Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પન્નાનું અનમોલ રતન છે શ્રી પ્રાણનાથ મંદિર

પન્નાનું અનમોલ રતન છે શ્રી પ્રાણનાથ મંદિર

Published : 25 October, 2026 08:08 AM | IST | Madhya Pradesh
Alpa Nirmal

જેમ શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસ ખેલ્યો હતો એ જ રીતે પ્રણામીઓ માને છે કે તેમના ધર્મસંસ્થાપક મહામતિ શ્રી પ્રાણનાથજીએ પણ આ ધામમાં શ્રી શ્યામ સંગ બ્રિજરાસ ખેલ્યો હતો

શ્રી પ્રાણનાથ મંદિર

શ્રી પ્રાણનાથ મંદિર


મધ્ય પ્રદેશના ડાયમન્ડ સિટી પન્નામાં પ્રણામી સંપ્રદાયીઓનું મોટું શ્રદ્ધેય તીર્થ છે. પદ્‍માવતીપુરી ધામ તરીકે ઓળખાતા આ મંદિરમાં શરદપૂર્ણિમાના દિવસે મહારાસનું આયોજન થાય છે જેમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. જેમ શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસ ખેલ્યો હતો એ જ રીતે પ્રણામીઓ માને છે કે તેમના ધર્મસંસ્થાપક મહામતિ શ્રી પ્રાણનાથજીએ પણ આ ધામમાં શ્રી શ્યામ સંગ બ્રિજરાસ ખેલ્યો હતો

અલ્પા નિર્મલ



feedbackgmd@mid-day.com


‘ભારત કા દિલ’ની ઉપમા ધરાવતું મધ્ય પ્રદેશ રાજ્ય સહસ્રદલ કમળ સમાન છે. જેમ હજાર પાંખડીઓ ધરાવતા સરોજની પંખુડીઓનું એક-એક પડળ ખૂલતાં એનાં ભિન્ન-ભિન્ન રૂપ ખીલે એ જ રીતે આ રાજ્યને ઊંડાણથી એક્સપ્લોર કરતાં એની સુંદરતા, સંસ્કૃતિ અને પ્રાચીન વિરાસતોનાં કેટલાંય સ્વરૂપો આપણી સામે આવતાં જાય. ખજૂરાહો, કાન્હા, બાંધવગઢ, પંચમઢી જેવાં હેરિટેજ અને વાઇલ્ડલાઇફ માટેનાં સ્થળ તો ખરાં જ; સાથે ઉજ્જૈન, ઓમકારેશ્વર, ઓરછા, મહેશ્વર જેવાં સ્પિરિચ્યુઅલ પ્લેસિસે મધ્ય પ્રદેશને બ્યુટિફુલ
ટ્રાવેલ-ડેસ્ટિનેશન બનાવ્યું છે. જોકે આગળ કહ્યું એમ આ સ્ટેટના અનેક વિસ્તારો અદ્વિતીય હોવા છતાં અનએક્સપ્લોર્ડ છે, જેમાં બુદેલખંડની પન્ના સર્કિટ પ્રથમ ક્રમાંકે છે. હીરાની ખાણો, ટાઇગર રિઝર્વ, વગડાઉ પ્રકૃતિ અને ચોમાસામાં અનેક હંગામી નદી, ઝરણાં તેમ જ ધોધની કુક્ષિ બની જતી આ ભૂમિનું અનમોલ રતન છે શહેરની શાનસમું શ્રી પ્રાણનાથ મંદિર. છેક સોળમી સદીના અંતમાં નિર્માણ પામેલું ઇન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચરના અદ્ભુત નમૂનાસમ આ મંદિરમાં શરદપૂર્ણિમાએ હજારો પ્રણામી અનુયાયીઓ મહારાસમાં સામેલ થવા દેશ-વિદેશથી આવે છે. સો, તીર્થાટન એક્સપ્રેસ લઈને આપણે પણ પહોંચીએ આ મહારાસના સાક્ષી બનવા.

lll


વેલ, મંદિર અને મહારાસની વાતો કરતાં પહેલાં આપણે પ્રણામી સંપ્રદાય વિશે થોડું જાણીએ. ૧૫૮૧માં સિંધના ઉમરકોટ (હાલ પાકિસ્તાન)માં જન્મેલા દેવચંદ્રજીને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો. પ્રભુભક્તિમાં લીન દેવચંદ્રજી આ નિર્મળ આનંદની લહાણી કરવા ગામે-ગામે ફરતા રહેતા. તેમની યાત્રા દરમ્યાન તેઓ ગુજરાતના જામનગર પહોંચ્યા, જ્યાં ઠાકર પરિવારનો કિશોર મેહરાજ દેવચંદ્રજીના પરિચયમાં આવ્યો. નાનપણથી જ અધ્યાત્મમાં રુચિ ધરાવતા મેહરાજને દેવચંદ્રજીની વાણી એવી અસર કરી ગઈ કે તેમને પણ ઠાકુરજી અને તેમની લીલાઓને સ્વઆંખે જોવાની ઝંખના જાગી. આથી તેમણે કઠિન તપસ્યા આદરી અને ચિંતન તેમ જ ધ્યાનથી અધ્યાત્મમાં ઘણા ઊંડા ઊતરી ગયા. યુવાન વય થઈ અને ગુરુ દેવચંદ્રજી તો જામનગરથી વિદાય થઈ ગયા હતા એટલે મેહરાજે જન્મભૂમિથી નજીક આવેલા ધારોલમાં દીવાનપદું સ્વીકાર્યું. અત્યંત કરુણાશીલ અને માનવતાને પહેલું પ્રાધાન્ય આપતા મેહરાજે દીવાન બનીને સુંદર રીતે રાજકાજ કર્યું.

થોડા અરસા બાદ દેવચંદ્રજી બીમાર પડ્યા અને તેમને મેહરાજ યાદ આવ્યો. દેવચંદ્રજીએ પોતે સ્થાપેલી ‘જગની લીલા’ (આત્માઓને જગાવવાનું કાર્ય) સગુણી અને વિનયી મેહરાજને સોંપ્યું અને બ્રહ્મલીન થઈ ગયા. બાળપણથી જ ચિંતનશીલ મેહરાજને આમેય આવું ધાર્મિક-આધ્યાત્મિક કાર્ય ગમતું હતું. સાથે તેમણે ગુરુની દીક્ષા સ્વીકારી અને ધર્મના પ્રચાર અર્થે ભારતના ખૂણે-ખૂણે ગયા. આ ઉપરાંત તેમણે મસ્કત, બસરા, ઈરાનના બંદર અબ્બાસ સુધીની યાત્રા કરી. સત્તરમી સદીના એ સમયમાં સનાતનીઓ જાતિ, પંથ, ઊંચ-નીચ, રીતિ-રિવાજોને કારણે વહેંચાઈ ગયા હતા. ગરીબ, નીચા કુળના લોકોનું શોષણ કરવું ખૂબ સામાન્ય વાત હતી. આ ઉપરાંત સતીપ્રથા તથા મહિલાઓ પર અઢળક પાંબદીઓ હતી. ત્યારે મેહરાજમાંથી દીક્ષા લઈને મહામતિ પ્રાણનાથ બનેલા એ સાધુએ યાત્રાઓ તથા પ્રવચનોમાં હિન્દુ સમાજને જગાડવા, સુધારવા અનેક ભાષણો આપ્યાં, સેન્ટરો ખોલ્યાં અને પોતે સ્થાપેલી ખાસ ધર્મપ્રણાલીનો પ્રચાર-પ્રસાર કર્યો.

આ એ કાળખંડ હતો જ્યારે મોગલો ભારતની ભૂમિ પર કાળો કેર વર્તાવી રહ્યા હતા. સ્થાપત્યો તોડવાં, ધાર્મિક ગ્રંથો બાળવા તથા વૈદિક પરંપરા પાળતા રાજા પ્રજા પર અમાનુષી અત્યાચાર કરી રહ્યા હતા. એ સમયે શ્રી પ્રાણનાથજીએ અનેક રાજાઓને એકજૂટ કરી એકજૂટ થઈ મોગલ સલ્તનત સામે લડવા તૈયાર કર્યા. આ કાર્ય દરમ્યાન બુંદેલખંડના રાજા છત્રસાલ સાથે તેમનો પરિચય થયો અને એ રાજા પ્રાણનાથજીના વિચારોથી એટલો પ્રભાવિત થયો કે પોતાના રાજ્યના પન્નામાં તેમને જગ્યા આપી, પદ્‍માવતી પુરી ધામની સ્થાપના કરી. મહામતિ પ્રાણનાથ અહીં ૧૧ વર્ષ રહ્યા અને પોતાના ગુરુ, સંપ્રદાય તથા ધર્મપ્રણાલીના વિચારોને સંકલિત કરતા ‘તારતમ વાણી’ નામના ગ્રંથની રચના કરી અને અહીં જ પોતાના દેહનો ત્યાગ કર્યો.

માનવતા, નિજાનંદ અને પ્રેમલક્ષણાભક્તિ પર આધારિત શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના લાખો અનુયાયીઓ દેશભરમાં વસે છે. આ ઉપરાંત સેંકડો નેપાલીઓ પણ આ સંપ્રદાયમાં માને છે. દેશ-વિદેશનાં અનેક શહેરોમાં પ્રણામી સંપ્રદાયનાં મંદિરો છે, જેમાં પ્રાણનાથજીની જન્મભૂમિ જામનગરનું શ્રી નવતનપુરી ધામ, સુરતમાં આવેલું મહામંગલાપુરી ધામ તથા પન્નાનું શ્રી પદ્‍માવતીપુરી ધામ પ્રમુખ તીર્થસ્થળ છે. એમાંય પદ્‍માવતીપુરી ધામમાં ગુરુજી લાંબો સમય રહેવા સાથે સમાધિ લીધી હોવાથી આ તીર્થનું માહાત્મ્ય વિશેષ ગણાય છે.

હજી મંદિરનાં દર્શન કરવા જતાં પહેલાં એનું શરદપુર્ણિમા સાથેનું કનેક્શન જાણીએ. કહે છે કે દેવચંદ્રજીના સંપર્કમાં આવ્યા બાદ બહુ જલદીથી પ્રાણનાથજીને પણ પરમજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. તેઓ અનેક વખત માનસિક રીતે શ્રીકૃષ્ણની લીલાઓમાં પહોંચી જતા. પન્નામાં રોકાણ દરમ્યાન શરદપૂર્ણિમાએ તેમને માધવની મહારાસની લીલાનો સાક્ષાત્કાર થયો અને કલાકો સુધી પ્રાણનાથજી પણ એ લીલામાં રમમાણ રહ્યા. આ દરમ્યાન ત્યાં હાજર તેમના શિષ્યો, અનુયાયીઓ તથા દર્શનાર્થીઓને પણ મહારાસની લીલાનાં દર્શન થયાં. આથી અહીં દરેક શરદપૂર્ણિમાએ રાસોત્સવનું આયોજન થાય છે. જોકે આ અનુષ્ઠાન પાંચ દિવસનું હોય છે, જેમાં દશેરાના દિવસે પરિસરમાં આવેલા શ્રી ખીજડા મંદિરમાં રાજાના વંશજોને મંદિરના મુખ્ય મહંત દ્વારા વિજયી તલવાર ભેટ અપાય છે. (એની પણ અનોખી સ્ટોરી છે જે આગળ વાંચીશું.) બાદમાં આસો સુદ તેરસે પ્રાણનાથજીના સિંહાસન સ્વરૂપની રથયાત્રા નીકળે છે. ધામધૂમથી નીકળતી આ સવારીમાં ભક્તો ગીતો ગાતાં-નાચતાં સિંહાસનને બંગલાજી મંદિરમાં પધરાવે છે અને પૂર્ણિમાની રાત્રિએ પૂર્ણ ચાંદનીના પ્રકાશમાં સમસ્ત મંદિર પરિસરમાં રાસલીલા, વ્રજલીલા ખેલાય છે.

શ્રી પદ્‍માવતીપુરી ધામના પરિસરમાં કુલ ૬ મંદિરો છે, જેમાં મુખ્ય મંદિર છે શ્રી ગુમ્મટ (ઘુમ્મટ) મંદિર. એનું નિર્માણ ૧૬૯૦માં રાજા છત્રસાલે સ્વયં કરાવ્યું હતું. ઈસવીસન ૧૬૯૪માં આ મંદિરમાં જ પ્રાણનાથજી બ્રહ્મલીન થયા હતા. ૯ ઘુમ્મટ ધરાવતું આ સફેદ સંગેમરમરનું મંદિર ઇન્ડો-ઇસ્લામિક શૈલીમાં બન્યું છે, જેના મુખ્ય ઘુમ્મટ પર શુદ્ધ સોનાનું પતરું જડવામાં આવ્યું છે. અહીં ગુરુની સમાધિ ઉપરાંત શ્રીકૃષ્ણની મૂર્તિ છે જેની અષ્ટપ્રહર પૂજા કરવામાં આવે છે. એ સાથે જ પવિત્ર ગ્રંથ તારમતસાગર પણ વિગ્રહ સ્વરૂપે છે જેનો પણ મુગટ, વસ્ત્ર આદિથી શણગાર કરવામાં આવે છે. ધર્મસંસદ શ્રી બંગલાજી દરબાર તરીકે ઓળખાતું આ મંદિર સ્વયં શ્રી પ્રાણનાથે નિર્માણ કરાવ્યું છે. તેઓ અહીં બેસી શિષ્યોને ધર્મનું જ્ઞાન આપતા તથા ભજન-કીર્તન કરતા. ઈસવીસન ૧૬૮૩માં બનેલી આ પવિત્ર ઇમારતનો સમયે-સમયે જીર્ણોદ્ધાર થયો છે, પણ હજી અહીં ગુરુજીનું ચંદનનું તખ્ત (આસન) તથા ગ્રંથ રખાયાં છે. આ જ મંદિરમાં રાસમંડળ કાર્યક્રમ યોજાય છે. પ્રાણનાથજી પોતાના ગુરુ દેવચંદ્ર મહારાજની ગાદી લઈને પદ્‍માવતીપુરી આવ્યા અને અહીં તેમની પૂજા કરતાં એ ત્રીજું દેવચંદ્રજી મંદિર જે હવે નવું બન્યું છે પરંતુ એની શૈલી પણ અન્ય મંદિરોને અનુરૂપ છે. ચોથું મંદિર પ્રાણનાથજીનાં અર્ધાંગિની તેજકુંવરીજીનું છે. પ્રણામી સંપ્રદાય તેજકુંવરજીને રાધિકા સ્વરૂપ માને છે અને વહાલથી તેમને શ્રી બાઈજુરાજ સંબોધે છે. ચૌપડા મંદિર તરીકે ઓળખાતું પાંચમું મંદિર કિલકિલા નદીના અમરાઈ ઘાટ પર આવેલું છે. સૌપ્રથમ પન્નાનગરીના આ સ્થળ પર પ્રાણનાથજી પધાર્યા અને રહ્યા હતા. તેમના પૂર્ણ બ્રહ્મસ્વરૂપને વંદન કરીને રાજા છત્રસાલે અહીં તેમની પ્રથમ આરતી ઉતારી હતી અને તેમને નિર્માણ કરાવેલા ગુમ્મટ મંદિરમાં લઈ ગયા હતા. આ દેવાલયની સામે ગંગા-જમુના નામના બે કુંડ (ચૌપડ) છે, જેનું જળ પવિત્ર ગણાય છે.

આગળ જે વાત કરી હતી એ ખીજડા મંદિર પરિસરનું છઠ્ઠું મંદિર છે. આ મંદિરની બહાર પહેલાં એક શમી (ખીજડા)નું વૃક્ષ હતું. કહે છે કે ઈસવીસન ૧૬૮૫ની વિજયાદશમીના દિવસે સ્વામી પ્રાણનાથે રાજા છત્રસાલને મોગલ સૈન્યને પરાસ્ત કરવા એક વિજયી તલવાર આપી હતી, જેના પ્રતાપે રાજા અને તેમના વંશજોએ મોગલોને આ પ્રદેશમાંથી ખદેડી નાખ્યા હતી. તલવાર પ્રદાન કરવાની એ પરંપરા આજે પણ નિભાવાય છે. આ ઉપરાંત આ મુક્તિતીર્થ નિજાનંદ સંપ્રદાયના અનેક બ્રહ્મમુનિઓની તપોસ્થળી છે અને આ આખા પરિસરને બ્રહ્મચબૂતરો કહેવાય છે, જેને પવિત્ર માની સર્વે શ્રદ્ધાળુઓ એની પરિક્રમા કરે છે.

વ્યાઘ્રોના નિવાસસ્થાન પન્નાશહેરે ઝડપથી પહોંચવા મુંબઈથી ખજૂરાહોની ફ્લાઇટ લેવી પડે. ખજૂરાહો ઍરપોર્ટથી પન્નાનું અંતર ૪૦ કિલોમીટર છે. બાય રેલવે જવું હોય તો મુંબઈથી સતનાની ટ્રેન અને ત્યાંથી ૭૫ કિલોમીટરની રોડ જર્ની કરો એટલે વિંધ્યાચલની ગોદમાં વસેલા પન્નાનગરમાં એન્ટ્રી. મંદિરમાં જ ભોજન તથા રહેવાની સરસ સુઘડ સુવિધા છે. અન્યથા ખજૂરાહો રોડ પર અનેક રિસૉર્ટ્સ પણ છે, જ્યાં રહેવાની તથા જમવાની થ્રી ટુ ફાઇવસ્ટાર સગવડો છે.

આ મંદિરના શિખર પર ધજા નહીં, ગુરુદેવનો પંજો છે
મુખ્ય ગુમ્મટ મંદિરની છત પર ૮ દિશામાં ૮ અને મધ્યમાં વિશાલ ગુંબજ છે. કેન્દ્રના સુવર્ણજડિત ગુંબજના કળશ પર ધજા કે પતાકા નહીં પણ પાંચ શક્તિઓના પ્રતીકરૂપે પ્રાણનાથજીના આશીર્વાદસૂચક પંજાનું ચિહન છે જેને આદરથી ભક્તો પંજા સાહિબ કહે છે અને ખાસ એનાં દર્શન કરે છે. એ જ રીતે આ જ મંદિરના પશ્ચિમી દ્વાર પર લાગેલા ગુરુદેવના શિષ્ય લક્ષ્મીદાસજીના હાથના કડાને ચમત્કારી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ કડાને પોતાનાં નેત્ર પર લગાવવા સાથે જળ, ધૂપ, દીપથી પૂજા પણ કરે છે

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
 શરદપૂર્ણિમાના ઉત્સવ માટે અનેક ગામોથી કલાકારો, નૃત્યમંડળીઓ અહીં પર્ફોર્મ કરવા આવે છે તથા વિવિધ ધર્મગુરુઓ અને વક્તાઓનાં પણ લેક્ચરો આદિ કાર્યક્રમો હોય છે. 
 પ્રણામી સંપ્રદાયને નિજાનંદ સંપ્રદાય પણ કહે છે. એનાં મંદિરોમાં રાધા-કૃષ્ણના યુગલ સ્વરૂપની અષ્ટપ્રહર સેવાપૂજા થાય છે.
 ભાવિકો પદ્‍માવતીપુરી ધામને વ્રજમંડળ માને છે. તેમની માન્યતા મુજબ અહીં હજી પણ તેમના આદ્યગુરુ તથા શ્યામારૂપે બાઈજુરાજ હાજરાહજૂર છે.
 આ મુક્તિપીઠમાં શરદપૂર્ણિમા ઉપરાંત હોળી, જન્માષ્ટમી, રાધાષ્ટમી આદિ તહેવારો ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે.
 પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓ માટે તારતમ સાગર (ગ્રંથ) ભગવદ્પુરાણ જેટલું પવિત્ર છે.

 

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 08:08 AM IST | Madhya Pradesh | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK