Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સિંહ આકારનું સૌપ્રથમ દુર્ગાધામ

સિંહ આકારનું સૌપ્રથમ દુર્ગાધામ

Published : 25 October, 2026 08:40 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

૨૧ ફુટ ઊંચી દુર્ગામાતાની મૂર્તિની કરવામાં આવશે પ્રતિષ્ઠા : ૬૫ ફુટ લાંબા ત્રિશૂળની છત્રછાયા નીચેથી પસાર થઈને માઈભક્તો દર્શન કરવા જઈ શકશે મંદિરમાં

સિંહ આકારના દુર્ગાધામનું મૉડલ.

સિંહ આકારના દુર્ગાધામનું મૉડલ.


અમદાવાદ જિલ્લામાં ૧૫ વીઘાં જમીનમાં બની રહ્યું છે ૬૫ ફુટ ઊંચું અને ૧૩૫ ફુટ પહોળું વિશાળ સિંહઆકૃતિ સાથેનું દુર્ગામંદિર : ૨૧ ફુટ ઊંચી દુર્ગામાતાની મૂર્તિની કરવામાં આવશે પ્રતિષ્ઠા : ૬૫ ફુટ લાંબા ત્રિશૂળની છત્રછાયા નીચેથી પસાર થઈને માઈભક્તો દર્શન કરવા જઈ શકશે મંદિરમાં


આપણા સમાજમાં આદ્યશક્તિનાં અનેક એવાં મંદિરો આવેલાં છે જ્યાં માઈભક્તો માથું નમાવીને જગતજનનીનાં દર્શન કરી રહ્યા છે. ક્યાંક ડુંગર પર માતાજી બિરાજમાન છે તો કોઈ નદીના કિનારે, ક્યાંક વન-વગડામાં તો ક્યાંક ગામ કે શહેરની મધ્યમાં તો ક્યાંક ભૂગર્ભમાં માતાજીનાં મંદિરો આવેલાં છે. માતાજીનાં આ સ્થાનકો શક્તિની ભક્તિ અને આસ્થાનું ધામ બની રહ્યાં છે ત્યારે અમદાવાદ જિલ્લાના વનાળિયા ગામે એક એવું મંદિર પૂર્ણતાના આરે પહોંચ્યું છે જે સિંહના આકારનું બની રહ્યું છે. કદાચ આ દુનિયાનું પહેલવહેલું વિશાળ સિંહ આકારનું દુર્ગા માતાજીનું બની રહ્યું છે. એ બની ગયા બાદ એને જોઈને સૌકોઈ અચંબિત થઈ જાય એવું મંદિર બની રહેશે. આ મંદિર એની બાંધણીને લઈને વિશેષ તો બની રહેશે જ, પરંતુ એની બીજી વિશેષતા એ પણ રહેશે કે શક્તિપીઠ અંબાજી પછી ગુજરાતમાં સંભવિત રીતે બીજું એવું ધાર્મિક સ્થાનક બનશે જ્યાં માઈભક્તો એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરી શકશે. નળસરોવર રોડ પર બની રહેલા દુર્ગામાતાના આ ધામનો આજે સત્સંગ કરીએ.



દુર્ગામાતાના ધામનો વિચાર
આ મંદિર સાણંદના મા શક્બાતિ આશ્રમના સ્થાપક દયામૂર્તિ ગુરુમાએ બનાવડાવ્યું છે. દીક્ષા લેતા પહેલાંનું તેમનું નામ હની ખતુરિયા હતું. બાળપણમાં માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની બાળકોને સાચા-ખોટાની સમજ આપે છે, આધ્યાત્મિકતાના પાઠ ભણાવે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. આ જ રીતે દયામૂર્તિ ગુરુમાના નાનાજી પણ તેમના માટે પથદર્શક બની રહ્યા હતા. આ મુદ્દે વાત કરતાં તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા નાનાજી સ્વ. મોહનદાસે મારામાં ભક્તિનું બીજ રોપ્યું હતું. તેઓ સવારે ૪ વાગ્યે ઊઠી જતા હતા અને ભક્તિ કરતા હતા. તેમને હું જોતી હતી અને હું પણ વહેલી સવારે ઊઠી જતી હતી. મારા નાનાજીએ મને ભક્તિ કરતાં શીખવ્યું. હું ૭ વર્ષની હતી ત્યારથી ભક્તિમાં લીન હતી. પહેલી વાર માતાજીનાં દર્શન કર્યા પછી ધીમે-ધીમે ભક્તિ વધતી ગઈ. માતાજીનાં દર્શન જ્યારથી થયાં ત્યાર પછી ઇચ્છા થઈ હતી કે હું માનું ધામ બનાવીશ અને આખી જિંદગી તેમનાં ચરણોમાં રહીશ, મારું જીવન સમર્પિત કરીશ. એ વખતે હું ભણતી હતી અને મેં પોસ્ટ-ગ્રૅજ્યુએટ સુધી અભ્યાસ કર્યો. બીજી તરફ મારી ભક્તિ અને સાધના વધતી ગઈ. ૩ મહિના, ૬ મહિના સાધના કરી એ પછી જ્યારે સવા વર્ષની સાધના કરતી હતી ત્યારે માએ સંકેત આપ્યો કે ‘દરેકને ખબર છે કે મારું વાહન સિંહ છે. નાનપણમાં ધામ બનાવવાની તારી ઇચ્છા હતી તો હવે એ સમય આવી ગયો છે. એવી જગ્યાએ ધામ બનશે જ્યાં પક્ષીઓ પણ નિરાંત અને સુકૂન અનુભવતાં હોય. આ મંદિર સિંહની આકૃતિનું હોવું જોઈએ. એટલે નક્કી કર્યું કે દુર્ગામાતાનું સિંહ આકારનું મંદિર બનાવવું.’


નળસરોવર પાસે દુર્ગાધામ
સિંહ આકારનું મંદિર બનાવવા માટે જગ્યાની શોધ કરવાની શરૂ કરી એ મુદ્દે વાત કરતાં દયામૂર્તિ ગુરુમા કહે છે, ‘માના ધામ માટે જગ્યાની અમે શોધખોળ શરૂ કરી. થોળ, નળસરોવર સહિત ઘણી જગ્યાએ ગયા. પછી નળસરોવર બાજુની જગ્યા અમને મળી જ્યાં ખેતલાબાપાની સ્થાપના થઈ હતી. વનાળિયા ગામે આ જગ્યા છે, જ્યાં સિંહની આકૃતિ સાથેનું દુર્ગામાતાનું મંદિર બનાવવાનું આયોજન કર્યું. ૨૦૨૪ની ૧૭ નવેમ્બરે મંદિરનું ભૂમિપૂજન કરીને સિંહ આકારના દુર્ગાધામનું નિર્માણકાર્ય શરૂ કર્યું. મંદિરના ગર્ભગૃહનું નિર્માણકાર્ય લગભગ ૯૫ ટકા પૂરું થઈ ગયું છે અને દુર્ગામાતાની મૂર્તિ બની ગયા પછી ટૂંક સમયમાં મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થશે અને દર્શનાર્થીઓ માટે દુર્ગાધામ ખુલ્લું મુકાશે. નાનપણમાં જોયેલું સપનું હવે મૂર્તિમંત થવા જઈ રહ્યું છે. ૩૨ વર્ષ પહેલાં જે સંકલ્પ કર્યો હતો એ હવે માતાજીની કૃપાથી પૂરો થવા જઈ રહ્યો છે.’

૨૧ ફુટની મૂર્તિ, ૫૧ શક્તિપીઠ
૧૫ વીઘાં જમીનમાં બની રહેલા દુર્ગાધામમાં દુર્ગામાતાની ૨૧ ફુટ ઊંચી મૂર્તિ બનશે એમ જણાવીને દયામૂર્તિ ગુરુમા કહે છે, ‘માતાજીની મૂર્તિ માટે ખાસ ઔરંગાબાદથી પથ્થર લાવવામાં આવ્યા છે. આ મંદિર સિંહની આકૃતિનું હોવાથી એના પર ધજા નહીં હોય, પણ મંદિરના પ્રાંગણમાં ધજા હશે જેનો ધજાદંડ બની ગયો છે. જે દિવસે પ્રાણપ્રતિષ્ઠા થશે ત્યારે ધજારોહણ કરવામાં આવશે. સિંહના આકારવાળા મંદિરની પહોળાઈ ૧૩૫ ફુટ અને ઊંચાઈ ૬૫ ફુટ રહેશે. માતાજીની મૂર્તિ સમક્ષ એકસાથે ૨૦૦થી વધુ દર્શનાર્થીઓ ઊભા રહીને દર્શન કરી શકશે. આ મંદિરના નિર્માણ પાછળ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઉપરાંત દુર્ગાધામમાં ૫૧ શક્તિપીઠ પણ બનશે. મોટા ભાગે કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં તમામ ૫૧ શક્તિપીઠનાં દર્શન નથી કરી શકતી કેમ કે પાકિસ્તાન, બંગલા દેશ અને નેપાલમાં પણ શક્તિપીઠ આવેલી છે. એટલે દરેક માણસ ૫૧ શક્તિપીઠનાં દર્શન કરી શકે એ લગભગ શક્ય નથી. તેથી શ્રદ્ધાળુઓ દુર્ગાધામમાં એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરી શકે એ માટે ૫૧ શક્તિપીઠની સ્થાપના થશે, જેથી તમામ શક્તિપીઠનાં દર્શનનો લાભ શ્રદ્ધાળુઓને મળી શકશે.’


ઇન્ડિયન કલ્ચર વિષયમાં PhD કર્યું છે દયામૂર્તિ ગુરુમાએ
દયામૂર્તિ ગુરુમાનો જન્મ રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો. તેમને રાજસ્થાનથી ગુજરાત આવ્યાંને બાવીસ વર્ષ થઈ ગયાં છે. માસ્ટર ઑફ કૉમર્સ (MCom) સુધીનું શિક્ષણ રાજસ્થાનમાં થયું હતું. ત્યાર બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન કલ્ચર વિષયમાં ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD) કર્યું હતું અને ડૉક્ટરેટની પદવી મેળવી હતી. પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં તેમણે દીક્ષા લીધી હતી.

દુર્ગાધામમાં બીજી શું વ્યવસ્થા હશે?
ભવ્યાતિભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે એમાં દર્શનાર્થીઓ માટે ભોજનશાળા હશે, જ્યાં તમામ દર્શનાર્થીઓ પ્રસાદ લઈ શકશે એમ જણાવીને દુર્ગા મંદિરના મૅનેજર ઉજ્જવલ ભટ્ટ ‘મિડ-ડે’ને કહે છે, ‘કોઈ પણ શ્રદ્ધાળુને હવન કે નવચંડી યજ્ઞ કરાવવો હોય તો એ માટે યજ્ઞશાળાનું પણ આયોજન કર્યું છે. લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત બહારગામથી આવતા દર્શનાર્થીઓને રહેવા માટે રૂમોની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. મંદિરના પરિસરમાં ૬૫ ફુટની લંબાઈનું વિશાળ ત્રિશૂળ બનાવવામાં આવશે. આ ત્રિશૂળની નીચેથી દર્શનાર્થીઓ સિંહ આકારના દુર્ગા મંદિરમાં દર્શન કરવા જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સિંહ આકારનું મંદિર ગુજરાતમાં જ નહીં, ભારત અને વિશ્વમાં પહેલું બનશે.’

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 08:40 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK