનાનો ભાવ રાખવો એ પ્રમોદ, દુખીના દુખને અનુભવીને એને દૂર કરવાના પ્રયાસ એ કરુણા અને પાપી તથા અધમ વૃત્તિના જીવો પ્રત્યે મધ્યમ એટલે કે સમભાવ રાખવો એ માધ્યસ્થ ભાવના કહેવાય. મેન્ટલ પીસ દરેક વ્યક્તિ માટે આ ઉપોગી છે.
૫. દીક્ષા લીધા વિના પણ ધર્મ તો થઈ જ શકે તો આટલું કષ્ટવાળું જીવન જીવવાનો આગ્રહ કેમ રાખવાનો?
સંસારમાં રહીને સર્વ જીવોની રક્ષા કરવી અશક્ય છે. જૈન ધર્મના એકેન્દ્રિયથી લઈને પાંચ ઇન્દ્રિય ધરાવતા જીવોની રક્ષા કરવાની વાત આવે છે. ગૃહસ્થ જીવનમાં એ સંભવ નથી. તીર્થંકર ભગવાનના જીવનચરિત્ર જોશો તો સમજાશે કે રાજકૂળમાં જન્મેલા અને સંપૂર્ણ અનાસક્ત ભાવ સાથે જીવતા હોવા છતાં તેમણે સંયમજીવનનો સ્વીકાર કર્યો. બહુ સરળ વાત છે કે ગૃહસ્થ તરીકે સર્વ જીવની રક્ષા સંભવ નથી અને સર્વ જીવની રક્ષા વિના મોક્ષ સંભવ નથી.
આચાર્યશ્રી મુક્તિવલ્લભ વિજયજી - બોરીવલી
બોરીવલીના જામલી ગલી દેરાસરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્યશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજના શિષ્ય એવા આ મહાત્માને દીક્ષા લીધાને ૪૩ વર્ષ થયાં. ૩૨ શિષ્યો ધરાવતા આ મહારાજસાહેબની તર્કબદ્ધ તત્ત્વજ્ઞાનને સરળતાથી સમજાવી શકવાની ઢબ અદ્ભુત છે. ૬૦ પુસ્તકોના લેખક પૂજ્યશ્રીનું એક પુસ્તક ‘વાંચે ગુજરાત’ની ઑફિશ્યલ સાઇટ પર મુકાયું છે.
૧. દીક્ષા લેવાની ભાવના શું કામ જાગી આપને?
વ્યક્તિ પર એની આસપાસના વાતવરણની ખૂબ અસર થતી હોય છે. મારા પરિવારનો માહોલ ધાર્મિક જ હતો. જન્મ ગામડે થયો, પણ અભ્યાસ મુંબઈમાં થયો. મેટ્રિકની એક્ઝામ આપી એ પછી વેકેશનમાં પૂજ્ય ભુવનભાનુસૂરિ મહારાજની ૨૧ દિવસની શિબિર અટેન્ડ કરી. પહેલી શિબિરે જીવનની રફ્તારમાં થોડા ગહન પ્રશ્નો મનમાં ઊઠવા માંડ્યા. શ્રવણમાંથી વાંચન અને પછી ચિંતન અને મનની દિશાઓ ઊઘડી. જીવનના આદર્શો, જીવનનું ધ્યેય, જીવનની યાત્રામાં અનિવાર્ય શું એ બધા પ્રશ્નોના જવાબમાં દીક્ષા એ જ સાચી દિશા છે એટલી સમજણ પડી. જીવન માત્ર મળ્યું છે તો એને પૂરું કરી દો એ માટે નથી એ સમજણ કેળવાઈ. લગભગ ત્રણ-ચાર વાર એ ૨૧ દિવસની શિબિર અટેન્ડ કરી હતી એ જીવનમાં પરિવર્તન લઈ આવી. ચાર વર્ષ મેં મુંબઈની મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને અભ્યાસ કર્યો હતો એટલે ત્યાંના વાતાવરણમાં પણ એ દિશામાં લઈ જનારું નીવડ્યું.
૨. સાધુજીવનમાં સૌથી અઘરી કહેવાય એવી કઈ વાત લાગી આપને?
પ્રામાણિકતા સાથે કહીશ કે એકેય નહીં. કારણ કે દીક્ષા લીધી ત્યારે ૨૪ વર્ષની ઉંમર હતી. કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો એટલે હું શું કરવા જઈ રહ્યો છું અને એનું પરિણામ શું આવશે, કેવું જીવન જીવવું પડશે એની પહેલેથી જ સમજણ હતી એટલે મનથી બધું એક્સેપ્ટ કરી લીધું હતું. કંઈ અઘરું નહોતું રહ્યું. કષ્ટ ત્યાં પડે જ્યાં તમે રેઝિસ્ટ કરો. જ્યારે મેં તો સામે ચાલીને દુનિયાની દૃષ્ટિએ કષ્ટમય ગણાય એવા જીવનને ઇન્વાઇટ કર્યું હતું. પોતાની પસંદ હતી એટલે એને પૂરેપૂરી રીતે એક્સેપ્ટ કર્યું હતું અને શું થશે એ એક્સપેક્ટેડ જ હતું. ઇન્વાઇટ, એક્સપેક્ટ ઍન્ડ એક્સેપ્ટ આ ત્રણ પ્રિન્સિલ્સ મારી સાથે હતા. બીજી વાત, શરીરને કેળવો એમ કેળવાઈ જ જતું હોય છે. ભૌતિક સુખની લાલસા શરીરને નહીં, મનને હોય છે અને સાધુજીવન મનની મક્કમતા વિના સંભવ જ નથી.
૩. એવી કોઈ એક વાત, એવી કોઈ ઘટના કે એવી કોઈ ઘડી જે આપના ૪૩ વર્ષના સાધુજીવનમાં સૌથી વધુ સંતોષ આપનારી હતી?
અહીંની પળેપળ આનંદ આપનારી હોય છે, જો સમજીને આગળ વધો તો. કારણ કે સાધુજીવનની દિનચર્યા અને આખી પરંપરાનું એટલું અદ્ભુત ડિઝાઇનિંગ થયેલું હોય છે કે તમને ખોટી દિશામાં જવાનાં નિમિત્તો જ ન મળે. તમે સંપૂર્ણ પ્રાકૃતિક જીવન જીવો; સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ક્રિયાયોગ બધું જ અદ્ભુત છે. મને સૌથી વધુ રોમાંચ કોઈ વાતનો થતો હોય તો એ છે લોકોની વચ્ચે રહીને પણ લોકોથી અલિપ્ત રહેવાની રીત અદભૂત છે. બીજું, સંપૂર્ણપણે વર્તમાનમાં જીવવું. કાલની કોઈ ચિંતા જ નહીં એ રીતની દિનચર્યા અને શબ્દાવલિ અદ્ભુત છે. આ બધાનો મને ભારોભાર સંતોષ છે.
૪. જૈન ધર્મનો કયો સિદ્ધાંત આપની દૃષ્ટિએ ‘અપ્લાય ફૉર ઑલ’ જેવો છે અને દુનિયાઆખી માટે લાભકારી છે?
એકવીસમી સદી સમસ્યાઓની સદી છે. વિશ્વમાં એકધારો ચાલી રહેલો યુદ્ધનો માહોલ, આતંકવાદ, સ્ટ્રેસ, ડિપ્રેશન, બેકારી, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વૉર્મિંગ જેવા જ્વલંત પ્રશ્નોના જવાબ જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોમાં સમાયેલા છે. હું તો કહીશ કે આજના સંજોગોને જોતાં જૈન ધર્મ આજે જેટલો પ્રસ્તુત અને રિલેવન્ટ છે એટલો ક્યારેય નહોતો. નૅચરલ રિસોર્સિસનું જે રીતે શોષણ થઈ રહ્યું છે એના પર લગામ તાણવા જૈન દર્શને આપેલો સૂક્ષ્મસ્તરે અહિંસાનો સિદ્ધાંત અમલમાં મુકાયા વિના ચાલશે જ નહીં. ભગવાન મહાવીરે માટીમાં, પાણીમાં, હવામાં, વનસ્પતિમાં જીવ હોવાનું અઢી હજાર વર્ષ પહેલાં કહ્યું છે. આ દરેક જીવોની રક્ષા તો જ થશે જો એના ઉપયોગમાં નિયંત્રણ થશે. ‘આપો એવું મળે’ એ પ્રકૃતિનો સિદ્ધાંત છે. આજે આપણે સતત આ નૅચરલ રિસોર્સિસનાં શોષણ કરીને પ્રકૃતિમાં સૂક્ષ્મસ્તરે વસતા જીવોને ડિસ્ટર્બ કરી રહ્યા છીએ. સૂક્ષ્મ અહિંસા એ અત્યારે સૌએ અનુસરવા જેવો સિદ્ધાંત છે.
૫. દીક્ષા લીધા વિના પણ ધર્મ તો થઈ જ શકે, તો દીક્ષા લઈને આટલું કષ્ટવાળું જીવન શું કામ જીવવાનું?
કોઈ પણ ધ્યેયને અચીવ કરવા માટે ડેડિકેશન જરૂરી છે. જો તમારું ધ્યેય આત્મકલ્યાણ હોય તો ગૃહસ્થ જીવનમાં દુનિયાભરની વિપરીત જવાબદારીઓ વચ્ચે તમે જાતના ઉદ્ધાર માટેનું ડેડિકેશન નહીં કેળવી શકો. સાધુજીવન એ અહિંસા, નિશ્ચિંતતા સાથે તમને તમારા ગોલ તરફ જવા માટેની સાધનાનો પૂરતો સમય આપે છે જે અધરવાઇઝ શક્ય નથી.