કકનમઠ શિવમંદિર ભૂતોએ બનાવ્યું છે કે રાજવીઓએ એ વાત પર દશકાઓથી વિવાદ ચાલે છે, પરંતુ જોવાનું એ છે કે પડું-પડું થતું આ મંદિર વર્ષોથી આ જ સ્થિતિમાં ટકી ગયું છે. શું એ ભોલે ભંડારીનું સત્ છે કે ભક્તોની અસીમ શ્રદ્ધા?
કકનમઠ શિવમંદિર
મધ્ય પ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા મધ્ય પ્રદેશનાં ટૂરિસ્ટ સ્થળોને ઉજાગર કરતી દરેક ઍડ્વર્ટાઇઝમેન્ટ આઇકૉનિક છે. ‘તિલ દેખો તાડ દેખો... હિન્દુસ્તાન કા દિલ દેખો’, ‘જો આયા, સો વાપસ આયા - યે એમ.પી. કી માયા’, ‘ઐસા ક્યા હૈ એમ.પી. મેં , આકે દેખો એમ.પી. મેં’, ‘સ્વાગતમ્ સ્વાગતમ્ બડા’, ‘એમ.પી. અજબ હૈ, સબ સે ગઝબ હૈ’ જેવાં જોડકણાં કે બાળગીતના શબ્દો, ફિલ્માંકન, આઇડિયા ખરેખર માઇન્ડ-બ્લોઇંગ છે. એ જાહેરખબર તેમ જ માઉથ ટુ માઉથ પબ્લિસિટીને કારણે ૨૦૨૦થી ૨૦૨૪ સુધીના ફક્ત ૪ વર્ષના ગાળામાં મધ્ય પ્રદેશમાં સહેલાણીઓના આવાગમનમાં ૫૨૬ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ૧૩.૪૧ કરોડ ટૂરિસ્ટોએ મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોની વિઝિટ કરી હતી.
અહીંની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક સ્મારકો, મનમોહક પ્રકૃતિ તેમ જ જીવંત વન્યજીવને ફક્ત ભારતીયોને જ નહીં, વિદેશી પર્યટકોને પણ મોહ્યા છે. આ રાજ્ય હવે ધાર્મિક પર્યટનમાં પણ કાઠું કાઢી રહ્યું છે. મહાકાલની નગરી ઉજ્જૈન તો આસ્થાના ઉચ્ચતમ શિખરે છે જ; પરંતુ ચિત્રકૂટ, મૈહર, અમરકંટક, સલકનપુર જેવાં આધ્યાત્મિક તીર્થો પણ લોકપ્રિય થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
લોકપ્રિયતાની આ જ સૂચિમાં ઉમેરાયું છે કકનમઠ. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ભૂમિના ત્રિકોણીય સંગમ પર આવેલા મુરૈનાથી ૩૩ કિલોમીટરના અંતરે આવેલા સિહોનિયા ગામ પાસેનું કકનમઠ એની અદ્વિતીય વાસ્તુકલા અને પ્રાચીનતાને કારણે પ્રસિદ્ધ છે. જોકે એ કરતાંય મંદિરની રહસ્યમય વાતો શિવભક્તો તેમ જ સહેલાણીઓને વધુ આકર્ષિત કરે છે. યસ, ભૂતનાથનું આ મંદિર ગુરુત્વાકર્ષણ બળને ખુલ્લી ચૅલેન્જ આપી રહ્યું છે. કકનમઠને ભૂતોં કા મંદિર પણ કહેવાય છે. લોકકથા કહે છે કે ‘ભોલે ભંડારીના પરમ શિષ્યો ભૂતગણોએ તેમના આરાધ્યદેવને પ્રસન્ન કરવા આ મંદિર એક રાતમાં જ બનાવ્યું હતું. સૂરજનું પ્રથમ કિરણ ફૂટ્યું અને અંધકારે વિદાય લીધી એ સાથે જ ભૂતકંપનીએ પણ મંદિરનું કામ અડધુંપડધું મૂકીને વિદાય લીધી હતી.’
ખરેખર? સાચે જ શિવાલયનું નિર્માણ ભૂતોએ કર્યું છે? વેલ, વિજ્ઞાનનો જવાબ બીજો છે. પુરાતત્ત્વ વિભાગ કહે છે, ‘૧૧મી સદી દરમ્યાન આ પ્રદેશ પર રાજ્ય કરતા કચ્છપઘાટ વંશના રાજા કીર્તિએ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. રાજા કીર્તિનાં પત્ની રાણી કકનાવતી (કકના’દે) શિવજીનાં અનન્ય ભક્ત હતાં. આ ક્ષેત્રમાં પાર્વતીપતિનું કોઈ મંદિર ન હોવાથી રાજાએ પત્નીના કહેવાથી આ ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું. કહેવાય છે કે રાણી કકનાવતીએ મંદિરની કળા, આર્કિટેક્ચર વગેરેમાં બહુ રસ લીધો હતો એટલે આ મંદિરને તેમનું નામ અપાયું છે.’
જોકે સ્થાનિક લોકકથા અનુસાર કકનાવતી રાજા સૂરજપાલનાં પત્ની હતાં. આ શિવમંદિરના નામને જોડતી બીજી એક સંભાવના એ પણ છે કે એનું નામ કનક (સોનું) અને મઠ (મંદિર) જોડીને બનાવાયું છે. ખેર, એ જે હોય તે, પણ આ મંદિરનું પ્રમાણ ગ્વાલિયરના સાસ-બહુ મંદિરના એક શિલાલેખમાં પણ છે. એમાં જણાવ્યા અનુસાર ૧૦૧૫થી ૧૦૩૫ દરમ્યાન કીર્તિરાજે સિહાપનિયા (જે અત્યારે સિહોનિયા તરીકે ઓળખાય છે)માં પાર્વતીના ભગવાનને સમર્પિત મંદિર બનાવ્યું છે તો અન્ય સ્તંભમાં ઉકારાયેલા શિલાલેખમાં દુર્ગાપ્રસાદ નામના વેપારીએ ૧૩૯૩-’૯૪માં એનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ સુધ્ધાં છે. ગ્વાલિયરમાં તોમર શાસન હતું એ દરમ્યાન થયેલા અન્ય નિર્માણમાં ડુંગરાના એક સ્તંભના શિલાલેખમાં નલપુરગઢના નિવાસી દેખણાએ મંદિરની મુલાકાત લીધાનું લેખન છે.
હવે વાત કરીએ મંદિરની. અત્યારે ખંડેર હોવા છતાં આ શિવાલયની અસાધારણ વાત એ છે કે મંદિરના શિખરની ઉપરના ચોરસ, લંબચોરસ નાના-મોટા પથ્થરો સિમેન્ટ, ચૂના, ગાર, ગોળ ધાતુની પટ્ટી કે બીમ જેવા કોઈ પણ પ્રકારના ઍડહેસિવ કે ટેકા વગર ફક્ત એકબીજાના સપોર્ટથી સ્ટેબલ ઊભા છે. હવા, તોફાન, વરસાદ, વીજળી આ શિલાઓને ડગાવી નથી શક્યાં. બાળકોની બ્લૉક ગેમની જેમ જ એ એકબીજા પર સેટલ થયેલા છે. હાલમાં પથ્થરોની ઉપરની સરફેસમાં કોઈ લીંપણ કે કારીગરી નથી. એ તો બસ એક શંકુ આકારમાં પથ્થરોના ઢગલા જેવું દેખાય છે અને એની આ જ ખાસિયત વિઝિટરના મનમાં ભારે વિસ્મય ઊભું કરે છે.
આ પણ એક કારણ છે કે એને ભૂતોં કા મંદિર કહેવાય છે.
દસેક ફુટ ઊંચા લંબચોરસ પ્લૅટફૉર્મ પર ઊભેલા આ બેમજલી મંદિરમાં ગર્ભગૃહ, બે રંગમંડપ, એક અંતરાલ તેમ જ પ્રદક્ષિણા પથ છે. રંગમંડપો તેમ જ અંતરાલ અનેક સ્તંભોથી સુસજ્જ છે. અદ્વિતીય શિલ્પોથી કંડારાયેલા આ થાંભલાઓને જોડતા આડા પથ્થરો (તોરણ) પણ સાબૂત છે, પરંતુ અહીં ક્યાંય છત નથી. એની ઉપરનો કળશ ખંડિત હોવાથી એવરીથિંગ ઇઝ ઓપન ટુ સ્કાય. હા, ગર્ભગૃહ અકબંધ છે અને એમાં રહેલું શિવલિંગ પણ સુરક્ષિત છે. અહીં આવનારા મુલાકાતીઓ ભોળેનાથનાં દર્શન કરે છે અને જળ, ચંદન, દૂધ, પુષ્પ પણ ચડાવે છે. મુખ્ય મંદિરની ઉપર પણ એક માળ છે જેની બાલ્કની મોજૂદ છે. જોકે પુરાતત્ત્વ ખાતાએ એના પર જવાનો નિષેધ કર્યો છે એટલે એ રસ્તો બંધ છે. ગર્ભગૃહનો દરવાજો, સ્તંભો, નીચેના પ્લૅટફૉર્મની ચારેય ભીંતો તેમ જ આખા મંદિરની શિખર સિવાયની બહારની દીવાલો હિન્દુ દેવી-દેવતાઓ તેમ જ પ્રાચીન ધાર્મિક કથાઓનાં પાત્રોનાં શિલ્પોથી અલંકૃત છે. એમાંથી મોટા ભાગનાં સ્કલ્પ્ચર્સ ખંડિત છે. કોઈના ચહેરા તો કોઈના હાથ-પગ તૂટી ગયા છે. જોકે અમુક શિલ્પો એવાં નવાનક્કોર દેખાય છે જાણે એ તાજેતરમાં જ ઘડાયાં હોય. મંદિર જ્યારે બન્યું ત્યારે મુખ્ય શિવાલયના મધ્યમાં રાખી આજુબાજુની ચારેય દિશામાં એક-એક નાનાં મંદિરો હતાં. ૧૧૦૦ વર્ષના ગાળામાં ભૂસ્તરમાં થયેલી અનેક ઊથલપાથલમાં એ દેવળો તો સાવ જ નાબૂદ થઈ ગયાં, જેના ભગ્ન અવશેષો પરિસરમાં જોવા મળે છે તો અમુક અવશેષો ગ્વાલિયરના મ્યુઝિયમમાં રખાયા છે. મંદિરમાં પ્રવેશવાનાં પગથિયાં પાસેના બે સિંહો પણ એ મ્યુઝિયમમાં છે. હાલમાં ભારતના પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણમાં રહેલા આ સ્મારકમાં રીસ્ટોરેશન પણ શક્ય નથી, કારણ કે અધિકારીઓને ડર છે કે એ કાર્ય કરતાં ક્યાંક બૅલૅન્સ બગડ્યું અને પથ્થરો હલે તો આખું સ્ટ્રક્ચર ભપ થઈ જશે.
તીર્થાટનપ્રેમીઓને મુરૈના વિશે ઝાઝી જાણ ન હોય તોય ગ્વાલિયર વિશે તો દરેકે સાંભળ્યું જ હશે. બસ, આ ગ્વાલિયરથી કકનમઠનું અંતર ૫૮ કિલોમીટર છે જે પ્રાઇવેટ વાહન કે સરકારી વાહન દ્વારા કાપી શકાય છે. મુંબઈથી ડાયરેક્ટ મુરૈના પહોંચવું હોય તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મુરૈના માટે ડાયરેક્ટ ટ્રેન મળે છે. ટ્રાવેલિંગમાં સમય ન બગાડીને જલદી-જલદી ડેસ્ટિનેશન પર પહોંચવું હોય તો મુંબઈથી ગ્વાલિયરની સીધી હવાઈસેવા ઉપલબ્ધ છે. રહેવા માટે ગ્વાલિયર ઇઝ ધ બેસ્ટ ઑપ્શન. હવે તો મુરૈનામાં પણ રિસૉર્ટ અને તારાંકિત હોટેલો ખૂલ્યાં છે. બાકી સિહોનિયામાં કોઈ વ્યવસ્થા નથી. અહીં દિગમ્બર જૈન તીર્થ છે એટલે ધર્મશાળાની વ્યવસ્થા છે, પણ ઓન્લી ફૉર ફ્યુ જૈન પીપલની સગવડ થઈ શકે એમ છે.
જાણવા જેવું
સવારે સાતથી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં કોઈ પૂજારી નથી કે આજુબાજુમાં પૂજાપો વેચતી દુકાનો પણ નથી. જોકે હરિયાળાં ખેતરોની વચ્ચે આવેલા મંદિરથી સિહોનિયા બહુ છેટું નથી. ત્યાં પૂજાની સામગ્રી કે પાણી, નાસ્તો વગેરે મળી જાય છે.
કહેવાય છે કે આ મંદિરમાં રાત્રે હજી પણ અદૃશ્ય શક્તિઓનું રમણભમણ થાય છે એટલે અહીં રાત રોકાવાતું નથી. એ જ રીતે મંદિરના એકાદ પથ્થરને પણ જો ઉપાડવાની કે હલાવવાની કોશિશ કરાય તો ટેમ્પલમાં રહસ્યમય રીતે કંપન થાય છે.
કકનમઠ ભૂતોએ બનાવ્યું છે એ વિશે કંઈકેટલીયે કિંવદંતીઓ પ્રચલિત છે. એક કથા કહે છે કે રાણી કકનાવતીએ જ ભૂતોને આ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ભૂતગણોએ શરત રાખી કે અમે એક રાત્રિમાં એ બનાવી લઈશું, પણ એ દરમ્યાન ગામમાં કોઈએ અવાજ કરવો નહીં. મળસકું થતાં એક ઘરમાં એક સ્ત્રીએ અનાજ દળવા ઘંટી શરૂ કરી જેનો અવાજ થયો એથી ભૂતો કામ અધૂરું મૂકીને ભાગી ગયા. અન્ય કહાની અનુસાર આ વિસ્તારમાં એક તાંત્રિક રહેતો હતો જેણે ભૂતોને વશ કરીને આ મંદિરનું નિર્માણ કરાવ્યું. તેણે ઘોસ્ટ લોકોને ચીમકી આપી હતી કે જો તેઓ આ કાર્ય નહીં કરે તો પોતે કરેલા યજ્ઞના અગ્નિમાં સૌને બાળી નાખશે. ભૂતોએ કામ શરૂ કર્યું, પણ પછી વરસાદ વરસતાં યજ્ઞનો અગ્નિ ઠરી ગયો અને ભૂતો ભાગી ગયા. જોકે ઇતિહાસકારો આ એકેય કથાઓની પુષ્ટિ નથી કરતા, કારણ કે કચ્છપઘાટ શાસકોએ તેમના શાસનકાળ દરમ્યાન આ મંદિર સિવાય આવી ગુજ્જર પ્રતિહાસ શૈલીનાં જ અનેક સ્થાપત્યો અને સ્મારકો બનાવડાવ્યાં છે જે હજી અડીખમ ઊભાં છે.
ભૂકંપ અથવા વિધર્મીઓના આક્રમણથી ક્ષતિગ્રસ્ત થયા પછી પણ પડું-પડું થતું આ મંદિર દાયકાઓથી ટકી ગયું છે એથી એને ભૂત તેમ જ અગોચર શક્તિઓ સાથે જોડવામાં આવ્યું હોય એવું બની શકે.
કકનમઠની નજીકમાં જ બાટેસર ટેમ્પલ્સ છે જે એન્જિનિયરિંગનાં માર્વેલ્સ છે તો મુરૈનાના એકોત્તેરસો મહાદેવ (ચોસઠ યોગિની) મંદિર દેખતે હી રહ જાઓગે.
પદાવલી ગામ નજીક આવેલા બાટેશ્વર ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં ૨૦૦ નાનાં-મોટાં મંદિરો છે. શિવ-વિષ્ણુજીને સમર્પિત આ ટેમ્પલ ચંબલ રીજનનું મોસ્ટ બ્યુટિફુલ એલિમેન્ટ છે. ૬થી ૧૧મી સદી દરમ્યાન બનેલાં આ દેવળો પણ થોડાં ભગ્ન, થોડાં ખંડિત છે, બટ વર્થ વિઝિટેબલ.
મુરૈનાની ગજક વર્લ્ડ બેસ્ટ હોય છે. જો શિયાળામાં અહીં જાઓ તો પ્રસાદરૂપે અમારા માટે લાવવાનું ભૂલતા નહીં.

