પ્રેમનું પ્રાગટ્ય વિશ્વાસથી થાય છે. પરમનો આધાર વિશ્વાસ છે. સંશય ક્યારેય પ્રેમ પ્રગટ કરી શકે નહીં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વિયોગથી પ્રગટેલો પ્રેમ સંયોગથી જન્મેલા પ્રેમ કરતાં પણ વધારે દીર્ઘાયુ હોય છે. સમજદાર પ્રેમી સંયોગી અને વિયોગી પ્રેમમાંથી વિયોગી પ્રેમને પસંદ કરે, પણ પ્રશ્ન એ છે કે આ સંયોગ અને વિયોગ ક્યાંથી પ્રગટે? જવાબ છે, સંયોગ અને વિયોગ દ્વૈતમાંથી પ્રગટે.
બે વ્યક્તિ જ્યારે મળે ત્યારે પ્રેમ જન્મે. મળવું એ સંયોગ છે. જ્યારે બે વ્યક્તિ વિખૂટી પડે ત્યારે પ્રેમ પ્રગટે. વિખૂટા પડવું એ વિયોગ છે અને વિયોગ પણ પ્રેમનો જન્મદાતા છે. કૃષ્ણ અને રાધા બન્ને સાથે હોય ત્યારે જ પ્રેમ પ્રગટે. એકલી રાધા કે એકલા કૃષ્ણથી પ્રેમ ન પ્રગટે. આવી સ્થિતિમાં માત્ર પ્રેમ જ રહે છે.
ADVERTISEMENT
ન રહે નીતિ, ન રહે રીતિ!
પ્રેમ પ્રગટે વિશ્વાસથી.
પ્રેમનું પ્રાગટ્ય વિશ્વાસથી થાય છે. પરમનો આધાર વિશ્વાસ છે. સંશય ક્યારેય પ્રેમ પ્રગટ કરી શકે નહીં. ભલે તમે તર્ક-વિતર્ક કર્યા કરો, પણ એનાથી કંઈ વળે નહીં. ભાવજગતમાં તર્કનું કોઈ મહત્ત્વ નથી. જાગૃત વિશ્વાસ પ્રેમ પ્રગટ કરે છે. સંશય મોતના મુખમાં ધકેલે છે. સંશયાત્મા વિનશ્યતિ. પરિવર્તન પ્રેમથી થાય છે. પ્રેમ માણસને ભગવાન બનાવી દે છે. પ્રેમમાં ઘણી શક્તિ છે અને પ્રેમ પોતે ભક્તિ છે.
વિશ્વાસ પછી છે શ્રદ્ધા. પ્રેમ શ્રદ્ધામાંથી જન્મે.
પ્રેમને પ્રગટ કરવાની વિદ્યા છે શ્રદ્ધામાં. તુલસીદાસે લખ્યું છે કે શ્રદ્ધા વગર જ્ઞાન નહીં, શ્રદ્ધા વગર ધર્મ નહીં. ભગવદ્ગીતામાં લખ્યું છે : ‘શ્રદ્ધા બિસ્વાસ’. ત્યાં પણ શ્રદ્ધા જ ભવાની સ્વરૂપે આગળ છે. જ્ઞાન દીપકમાં સાત્ત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ કહીને શ્રદ્ધાથી શરૂઆત કરવામાં આવે છે.
સાધુ સંગ. પ્રેમ પ્રગટીકરણનું બીજું પણ એક સૂત્ર છે સાધુ સંગ, સંતનો સાથ.
પહેલાં શ્રદ્ધા અને ત્યાર બાદ આપણે કોઈ સાધુનો સંગ કરવો જોઈએ. શ્રદ્ધા હોય તો કામ થઈ ગયું. અવિશ્વાસ ન રાખશો. પ્રેમ સુધી જવાનું છે એટલા માટે સાધુનો સંગ કરો. જેણે સાધુની સંગત મેળવી લીધી હોય તે ધન્ય થઈ જાય છે. જેનો સાથ આપણને ખૂબ જ પ્રસન્ન કરતો હોય, જે ભીતરનાં કેટલાંય ખૂલી ન શકે એવાં બંધનો ખોલી દે તે સાધુ. જેનું જીવન સારું હોય, સીધુંસાદું હોય, સાચું હોય તે સાધુ. ઈશ્વર પાસે માગવા જેવી કોઈ ચીજ હોય તો તે સત્સંગ છે. ભગતિ સદા સત્સંગ.
