ઘંટનો રણકાર, ઢોલ-નગારાંનો તાલ, મંજીરાનો ઝણકાર, શંખની ગુંજ અને અગરબત્તી-કપૂરની સુગંધ, આરતીની થાળી... આ બધું મળીને આપણા મન અને શરીર પર કેવી અસર કરે છે? આરતી દરમ્યાન ધ્વનિ, કંપન, શ્વાસ અને સુગંધના આ સંગમ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ
આરતી
ગણેશોત્સવમાં બાપ્પાની આરતીનો સમય આવે એટલે જાણે થોડા સમય માટે આસપાસની ભાગદોડ થંભી જાય છે. આરતીના ઘંટ-મંજીરાના રણકાર અને શંખની ગુંજ વચ્ચે જ્યારે આપણે સામૂહિક રીતે ગાઈએ છીએ ત્યારે મનમાં એક અલગ જ હળવાશ અને શાંતિ અનુભવાય છે. જોકે શું આ શાંતિ માત્ર શ્રદ્ધા અને ભક્તિનો અનુભવ છે કે એની પાછળ ધ્વનિ, કંપન, તાલ, શ્વાસ અને સુગંધ પણ ભૂમિકા ભજવે છે? આરતી દરમ્યાન આપણું મગજ અને શરીર આ બધા અવાજો અને સુગંધને કેવી રીતે અનુભવે છે અને એ આપણને અંદરથી શાંત કરવામાં કેવી રીતે મદદ કરે છે એ જાણીએ.
સાઉન્ડ વાઇબ્રેશન થેરપી
ADVERTISEMENT
આરતી દરમ્યાન વપરાતા મંજીરા, ઢોલ, શંખ, આપણો પોતાનો અવાજ કઈ રીતે મનને શાંત કરવામાં ભૂમિકા ભજવે છે એ વિશે માહિતી આપતાં સાઉન્ડ-હીલર ચૈતાલી પારેખ કહે છે, ‘આરતી દરમ્યાન આપણે ફક્ત પ્રાર્થના સાંભળતા નથી. આપણે ધ્વનિ, કંપન (વાઇબ્રેશન), તાલ (રિધમ), શ્વાસ અને ભક્તિના એક સુંદર સંગમથી ઘેરાયેલા હોઈએ છીએ. આપણું શરીર માત્ર અવાજ સાંભળતું નથી, એ કંપનનો અનુભવ કરે છે. ધ્વનિ કંપન દ્વારા ઉત્પન્ન થાય છે. આ કંપનો હવામાં પ્રવાસ કરીને આપણા કાન સુધી પહોંચે છે, જ્યારે વધુ તીવ્ર અને ઊંડા અવાજો ક્યારેક શરીરમાં ભૌતિક રીતે પણ અનુભવી શકાય છે. એક મોટા નગારા કે ઢોલ પાસે ઊભા રહેવાનો વિચાર કરો. તમે માત્ર ધૂમ... ધૂમ... ધૂમ... સાંભળતા જ નથી. તમે એ ધબકારાને તમારી છાતીની અંદર લગભગ અનુભવી શકો છો. આ જ બાબત આરતીને આટલો રસપ્રદ અનુભવ બનાવે છે. મંદિરનો ઘંટ જ્યારે વગાડવામાં આવે છે ત્યારે અવાજ તરત જ અદૃશ્ય થતો નથી. એ ચાલુ રહે છે, ફેલાય છે અને ધીમે-ધીમે શાંત થાય છે. આપણું ધ્યાન કુદરતી રીતે આ કંપનને અનુસરે છે. એ થોડીક સેકન્ડો માટે મન એના સામાન્ય વિચારો પાછળ દોડવાનું બંધ કરી દે છે અને સાંભળવાનું શરૂ કરે છે. સાઉન્ડ હીલિંગમાં પણ લાંબા સમય સુધી ગુંજતા અવાજોનો ઉપયોગ ધ્યાન કેન્દ્રિત કરવા અને આરામ આપવા માટે એક આધાર તરીકે થાય છે. આપણે મનને શાંત કરવાનો પ્રયાસ કરવાનું બંધ કરીએ છીએ અને એને બદલે ધ્વનિને આપણી જાગૃતિમાં સમાઈ જવા દઈએ છીએ. ઢોલ, મૃદંગ, પખાવજ અને નગારાં જેવાં ઊંડાં વાદ્યો શક્તિશાળી તાલબદ્ધ કંપનો ઉત્પન્ન કરે છે. એને જ્યારે વારંવાર વગાડવામાં આવે છે ત્યારે શરીર એ પૅટર્નને ઓળખવા લાગે છે. આપણા મગજને તાલ અને અનુમાનિત ક્રમ ગમે છે. ધીમે-ધીમે સેંકડો વિખરાયેલા વિચારો પાછળ જવાને બદલે આપણું ધ્યાન એ તાલને અનુસરવા લાગે છે. સાથે જ મંજીરા અને ઝાંઝના તીક્ષ્ણ ધાતુનાં કંપનો ભળે છે. એમનો તેજસ્વી ઝણઝણાટ બીજા અવાજોને ચીરીને નીકળે છે અને તરત જ આપણું ધ્યાન ખેંચી લે છે. મન જ્યારે પણ ભટકે છે ત્યારે બીજો એક રણકાર એને પાછો લાવે છે. શંખ એક સંપૂર્ણપણે અલગ કંપન ઉત્પન્ન કરે છે. એક લાંબો, શક્તિશાળી અને અવિરત અવાજ. શંખ ફૂંકવા માટે વ્યક્તિએ ઊંડો શ્વાસ લેવો પડે છે અને એને નિયંત્રિત રીતે છોડવો પડે છે. તેથી અહીં શ્વાસ અને કંપન એકસાથે આવે છે. સાંભળનાર માટે એ શક્તિશાળી ગુંજતો અવાજ આખી જગ્યાને ભરી શકે છે અને રોજિંદા વિક્ષેપોમાંથી તરત જ ધ્યાન હટાવી શકે છે. કદાચ આરતી દરમ્યાનનું સૌથી સુંદર વાદ્ય એ છે જેને આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ એ આપણો પોતાનો અવાજ છે. આપણે જ્યારે ગાઈએ છીએ કે મંત્રજાપ કરીએ છીએ ત્યારે આપણા પોતાના શરીરની અંદર કંપન ઉત્પન્ન થઈ રહ્યું હોય છે. હવે કલ્પના કરો કે ડઝનેક લોકો એકસાથે મંત્રજાપ કરી રહ્યા છે અથવા ગાઈ રહ્યા છે. અલગ-અલગ અવાજો, ઘંટ, ઢોલ, મંજીરા અને શંખ એક જ જગ્યાને ભરવાનું શરૂ કરે છે. તમે હવે માત્ર આરતી સાંભળી રહ્યા નથી. તમે ધ્વનિ અને કંપનના વાતાવરણની અંદર બેઠા છો. આરતી પહેલાં આપણા વિચારો ૧૦ અલગ-અલગ દિશાઓમાં દોડતા હોઈ શકે છે. પછી ઘંટ વાગે છે. ઢોલ એક તાલ સ્થાપિત કરે છે. મંજીરા એમાં પુનરાવર્તન ઉમેરે છે. શંખ એક અવિરત કંપન ઉત્પન્ન કરે છે. આપણો પોતાનો અવાજ એમાં જોડાય છે. આપણો શ્વાસોચ્છવાસ વધુ તાલબદ્ધ બને છે. ધીમે-ધીમે આપણું ધ્યાન વિચારવાથી ખસીને અનુભવ કરવા તરફ જાય છે. આ જ કારણ છે કે આરતી ક્યારેક ઍક્ટિવ સાઉન્ડ મેડિટેશન જેવી લાગી શકે છે.’
આરતીમાં ભાવનું વિજ્ઞાન
આરતી દરમ્યાન ધ્વનિ અને કંપનની સાથે આપણું ભાવનાત્મક જોડાણ પણ મનને શાંત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વિશે વાત કરતાં ચૈતાલી પારેખ કહે છે, ‘આરતી એ ધ્વનિ કરતાં પણ વધુ છે. એવું પણ કંઈક છે જેને માત્ર કંપન દ્વારા સમજાવી શકાતું નથી એ છે ભાવ અથવા ભક્તિ. આપણામાંથી ઘણા લોકો માટે આ અવાજો આપણા બાળપણ, દાદા-દાદી, મંદિરો, તહેવારો અને પારિવારિક પ્રાર્થનાઓની યાદો વહન કરે છે. તેથી જ્યારે ઘંટ વાગે છે ત્યારે આપણે માત્ર એક ફ્રીક્વન્સી સાંભળતા નથી. આપણે સ્મૃતિ, શ્રદ્ધા, આશ્વાસન અને પોતાનાપણાને સાંભળીએ છીએ. એ ભાવનાત્મક જોડાણ આ અનુભવને વધુ ઊંડો બનાવે છે. આપણા પૂર્વજોએ કદાચ ધ્વનિ, કંપન, તાલ અને નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર)ની આજના સમયની ભાષાનો ઉપયોગ કરીને આ અનુભવનું વર્ણન ન કર્યું હોય, પરંતુ તેઓ માનવઅનુભવ વિશે કંઈક ગહન સમજતા હતા. ધ્વનિ આપણું ધ્યાન બદલી શકે છે. તાલ વિખરાયેલા મનને શાંત કરી શકે છે. કંપન આપણને ઊંડાણપૂર્વક વર્તમાનમાં હાજર હોવાનો અનુભવ કરાવી શકે છે અને ભક્તિ તે અનુભવને પ્રાર્થનામાં ફેરવી શકે છે. કદાચ આ જ કારણ છે કે આરતીની સૌથી સુંદર ક્ષણ ક્યારેક છેલ્લો ઘંટ વાગવાનું બંધ થઈ ગયા પછી આવે છે. ત્યાં સંપૂર્ણ મૌન હોય છે છતાં તમે હજી પણ એ કંપન અનુભવી શકો છો. અવાજ બહાર બંધ થઈ ગયો છે, પરંતુ એની શાંતિ અંદર ચાલુ રહે છે.’
અરોમાથેરપી
આરતીમાં વપરાતી અગરબત્તી, ધૂપ કે કપૂર જેવી સુગંધિત સામગ્રીઓ કઈ રીતે આપણા શરીર અને મન પર અસર કરે છે એ વિશે વાત કરતાં અરોમાથેરપિસ્ટ પ્રીતિ ગોંડલિયા કહે છે, ‘પૂજામાં વપરાતી કુદરતી સુગંધ એ વાસ્તવમાં એક શક્તિશાળી અરોમાથેરપી છે. એટલે કે કુદરતી સુગંધ અને એસેન્શિયલ ઑઇલ્સ દ્વારા મન અને શરીરને સ્વસ્થ કરવામાં મદદરૂપ થતી પદ્ધતિ. આ સુગંધ આપણા મગજ અને શરીર પર ચોક્કસ અસર કરી શકે છે. પૂજામાં વપરાતી કુદરતી ચંદન કે મોગરાની અગરબત્તીમાં લિનાલૂલ નામનું કુદરતી કમ્પાઉન્ડ હોય છે. આપણે જ્યારે આ સુગંધ શ્વાસમાં લઈએ છીએ ત્યારે એ શરીરમાં તનાવ સાથે સંકળાયેલા હૉર્મોન કૉર્ટિઝોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ રીતે એ મનને શાંત કરવામાં અને માનસિક બેચેની ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે. આરતી વખતે પ્રગટાવવામાં આવતા કપૂરની સુગંધ એકદમ તાજગીસભર અને ઠંડક આપનારી લાગે છે. કપૂરની સુગંધ નાકના માર્ગને ખોલે છે, જેથી ઊંડા શ્વાસ લેવામાં સરળતા અનુભવાય. ઊંડા શ્વાસોચ્છ્વાસથી આપણી પૅરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થવામાં મદદ મળી શકે છે જે શરીરને રિલૅક્સ મોડમાં લાવવામાં ભૂમિકા ભજવે છે. પૂજામાં લોબાન કે ગૂગળનો ધૂપ થાય છે ત્યારે વાતાવરણમાં એક દિવ્ય સુગંધ પ્રસરે છે. લોબાનમાં ઇન્સેન્સોલ એસિટેટ નામનું તત્ત્વ હોય છે. કેટલાંક સંશોધનોમાં આ કમ્પાઉન્ડને મગજમાં સુખાકારી અને સ્થિરતાની લાગણી સાથે જોડવામાં આવ્યું છે. તેથી આવી સુગંધ ચિંતા ઓછી કરવામાં અને મનને વધુ સ્થિર તથા સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવવામાં મદદરૂપ થઈ શકે છે. આપણે જ્યારે આરતીમાં ઊભા હોઈએ છીએ ત્યારે આ બધી બાબતો એકસાથે કામ કરી શકે છે. આપણી સૂંઘવાની ક્ષમતા મગજના ભાવનાત્મક પ્રક્રિયા સાથે સંકળાયેલા ભાગો સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેથી સુગંધ આપણા મૂડ અને લાગણીઓ પર અસર કરી શકે છે. આરતીની સુગંધની સાથે જ્યારે ઘંટ-ઝાંઝનો રણકાર અને સામૂહિક મંત્રજાપ ભળે છે ત્યારે આપણો શ્વાસ ધીમો અને લયબદ્ધ થવામાં મદદ મળી શકે છે. આ પ્રકારનું લયબદ્ધ શ્વાસોચ્છ્વાસ વેગસ નર્વની પ્રવૃત્તિને પ્રભાવિત કરી શકે છે અને શરીરને વધુ શાંત સ્થિતિ તરફ લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે.’
ઍક્ટિવ મેડિટેશન
યોગ-એક્સપર્ટ દામિની લિલાની આ વિશે માહિતી આપતાં કહે છે, ‘યોગની દૃષ્ટિએ જોઈએ તો આરતી એક પ્રકારનું સક્રિય ધ્યાન છે જેમાં શરીરનું હલનચલન, શ્વાસ, આપણી ઇન્દ્રિયો અને એકાગ્રતા બધું જ એકસાથે કામ કરે છે. આરતીની સ્થિર જ્યોત આપણી આંખો માટે એક કેન્દ્રબિંદુ બની જાય છે. કોઈ એક જ વસ્તુ પર નજર ટકાવી રાખવાથી આસપાસનું ધ્યાન ભટકતું અટકે છે અને મન એકાગ્ર બને છે. યોગમાં ધ્યાનની શરૂઆત કરવા માટે આ ખૂબ મહત્ત્વનું પગલું છે. આરતીની થાળીને ગોળાકાર ફેરવવાની ક્રિયા એક સહજ તાલ ઊભો કરે છે. જ્યારે આ હલનચલન ધીમેથી અને પૂરા હોશ સાથે થાય છે ત્યારે મનમાં ચાલતા વિચારો આપોઆપ શાંત થવા લાગે છે. ઘંટારવ અને મંત્રોચ્ચાર કાન માટે એક મજબૂત ટેકો બની જાય છે જે ભટકતા મનને સ્થિર રાખવામાં મદદ કરે છે. આ લયબદ્ધ ક્રિયા સાથે જ્યારે ઊંડા અને સ્થિર શ્વાસ જોડાય છે ત્યારે આપણે સંપૂર્ણપણે વર્તમાન ક્ષણમાં આવી જઈએ છીએ. આરતી એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ હલનચલન સાથે થતું અદ્ભુત ધ્યાન છે. અહીં આંખો જ્યોત પર સ્થિર થાય છે, શ્વાસ લયબદ્ધ બને છે, શરીર તાલ સાથે જોડાય છે, મન જાગૃત થાય છે અને હૃદય ભક્તિ તેમ જ કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે.’
