નાલાસોપારામાં બન્યો ચેતવા જેવો બનાવ : ઘા હળવો લાગતાં ધ્યાન ન આપ્યું, ખોરાક બંધ થતાં પરિવારને ચિંતા થઈ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું
કશિશ સાહ
નાલાસોપારામાં ૯ વર્ષની એક છોકરીનું રેબીઝના ચેપને કારણે મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ છોકરી થોડા દિવસથી ખાઈ નહોતી શકતી અને તેની આંખો પણ લાલઘૂમ થઈ ગઈ હતી. હૉસ્પિટલમાં દાખલ કરતાં ખબર પડી કે તેને હડકવાની અસર છે. જોકે સારવાર દરમ્યાન જ તેણે જીવ ગુમાવ્યો હતો.
કશિશ સાહની નામની છોકરી નાલાસોપારા-વેસ્ટના સુબોધ સાગર બિલ્ડિંગમાં રહેતી હતી. મધર મૅરી સ્કૂલની ચોથા ધોરણની આ વિદ્યાર્થિની ૬ મહિના પહેલાં તેના દાદા સાથે બહાર ગઈ હતી. ત્યારે ડૉગને બિસ્કિટ ખવડાવવા જતાં તેને શ્વાને નખ માર્યા હતા. તેને બીજા જ દિવસે ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી, પણ ઇન્જેક્શનના ડરને કારણે તેને ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન આપ્યું નહોતું. ઘા બહુ ઊંડો ન હોવાથી ઝડપથી રુઝાઈ જતાં તેના પરિવારજનોએ આ વાતને હળવાશથી લીધી હતી.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલાં તેની તબિયત અચાનક બગડી ગઈ. તેણે ખાવા-પીવાનું બંધ કરી દીધું અને તેની આંખોમાં લાલાશ દેખાવા લાગી એટલે તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરી. જોકે તેનો જીવ બચાવી શકાયો નહીં. મેડિકલ રિપોર્ટમાં બાળકીના મૃત્યુનું કારણ રેબીઝનો ચેપ હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટનાથી આ વિસ્તારના અન્ય રહેવાસીઓમાં રખડતા શ્વાનોનો ભય વધ્યો છે. આ ઘટના બાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટે અસરગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તેમ જ આસપાસના રહેવાસીઓની મેડિકલ ટેસ્ટ કરવાનું સૂચન કર્યું છે.
