NCCIAએ ત્રણ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૪ મોબાઇલ, ૪ લૅપટૉપ અને નકલી પાસપોર્ટ જપ્ત કર્યાં છે. જોકે તેમણે કેટલા રૂપિયાનું કૌભાંડ આચર્યું છે એ વિશે તપાસના અંતે માહિતી મળશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આ પાકિસ્તાનીઓએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમ જ ડૉલ્ફિન ઍન્ટિ નામના ખાસ બ્રાઉઝરની મદદથી ઓળખ છુપાવીને ઑનલાઇન વેરિફિકેશન સિસ્ટમ બાયપાસ કરી હતી. તેમણે આ રીતે કૅનેડાની મોટી બૅન્કોમાં ખોટાં નામે ખાતાં ખોલાવ્યાં હતાં. ત્યાર બાદ કૅનેડામાં રહેતા ભારતીયોના સરનામે ક્રેડિટ કાર્ડ મગાવવામાં આવ્યાં હતાં. આ લોકો ક્રેડિટ કાર્ડની પૂરેપૂરી લિમિટ વાપરી નાખતા અને બિલ ન ભરવું પડે એ માટે પછી કાર્ડ ફેંકી દેતા હતા. NCCIAએ ત્રણ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૪ મોબાઇલ, ૪ લૅપટૉપ અને નકલી પાસપોર્ટ જપ્ત કર્યાં છે. જોકે તેમણે કેટલા રૂપિયાનું કૌભાંડ આચર્યું છે એ વિશે તપાસના અંતે માહિતી મળશે.
નેપાલને UN તરફથી મળશે ૧૯૦ કરોડ રૂપિયાની સહાય
પૂરમાં ૧૫૦૦ લોકોનાં મોત અને ૨૫,૬૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થતાં વડા પ્રધાન બાલેન શાહે દુનિયા પાસે વળતર માગ્યું હતું
નેપાલ અને ચીનના તિબેટ વિસ્તારની સરહદ પર ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ યુનાઇટેડ નેશન્સ (UN)ના ક્લાઇમેટ લૉસ ઍન્ડ ડૅમેજ ફંડ દ્વારા નેપાલને આશરે ૧૯૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. નેપાલ સરકારે આ વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. ફંડ ફૉર રિસ્પૉન્ડિંગ ટુ લૉસ ઍન્ડ ડૅમેજ (FRLD) દ્વારા મળનારી આ સહાયથી ગ્લોબલ વૉર્મિંગના કારણે થયેલા ભયાનક નુકસાનને પહોંચી વળવામાં મદદ મળશે. જોકે આ રકમ નેપાલની કુલ જરૂરિયાતના ૧ ટકા કરતાં પણ ઓછી છે.
સત્તાવાર આંકડાઓ મુજબ આ જીવલેણ પૂરમાં ૧૫૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને ૫૦૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ હોનારતથી ૧૫,૦૦૦ પરિવારોના આશરે ૬૦,૦૦૦ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂરમાં રસ્તાઓ, પુલ, સ્કૂલ અને ૧૩ હાઇડ્રોપાવર પ્લાન્ટ ધોવાઈ જવાથી દેશને આશરે ૨૫,૬૫૦ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે અને પુનર્નિર્માણનો કુલ ખર્ચ ૪૪,૬૫૦ કરોડ રૂપિયાને પાર થવાનો અંદાજ છે. વડા પ્રધાન બાલેન શાહે સપ્ટેમ્બરમાં UNમાં સ્પષ્ટ કર્યું હતું કે નહીંવત્ ઉત્સર્જન છતાં નેપાલે ક્લાઇમેટ-ચેન્જની આકરી કિંમત ચૂકવવી પડી છે.
આફ્રિકામાં હાહાકાર : કૉન્ગો પછી નાઇજીરિયા અને કેન્યામાં ઈબોલા વાઇરસે માઝા મૂકી
ડેમોક્રૅટિક રિપબ્લિક ઑફ કૉન્ગોમાંથી શરૂ થયેલો જીવલેણ ઈબોલા વાઇરસ હવે આફ્રિકાના અન્ય પ્રદેશોમાં પણ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયા અને પૂર્વ આફ્રિકાના કેન્યામાં ઈબોલાના નવા કેસ નોંધાતાં સરકારોની ચિંતામાં ભારે વધારો થયો છે. મે મહિનાથી અત્યાર સુધીમાં કૉન્ગોમાં ૯૭૦૦થી વધુ કન્ફર્મ કેસ નોંધાયા છે અને ૪૬૦૦થી વધુ દરદીઓનાં મોત થયાં હતાં. એમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું પ્રમાણ નોંધપાત્ર છે.
તિબેટમાં ૭.૦ની તીવ્રતાના વિનાશક ભૂકંપથી ૧૬ લોકોનાં મોત, ૬૫ ઘાયલ, ૪૧૩ આફ્ટરશૉક આવ્યા નાગચૂ શહેરમાં આવેલા ભૂકંપના કારણે ૩૩૯થી વધુ મકાનો ધરાશાયી, ૧૨,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા
ગુરુવારે બાવીસ ઑક્ટોબરે રાત્રે તિબેટના ઉત્તર ભાગમાં ૭.૦ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભયાનક કુદરતી આફતમાં ઓછામાં ઓછા ૧૬ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ૬૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટની રાજધાની લ્હાસાથી ૪૦૦ કિલોમીટર દૂર નાગચૂ શહેરના બાક્યેન કાઉન્ટીમાં ૧૦થી ૧૮ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. સમુદ્રસપાટીથી ૪૮૦૦ મીટરની ઊંચાઈએ આવેલા આ વિસ્તારમાં કડકડતી ઠંડીના કારણે બચાવ અને રાહતકામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ૩૩૯થી વધુ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયાં છે અથવા ભારે નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિક પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવકામગીરી હાથ ધરીને ૧૨,૦૦૦થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી અને સંચારસેવાઓ ખોરવાઈ ગઈ હતી જેને પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિતો માટે ટેન્ટ, ધાબળા અને અન્ય જીવનજરૂરી રાહતસામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટરના સત્તાવાર ડેટા મુજબ શુક્રવાર સવાર સુધીમાં ૪.૩થી ૫.૨ની તીવ્રતાવાળા ૪૧૩થી વધુ આફ્ટરશૉક પણ નોંધાયા હતા જેનાથી લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. આ આફ્ટરશૉકની અસર પાડોશી દેશોમાં પણ જોવા મળી છે જ્યાં શુક્રવારે સવારે પાકિસ્તાનમાં ૪.૯ અને અફઘાનિસ્તાનમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
