Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સંબંધમાં છૂટ જોઈતી હોય એટલે જ કોઈ લિવ-ઇનમાં રહે એવું હોતું નથી

સંબંધમાં છૂટ જોઈતી હોય એટલે જ કોઈ લિવ-ઇનમાં રહે એવું હોતું નથી

Published : 24 October, 2026 02:35 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

હાલમાં ‘ચુંબક’ સિરીઝ દ્વારા ‘ગુલશન તારાપોરવાલા’ના પાત્રથી લોકોનાં મન જીતી લેનારાં આ જાણીતાં કલાકારના જીવનનું જાણવા જેવું જાણીએ

લિવ-ઇનમાં સાથે રહેતા બૉયફ્રેન્ડ પર્સી કરકરિયા અને પેટ ડૉગ કોકો સાથે ડેલનાઝ.

લિવ-ઇનમાં સાથે રહેતા બૉયફ્રેન્ડ પર્સી કરકરિયા અને પેટ ડૉગ કોકો સાથે ડેલનાઝ.


૫૪ વર્ષનાં ડેલનાઝ ઈરાનીએ રાજીવ પૉલ સાથે ડિવૉર્સ લીધા એ પછી પર્સી કરકરિયા સાથે તે લિવ-ઇનમાં રહે છે. તે બન્ને વચ્ચે ખૂબ પ્રેમ છે, માન છે, એકબીજા પ્રત્યે પૂરી વફાદારી પણ છે છતાં તેમણે લગ્ન કેમ નથી કર્યાં એની પાછળનું કારણ રસપ્રદ છે. અઢળક ટીવી-શો અને ‘કલ હો ના હો’ જેવી બ્લૉક-બસ્ટર ફિલ્મો કરી ચૂકેલાં ડેલનાઝ ઈરાની છેલ્લાં ૩૭ વર્ષથી ઍક્ટિંગ કરી રહ્યાં છે. હાલમાં ‘ચુંબક’ સિરીઝ દ્વારા ‘ગુલશન તારાપોરવાલા’ના પાત્રથી લોકોનાં મન જીતી લેનારાં આ જાણીતાં કલાકારના જીવનનું જાણવા જેવું જાણીએ

૧૯૮૭નો સમય. પરેલમાં રહેતી ઈરાની ફૅમિલીની દીકરી ડેલનાઝને સ્કૂલમાં અલગ-અલગ પ્રોગ્રામ્સમાં ભાગ લેવાનું ખૂબ ગમે. ડાન્સ, નાટક, વક્તૃત્વસ્પર્ધા કે એકપાત્રી અભિનય - કોઈ પણ પ્રકારની કૉમ્પિટિશન હોય, ડેલનાઝ એમાં ભાગ લે જ. એ સમયે નવમા ધોરણમાં ભણતી ડેલનાઝે એક નાટકમાં ભાગ લીધો, જે પ્રોગ્રામ જોવા માટે રંગમંચના ખાસ્સા જાણીતા અને લોકપ્રિય એવા દિન્યાર કૉન્ટ્રૅક્ટર પણ આવેલા અને ડેલનાઝના પર્ફોર્મન્સથી ખુશ થઈને તેની મમ્મી રોડા ઈરાનીને કહ્યું કે તારી દીકરી સરસ ઍક્ટિંગ કરી શકશે, તેને મારા નાટકમાં કામ કરવા દે.



ડેલનાઝના પપ્પા મેહેલ્લી ગોદરેજ કંપનીમાં સર્વિસ કરતા હતા. મમ્મી રોડા ઈરાની ભવન્સ કૉલેજમાં કેમિસ્ટ્રીનાં પ્રોફેસર હતાં. ભણતરનું ખૂબ મહત્ત્વ તેમને હતું. તેમણે દિન્યારભાઈને ના પાડી દીધી કે ના, મારી દીકરી હજી તો ભણે છે. જોકે અગિયારમા ધોરણમાં જયહિન્દ કૉલેજમાં ઇન્ટર-કૉલેજિયેટ સ્પર્ધાઓમાં નાટકોમાં ડેલનાઝનો વધતો રસ જોઈને તે ખુદ એક દિવસ ડેલનાઝને દિન્યારભાઈ પાસે લઈ ગયાં. એ વિશે વાત કરતાં ડેલનાઝ કહે છે, ‘મમ્મીએ અમને ખૂબ જ શિસ્ત સાથે મોટાં કર્યાં છે. હું સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જનારી છોકરી હતી. કૉલેજમાં છોકરીઓ જેવી બગડે એવું મેં કશું કર્યું જ નથી. મારા મોટા ભાઈ પોરસને પણ નાટકોમાં ખૂબ જ રસ હતો, પણ મમ્મીએ તેને નાટકો નહોતાં કરવા દીધાં. તેને કહ્યું હતું કે તું ભણવામાં હોશિયાર છે, તારે ડૉક્ટર બનવાનું છે. તે બન્યો પણ ખરો અને આજે લંડનમાં છે. જોકે મારા માટે મમ્મી માની ગયાં, કારણ કે તેમને લાગ્યું હશે કે આનો ભણવામાં જીવ લાગતો નથી તો જો આ રીતે પણ તે આગળ વધતી હોય તો સારું છે. જે મમ્મીએ મને નાટકોમાં જવાની ના પાડી હતી તે મમ્મી બધી જ જગ્યાએ મારી સાથે રહી. દર વીક-એન્ડમાં બિચારીને કૉલેજમાં માંડ રજા હોય અને તે મારી પાછળ એ રજાઓ વાપરતી, કારણ કે મમ્મી-પપ્પા બન્નેને એમ હતું કે તેને એકલી બધે નથી મોકલવી. હું નાનપણથી માના પાલવે બંધાયેલી છોકરી હતી. આજે પણ એવી જ છું. હું ઍક્ટર બની એ પછી મારા નાના ભાઈ બખ્તિયારને પણ ઍક્ટિંગ કરવી હતી તો તેને પણ પૂરો સપોર્ટ મળ્યો. મારી ભાભી તનાઝ પણ ઍક્ટર છે.’


ડેલનાઝ ઈરાની છેલ્લાં ૩૭ વર્ષથી ઍક્ટિંગ કરે છે. ડેલનાઝ ઈરાનીને સૌથી વધુ લોકપ્રિયતા તેમના પાત્ર સ્વીટુથી મળી હતી, જે ફિલ્મ ‘કલ હો ના હો’માં તેમણે ભજવ્યું હતું. આ સિવાય તેમણે અનેક હિન્દી ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં કામ કર્યું છે તથા કેટલાય રિયલિટી શોનો હિસ્સો રહ્યાં છે. હાલમાં તેમની વેબ-સિરીઝ ‘ચુંબક’માં તેમણે એક પારસી સ્ત્રીની ભૂમિકા ભજવીને વર્ષોથી દેખાતાં બીબાઢાળ પારસી પાત્રોનો ફરમો તોડીને એમાં નવી ઊર્જા ભરી છે.

નાટકો


નાનપણમાં એકદમ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી ડેલનાઝને નાટકોએ ધીમે-ધીમે અભિવ્યક્ત કરતાં શીખવ્યું અને આજે તે સંપૂર્ણપણે બહિર્મુખી પ્રતિભા ધરાવે છે. દિન્યાર કૉન્ટ્રૅક્ટરનું ‘ડિગી ડિગી બૅન્ગ બૅન્ગ’ નામનું નાટક તેમનું પહેલું પ્રોફેશનલ નાટક હતું. પ્રોફેશનલ નાટકના પહેલા દિવસને યાદ કરતાં ડેલનાઝ કહે છે, ‘પહેલું કવર મને ૪૦૦ રૂપિયાનું મળેલું. ત્યારે હું અગિયારમા ધોરણમાં ભણતી હતી અને કૉલેજ જતી હતી. એ સમયે આ પૈસાની ખુશી જે હતી એ ખૂબ હતી. તમને લાગે કે હવે પેરન્ટ્સ પાસેથી પૉકેટ-મની લેવાની જરૂર નહીં; જે ખરીદવું હોય એ ખરીદાય, જે કરવું હોય તે કરાય. પૈસા તમને એક ફ્રીડમ આપે છે. મેં એ ફ્રીડમ ખૂબ માણી છે. ૪૦૦નું કવર પછી ૬૦૦નું થયું અને એના પછી ૧૦૦૦. એ સમયે મેં એવું નહોતું વિચાર્યું કે હું ઍક્ટિંગ જ કરીશ. હું તો ભણતી પણ હતી. મેં MA કર્યું છે અને BEd પણ કર્યું છે, કારણ કે મને એમ હતું કે હું તો ટીચર બનીશ. જોકે આ કરવામાં મજા આવતી હતી એટલે કરતી હતી.’

ડેલનાઝે દિન્યાર કૉન્ટ્રૅક્ટર પછી ફિરોઝ ભગત સાથે ‘પિતૃદેવો ભવ:’ નાટક કર્યું. શૈલેશ દવે, જતીન કાણકિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથે પણ નાટક કર્યાં છે. ‘એક્કો-દુક્કી’, ‘પરણેલા છીએ, કોને કહીએ’, ‘હેલ્લો જિંદગી’, ‘રૉન્ગ નંબર’, ‘કુંવારો લાખનો પરણેલો સવા લાખનો’, ‘પાવરફુલ કપલ’, ‘અકબર-બીરબલ’ જેવાં ઘણાં નાટકો કર્યાં છે. ‘લવ ઑનલાઇન’ નામનું નાટક તેમનું અત્યારે પણ ચાલે છે જે તેઓ ઍક્ટર રાકેશ બેદી સાથે કરી રહ્યાં છે. તેઓ કહે છે, ‘એક ઍક્ટર તરીકે નાટકો તમને જુદા પ્રકારનો સંતોષ અને મજા આપે છે, એ તમે ક્યારેય ગુમાવવા નથી માગતા. એટલે હું નાટકો તો નહીં છોડું. મેં ઍક્ટિંગનો ‘A’ નાટકોમાં શીખ્યો છે એટલે રંગમંચની હું ઋણી છું.’

કલાકારનું અઘરું જીવન

ડેલનાઝની એક સિરિયલ ‘યસ બૉસ’ ખૂબ લોકપ્રિય થઈ. લગભગ ૭-૮ વર્ષ ચાલી, જેને કારણે તેમના પર કૉમેડી ઍક્ટરનો થપ્પો લાગ્યો હતો. એ પહેલાં તેમણે ઘણા ગંભીર રોલ પણ કર્યા હતા, પરંતુ મોટા ભાગે ઍક્ટર્સ સાથે થાય છે એમ જે રોલ પ્રચલિત હોય એવા જ રોલ પછી મળે છે. અમારા ઍક્ટર્સનું જીવન સરળ નથી એમ જણાવતાં ડેલનાઝે તેમના જીવનના અમુક બનાવો શૅર કર્યા. સિદ્ધાર્થભાઈનું એક નાટક ‘સાચા બોલા છોટાલાલ’નો શો ભાઈદાસમાં ચાલી રહ્યો હતો ત્યારે તે ૨૭-૨૮ વર્ષનાં હશે અને તેમના નાના ગુજરી ગયા. ડેલનાઝ નાનાથી ખૂબ જ ક્લોઝ હતાં; પરંતુ એટલી નાની ઉંમરે જીવને શીખવ્યું કે કંઈ પણ થાય, શો મસ્ટ ગો ઑન. એનાં થોડાં વર્ષ પછી તેમના ખૂબ જ વહાલા નજીકના કઝિનનું યુવાન વયે અકસ્માતમાં મૃત્યુ થયું એ જ સાંજે રંગશારદામાં ડેલનાઝનું નાટક હતું. એ પણ કૉમેડી. ‘સજન રે જૂઠ મત બોલો’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે તેમના પિતાને તાત્કાલિક બાયપાસ કરાવવા લઈ ગયા, પણ ડેલનાઝ શૂટ છોડી શકે એમ નહોતાં. એટલે તેમણે એ દિવસનું શૂટિંગ પતાવ્યું અને પછી હૉસ્પિટલ પહોંચ્યાં. પપ્પાનું ઑપરેશન થઈ ગયું હતું. આ બધા બનાવો સાથે ડેલનાઝ કહે છે, ‘કલાકારોનું જીવન ખૂબ અઘરું હોય છે. તેમને અઢળક પ્રેમ મળે છે, પણ એની કિંમત પણ અમે ભારે ચૂકવીએ છીએ. ગમે એટલા દુખી હોઈએ, પણ એ દુખને બાજુ પર મૂકીને અમારે લોકોને ખુશ કરવાનું, હસાવવાનું કામ કરવાનું હોય છે જે સરળ નથી.’

લગ્નજીવન

ડેલનાઝ ‘પરિવર્તન’ સિરિયલમાં કામ કરતાં હતાં એ સમયે રાજીવ પૉલ સાથે મુલાકાત થઈ અને બન્ને પ્રેમમાં પડ્યાં. ૨૪ વર્ષની ઉંમરે બન્નેએ લગ્ન પણ કરી લીધાં. આ સમયને યાદ કરતાં ડેલનાઝ કહે છે, ‘ઍક્ટિંગ પ્રોફેશન એવું છે કે આજે તમારી પાસે કામ છે, કાલે નથી એટલે ઘર ચલાવવા માટે એક સ્ટેડી ઇન્કમ તો જોઈએ જ. અમે બન્ને ઍક્ટર હોઈએ તો એ ચાલશે નહીં એમ વિચારીને મેં એ સમયે બે વર્ષ મારી જ કૉલેજમાં ટીચર તરીકે કામ કર્યું, પણ પછી એક પછી એક સિરિયલો મને મળતી ગઈ અને હું કામ કરતી ગઈ.’

ડેલનાઝ અને રાજીવે ઘણા રિયલિટી શો સાથે કર્યા. ૨૦૧૦માં ૧૪ વર્ષના લગ્નજીવન પછી તે બન્નેએ ડિવૉર્સ લીધા. એ વિશે ડેલનાઝ કહે છે, ‘મારા માટે પ્રેમ કરતાં પણ ઘણું વધુ મહત્ત્વ માનનું છે. સંબંધમાં પ્રેમ હોય કે ન હોય, પણ માન ન હોય તો ન ચાલે. લગ્નમાં તમે જે વ્યક્તિ માટે ન્યોછાવર થઈ જાઓ અને તે વ્યક્તિ તમને જરૂરી રિસ્પેક્ટ ન આપે તો અલગ થઈ જવું જરૂરી છે. મેં મારા ઘરમાં ક્યારેય સંબંધો તોડવાની વાત સાંભળી જ નથી. લગ્ન હોય, પણ ડિવૉર્સ? એ તો શક્ય જ નથી એવું માનનારી વ્યક્તિ હતી હું, પણ જીવન તમને કઈ જગ્યાએ કઈ રીતે લઈ જાય છે એ સમજવું મુશ્કેલ છે.’

જલદી ફાઇવ

 શોખ : મને ઘર સાફ રાખવું, કબાટ અરેન્જ કરવું, કિચનમાં બધું ઠીકઠાક રાખવું આવું ખૂબ ગમે. એક પ્રકારે હું ઘરરખ્ખુ ખરી એટલે સમય મળે ત્યારે બીજા કોઈ શોખ કરતાં હું ઘરે આ બધું કરવાનું પસંદ કરું છું.

 ફોબિયા : મને અઢળક પ્રકારના ફોબિયા છે, પણ ઊંચાઈથી મને ખૂબ ડર લાગે. વર્ટિગો છે મને. એટલે ફ્લાઇટ ટેક-ઑફ થાય ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે.

 કોઈ ખાસ ટૅલન્ટ : મને ઊંઘવું ખૂબ ગમે છે. હું ૧૨-૧૪ કલાક સૂઈ શકું છું. જો કોઈ મને સૂવાની પરવાનગી આપે તો મારા માટે એ બેસ્ટ દિવસ હોય છે. લોકોને લાગે, પણ એ સહેલું નથી હોતું બધા માટે. હું કરી શકું છું એટલે એ મારી ટૅલન્ટ છે.

 પ્યૉર લવ : માય પ્યૉર લવ ઇઝ ફૉર કોકો. મારા કૂતરાનું નામ કોકો છે. અમારા દીકરા જેવો છે એ. મને એની સાથે રમવું ખૂબ જ ગમે.

 સક્સેસ-મંત્ર : હું ફિલ્મ કરું તો ટીવી નહીં કરું અને ટીવી કરું તો નાટક નહીં કરું એવું મેં જીવનમાં ક્યારેય નથી વિચાર્યું. મને જે કામ મળતું ગયું મેં કર્યું. કામ કામને શીખવે એમ હું શીખતી ગઈ. લોકોને જોઈ-જોઈને શીખી. તમે કામને માન આપશો તો કામ તમને માન અપાવડાવશે એ નક્કી વાત છે.

લિવ-ઇન રિલેશનશિપ

રાજીવથી છૂટા પડ્યા પછી ડેલનાઝ અત્યારે પર્સી કરકરિયા સાથે લિવ-ઇનમાં રહે છે. પર્સી DJ છે, મ્યુઝિક-પ્રોડ્યુસર તરીકે કામ કરે છે અને ડેલનાઝથી ૧૦ વર્ષ નાનો છે. એ વિશે વાત કરતાં ડેલનાઝ કહે છે, ‘પર્સીના હોવાને લીધે મારા જીવનમાં ખૂબ શાંતિ છે, જે છીનવાઈ ગયેલી. શરૂઆતમાં એ મારા માટે પણ અઘરું હતું, કારણ કે ૧૦ વર્ષ નાનો છોકરો મારા મગજમાં ઘૂસતો નહોતો; પણ સમય જતાં દિલમાં ઘૂસી ગયો. મારા આખા પરિવાર સાથે પર્સી જોડાયેલો છે. અમે ફક્ત લિવ-ઇનમાં રહીએ છીએ, પણ અમે પતિ-પત્ની જ છીએ. ઍક્ચ્યુઅલી સમાજમાં દેખાતાં પતિ-પત્નીઓ કરતાં પણ વિશેષ સંબંધ છે. બસ, અમારા સંબંધ પર લગ્નનો થપ્પો જ નથી.’

જો આટલો જ પ્રેમ છે તો થપ્પામાં શું પ્રૉબ્લેમ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડેલનાઝ કહે છે, ‘હું અને પર્સી એકબીજા સાથે એટલે લિવ-ઇનમાં નથી રહેતાં કે અમારે ફ્રીડમ જોઈએ છે કે અમે કોઈ બીજી વ્યક્તિ સાથે જોડાવા માગીએ છીએ. એવું જરાય નથી. અમે એકબીજાને સંપૂર્ણપણે વફાદાર છોએ, પણ હું જ્યોતિષમાં ખૂબ માનું છું. મારા ડિવૉર્સ થયા. પર્સીના પણ પહેલા ડિવૉર્સ થઈ ગયા છે. મને એક નહીં પચાસ પંડિતોએ કહ્યું કે તમારે બન્નેએ લગ્ન ન કરવાં જોઈએ. સાથે રહેવામાં વાંધો નથી, પણ લગ્ન કરવામાં વાંધો છે. એટલે જ્યોતિષને માન આપીને અમે પરણી નથી રહ્યાં, પણ એને એકબીજા પ્રત્યેના પ્રેમ અને વફાદારી સાથે લેવાદેવા નથી. અમારા આત્માથી અમે જોડાયેલાં છીએ અને છેલ્લા શ્વાસ સુધી રહીશું.’

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 02:35 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK