કુલ કમાણી અને ખર્ચમાં સૌથી મોટું માર્કેટ દિલ્હી-NCR, જ્યારે ચેન્નઈના લોકો પર સૌથી વધુ દેવું
પ્રતીકાત્મક તસવીર
‘ધ મૅની અર્બન ઇન્ડિયાઝ’ નામના ૧૦૦ શહેરોના એક અભ્યાસમાં ભારતીય શહેરોની કમાણી, ખર્ચ અને બચત વિશે રસપ્રદ આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ મુજબ દેશનાં ૬ મોટાં મેટ્રો શહેરોમાં બૅન્ગલોર સરેરાશ કમાણી અને બચત એમ બન્નેમાં મોખરે છે. બૅન્ગલોરના લોકો કલકત્તા કરતાં ૧.૭ ગણું વધુ કમાય છે. જોકે સૌથી વધુ અમીર પરિવારો મુંબઈ અને દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં છે. કમાણી મામલે ચંડીગઢ અને વડોદરા પણ આગળ છે અને તેઓ ખર્ચ મામલે પણ આગળ છે.
૧૦૦ શહેરો સરેરાશ પોતાની કમાણીના ૭૫ ટકા રકમ ખર્ચે છે. દિલ્હી-NCRમાં ૭૫ લાખ પરિવારો છે જે વાર્ષિક ૧૫ લાખ રૂપિયા ખર્ચે છે આથી એ દેશનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. જોકે આવકની ટકાવારીની દૃષ્ટિએ ચેન્નઈના લોકો સૌથી વધુ ૧૨.૭ લાખ રૂપિયા ખર્ચે છે. પરિવારદીઠ ખર્ચમાં ચંડીગઢ દેશમાં પ્રથમ છે, જ્યારે સુરત અને વડોદરા બૅન્ગલોર કરતાં પણ આગળ છે.
ADVERTISEMENT
બચત મામલે ૬ મેટ્રો શહેરો ૪૨ ટકા રકમ બચાવે છે, જેમાં બૅન્ગલોર ટોચ પર છે. મુંબઈ અને દિલ્હી-NCR શહેરી ભારતની કુલ બચતમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. લોન મામલે ચેન્નઈનો રેશિયો સૌથી વધુ ૨૭.૭ ટકા છે, જ્યારે હૈદરાબાદ પર સૌથી ઓછું (માત્ર ૩ લાખ રૂપિયાનું) દેવું છે.
