પૌત્રીઓએ ગેરકાયદે કબજાનો આરોપ મૂક્યો
ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં આવેલા તેમનું પૈતૃક મકાન
વીસમી સદીના પ્રખ્યાત હિન્દુ સંત નીમ કરોલી બાબા પર બનેલી બાયોપિક ‘હનુમાન અંશ’ની સફળતા વચ્ચે ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં આવેલા તેમના પૈતૃક મકાન વિશે વિવાદ સર્જાયો છે. બાબા નીમ કરોલીની ૬ પૌત્રીઓએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે તેમની ફોઈના નેતૃત્વ હેઠળ ચાલતા એક ટ્રસ્ટ દ્વારા આ મિલકત પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.
ફરિયાદને પગલે ફિરોઝાબાદના જિલ્લા-મૅજિસ્ટ્રેટ સંતોષકુમાર શર્માએ ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (જુડિશિયલ) અરવિંદકુમાર દ્વિવેદીના નેતૃત્વમાં ૩ સભ્યોની તપાસસમિતિની રચના કરી છે.
૨૪ ઑગસ્ટે એક પારિવારિક પ્રસંગ દરમ્યાન બાબાના સ્વર્ગસ્થ પુત્ર ધર્મ નારાયણ શર્માની ૬ પુત્રીઓને મકાનની રૂમમાં રોકાવા દેવાનો ઇનકાર કરવામાં આવતાં આ વિવાદ શરૂ થયો હતો. આ પૌત્રીઓએ જિલ્લા-મૅજિસ્ટ્રેટને રજૂઆત કરીને પૈતૃક નિવાસસ્થાનને ટ્રસ્ટના નિયંત્રણમાંથી મુક્ત કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
અકબરપુર ગામમાં મકાન-નંબર ૧૫૪ અને એની સમીપનો આશરે ૪૦૦૦ ચોરસફુટનો પરિસર ઉત્તર પ્રદેશ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં આ મિલકતનું સંચાલન શ્રી નીમ કરોલી મહારાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેના પ્રમુખ બાબાનાં પુત્રી ગિરિજાદેવી ભટેલે છે. બાબાના બીજા પુત્રના પુત્ર ધનંજય શર્માએ આ આરોપોથી અંતર જાળવતાં જણાવ્યું હતું કે બાબા નીમ કરોલીની ઇચ્છા મુજબ જ મિલકત ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. બીજી તરફ ટ્રસ્ટના સચિવ સંજય ગુપ્તાએ ગેરકાયદે કબજાના આરોપોને ફગાવી દીધા હતા.
