ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા માટે જાહેર કર્યો મુંબઈ માટે રોડ-મૅપ
શનિવારે ઇન્ડો-અમેરિકન કૉર્પોરેટ ઍક્સેલેન્સ અવૉર્ડ્સ નિમિત્તે બોલતા નીતિન ગડકરી.
મુંબઈના ટ્રાફિકથી મુંબઈગરાઓ તો સારી રીતે વાકેફ છે, પરંતુ ટ્રાફિકની આ સમસ્યાનો અનુભવ શનિવારે કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીને પણ થયો હતો. નીતિન ગડકરી વરલીથી મુંબઈ ઍરપોર્ટ નજીક આવેલી સહારા સ્ટાર હોટેલ જતાં એક કલાક ટ્રાફિકમાં ફસાયા હતા. ત્યાર બાદ બાવીસમા ઇન્ડો-અમેરિકન કૉર્પોરેટ ઍક્સેલેન્સ અવૉર્ડ્સના સમારંભમાં ભવિષ્યમાં શહેરી વિસ્તારોમાંથી ટ્રાફિક દૂર કરવા માટે ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી કરીને નવો ટેક્નૉલૉજી પ્લાન વિકસાવવાની વાત પર ભાર મૂક્યો હતો. ટ્રાફિકની સમસ્યા ઊભી થવી એ પોતાની ભૂલ હોવાનું પણ તેમણે પોતાના સંબોધન દરમ્યાન કહ્યું હતું.
નીતિન ગડકરીએ સમારંભ દરમ્યાન પોતાનો ટ્રાફિકમાં ફસાઈ જવાનો અનુભવ વ્યક્ત કર્યા બાદ કહ્યું હતું કે ‘ભારત અને અમેરિકા ટેક્નૉલૉજીના ક્ષેત્રે હાથ મેળવીને જૂની પદ્ધતિથી બનાવવામાં આવતા ફ્લાયઓવરને બદલે મલ્ટિ-ટિયર સ્ટ્રક્ચર બનાવીને ટ્રાફિક ઓછો થાય એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકે છે. તેમણે કહ્યું હતું કે ‘હું ૧૯૯૫થી ૨૦૦૦ની સાલ દરમ્યાન મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાનો પ્રધાન રહ્યો ત્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે બનાવ્યો તથા હાલ બાંદરા-વરલી સી-લિન્ક અને બીજા પાંચ ફ્લાયઓવર બનાવ્યા એ જૂની એન્જિનિયરિંગ ટેક્નૉલૉજીના આધારે બનાવ્યા હતા. જોકે શહેરની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે હવે નવી ટેક્નૉલૉજીથી મલ્ટિ-ટિયર સ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે.’
ADVERTISEMENT
મલેશિયન ટેક્નૉલૉજીમાં નીતિન ગડકરીને રસ
ઇન્ડિયન અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સ (IACC) દ્વારા યોજાયેલા આ અવૉર્ડ સમારંભમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હાલ શહેરોમાં મલેશિયન ટેક્નૉલૉજીથી એક જ પિલર પર ઘણાબધા ફ્લાયઓવર બનાવીને તથા એ સિવાય એના પર મેટ્રો કૉરિડોર બનાવીને શહેરના ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાય છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નવી ટેક્નૉલૉજીને અપનાવવી ખૂબ જ જરૂરી હોવાની વાત પર નીતિન ગડકરીએ ભાર મૂક્યો હતો. તેમણે આ માટે પુણેમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદાહરણ પણ આપ્યું હતું. એટલે કે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પણ ક્રાન્તિ જોવા મળી શકે છે અને પરંપરાગત રીતે બનાવવામાં આવતા ફ્લાયઓવરના સ્થાને મલ્ટિ-ટિયર ફ્લાયઓવર મુંબઈ સહિત ભારતનાં અન્ય શહેરોમાં જોવા મળી શકે છે.
